એક તરફ જ્યાં સમગ્ર વિશ્વના મોટાભાગના દેશો ભવિષ્યના પોતાના પડકારોનું આકલન કરવા તથા તેનાથી નિપટવામાં પોતાની સંપૂર્ણ મેધાને ઝોંકી રહ્યા છે, ત્યાં જ ભારતમાં મોટી સંખ્યામાં રાજકીય નેતૃત્વ આજે પણ જાતિ અને ધર્મને નકારાત્મક રૂપથી મુખ્ય વિમર્શ બનાવવામાં પોતાની પૂરી ઊર્જા ખપાવી રહ્યા છે.
હાલમાં જ કાંવડ યાત્રાના માર્ગમાં દુકાનદારોને નામની પ્લેટ લગાવવા સંબંધે સરકારી આદેશ આનું તાજું ઉદાહરણ છે. જો કે સુપ્રીમ કોર્ટે કાંવડ-યાત્રીઓના માર્ગ પર આવેલ તમામ ખાદ્ય દુકાનોના માલિકોના નામ મુખ્ય રીતે પ્રદર્શિત કરવાના ઉત્તર પ્રદેશ સરકારના આદેશ પર સ્ટે આપી દીધો, પરંતુ આ માત્ર એક અસ્થાયી રાહત છે. એક સમાજના રૂપમાં આપણને હજી પણ એ છૂપી માનસિકતાનો સામનો કરવો પડશે, જેનું પ્રતિનિધિત્વ ઉત્તર પ્રદેશ સરકારનો આ આદેશ કરતું હતું.
આજે વિશ્વ બેરોજગારી, વિવિધ પ્રકારના રોગો, મંદી વિ.ની સામે ઝઝૂમી રહ્યું છે. સાથે જ આવનારા પડકારોને લઈને બેચેન છે. આ ઉપરાંત પર્યાવરણ, ગ્રીન ગેસોના આતંક, પ્રદૂષણ તથા ગેસ ઉત્સર્જનના કારણો વિવિધ પ્રકારના થતા બદલાવને લઈને પણ પડકાર બનતો દેખાઈ રહ્યો છે, તો ભારતમાં રાજકીય નેતૃત્વ જાણે કે તમામ તથ્યોથી અજાણ ક્યારેક હિંદુ-મુસ્લિમ, તો ક્યારેક મંદિર-મસ્જિદમાં ગૂંચવાયેલ દેખાય છે. આને વૈચારિક દેવાળિયાપણું જ કહેવાશે.
જે મુદ્દાઓનો લોકોની ભલાઈ સાથે કોઈ સંબંધ નથી અને ઓછામાં ઓછા ૯૦ ટકાથી વધુ લોકોનો તો કોઈ જ સંબંધ નથી, એ મુદ્દાઓથી દેશને ગેરમાર્ગે દોરવા શું દેશ અને સમાજ સાથે ગદ્દારી નથી ?
કાંવડ-યાત્રાની પરંપરા હિંદુ ધર્મનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે અને સરકાર આની સ્વતંત્ર અભિવ્યક્તિ માટે તમામ આવશ્યક ઉપાય કરી શકે છે. એ વ્યવસાયિક પ્રતિષ્ઠાનોના વિવિધ વિવરણોને સાર્વજનિક કરવાની માગ પણ કરી શકે છે, આ શરતે કે તે સાર્વજનિક હિતમાં હોય; પરંતુ આપણે કોઈ ભ્રમમાં ન રહેવું જોઈએ. દુકાન માલિકના નામને પ્રદર્શિત કરવાના સરકારી આદેશોના મુસલમાનોને લક્ષ્ય બનાવતાં તેમનો બહિષ્કાર કરવા સિવાય કોઈ અન્ય હેતુ દેખાતો ન હતો.
સરકાર કાંવડ-યાત્રાને સુવિધાજનક બનાવવાના તમામ પ્રયત્નો જરૂર કરી શકે છે, પરંતુ તે એનાથી આગળ વધી રહી હતી. તેનો તર્ક હતો કે એ આદેશ કાંવડિયાઓને એવો નિર્ણય લેવામાં સક્ષમ બનાવવા માટે હતો કે જેનાથી યાત્રાની પવિત્રતા યથાવત્ રહે. આ અનેક કારણોથી સાંપ્રદાયિક તર્ક છે. કાંવડયાત્રીઓ જેમની સાથે ઇચ્છે ખરીદ-વેચાણ કરી શકે છે. આ આદેશોથી સરકારી અધિકારીઓને નાના દુકાનદારોને હેરાન-પરેશાન કરવા અને તેમની ઓળખ અને કાગળોની સતત તપાસ કરવાનો હક્ક મળી જતો. આ ‘મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નેન્સ’ ના સિદ્ધાંતને અનુરૂપ પણ ન હતું.
આનાથી પણ ગંભીર વાત આ હતી કે આ આદેશ મુસલમાનોની દુકાનોને અન્ય દુકાનોથી સ્પષ્ટરૂપે અલગ કરવાની અનુમતિ આપનારો હતો. અંતે કોઈ આ દુકાન માલિકોની સાર્વજનિક રૂપથી ઓળખ કેમ કરવા ચાહશે ? આની પાછળ આ તર્ક હતો કે ધોખેબાજી અને અશુદ્ધતાથી બચવા માટે દુકાનદારની ઓળખ જરૂરી કે કોઈ દુકાનનું નામ હિંદુ જેવું લાગતું હોય, પરંતુ એ કોઈ મુસ્લિમ દ્વારા સંચાલિત હોઈ શકે છે. ત્યાં જ આ આદેશ તીર્થયાત્રીઓને ફક્ત હિંદુઓથી ભોજન ખરીદવાની પરવાનગી આપીને કાંવડયાત્રાની શુદ્ધતા જાળવી રાખવામાં મદદ કરતો.
જો તમે આના પર સોશ્યલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ પર નજર નાખશો તો સ્પષ્ટ થઈ જશે કે આ આદેશોની પાછળ એ પૂર્વગ્રહ છુપાયેલ હતો કે મુસલમાનો પોતાની ઓળખ ખોટી રીતે રજૂ કરી ધોખેબાજી કરે છે, પરંતુ કોઈ દુકાનનું એવું નામ હોવું ગેરકાયદેસર નથી, જે તેના માલિકના ધર્મને દર્શાવતો ન હોય. આ શરમની જ વાત હોવી જોઈએ કે ભારતમાં લઘુમતી અને દલિતો પોતાની ઓળખ છુપાવીને જ વ્યાપાર કરી શકે છે. આનાથી પણ વધુ ખતરનાક વાત આ છે કે આ વિમર્શ આ વિચારને સામાન્ય બનાવે છે કે મુસલમાનો કોઈક પ્રકારના પ્રદૂષણના સ્ત્રોત છે.
યાદ રાખો કે ધાર્મિક સમૂહોના પોતાના નિષેધ હોય છે. મુસલમાનો હલાલ ભોજનને પ્રાથમિકતા આપે છે. કાંવડયાત્રી શાકાહારી કે સાત્વિક ભોજન પસંદ કરી શકે છે. તેઓ આ વિકલ્પોનો પ્રયોગ કરવા માટે સ્વતંત્ર છે, પરંતુ આ વિકલ્પ વેચાઈ રહેલા ઉત્પાદનની ગુણવત્તાથી નક્કી થાય છે, વેચનારાની ઓળખથી નહીં.
આથી આ આગ્રહ કે શુદ્ધતા માટે કોઈ દુકાનમાલિકની ઓળખ જાણવી જરૂરી છે, મુસલમાનોને લક્ષ્ય બનાવવા સિવાય બીજું કંઈ જ નથી લાગતું. આ વહીવટી આદેશોની આડમાં અસ્પૃશ્યતાના એક નવા રૂપને સંસ્થાગત બનાવવાનો પ્રયાસ હતો.
ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશની યોગી સરકાર દ્વારા લેવામાં આવેલ આ પગલા પછી રાજકીય ક્ષેત્રે વિશેષ ગરમાવો જોવા મળ્યો. સપા, બસપા સહિત તમામ વિરોધ પક્ષોએ તો આનો વિરોધ કર્યો જ, પરંતુ સાથે જ ભાજપના સાથી પક્ષોએ પણ આ આદેશ પર વાંધો દર્શાવતાં આને પાછો ખેંચવાની માગ કરી. મંત્રી ચિરાગ પાસવાને પણ યોગીના આ ફેસલા પર વાંધો વ્યક્ત કર્યો. તેમનું કહેવું હતું કે મારી લડત જ્ઞાતિવાદ અને સાંપ્રદાયિકતાની વિરુદ્ધ છે. આથી જ્યાં પણ જાતિ અને ધર્મના વિભાજનની વાત હશે હું તેનું સમર્થન ક્યારેય પણ નહીં કરૂં. ભાજપના વરિષ્ઠ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ પણ આ આદેશને છૂતછાત કે અસ્પૃશ્યતાને વધારનાર ગણાવ્યો. જો કે પાછળથી પોતાના નિવેદનથી ફરી જતા દેખાયા. ભાજપના અન્ય સહયોગી રાષ્ટ્રીય લોકદલના પ્રદેશ અધ્યક્ષ રામાશીષ રાયે આ આદેશને ગેરબંધારણીય, જાતિ અને સંપ્રદાયને વધારનાર ગણાવ્યો.
એક તરફ જ્યાં મુખ્ય વિપક્ષી પક્ષ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આ આદેશને બંધારણ, લોકશાહી અને આપણા સંયુક્ત વારસા પર આક્રમણ ગણાવ્યો, તો બીજી બાજુ બસપા સુપ્રીમો માયાવતીએ આના પર પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે ચૂંટણીકીય લાભ ખાતર આ આદેશ પૂરી રીતે ગેરબંધારણીય છે. ધર્મ વિશેષના લોકોનો આ રીતે આર્થિક બહિષ્કાર કરવાનો પ્રયાસ ખૂબ જ નીંદનીય છે. સાથે જ સપા સાંસદ પ્રો. રામ ગોપાલ યાદવનું કહેવું હતું કે લોકસભાની ચૂંટણીઓમાં પોતાના પરાજયથી અટકાયેલ સરકાર પ્રદેશને સાંપ્રદાયિકતાની આગમાં ઝોંકવા ચાહે છે.
સારાંશરૂપે આ કહી શકાય છે કે કોઈ પણ ન્યાયપ્રિય વ્યક્તિ દ્વારા એવા કોઈ પણ સરકારી આદેશનું સમર્થન કરી ન શકાય કે જે સાંપ્રદાયિક વિભાજનની વાત કરતો હોય.
કોઈ પણ દેશ અને સમાજના નેતૃત્વની આ જવાબદારી હોય છે કે એ પોતાના ત્યાં ધાર્મિક અને સામાજિક કટુતા દૂર કરે, અવિશ્વાસ ખતમ કરે અને ઇતિહાસની કટુતાથી પોતાના સમાજ અને દેશને દૂર રાખવાનું માધ્યમ બને. નવી પીઢીને નવો પ્રગતિશીલ સમાજ અને દેશ બનાવવાને પ્રેરિત કરે, નહીં કે જૂની કટુતા આવનાર પીઢીને સોંપે. તેમ છતાં જે લોકો આવું કરે છે તેઓ એવા લોકો છે જેમની પાસે દેશ, સમાજ અને માનવતા માટે કોઈ સાર્થક સપના નથી. તેઓ દેશને ફક્ત જાતિ અને ધર્મમાં ગૂંચવી નાખીને અસલ કે સાચા મુદ્દાઓથી મોઢું છુપાવવા ચાહે છે. દેશ અને સમાજે આવા લોકોને અરીસો બતાવવો જ પડશે ત્યારે જ આવા લોકોથી મુક્તિ મળશે. •••