બેંકમાં ખાતુ ખોલાવ્યા વગર ન તો ગરીબના બાળકને સ્કોલરશિપ મળી શકે, ન તો ગેસની સબસીડી. બેંકમાં ખાતુ ન હોય તો વ્યક્તિ ધંધો ન કરી શકે, અને પગારદાર હોય તો પગાર ન મેળવી શકે. ઉંમરના છેલ્લા પગથિયે ઊભો હોય તેવો બુઝુર્ગ પણ બેંકમાં ખાતુ ન હોય તો પેન્શન ન મેળવી શકે.! જેમ ‘રોટી, કપડા ઔર મકાન’ વ્યક્તિની મૂળભૂત જરૂરિયાત છે તેમ બેંકમાં ખાતુ પણ તેની મૂળભૂત જરૂરિયાતમાં શામેલ થઈ ચુક્યું છે.
બેંકનું મહત્ત્વ છેલ્લા પાંચ વર્ષમાં ખૂબ વધી ગયું છે. આ પાંચ વર્ષના ગાળા દરમ્યાન નોટબંધી, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT યોજના) અને જી.એસ.ટી. જેવાના અમલીકરણના કારણે લોકોને ફરજિયાત બેંકમાં ખાતા ખોલાવ્યા પડ્યા અને આ પ્રક્રિયા હજી ચાલુ છે. ભ્રષ્ટાચારને નાબૂદ કરવા, સરકારી રાહતો અને કલ્યાણકારી યોજનાઓને તેના ખરા અને સાચા લાભાર્થી સુધી પહોંચાડવા, લોકો પાસેથી ટેક્સની બરાબર ઉઘરાણી કરવા, કાળા નાણાંને પકડવા વિગેરે કારણોએ બેંકનું આધિપત્ય અને સામ્રાજ્ય સ્થાપવામાં મદદ કરી છે. સરકારો પાસે લોકોની આર્થિક બાબતો પર ચાંપતી નજર રાખવા બેંકો સિવાય કોઈ પર્યાય પણ નથી, તેથી નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી તમામને ફરજિયાત ખાતા ખોલાવવા પડે છે. આજે દરેક વ્યક્તિને બેંકની મુલાકાત લેવી ફરજિયાત બની ગઈ છે. મંદિર-મસ્જિદ-ચર્ચ-સેનેગોગ-અગિયારી-ગિર્જા વિગેરે ધાર્મિક અને પવિત્ર સ્થળો કે જ્યાં લોકોની આસ્થા-શ્રદ્ધા જાડાયેલી છે ત્યાં જઈ શકે કે ન જઈ શકે, તેને બેંકમાં જવું જ પડે છે. વ્યક્તિને જેટલા સારા સંબંધ પોતાના સર્જક સાથે નથી તેનાથી વધારે ગાઢ સંબંધો બેંકના સ્ટાફ સાથે છે. ધર્મ-પ્રદાન દેશની આ કરૂણા કહેવાય.!
બેંકમાં લાગતી ભીડ લોકોની બેંક પ્રત્યે પ્રેમ નહીં પરંતુ મજબૂરીનું પરિણામ છે. લોકોને બેંકના સ્ટાફ સાથે કોઈને કોઈ બાબતે માથાકૂટ થતી રહે તે સ્વાભાવિક છે. બેંકિંગ સ્ટાફમાં જે રીતે વધારો થવો જાઈએ તેટલો વધારો નથી થઈ રહ્યો, જેના પરિણામે બેંકોનું કામકાજનું ભારણ દિવસે દિવસે વધતું જ જાય છે. બેંકિંગ સ્ટાફ ખૂબ કપરા સમયથી પસાર થઈ રહ્યું છે. તેમનું સુખ અને શાંતિ બંને છીનવાઈ ગયા છે. ડિસેમ્બર મહિનામાં જાહેર ક્ષેત્રની બેંકોને મજબૂત કરવા અને યોગ્ય સ્ટાફની નિમણૂંક કરવાની માંગો સાથે ૪ દિવસ હડતાળ પાડવામાં આવી હતી. જેનાથી આમ જનતાને ખૂબ હાલાકી ભોગવવી પડી હતી. બેંકના અધિકારી જાડે વાત થઈ તો તેઓ કહેતા હતા કે હડતાળ પાડવી અમારો શોખ નહીં મજબૂરી છે. કેમકે સરકાર પોતાની જવાબદારીથી પીછેહઠ કરી રહી છે. તેઓનું આયોજન જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ કરવાનું છે.
એક તરફ લોકો છે જેઓને નાછૂટકે બેંકોનું મોઢુ જાવું પડે છે. તો બીજી તરફ બેંકના સ્ટાફને ના છૂટકે લોકોનું મોઢુ જાવું પડે છે. બંને મજબૂર છે, બંને નિઃસહાય છે. સરકાર દ્વારા લોકોને બેંકિંગ વ્યવહારો કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. અને સાથે સાથે બેંક ચાર્જિસના નામે ઉઘાડી લૂંટ પણ કરવામાં આવી રહી છે. આજે દરેક વ્યક્તિ પોતાના ખાતાની ઝિંણવટપૂર્વક તપાસ કરી જુવે કે ૨૦૧૪ પહેલા તેના ખાતામાં કેટલા વ્યવહારો થતા અને ક્યા પ્રકારના ચાર્જિસ લેવામાં આવતા હતા. અને ૨૦૧૪ પછી ખાતામાં વ્યવહારો કેટલા વધ્યા અને વ્યવહારોમાં ચાર્જિસ કેટલા લેવામાં આવ્યા, તો તમારી આંખો પહોળી થઈ જશે.! મારા એક ક્લાયન્ટ કે જેમને જુદા જુદા ચાર્જિસના નામે એક ખાનગી બેંક દ્વારા છેલ્લા નવ મહિનામાં ૮૪૦૦૦ રૂ. કાપી લેવામાં આવ્યા. જ્યારે મેં તેમને જાણ કરી તો તેઓ સ્તબ્ધ રહી ગયા. બેંકમાં જઈને તેમણે તપાસ કરી તો ખબર પડી તેઓએ ચોક્કસ રોકડ જમા કરાવવાની સીમાથી વધારે જમા કરેલ છે. એટલા માટે આટલા ચાર્જિસ લેવામાં આવ્યા.
વર્તમાન બેંકિંગ સિસ્ટમમાં ચાર્જિસની ભરમાર છે. બેંકો દ્વારા RTGS ચાર્જિસ ૧.૫થી ૧૫૦૦ રૂ. સુધી લેવામાં આવે છે. મિનિમન બેલેન્સ ચાર્જિસ ૫૦ થી લઈને ૧૦૦ રૂ. સુધી લેવામાં આવે છે. મજબૂરીવશ કોઈને પૈસા ઉપાડવા પડે તો તેની મજબૂરીનું બેંકો કેવો ફાયદો ઉઠાવે છે. હમણાં જ એક મિત્રે મને તેની બેંકમાં સાથે જવા માટે કહ્યું. કારણ પૂછતા તેમણે જણાવ્યું કે બેંકે છેલ્લા ૪ મહિનામાં ૧૪૦૦ રૂ. કાપી લીધા છે. જ્યારે મારૂ બેલેન્સ ૧૦૦૦ કરતાં વધારે છે. મે તેને જાણકારી આપતાં જણાવ્યું કે હવે ઓછામાં ઓછું બેલેન્સ ૫૦૦૦ રૂ. થઈ ચુક્યું છે. ત્યારે તેને જ્ઞાન થયું. રોકડ જમા કરવાથી બેંક દ્વારા ઓછામાં ઓછા પાંચ રૂ. ચાર્જિસ તરીકે લેવામાં આવે છે. આ ચાર્જિસની રકમ રોકડની રકમ સાથે વધતી જાય છે. અસંગઠિત બજારમાં રોકડ દ્વારા જ વ્યવહારોની આપ-લે થાય છે. હવે બજારમાં ધંધો કરનાર વેપારી એ રોકડ લઈને જાય ક્યાં? મને અને સૌને બેંકમાં થતા કોઈપણ વ્યવહારનો મેસેજ આવે છે, તેનો ત્રી-માસિક પંદર રૂ. ઓછામાં ઓછો ચાર્જ લેવામાં આવે છે. એક ચેક બાઉન્સ થાય ત્યારે, એટીએમ કાર્ડ લેવામાં આવે ત્યારે અને તેને એક વર્ષ પુરૂં થાય ત્યારે, એવરેજ બેલેન્સ નીચે જાય ત્યારે, સ્ટેટમેન્ટ કાઢો ત્યારે, ચૅક બુક લેવા જાવ ત્યારે, ચાર્જિસ,ચાર્જિસ અને ચાર્જિસ. અને આ તમામ ચાર્જિસ ઉપર બેંક ૧૮% લેખે જી.એસ.ટી. કાપે એ અલગ. એટલે પડતા પર પાટુ. એક ભાઈની પાસબુક જાઈને હું ચોંકી ઉઠ્યો. તેમાં વ્યવહારોની સંખ્યા કરતા બેંકના ચાર્જિસની સંખ્યા વધારે હતી.!
બેંક પોતાના મેન્ટેનેન્સને પહોંચી વળવા માટે ચાર્જિસ લે, તેનો હું સમર્થક છું. પરંતુ આટલા બધા ચાર્જિસ સ્વભાવિક ન્યાયની વિરુદ્ધ છે. સૌથી પહેલા તો મિનિમન બેલેન્સ પર કોઈ ચાર્જિસ હોવો જ ન જાઈએ. અને બીજા પ્રકારના ચાર્જિસ પણ વ્યાજબી હોવા જાઈએ. ચાર્જિસના મારાથી પરેશાન દેશનો આમ નાગરિક હતાશ અને નિરાશ થઈ ગયો છે. દેશ અને તેની પ્રજાને શાંતિ અને સમૃદ્ધિના ફકત સ્વપ્નો જ દેખાડવાથી ખરેખર શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ જતી નથી. માત્ર લોકોની મજબૂરીનું આ રીતે ફાયદો ઉઠાવવો હિતાવહ્ નથી.
–•–