Thursday, June 19, 2025
Homeસમાચારજાતિ આધારિત વસ્તી ગણતરી પારદર્શક, સંપૂર્ણ અને રાજકીય સ્વાર્થથી મુક્ત હોવી જોઈએ:...

જાતિ આધારિત વસ્તી ગણતરી પારદર્શક, સંપૂર્ણ અને રાજકીય સ્વાર્થથી મુક્ત હોવી જોઈએ: પ્રોફેસર સલીમ એન્જિનિયર

નવી દિલ્હી: જમાઅતે ઇસ્લામી હિંદના ઉપાધ્યક્ષ પ્રોફેસર સલીમ એન્જિનિયરે દેશમાં થનારી રાષ્ટ્રીય વસ્તી ગણતરીમાં જાતિના સમાવેશને મંજૂરી આપવાના કેન્દ્રીય કેબિનેટના નિર્ણયને આવકાર્યો છે. મીડિયાને જારી કરાયેલા એક નિવેદનમાં ઉપાધ્યક્ષે કહ્યું કે અમે કેન્દ્રીય કેબિનેટના આ નિર્ણયને આવકારીએ છીએ જેમાં આગામી રાષ્ટ્રીય વસ્તી ગણતરીમાં જાતિ આધારિત આંકડાઓને સામેલ કરવામાં આવશે. પ્રોફેસર સલીમ એન્જિનિયરે કહ્યું કે ભારતમાં જાતિ પ્રથા આજે પણ એક મજબૂત સામાજિક માળખું ધરાવે છે જે શિક્ષણ, રોજગાર અને રાજકીય પ્રતિનિધિત્વને અસર કરે છે. જાતિ આધારિત વસ્તી ગણતરી એક સામાજિક, કાનૂની, વહીવટી અને નૈતિક જરૂરિયાત છે જેથી પછાત વર્ગો, દલિતો અને આદિવાસીઓને થયેલા ઐતિહાસિક અન્યાયનું નિવારણ લાવી શકાય. તેમણે કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે આ વસ્તી ગણતરી સચોટ આંકડા પ્રદાન કરશે જેથી વિવિધ વર્ગો માટે ન્યાયપૂર્ણ અને વધુ સારી કલ્યાણકારી નીતિઓ બનાવી શકાય અને વંચિત વર્ગોના સામાજિક અને આર્થિક વિકાસને શક્ય બનાવી શકાય. આ એક સ્વીકૃત હકીકત છે કે જે વસ્તુને માપવા માટે કોઈ માપદંડ હોય તો જ તેનું વધુ સારી રીતે સંચાલન થઈ શકે છે. તેથી, જાતિ આધારિત ડેટા, નીતિ નિર્માણ અને સર્વગ્રાહી વિકાસ માટે આવશ્યક છે. જાતિ આધારિત વસ્તી ગણતરી ખાનગી ક્ષેત્રની વધતી ભૂમિકા અને સરકારી નોકરીઓમાં ઘટાડાની પૃષ્ઠભૂમિમાં વંચિત વર્ગો માટે અનામત નીતિઓને મજબૂત કરવામાં મદદ કરશે.

પ્રોફેસર સલીમ એન્જિનિયરે કહ્યું કે ભૂતકાળમાં સંસદમાં આપવામાં આવેલા સરકારી નિવેદનો દર્શાવે છે કે સરકાર અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)થી આગળ જાતિની ગણતરીના વિરોધમાં હતી. પરંતુ હવે એવું લાગે છે કે આખરે તેણે તેની ઉપયોગિતા અને જરૂરિયાતને સ્વીકારી લીધી છે. તેમણે કહ્યું કે 2011ની સામાજિક, આર્થિક અને જાતિ આધારિત વસ્તી ગણતરીની નિષ્ફળતા, જે નબળા આયોજન અને નિષ્ક્રિયતાનો ભોગ બની હતી, તે દર્શાવે છે કે વસ્તી ગણતરી માટે એક અસરકારક અને મજબૂત માળખાની તાતી જરૂરિયાત છે. અમે સમજીએ છીએ કે આ પ્રક્રિયા પારદર્શક, સંપૂર્ણ અને રાજકીય સ્વાર્થથી મુક્ત હોવી જોઈએ જેથી પછાત વર્ગોને સાચા અર્થમાં સશક્ત બનાવી શકાય અને બંધારણની કલમ 14, 15 અને 16 હેઠળ આપવામાં આવેલા અધિકારોનું રક્ષણ કરી શકાય.

જમાઅતે ઇસ્લામી હિંદના ઉપાધ્યક્ષે વધુમાં કહ્યું કે સરકારે આ સમગ્ર પ્રક્રિયા માટે એક સ્પષ્ટ અને નિર્ધારિત સમયમર્યાદા જાહેર કરવી જોઈએ. વસ્તી ગણતરી માટે યોગ્ય બજેટ ફાળવવામાં આવવું જોઈએ. આ વસ્તી ગણતરીનો મૂળ હેતુ સામાજિક ન્યાય હોવો જોઈએ, રાજકીય લાભ મેળવવાનો નહીં.

તેમણે કહ્યું કે અમે એ વાત સાથે સહમત નથી કે જાતિ આધારિત વસ્તી ગણતરી સામાજિક ભેદભાવને પ્રોત્સાહન આપે છે. ભારતમાં વસ્તી ગણતરીમાં ધર્મ અને ભાષાના આધારે ગણતરીનું કામ પહેલાથી જ થઈ રહ્યું છે અને 1951થી એસસી/એસટીની ગણતરી પણ થઈ રહી છે. તેનાથી ક્યારેય કોઈ સામાજિક સંઘર્ષ પેદા થયો નથી. બિહાર અને તેલંગાણા જેવા રાજ્યોમાં જાતિ આધારિત વસ્તી ગણતરીના સફળ ઉદાહરણો ઉપલબ્ધ છે. જાતિ આધારિત વસ્તી ગણતરી, દેશમાં સામાજિક ન્યાયની લડાઈનું એક મહત્વપૂર્ણ તબક્કો છે અને આપણે સૌએ સાથે મળીને બધા માટે ન્યાયની લડતને આગળ વધારવી જોઈએ.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments