Sunday, July 21, 2024
Homeપયગામશિક્ષણનો ધ્યેય શું?

શિક્ષણનો ધ્યેય શું?

એક સામાન્ય પ્રશ્નના જુદા જુદા જવાબો વિદ્યાર્થી તરફથી મળી રહે છેઃ ‘ભણી-ગણીને જીવનમાં સેટ થઈ જવું છે’. કોઈ કહે છેઃ ‘પૈસો કમાવવો છે’. કેમકેધનથી જ સ્વપ્નો પૂર્ણ થઈ શકે છે.તો કોઈ એમ કહશે કેઃ ‘સારા પદ-પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા છે’.આ જવાબો સંપૂર્ણપણે ખોટા નથી, મારા મતે ગૌણ છે.

વર્તમાન પરિસ્થિતિઃ

નરી વાસ્તવિકતા પણ કંઈક આવી જ છે. આજનું યુવાધન એવા જ હેતુઓ પાછળ ઘેલું થયું છે. હું માત્ર વિદ્યાર્થી સમુદાયની વાત નથી કરતો, સામાન્યપણે વાલીઓ પણ કંઈક આવી જ માનસિકતા ધરાવે છે. એટલે જ તેઓ શિક્ષણ પાછળના ખર્ચને ઇન્વેસ્ટમેન્ટ સમજે છે. અને સારી એવી નામ ધરાવતી શાળાઓમાં ભારે ડોનેશન આપવા માટે તૈયાર થઈ જાય છે.ઓછુ વત્તું શાળા વ્યવસ્થાપકો પણ સમાન બીમારીથી પીડાય છે. હું એક શાળામાં મળવા માટે ગયો. ત્યાં પ્રિન્સિપાલના ટેબલ પર મૂકેલું પાટિયું જોઈ હું થોડાક સમય માટે અવાક થઈ ગયો. તેના પર લખેલું હતું “Take care your Customer”. ધ્યેય બિલકુલ સ્પષ્ટ છે. શાળાઓ હોય કે શિક્ષકો બધાને એક જ ચિંતા હોય કે બાળકોનું પરિણામ ૧૦૦ ટકા આવવું જાઈએ. સો ટકા પરિણામનો વિચાર ખોટો નથી પરંતુ તેના માટે વિદ્યાર્થીઓ જે માનસિક દબાણમાંથી પસાર થાય છે તે કલ્પી ન શકાય. શિક્ષણ જગતમાં નામના ધરાવતી એવી નવોદય વિદ્યાલયના કે જેની ભારતભરમાં ઘણી શાખાઓ છે, પાછલા ૫ વર્ષમાં ૪૯ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે, જે ખૂબ જ ચોંકાવનારી અને  દુઃખદ ઘટના છે. અને પરિણામો પછી પણ આત્મહત્યાના બનાવો સામે આવે છે અને એમાં નિષ્ફળ થતા વિદ્યાર્થીઓ જ નહિ બલ્કે હોંશિયાર બાળકો જેમના ધાર્યા કરતાં અથવા તો વાલીઓની અપેક્ષા મુજબ માર્કસ ન આવતાં આવા ભયંકર પગલા ભરી લે છે.

સામાજિક પ્રભાવ શું છે?

શિક્ષણના સાચા ધ્યેયથી વાકેફ ન હોવાના કારણે બધી જ માનવીય સંવેદનાઓ મરી પરવારી છે. ભારત જે રીતે વિજ્ઞાન અને વિકાસના માર્ગે હરણફાળ ભરી રહ્યું છે તેવી જ રીતે માનવતા અને નૈતિકતા પાતાળમાં ધસતી જઈ રહી છે. આ જ કારણ છે કે દેશને સ્વતંત્ર થયે ૭૧ વર્ષ થઈ ગયા પરંતુ ભ્રષ્ટાચાર ફૂલીફાલી રહ્યો છે. આ જ સંકુલોમાંથી પ્રશિક્ષણ મેળવીને નીકળી રહેલા યુવાનો મશીનની જેમ કામ કરી રહ્યા છે. શિક્ષણ વિષે સમાજની સામૂહિક માનસિકતા આવી હોય તો તેનાથી માનવીય અભિગમ ધરાવતા સારા અને સંસ્કારી નેતૃત્વની અપેક્ષા રાખી ન શકાય.

મને આ વાત કહેતાં સંકોચ નથી કે પોતાના જીવનના જે સ્વપ્નો પોતે સાકાર ન કરી શક્યા વાલીઓ એ બધી આશા પોતાના બાળકથી રાખે છે. અને અતિરેક તો જુઓ!! માત્ર ભણતરમાં જ નહિ દરેક ઈતર પ્રવૃત્તિઓમાં પણ તેમને પ્રથમથી નીચે કોઈ રેન્ક જોઈતું નથી. એટલે કે બાળક એક અને એના ખભા પર ભાર ૫ બાળકોનું. આ કેવો પ્રેમ, ને આ કેવી કેળવણી? જયારે ધન, દૌલત અને પદ-પ્રતિષ્ઠા જ બધું હોય અને આવા જ સામૂહિક વાતાવરણમાં બાળકનો ઉછેર થાય તો ભણી-ગણીને માતા-પિતાને વૃધાશ્રમ મોકલે તો જ નવાઈ!!

નૈતિક અધઃપતન

આ ભૌતિકવાદી માનસિકતાના કારણે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે માણસ પોતાની આબરૂ અને સ્વમાન સાથે પણ સોદો કરી લે છે. બોલીવુડની દુનિયામાં થતું કાસ્ટિંગ કાઉચ કે સ્ત્રી સશક્તિકરણના જગતમાં થતી “MeeToo”, બઢતી માટે સહજ રીતે સ્વીકારાતું શારીરિક શોષણ અને ચાટુકારિતા. જૂઠ,દગા,દંભની બોલ-બાલા અને વધતા જતા ક્રાઈમ્સ, ગુંડાગર્દી અને કોમવાદ તેના જ પરિણામો છે. કેમ માનવોના ટોળા વચ્ચે વ્યક્તિ પોતાની જાતને એકલી અટૂલી અને નિઃસહાય હોવાનું અનુભવે  છે. મારૂં દૃઢ રીતે માનવું છે કે તેનું કારણ જ્ઞાન પ્રાપ્ત કરવા કે શિક્ષણ આપવાના ધ્યેયનું ખોટું હોવું કે ગુમ થઈ જવું છે.

ધ્યેયનું નક્કી હોવું

આપણને ઘણી વાર રેલ્વે સ્ટેશન પર જવાનું થયું હશે. આરક્ષિત ટિકિટના કિસ્સામાં આપણે સૌથી પહેલાં ડિસ્પ્લે થતી વિગતોને જોઈએ છીએ કે આપણે જ્યાં જવાનું છે એ ટ્રેન ક્યારે અને ક્યા પ્લેટફાર્મ પર આવી રહી છે. અને જા ટિકિટ ન હોય તો પહેલાં જ્યાં જવાનું હોય ત્યાંની ટિકિટ લઈએ છીએ. ક્યારેય પણ એમ જ કોઈ પણ ટ્રેનમાં નથી બેસી જતા. એટલે ધ્યેયનું નક્કી થવું અને સાચી ટ્રેનને પકડવાથી જ નિર્ધારિત સ્થાને પહોંચી શકાય છે. શિક્ષણ કોઈ તમાશાબાજનો તમાશો નથી કે મનોરંજન લઈને નીકળી ગયા. એ તો નિર્ધારિત નિશાને પહોંચવાનો પાટો છે. આજની શિક્ષણ વ્યવસ્થાએ જે હેતુ નિર્ધારિત કર્યો છે તેના મુજબ જ પ્રોડક્ટ તૈયાર થઈ રહી છે.મોટા-ભાગે તો વિદ્યાર્થીઓ કોઈ ધ્યેય વગર જ ભણતા હોય છે. અને જાગૃત માતા-પિતા કે શાળા મેનેજમેન્ટ સારૂં હોય તો તેમને એક ધ્યેય નક્કી કરવામાં મદદ કરે છે. એ ધ્યેય શું હોય સારા ડોક્ટર બનવું છે, એન્જીનિયર બનવું છે, સિવિલ સર્વિસની પરીક્ષા ક્રેક કરવી છે, વગેરે. અને આ ધ્યેયપ્રાપ્તિમાં વિદ્યાર્થીઓને થોડી ઘણી સફળતા પણ મળે છે. પરંતુ જો તમે ધ્યેય પ્રાપ્ત ન કરી શક્યા તો તમે ડફોળ છો!! નિષ્ફળ છો ? !! ના, કદાપી નહિ વ્યક્તિને પારખવાનું આ માપદંડ જ ખોટું છે.

સાચું લક્ષ્ય શું ?

જા આપણે દેશ માટે સાચે જ ગંભીર હોઈએ અને સમાજમાં સકારાત્મક પરિવર્તન ઇચ્છતા હોઈએ તો શિક્ષણનું સાચું ધ્યેય નક્કી કરવું પડશે. અને એ ધ્યેય હોઈ શકે દેશને શ્રેષ્ઠ નેતૃત્વ પૂરૂં પાડવા સારા માનવીઓનું નિર્માણ.કેમકે જો એક બાળક સારો માનવી બની જાય તો તેનું જીવન સાકાર થયું કહેવાય, પછી ભલે તે વિદ્યાર્થીકાળમાં નિર્ધારિત કરેલ ધ્યેયને પ્રાપ્ત ન કરી શક્યો હોય. અને જો તે એક સારી વ્યક્તિ ન બની શકે તો ભલે કોઈ મોટી ડિગ્રી અને ખૂબ પ્રતિષ્ઠા મેળવી લે, પરંતુ તે નિષ્ફળ કહેવાશે. બાળકોમાં સ્પર્ધાની નહિ સહકારની ભાવનાનો વિકાસ કરવો જાઈએ. તેને બીજા કહેવાતા હોશિયાર વિદ્યાર્થીઓનો દાખલો આપી તેમા ંહીન ભાવના પેદા ન કરો. હા, જા તેને સ્પર્ધામાં જ ઉતારવું હોય તો પોતાની સાથે જ સ્પર્ધા કરવા દો. તેને પોતાનો જ રિકોર્ડ બ્રેક કરવા પ્રેરિત કરો. અને તેનું મૂલ્યાંકન તેના ચરિત્રથી કરો.અલ્લાહ તઆલાએ દરેક વ્યક્તિને જુદી જુદી પ્રતિભા અને વિશેષતાઓ આપી ને પેદા કરી છે.(કુઆર્ન,૪ઃ૩૪)

શિક્ષણની વાસ્તવિકતા

સાચી વાત આ છે કે ભૌતિકવાદના ઓથા હેઠળ આવા ઉચ્ચ મૂલ્યો ઉત્પન્ન કરી શકાય નહીં, જેવું વાવ્યું હોય તેવું જ પાક મળે છે.આંબાના વૃક્ષથી સફરજનની અપેક્ષા રાખવી મૂર્ખામી છે. જ્ઞાન માત્ર અલ્ફા બીટા ભણાવવાનું કે ગણિતના પ્રમેયો ઉકેલવાનું, કેમેસ્ટ્રીની પ્રક્રિયા ગોખવાનું કે આંકડાકીય માહિતી મેળવવાનું નામ તો નથી. જ્ઞાન સત્યને જાણવાનું અને વાસ્તવિકતા સુધી પહોંચવાનું નામ છે.જ્ઞાન જીવનના ઉદ્દેશ્યને પામવાનું અને જગતના ગૂઢ રહસ્યોને સમજવાનું નામ છે.

જ્યાં સુધી જીવનના ઉદ્દેશ્ય સાથે આપણી શિક્ષણ પ્રણાલીનું મિલન ન થાય ત્યાં સુધી આ ફિલ્મી જીવનના  સુખદ પરિણામો નહિ મળે. અને બીજું આપણો પ્રિય દેશ ભારત કે “વિવિધતામાં એકતા” જેની વિશેષતા હોય, જ્યાં વિવિધ ધર્મ, રંગ, જાતિ, ભાષાના લોકો સાથે રહેતા હોય, જેના મૂળમાં ધર્મ પ્રત્યે અતૂટ આસ્થા હોય, તેવા ભારતમાં ધર્મનું સાચું  શિક્ષણ આપ્યા વગર કોમી સૌહાર્દની પરિકલ્પના કેવી રીતેકરી શકાય. માનવતા અને નૈતિકતા એ ધર્મોએ આપેલા શબ્દો છે. આ મૂલ્યોના વિકાસમાં ધર્મ વિશેષ ભૂમિકા ભજવી શકે છે. શર્ત એ છે કે યોગ્ય અને વિશુદ્ધ રીતે બાળકોને પીરસવામાં આવે. જે વસ્તુઓ ધર્મો વચ્ચે સમાન છે તેનું જ્ઞાન જેવું હોય તેવું આપવામાં આવે. જ્યાં અસમાનતા છે ત્યાં કોઈ વસ્તુ ઠોકી બેસાડવાના બદલે માર્ગદર્શન આપી બાળકની  તાર્કિક બુદ્ધિ પર છોડી દેવામાં આવે. પૃથ્થક્કરણ માત્ર રસાયણશાસ્ત્રનો જ વિષય નથી એ સિધ્ધાંત ધર્મમાં પણ લાગુ પાડી શકાય. કુઆર્ને માત્ર પોતાની સત્યતાનો ઉલ્લેખ નથી કર્યો બલ્કે તટસ્થ મન-મસ્તિષ્કે વિચાર-મનન કરશો તો એ સત્યતા પોતે પુરવાર થઈ જશે. (કુઆર્ન-૪૧-૫૩)

પ્રભાવકારી વ્યવસ્થા કેવી રીતે

કોઈ પણ સમાજની રચનામાં ત્રણ વસ્તુઓ મુખ્ય ભાગ ભજવે છે.એક છે ગુણ, બીજું છે એ ગુણને ઈંટરલાઈઝ કરવા માટેનું પ્રેરક બળ અને ત્રીજું છે ઇચ્છિત પરિણામ એટલે નિર્ધારિત ધ્યેય.હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે કેવા દેશનું નિર્માણ કરવા માંગીએ છીએ.બહુસાંસ્કૃતિક સમાજમાં કેવું સૌહાર્દ જોવા માગો છો, માનવતાને કયા ઉચ્ચ સ્થાને બિરાજમાન જોવાની ઈચ્છા ધરાવો છો, તે ધ્યેયને  નજર સમક્ષ રાખી તેના મુજબ પાઠ્‌યક્રમ બનાવો,જ્ઞાન પીરસો અને શિક્ષણ આપો. ત્રીજા અને સૌથી મૂળ પ્રશ્ન છે કે તેના માટેનું પ્રેરક બળ શું હોય. તેના માટે ધર્મોમાં પરલોકના જીવનનું વર્ણન જાવા મળે છે, જેનો આધાર વર્તમાન જીવનના કર્મો ઉપર છે. આ આસ્થા જેટલી સાચી અને દૃઢ હશે તે તેટલું જ પ્રેરકબળનું કાર્ય કરશે. એટલે બાળકોને શરૂઆતથી જ એવી રીતે ઉછેરવામાં આવે કે ઇચ્છિત મૂલ્યો તેમના જીવનનો અભિન્ન હિસ્સો બની જાય. બાળપણથી જા વિદ્યાર્થીમાં નૈતિક મૂલ્યોનું સિંચન, પ્રેમ અને સદ્‌ભાવની ભાવના, ધૈર્ય અને સહિષ્ણુતા જેવા ગુણો પેદા કરવામાં આવે તો ભાવિના  ભારતનું દૃશ્ય કેવું આહ્‌લાદક હશે તે કલ્પી શકાય. આપણે લોકોમાં કેવી સામાજિકતા જોવા માંગીએ છીએ, નાગરિકોમાં કેવું સેન્સ જોવા માંગીએ છીએ, માનવીનું કેવું ચારિત્ર્ય જોવા માગીએ છીએ, એબધા વિષયોને આપણા પાઠ્‌યક્રમમાં યોગ્ય સ્થાન મળવું જોઈએ. આપણા સંકુલોમાં આ ગુણોને પ્રાયોગિક ધોરણે આપવાની સુંદર વ્યવસ્થા હોવી જોઈએ.

–•–

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments