Friday, December 27, 2024
Homeમનોમથંનવાત 'ચાર્લી એબ્દો' પરના હુમલાની

વાત ‘ચાર્લી એબ્દો’ પરના હુમલાની

પેરિસના એક સાપ્તાહિક મેગેઝીન ‘ચાર્લી એબ્દો’ના કાર્યાલય પર હુમલાએ સમગ્ર વિશ્વમાં ઇસ્લામ તથા મુસ્લિમ વિરોધીઓને એ તક પૂરી પાડી દીધી કે તેઓ ઇસ્લામ તથા મુસ્લિમો વિરુદ્ધ વિષ-વમન કરી શકે, તેમને બદનામ કરી શકે અને તેમના પર જુલ્મ તથા અત્યાચારને યોગ્ય ગણાવી શકે. અગાઉથી જાણકારી હોવા છતાં ‘હાઈ સિક્યુરિટી ઝોન’ ધરાવતા આ મેગેઝીનના કાર્યાલય પર ૩ નકાબપોશો દ્વારા ૧૨ પત્રકારો અને એક પોલીસ અધિકારી સહિત તમામના કેવી રીતે મૃત્યુ નિપજાવાયા એ એક મોટો પ્રશ્ન છે. ત્યારબાદ પાસેના સુપર માર્કેટ પર હુમલો થયો અને એ ત્રણેય હુમલાખોરોને પણ મારી નાખવા કે જેથી આ સમગ્ર ઘટના પરથી ક્યારેય પર્દો ઊંચકાય જ નહીં. સાથે જ ગણત્રીના કલાકોમાં કોઈ પણ તપાસ વિના હુમલાખોરોની ઓળખ થઈ ગયાના દાવા સાથે તેમના નામ અને સ્કેચ બહાર પાડવા વિ. એવી બાબતો છે જે શંકાઓ ઉપજાવનારી છે.

આમેય ‘ચાર્લી એબ્દો’નો ભૂતકાળ આવો જ વિવાદાસ્પદ અને કલંકિત રહ્યો છે. ઈ.સ. ૧૯૭૦માં શરૃ થયેલ આ મેગેઝીનનું આર્થિક સંકટને લઈ ઇ.સ. ૧૯૮૧માં પ્રકાશન અટકી ગયું હતું અને ઈ.સ. ૧૯૯૨માં તેના પ્રકાશનનો બીજો તબક્કો શરૃ થયો હતો. ઈ.સ. ૨૦૧૧માં પણ તેણે એક વિશેષાંક પ્રકાશિત કર્યો હતો જેમાં હુઝૂર સ.અ.વ.ની શાનમાં ઘૃષ્ટતા કરવામાં આવી હતી ત્યારે પણ સમગ્ર વિશ્વમાં તેની સામે વિરોધ-પ્રદર્શનો તથા દેખાવો થયા હતા અને ખુદ ફ્રાંસમાં પણ અસાધારણ જનાક્રોષ ભભૂકી ઊઠ્યો હતો અને તેના કાર્યાલયને આગ ચાંપવામાં આવી હતી. પરંતુ આ કાર્યવાહીઓના પરિણામે તેનું સર્કયુલેશન ૪૫ હજારથી વધીને ૧ લાખ ૭૫ હજાર થઈ ગયું હતું. કદાચ આવી જ ગણત્રી સાથે તેણે એ ચેષ્ટા કરી હતી.

અને હવે આ વખતના એ મેગેઝીનના કાર્યલય પરના હુમલાને પણ જ્યાં અન્યોની સાથે અનેક મુસ્લિમ સંગઠનોએ પણ વખોડ્યો છે ત્યાં જ કેટલાક લોકો અને ખુદ ફ્રાંસના મુસ્લિમો એક પૂર્વ યોજિત ષડ્યંત્ર ઠેરવી રહ્યા છે. અને અડધાથી વધુ ફ્રાંસવાસીઓ ઉપરાંત યુરોપના પણ અનેક દેશોએ ‘ચાર્લી એબ્દો’ની તાજેતરની કુચેષ્ટાને વખોડી કાઢી છે. વેટિકનના ધર્મગુરૃ પોપ ફ્રાંસિસ અને ફ્રાંસના પ્રમુખ હોલાન્દેએ પણ આની ટીકા કરી છે. આ અંગે જાણીતા ફ્રાંસિસી પત્રકાર થેરી મેસન (Thierry Meyssan)એ તો સ્પષ્ટપણે અને વિસ્તૃત રીતે લખ્યું છે કે આ હુમલો મુસ્લિમ યુવાનો તરફથી નથી કરાયો બલ્કે મુસલમાનોની છબી બગાડવા માટે સ્થાનિક ગુપ્તચર સંસ્થાની આ કારસ્તાની છે. તેમણે પોતાના એ લેખમાં એ હુમલા પાછળ કુખ્યાત ઇઝરાયલી ગુપ્તચર સંસ્થા ‘મોસાદ’નો હાથ હોવાની શંકા પણ વ્યક્ત કરી છે. આ અંગે પેરિસ ખાતેની ‘મીલિયન માર્ચ’માં ઇઝરાયલી પ્રમુખ નેત્યનયાહુની હાજરી ઘણું બધું કહી જાય છે.

બીજી બાજુ જોઈએ તો આ ઘટના બાદ ફ્રાંસની સરકારે તાત્કાલિક ધોરણે ‘ચાર્લી એબ્દો’ને ૧૨ લાખ અમેરિકી ડૉલરની મદદ આપી. ‘ગુગલ’ તરફથી ૨ લાખ ૫૦ હજાર ડૉલરની સહાય પૂરી પાડવામાં આવી. બ્રિટનના જાણીતા અખબાર ‘ધી ગાર્જિયન’ એ ૧ લાખ ૫૦ હજાર ડૉલર આપ્યા. દેખીતું છે કે શરૃઆતમાં જ આટલી બધી મદદ મળતાં તેની ‘હિંમત’ વધી અન ેતેણે તેના છેલ્લા ૬૦ હજાર નકલોના પ્રકાશન સામે ૧૦ લાખ નકલો છાપવાનો નિર્ણય લીધો.

આ તમામ બાબતોને જોતાં આ અભિપ્રાય બાંધવો તદ્દન યોગ્ય જ હશે કે ક્યાં તો આવા લોકો, આવા અખબારો કે આવા સંગઠનો પોતાની નિમ્નકક્ષાની હરકતોથી સસ્તી ખ્યાતિ મેળવવા ચાહે છે અથવા તો ઇસ્લામ તથા મુસ્લિમ દુશ્મન ખ્રિસ્તીઓ અને યહૂદી સરકારો તેમના વાણી તથા વર્તનનો પોતાના હેતુઓ કે સ્વાર્થ સિદ્ધ કરવા ઉપયોગ કરે છે. પરંતુ બીજી બાજુ મુહમ્મદ સ.અ.વ. ના અનાદરને મુસલમાનો કોઈ પણ સ્થિતિમાં સહન નથી કરી શકતા, આથી ઇસ્લામના મૂળ સ્વભાવ અને પ્રકૃતિ પર અમલ કરી મુસ્લિમ દેશો અને અન્ય ન્યાયપ્રિય લોકોએ આ સંબંધે યોગ્ય કાયદા-કાનૂન ઘડવા અને અમલ કરવા-કરાવવા પ્રયત્નો કરવાની આવશ્યક્તા છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે તેનો દુરુપયોગ અને બેવડા માપદંડો બંદ કરવા જોઈએ. બીજું મહત્વપૂર્ણ કાર્ય આ પણ કરવાની તાતી જરૂરત છે કે મુસલમાનો મુહમ્મદ સ.અ.વ થી પ્રેમ અને અકીદતના મૌખિક દાવાઓ કરવાના બદલે અમલી પુરાવા આપે. અમને કદાચ આ વાતનો અહેસાસ પણ નથી હોતો કે રાત-દિવસના આપણા કાર્યોમાં કેટલીય વખત આપણે રસૂલ સ.અ.વ. ની અવજ્ઞા કરી બેસીએ છીએ.

આમ દરેકે દરેક ક્ષેત્રે યથા-યોગ્ય કાર્યવાહી અને અમલી નમૂના દ્વારા ઇસ્લામ તથા મુસ્લિમ દુશ્મનોને તેમના કુત્સિત પ્રયત્નોમાં નિષ્ફળ બનાવવા તમામે તમામ પ્રયત્નો કરવા જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments