એક બાદશાહનું નામ મહેંદી હતું. એક દિવસ તે દરબારથી પરવારીને પોતાના મહેલમાં ગયો તો જોયું કે મહેલમાં ખૂબજ ચહલપહલ છે. પોતાની રાણીથી પૂછ્યું કે શું વાત છે? રાણી ખેઝરાને આમ કહેવા માંડ્યુ…
આજે અનોખી વાત જોવા મળી હું દરરોજની જેમ આજેપણ ખુશ હતી. અચાનક એક દાસીએ આવીને કહ્યું – એક સ્ત્રી મહેલમાં આવવા માંગે છે પરંતુ તે તેનું ન નામ બતાવે છે ન ક્યાંથી આવે છે તે બતાવે છે ન એ કહે છે કે તે મહેલમાં કેમ આવવા માંગે છે. બસ એક જ વાતની રટ લગાવી રહી છે કે મહેલમાં જઈ રાણીને મળવું છે.
દાસીથી આ સાંભળીને મને ખટકો થયો કે કોણ હશે? મેં મારી સૌથી સમજદાર સહેલી ઝયનબથી સલાહ લઈને તેને અંદર બોલાવી. તે સ્ત્રી અંદર આવી તો હું તેને જોઈને નવાઈ પામી ગઈ. તેણે કપડા તો મેલા ફાટેલા પહેર્યા હતા પણ તે અતિ સુંદર અને સ્વરૃપવાન હતી. હું તો તેને જોતી જ રહી ગઈ. તેણે આવીને સલામ કર્યો અને પછી પોતે જ કહ્યું કે મારૃં નામ મુઝના છે.
મુઝના? અરે, તે મુઝના હતી? મહેંદી નામ સાંભળીને ચોંકી ગયા. અચ્છા પછી શું થયું?
હા જી તે મુઝના હતી. પછી એમ થયું કે તેનું નામ સાંભળતા જ મારા અંગે અંગમાં જાણે આગ લાગી ગઈ. મને તે જમાનો યાદ આવી ગયો જ્યારે આપણા ખાનદાનથી તેના ખાનદાનની લડાઈ ચાલી રહી હતી. તે વખતે મુઝનાનો બાપ મરવાન બાદશાહ હતો. અને આપણે કમજોર હતા. આપને યાદ હશે અમારા ખાનદાનના બુઝુર્ગ ઇબ્રાહીમને કતલ કરી દેવામાં આવ્યા હતા. તેમની લાશ લેવા અમે ગયા અને મહેલમાં જઈને મરવાનની રાણીથી લાશ આપી દેવાની માંગ કરી કે આપણે એક ખાનદાનના છીએ. રાજ્યના ઝઘડાઓએ એ આપણને લડાવી માર્યા અને તમે વિજયી થયા – હવે જોે તમે અમારા બુઝુર્ગની લાશ અમને આપી દો તો તમારી મહેરબાની થશે.
મેં આટલું જ કહ્યું હતુ ંકે આ જ મુઝના જે તે વખતે શહઝાદી હતી અને મહેલમાં સૌને લાડલી હતી – ગુસ્સામાં આવીને અમને મારવા દોડી. તેણે અમને ગાળો દઈને મહેલમાંથી હાંકી કાઢ્યા હતા.
બસ આ બધું યાદ આવ્યું તો મારા દીલ ઉપર જે જખમ પડયા હતા તે તાજા થઈ ગયા. આજે આપણા ઉપર ખુદાનો ફઝલ છે કે આપણે મુઝનાના ખાનદાનને હરાવી દીધું અને બાદશાહત ફરીથી આપણા ભાગમાં આવી ગઈ.
તો પછી તમે શું જવાબ આપ્યો મુઝનાને? – મહેંદીએ ખેઝરાનથી પૂછ્યું.
તે જ જે તેણે મને આપ્યો હતો. મેં કહ્યું, મુઝના એ સમય યાદ કર જ્યારે અમને કાઢી મુકયા હતા – હવે અમારી તરફથી ન તારા પર કોઈ સલામનો જવાબ છે, ન સલામતી અને ખેરીયતની આશા. ખુદાનો આભાર છે તેણે પોતાની ને’મત તમારાથી છીનવી અમને આપી અને તમને અપમાનિત કરીને આ હાલતમાં પહોંચાડ્યા કે તુ અમારા દરવાજે બેઆબરૃ થઈને નાક રગડવા આવી છે.
આવો જવાબ આપ્યો તમે? ખલિફા મહેંદીએ રાણીને પૂછ્યું.
હા. આજે હું ખુબ જ ખુશ છું કે મેં બદલો લઈ લીધો.
મલેકા! અફસોસ છે તમારા ઉપર કે તમે સારો બદલો ન લીધો. તમે તે સમયે સવાબ કમાઈ શકતા હતા. આપણે બુરાઈનો બદલો બુરાઈથી નહીં પણ નેકીથી લેવો જોઈએ.
હુઝુર! સાંભળો તો ખરા પછી શું થયું? જ્યારે મેં આમ કહ્યું તો મુઝના ગભરાઈ નહીં એ તો ખડખડાટ હસી પડી. તેણે કહ્યું, બેશક મેં તે જ બધુ કર્યું હતું જે તમે કહી રહ્યા છો… મને મારા કૃત્યનો બદલો મળી ગયો. હવે શું તમે પણ ખુદાથી એ જ ઇચ્છો છો? તમે મારા સાથે તે જ કરી રહ્યા છો જેના કારણે હું અપમાનિત થઈ – ખુદાથી ડરો. અચ્છા ખુદા હાફિઝ… આમ કહીને મુઝના પાછી વળીને ચાલવા લાગી.
તો તે આ રીતે પાછી જતી રહી. તમે કેવી સારી તક ગુમાવી દીધી… ખલીફા મહેંદી અફસોસ કરવા લાગ્યો.
હુઝુર! મુઝનાની વાત હજુ બાકી છે. જ્યારે તે પાછી વળી ગઈ તો મારા ઉપર ખુદાનો ડર છવાઈ ગયો. હું ભયભિત થઈ ગઈ કે ક્યાંક ખુદા મને પણ આવા અઝાબમાં ન નાખી દે. ખુદાના ડરથી હું તરત જ ઊભી થઈ ગઈ. હું તેના પાછળ દોડી. દાસીઓને દોડાવી કે તેને રોકી દે. છેવટે મેં જ તેને દોડીને પકડી લીધી. અને તેનાથી મારી જીભથી નીકળેલા શબ્દો બદલ માફી માંગી. પછી મુઝનાને ગળે લગાવવા ગઈ તો તેણે કહ્યું કે હું તેના કાબેલ નથી મને ગળે ન લગાવો મારા કપડામાંથી દુર્ગંધ આવે છે.
તે આમ કહેતી જ રહી પણ મેં તેને ગળે વળગાડી જ દીધી. પછી મેં હુકમ કર્યો કે તેને નહવડાવવામાં આવે. સ્નાન પછી તેને શાહી પોશાક પહેરાવવામાં આવ્યો. મારી સાથે તેને બેસાડી અને તેની સેવા કરી. પછી મેં પોતાનો સૌથી ઉત્તમ બગીચો તેના રહેવા માટે આપ્યો. પાંચ લાખ અશરફી મોકલી. દાસીઓ અને નોકરાણીઓ તેની સેવામાં મોકલી. અને જ્યાં સુધી મેં તેને રાજી ન કરી લીધી તેના પાસેથી ન ખસી. મેં તેને પોતાની બહેન બનાવી લીધી.
“અલ્લાહ તમને બદલો આપે.” ખલીફા મહેંદીની જીભથી શબ્દો નીકળ્યા. ખુદા તમને આનો સારો બદલો આપશે. મારા તરફથી મારા કાકાની દીકરી પાસે આ અશરફીઓ ભેટ મોકલો અને તેને મારા સલામ કહો.
મુઝના ખલીફા અને મલેકાના આ વર્તનથી ખૂબ ખુશ થઈ. જાતે ખલીફાને મળવા આવી. તેણે સલામ કર્યો અને કહ્યું કે હું સગપણાના હકથી અહીં આવી હતી ખુદાનો આભાર છે કે તમે ભાઈચારાનો હક અદા કર્યો. હવે મારા મનમાં તમારા ખાનદાનથી કોઈ દુશ્મની નથી. બલ્કે મોહબ્બત છે. ખુદા તમને આ ઉપકારનો ઉત્તમ બદલો આપશે.
આમ કહીને મુઝના પોતાના બગીચામાં પાછી જતી રહી. પછી જ્યાં સુધી જીવતી રહી તે જ ખાનદાનની સાથે રહી. ખલીફા મહેંદી અને તેના દીકરાઓએ તેમની સાથે હંમેશા ખૂબ સારૃ વર્તન કર્યું. મહેંદીના દીકરા હારૃનના જમાનામાં મુઝનાની વફાત થઈ.