Wednesday, January 15, 2025
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપન્યાયપાલિકાઃ સ્વતંત્રતાની મથામણ

ન્યાયપાલિકાઃ સ્વતંત્રતાની મથામણ

સુપ્રીમ કોર્ટના પ્રવર્તમાન મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ સતત વિવાદોમાં ઘેરાયેલા રહે છે. આસામના ભૂતપૂર્વ મુખ્યમંત્રીના આ પનોતા પુત્ર રાજકારણના આટાપાટામાં સતત ચર્ચામાં રહે છે. ક્યારેક ચાર જજોની ઐતિહાસિક પત્રકાર પરિષદ જાહેરમાં યોજીને, તો હમણાં જ એક મહિલા કર્મચારીના તેમની સામેના ઐતિહાસિક યૌન શોષણના સીધા આરોપમાં!

પરંતુ અત્રે વાત કરવી છે તેઓએ ઉઠાવેલ અંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ ઉપરના મહત્વના મુદ્દાની.

શાંઘાઈ સહયોગ હેઠળ સદસ્ય દેશોની કિર્ગિસ્તાન ખાતે મળેલી બેઠકમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ પોતાના સંબોધનમાં જે પ્રશ્ન ઉઠાવ્યો છે તે ખરેખર ચિંતાજનક છે અને સમજવા જેવો પણ છે. પ્રશ્ન એ ઉદભવે છે કે શું ભારત સહિત દુનિયાના મોટા ભાગના દેશોમાં અને ખાસ કરીને લોકશાહી દેશોમાં ન્યાયપાલિકાને સત્તાની કુલ્ફી બનાવવાની સુનિયોજિત  કોશિશો થઈ રહી છે? જા ખરેખર આવું જ છે તો ન્યાયપાલિકાને પોતાની સ્વતંત્રતા અને નિષ્પક્ષતા સાચવી રાખવા માટે શું કરવું જાઈએ? અને શું તે એવું કરવાની સ્થિતિમાં પણ છે? તેઓએ જણાવ્યું કે લોકરંજક તાકતો (Populist forces), જજોને એ રીતે રજૂ કરી રહી છે કે જાણે બિન ચૂંટાયેલ જજો, ચૂંટાયેલી બહુમતી સરકારના નિર્ણયોને ઉલટાવી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે લોકરંજક તાકતોનો ઉદય ન્યાયપાલિકાની સ્વતંત્રતાની સામે ગંભીર પડકાર છે અને ન્યાયપાલિકાએ આવી શક્તિઓની વિરુદ્ધ જઈને સંવિધાનિક મૂલ્યોની રક્ષા કરવી જોઈએ.

જસ્ટિસ રંજન ગોગોઈના આ મંતવ્યને સ્થાનિક મીડિયામાં કોઈ ખાસ સ્થાન નથી મળ્યું, પરંતુ અંગ્રેજી અખબારોએ તેને બહુ ગંભીરતાથી રજુ કરેલ છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ આને મુખ્ય સમાચાર બનાવ્યા, તો બીજા દિવસે ઇન્ડિયન એક્સપ્રેસે રંજન ગોગોઈના વક્તવ્ય ઉપર આખો લેખ છાપ્યો. તેઓએ જે કહ્યું તે આ વાત તરફ ઇશારો કરે છે કે સંવેદનશીલ મામલામાં પણ આ લોકરંજકવાદ ન્યાયપાલિકા ઉપર આવા જ નિર્ણય કરવા સારુ પરોક્ષ રીતે દબાણ ઉભુ કરે છે, જેનો નિષ્પક્ષ ન્યાયના પાયાના સિદ્ધાંત અને આગ્રહથી મેળ જ નથી ખાતો, અથવા તો ન્યાયને પક્ષપાતી બનાવવા સારુ દુરાગ્રહી છે.

તેમનું આ વક્તવ્ય આ રીતે પણ મહત્વપૂર્ણ છે કે તેઓએ દેશમાં ન્યાયતંત્રની સ્વતંત્રતા સારુ મોદી સરકાર વિરુદ્ધ સડક ઉપર ઊભા રહીને મોરચો ખોલી દીધો હતો. જોકે તે બાદ પણ મોદી સરકારે તેમને મુખ્ય ન્યાયાધીશ બનાવ્યા અને હમણાં જ યૌન શોષણ ના આરોપોમાં પણ ન્યાયાધીશોની તપાસના અંતે મુક્ત થયા.

આનાથી હઠીને આપણે ન્યાયાધીશ ગોગોઈની વાતની ગંભીરતા પડકારોના સંદર્ભમાં પણ સમજવી પડશે. તેમના મત મુજબ આપણે આ સમજવાની જરૂર છે કે આવી પરિસ્થિતિઓએ દુનિયાભરના ન્યાય સંસ્થાનો ઉપર ભયાનક દબાણ ઉભુ કર્યું છે.  આ કોઈ ચોંકાવનારી વાત નથી કે કેટલીક જગ્યા ઉપર ન્યાયપાલિકા એ populist તાકાતની સામે ઘૂંટણ ટેકવી દીધા છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે રાજકીય નેતૃત્વ, સરકારો અથવા એવા જનસમૂહ જે પોતાના સ્વાર્થ સારુ અદાલતોથી એવા ચુકાદા કરાવવા ઈચ્છે છે, કે જે એમના સ્વાર્થને પોષે અથવા તેમના સ્વાર્થની વિરુદ્ધ ન હોય.

ન્યાયાધીશ ગોગોઇએ, ન્યાયાધીશોને ચેતવણીના સૂરમાં કહ્યું કે આ પણ એક ક્ષેત્ર છે જ્યાં ન્યાયપાલિકાએ પોતાને સ્વયં તૈયાર રાખવાની જરૂર છે.

ન્યાય પાલિકાની સ્વતંત્રતા ઉપર હુમલો કરી રહેલ આ બળોની વિરુદ્ધ સ્વયંને મજબૂત બનાવવાની જરૂર છે.

અહીં સવાલ એ ઉપસ્થિત થાય છે કે જસ્ટિસ ગોગોઈએ શાંઘાઈ સહયોગ સંગઠનનામાં આ વાત કેમ ઉઠાવી?  શું તેમનો ઈશારો ભારતમાં ન્યાયપાલિકામાં વધી રહેલા સરકારી હસ્તક્ષેપ અથવા તો રાજનૈતિક પક્ષોના લોકાર્ષક નિર્ણયો અથવા ચૂકાદાઓથી ઉભા થતા તણાવોની તરફ છે? કેટલાકનું માનવું છે કે તેઓ પરોક્ષ રૂપે ૪ વર્ષ પહેલાં ભાજપા સમેત એનડીએ સરકારની એ કોશિશો ઉપર પ્રતિક્રિયા આપી રહ્યા હતા, જેના હેઠળ સરકાર જજોના ચયનમાં કાર્યપાલિકા એટલે કે સરકારની મહત્વની ભૂમિકા ઈચ્છતી હતી. સરકાર જ એ નક્કી કરશે કે ન્યાય દંડ કોના હાથમાં રહેશે. સરકારના એજન્ડાને પોષણ આપવા વાળા ચુકાદાઓને જ ન્યાય સમજવામાં આવશે. આનાથી અન્ય કોઈ પણ ચુકાદો અસ્વીકાર્યતાના વર્તુળમાં ગણવામાં આવશે. આમાં એ સંદેશ પણ નિહીત છે કે જનતાની અદાલત સૌથી ઊંચી છે અને કાયદા તથા વિવેક સભર અને બસ નિષ્ઠાથી જ કામ કરવાવાળી ન્યાયપાલિકાનું મહત્વ તેનાથી ઓછું જ છે. પ્રયત્નો તો આ જ છે કે ન્યાય પાલિકાની ડાર સરકાર તથા કાર્યપાલિકાના હાથમાં જ રહે, જે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રાજકીય હિતો સામે રાખી પોતાના દરેક નિર્ણય અથવા પગલાં ઉપર ચુકાદાના સ્વરૂપમાં ન્યાયપાલિકાનું અનુમોદન જ ઈચ્છશે.

જેમ કે ન્યાયપાલિકામાં કોલેજીયમની જગ્યા ઉપર રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તી આયોગ બનાવવાનું સરકારના નિર્ણયનો છૂપો એજન્ડા પારખીને તેને સર્વોચ્ચ ન્યાયાલયે ઉલટાવી દીધો. આ જ નૈતિક હારને કદાચ સરકાર હજુ સુધી પચાવી નથી શકી.

આ સારું જે તર્ક આપવામાં આવે છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓના નિર્ણયોને કોઈ સ્વતંત્ર સંસ્થાની વ્યક્તિ કેવી રીતે ઉલટાવી શકે છે, જે પોતે જનતા દ્વારા ચૂંટાયેલા જ નથી. આ તર્કમાં છુપી ધમકીને કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે આમ કહીને વાચા આપી કે ન તો તે પોતે ન જ તેમનું મંત્રાલય પોસ્ટ ઓફિસ છે. આ નીયુક્તિઓમાં સરકારની ભૂમિકા સ્પષ્ટ રીતે રહેશે.

હવે પ્રશ્ન એ છે કે આ જ મત જેની પ્રમાણિકતા ઉપર પણ પ્રશ્ન છે તેના દબાણમાં અથવા તો તેના આગળ નમીને શું જજોએ પોતાના ચુકાદાઓ આપવા જોઈએ, જેથી કેટલાક રાજકીય પક્ષોના અથવા સમૂહના રાજકીય હિત સાધી શકાય. રામમંદિર નિર્માણને લઈને ન્યાયપાલિકા ઉપર બનાવવામાં આવી રહેલું આ અદ્રશ્ય દબાણ પણ સમજવું રહ્યું. છેલ્લે લવાદોના નામમાં શ્રી શ્રી રવિશંકરનું નામ જે રીતે સુપ્રીમ કોર્ટના માધ્યમથી નાખી દીધું તે સૌ માટે આંચકાજનક છે. તે જ રીતે બળાત્કારીઓ માટે કોઈપણ સંજોગોમાં ફાંસીની માગણી પણ આ શ્રેણીમાં મૂકી શકાય. બેશક બળાત્કારીઓને ફાંસી આપવી જોઇએ પરંતુ કાનૂની  પ્રક્રિયા પૂરી થયા બાદ જ. ફક્ત કેટલાક લોકો અથવા એક મોટો જનસમુહ ઈચ્છે છે કે કોર્ટ આરોપીને ફાંસી આપી દે તો આ  વિચાર સભ્ય સમાજ માટે બિલકુલ યોગ્ય નથી. આનાથી સારું તો એ જ થશે કે ન્યાય વ્યવસ્થા કોઈ ભીડ અથવા કેટલાક સંગઠનોના હવાલે કરી દેવામાં આવે જે પોતાના રાજનૈતિક અને સામાજિક સ્વાર્થની અનુકૂળતા મુજબ ચુકાદો આપતા રહે.

અફઝલ ગુરુને આજ ધારણા ઉપર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપી ફાંસી ઉપર લટકાવી દીધો હતો, જે અત્રે યાદ કરવો રહ્યો.

અત્રે પ્રશ્ન એ છે કે આવા પરોક્ષ દબાણો તથા સુચનોથી હઠીને ન્યાયાધીશ કાનૂનના અંતર્ગત નિર્ભીકતા અને નિષ્પક્ષતાથી પોતાના ચુકાદાઓ કેવી રીતે આપે? કોઈપણ મામલામાં ગુણદોષ ઉપર સર્વગ્રાહી વિચાર અને વિવેચના પશ્ચાત યોગ્ય ચુકાદો કોઈપણ જજ આપે તો કેવી રીતે આપે? આ સંદર્ભમાં ન્યાયાધિશ ગોગોઈનું કહેવું છે કે બિનરાજકીય નિયુક્તિ, જજોના કાર્યકાળની સુરક્ષા અને તેમના હટાવવાની આકરી પ્રક્રિયા જ, તથા જજોની પ્રતિષ્ઠા અને આંતરિક જવાબદારીની પ્રક્રિયાનો સાચી રીતે ઉપયોગ જ ન્યાય પાલિકાની સ્વતંત્રતા સુનિશ્ચિત કરી શકે.

આ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે સામાન્ય જનતામાં વ્યવસ્થા સામે પ્રતિકાર કરવાનું નૈતિક બળ ન્યાયપાલિકાની નિષ્પક્ષતા થકી જ  આવી શકે છે. એને વિશ્વાસ રહે છે કે ઓછામાં ઓછો અહીં તો ન્યાય મળશે જ.

એવું કહેવાય છે કે ન્યાય મળે એ જ પર્યાપ્ત નથી પરંતુ ન્યાય મળી રહ્યો છે તે સ્પષ્ટ દેખાવું પણ જોઈએ. પરંતુ ન્યાય કેટલાક ખાસ લોકોને જ મળે તે પણ ન ચાલે.

અત્રે જસ્ટિસ કુરેશીની બઢતી તથા બદલીનો મામલો પણ સમજવો રહ્યો. કોલેજિયમની સ્પષ્ટ ભલામણ પછી પણ જસ્ટિસ કુરેશીને લટકતા રાખી સરકારે પોતાનો અહંકાર સ્પષ્ટ રીતે દેખાડ્‌યો છે. કારણ કે આ જ ન્યાયાધિશે સૌરાબુદ્દીન કેસમાં આજના ગૃહ પ્રધાન અને ભાજપના પ્રમુખને કસ્ટડી માં મોકલી દીધેલ.

બીજી વાર ચૂંટાયા પછી મોદી સરકાર જે અહંકારથી આગળ વધી રહી છે અને જે મહત્વના મુદ્દા, જેમ કે રામમંદિર, રફાલ વિમાનનો સોદો વિગેરેના ચુકાદા આવવાના બાકી છે ત્યારે, ન્યાયપાલિકા નિષ્પક્ષ રીતે હિંમત બતાવી સાચા અને ન્યાયી ચુકાદા આપશે કે પછી સરકારના દબાણની સામે ઇન્દિરા રાજમાં ઝુક્યા હતા તે જ રીતે મોદી રાજમાં પણ ઝુકી જશે. આ છે યક્ષ પ્રશ્ન જેનો જવાબ આવનારો સમય આપશે. –•–

 (લેખક નિવૃત્ત મુખ્ય ઇજનેર ગેટકો – જીઈબી છે. આપનો સંપર્ક mgvgetco@yahoo.co.in  ઉપર કરી શકાય છે.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments