દેશના સક્રિય વિદ્યાર્થી સંગઠન એસ.આઇ.ઓ. ઓફ ઇન્ડિયા એ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને “વિદ્યાર્થી ઘોષણાપત્ર” (Students Manifesto) રજૂ કર્યું છે. આ ઘોષણાપત્રમાં શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં મુસ્લિમો માટે ૧૦ ટકા અને અન્ય લઘુમતીઓ માટે ૫ ટકા અનામતની માંગ કરી છે.
પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયા, નવી દિલ્હી ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં પોતાની વાત મૂકતા રાષ્ટ્રીય અધ્યક્ષ લબિદ શાફીએ કહ્યું કે અમે આ વિદ્યાર્થી ઘોષણાપત્રમાં જાહેર કરેલ માંગોને વિવિધ રાજકીય પક્ષો સમક્ષ લઈ જઈશું અને પ્રયત્ન કરીશું કે તેઓ પોતાના ઘોષણાપત્રમાં વિદ્યાર્થીઓ અને યુવાનોને લગતી આ માંગોને સ્થાન આપે.
ઘોષણાપત્રમાં વિદ્યાર્થીઓ અને યુવાનોને લગતી માંગોને ત્રણ ભાગોમાં વિભાજીત કરવામાં આવી છે.
(૧) શિક્ષણ : શિક્ષણની કથળતી હાલત અને શૈક્ષણિક સંસ્થાનોમાં સામાજિક ન્યાયને સામે રાખીને RTE એક્ટ, ઉચ્ચ શિક્ષણમાં ફેલોશિપ તેમજ સચ્ચર કમિટીની ભલામણો તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે.
મુખ્ય માંગો :-
– શૈક્ષણિક સંસ્થાઓમાં અને સરકારી નોકરીઓમાં મુસ્લિમોને ૧૦ ટકા અને અન્ય લઘુમતીઓને ૫ ટકા અનામત.
– RTE એક્ટને આયોજનબદ્ધ રીતે લાગુ કરવામાં આવે.
– મૌલાના આઝાદ નેશનલ ફેલોશિપ અને રાજીવ ગાંધી નેશનલ ફેલોશિપ અંતર્ગત મળતા સ્ટાયપેન્ડને વધારવામાં આવે.
– અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને જામિયા મિલિયા ઇસ્લામિયાના લઘુમતી દરજ્જાને યથાવત્ રાખવામાં આવે.
– વિશ્વવિદ્યાલયોમાં અરબી અને ઇસ્લામિક સ્ટડીઝના વિભાગો શરૂ કરવામાં આવે.
(૨) યુવાનો : ઘોષણાપત્રમાં યુવાનોના મુદ્દાઓને વાચા આપવા નીચે મુજબની માંગો કરવામાં આવી.
મુખ્ય માંગો :-
– સરકારી નોકરીઓમાં ખાલી જગ્યાઓ શક્ય તેટલી વહેલી ભરવામાં આવે.
– સરકારી નોકરીઓની પસંદગી પ્રક્રિયાને પારદર્શક અને નિષ્પક્ષ બનાવવામાં આવે.
– રંગનાથ મિશ્રા કમિશનની ભલામણ મુજબ સાર્વજનિક ક્ષેત્રની નોકરીઓમાં અનામત આપવામાં આવે.
(૩) માનવાધિકાર : ઘોષણાપત્રમાં માનવાધિકાર પર પ્રકાશ પાડતા ધાર્મિક અને અન્ય લઘુમતીઓ પર થતી હિંસા વિરુદ્ધ કાયદો ઘડવાની માંગ કરવામાં આવી છે.
મુખ્ય માંગો :-
– આસામમાં નાગરિકોના રાષ્ટ્રીય નોંધણી કાર્યક્રમ (NRC)ને નિષ્પક્ષ અને પારદર્શક પધ્ધતિથી ચલાવવામાં આવે.
– માનવાધિકારોના સંરક્ષણ માટે બનેલી સંસ્થાઓને મજબૂત બનાવવામાં આવે.
– CrPC ૧૯૭ કાયદાને નાબૂદ કરવામાં આવે.
આ ઘોષણાપત્રના વિમોચન વખતે સંગઠનના રાષ્ટ્રીય હોદ્દેદારો સહિત વિવિધ વિશ્વવિદ્યાલયો (AMU, JNU, JMI)ના વિદ્યાર્થી પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યાં.