સહાનુભુતિ અને ત્યાગ માણસાઇના એવા બે અંગો છે જેના દ્વારા દરેક સમાજમાં પ્રેમ અને ભાઇચારાનું સિંચન કરી શકાય. આના દ્વારા એક સમાજ એવી રીતે અસ્તિત્વમાં આવે છે, જેમ કે કોઇ દિવાલની ઇંટો એક બીજાને સહારો આપતા તેનાથી જોડાયેલી હોય છે. એક સફળ, ખુશહાલ તેમજ પ્રગતિશીલ માનવ સમાજની ઓળખ માટે એ જરૂરી છે કે તેમા વસતા લોકો એક બીજા માટે સહાનુભુતિ, ત્યાગ તેમજ પ્રેમની ભાવના ધરાવતા હોય. એક બીજાને કામ આવતા હોય તેમજ એક બીજાની તકલીફને પોતાની તકલીફ સમજી તેને દૂર કરવા પ્રયત્ન કરતા હોય. બિમાર માણસના ખબર-અંતર પુછતા હોય તેમજ જરૂરતમંદને સહાય કરવા માટે હંમેશા તત્પર રહેતા હોય જેથી સમાજના દબાયેલા-કચડાયેલા અનેે આર્થિક રીતે પછાત વર્ગના લોકોમાં એવી ભાવના ન ઉદ્ભવે કે અમારી આ સ્થિતિને કારણે અમને પુછવાવાળું કોઇ નથી.
એક બીજાના કામ આવવું તે સહાનુભુતિ છે. પણ સહાનુભૂતિની પાયાની શરત એ છે કે તે નિસ્વાર્થ તેમજ ફકત ઇશ્વરને રાજી કરવા માટે હોવી જોઇએ. એની જગ્યા જો એક માનવી બીજા માનવી જોડે ફકત એ માટે સહાનુભુતિ બતાવે કે એના બદલામાં સામેવાળો વ્યક્તિ એના ઉપકાર તળેે દબાયેલો રહે, તેમજ તેની આ સહાનુભુતિની ચર્ચા લોકોમાં થાય અને એના દ્વારા એ પ્રસિદ્ધિ મેળવે તો ઇસ્લામમાં આવી સહાનુભુતિને કોઇ સ્થાન નથી.
ઇસ્લામમાં સહાનુભુતિની ભાવના ફકત એ માટે ઉદ્ભવી જોઇએ કે જેનાથી તે પોતાના ઇશ્વરને રાજી કરી શકે અને જ્યારે એક માનવી બીજા માનવી જોડે ફકત ઇશ્વરની પ્રસન્નતા ખાતર સહાનુભુતિ દાખવે છે તો તેના મનમાં એક અનોખો આધ્યાત્મિક સંતોષ જોવા મળે છે કે જેનું શબ્દોમાં વર્ણન કરવું અશક્ય છે અને હદીષમાં પણ આવ્યું છે કે જ્યારે કોઇ માનવી પુણ્યનું કાર્ય કરે છે ત્યારે તેના મનમાં એક અનોખા સંતોષની લાગણી જન્મે છે અને જ્યારે કોઇ પાપનું કાર્ય કરે છે ત્યારે તેનું મન તેને ધિકકારે છે.
સહાનુભુતિ એ ખુશહાલ તેમજ પ્રગતિશીલ માનવ સમાજની પાયાની જરૂરીયાત છે અને કોઇપણ સમુદાય પ્રગતિના એ ઉચ્ચસ્થાન પર બિરાજમાન નથી થઇ શકતો જ્યાં સુધી એ સમુદાયના લોકોમાં પરસ્પર સહાનુભુતિની ભાવના પ્રવર્તતી ના હોય. જ્યાં સુધી મુસ્લિમ સમુદાયમાં લોકો વચ્ચે એક બીજા માટે સહાનુભુતિ, ત્યાગ તેમજ આપસી પ્રેમની ભાવના હતી ત્યાં સુધી મુસ્લિમ સમુદાય દુનિયામાં પ્રગતિના ઉચ્ચસ્થાને બિરાજમાન હતો પરંતુ જેમ જેમ મુસ્લિમ સમુદાયના લોકોમાં એક બીજા માટે પ્રેમની ભાવના ઓછી થતી ગઇ અને એની જગ્યાએ એક બીજા માટે ઇર્ષ્યા, અહંકાર તેમજ પરસ્પર ખેંચતાણની ભાવના પ્રબળ બનતી ગઇ તેમ તેમ મુસ્લિમ સમુદાય પ્રગતિના શિખર પરથી અદ્યોગતિના નીચલા સ્તરે આવી ગયો.
વર્તમાન સમયમાં આપણે જોઇએ છીએ કે મધ્યપુર્વ એશિયામાં જેટલા પણ મુસ્લિમ રાષ્ટ્રો છે જેમ કે ઇરાન, ઇજિપ્ત, ઇરાક, અફઘાનિસ્તાન, સિરિયા તેમજ ફિલિસ્તીન કે જેના પર અમેરિકા તેમજ તેના મિત્ર રાષ્ટ્રો દ્વારા અત્યાચારો તેમજ જુલ્મ-સિતમને મુકપ્રેક્ષક બનીને જોઇ રહ્યા છે અને કેટલાક તો આ અત્યાચારોમાં આડકતરી રીતે અમેરિકા તેમજ તેના મિત્ર રાષ્ટ્રોને સહાય પણ કરી રહ્યા છે અને આ ફકત એટલા માટે બન્યું કે મુસ્લિમ સમુદાયમાં એક બીજા માટે સહાનુભુતિ, ત્યાગ તેમજ પ્રેમની ભાવના ઓછી થતી ગઇ અને તેઓ ફકત પોતાના અંગત સ્વાર્થ અને પરસ્પર ખેંચતાણના કારણે એક બીજાના દુશ્મન બની ગયા ને તેનો ફાયદો ઇસ્લામ દુશ્મનો તેમજ અમેરિકા અને તેના મિત્ર રાષ્ટ્રો એ પુરે પુરે ઉઠાવ્યો.
અફસોસની વાત એ છે કે હઝરત મુહમ્મદ (સ.અ.વ.) કે જેઓ સમગ્ર માનવજાત માટે રહેમત બનીને આવ્યા હતા અને તેમના અનુયાયીઓની આ જવાબદારી હતી કે તેઓ સમગ્ર માનવસમાજમાં એકેશ્વરવાદ, પ્રેમ, ભાઇચારા, સહાનુભુતિ તેમજ ત્યાગનો સંદેશો પહોંચાડે એની જગ્યાએ તેઓ નાની નાની વાત તેમજ પોતાના અંગત અહંકારને લઇને પોતે નાના નાના પેટા સમુદાયમાં વહેંચાઇ ગયા અને એક બીજાથી નફરત કરવા લાગ્યા અને એટલા માટે જ અલ્લામા ઇકબાલ (રહે.) એ કહ્યું છે કે,
એક હો જાએં તો બન સકતે હૈં ખુરશીદે મુબીં
વરના ઇન બિખરે હુએ તારો સે ક્યા બાત બને
હવે સહાનુભુતિથી થોડા આગળ વધીએ તો સહાનુભુતિનું સર્વોત્તમ સ્થાન એ ત્યાગ છે. સહાનુભુતિનો અર્થ એ થયો કે આપણે આપણા ભોજનમાં ભુખ્યા માણસને શામેલ કરીએ પણ ત્યાગનો અર્થ એ છે કે આપણે પોતાની ભુખ કરતા એ ભુખ્યા માણસની ભુખને વધારે પ્રાથમિક્તા આપીએ અને સમગ્ર ભોજન એ ભુખ્યા માણસને આપી આપણે પોતે ભુખ્યા પેટે સુઇ જઇએ. અહિંયા કહેવાનો અર્થ એ છે કે ત્યાગ એ સહાનુભુતિનું સૌથી શ્રેષ્ઠ સ્થાન છે. એનો સીધો અર્થ એ થયો કે આપણે બીજાની જરૂરીયાતને પોતાની જરૂરીયાત કરતા વધારે પ્રધાન્ય આપવું જોઇએ અને કુઆર્ને કરીમમાં આપ (સ.અ.વ.) તેમજ આપના સાથીઓ સહાબા (રદિ.)ની આ ખુબીનો ખુબજ શ્રેષ્ઠતા પુર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, “તેઓ પોતાની તંગદસ્તી તેમજ ગરીબાઇ હોવા છતાં પણ બીજાઓને પોતાની જાત પર વધારે પ્રધાન્ય આપતા હતા.”
નબીએ કરીમ (સ.અ.વ.)ના સાથીઓ પર (સહાબા રદિ.) શિક્ષણની એવી અસર હતી કે આપ બધા જ ત્યાગનું એક ઉત્તમ ઉદાહરણ બની ગયા હતા અને તેથી જ જ્યારે મક્કાના મુસ્લિમો હિજરત કરીને પોતાના ઘર-બાર તેમજ સર્વસ્વ છોડીને મદીના ગયા ત્યારે મદીનામાં વસતા અન્સાર લોકોએ તેમને હાથો-હાથ વધાવી લીધા. તેમજ સહાનુભુતિ અને ત્યાગનું એવું ઉદાહરણ રજુ કર્યું જે આજ દિવસ સુધી માનવ ઇતિહાસમાં જોવા નથી મળતું.
એક વાર એક ભુખ્યો માણસ આપ (સ.અ.વ.) સમક્ષ રજુ થયો અને તે સમયે આપ (સ.અ.વ.) પાસે પાણી સિવાય કંઇ જ ન હતું. તેથી આપ (સ.અ.વ.) ફરમાવ્યું કે જે માણસ આજની રાત આ ભુખ્યા માણસને પોતાનો મહેમાન બનાવશે તેની ઉપર ઇશ્વરની કૃપા થશે. અને આ મોકો એક અન્સારી સહાબા (રદિ.)ને મળ્યો. તેઓ તે મહેમાનને પોતાના ઘરે લઇ ગયા. પરંતુ સંજોગોવસાત તેમના ઘરે પણ ખાવા પીવાની તંગી જ હતી. આથી તેમણે પોતાની પત્ની તેમજ બાળકોને ભુખ્યા સુવડાવી દઇ ઘરનો દીવો ઓલવી પોતે તે મુસાફિર સાથે જમવાની વર્ણતુંક કરવા લાગ્યા જેથી આવનાર મહેમાનને એમ ન લાગે કે તે પોતે એકલો જમે છે અને ઘરના બધા ભુખ્યા છે. સવારે જ્યારે એ અન્સારી સહાબા આપ (સ.અ.વ.) સમક્ષ હાજર થયા ત્યારે તે સહાબા (રદિ.)ને આપ (સ.અ.વ.)એ ઇશ્વરની પ્રસન્નતાની ખુશખબરી આપી. આ આપ (સ.અ.વ.)ના શિક્ષણની જ અસર હતી કે આપના સાથીઓ પોતે તકલીફ વેઠીને બીજાને આરામ આપતા તેમજ પોતે ભુખ્યા રહીને મુસાફર તેમજ મહેમાનોને ભોજન કરાવતા.
જો અલ્લાહે તમને ધન-દોલતથી નવાજ્યા છે અને તેને તમે બીજા પર ખર્ચ કરો એ વાત નોંધ પાત્ર તો છે જ પણ જ્યારે તમારી પાસે પોતે જીવન જરૂરીયાતની વસ્તુઓની અછત હોય અને તમે ફકત અલ્લાહ પર ભરોસો રાખી તેને બીજા માટે ખર્ચ કરો અને આ છતાં પણ તમારા માથા પર કોઇ વળના આવે તે ખરેખર ત્યાગની ઉચ્ચ ભાવનાની નિશાની છે.
આપ (સ.અ.વ.) એ પોતાના સાથીઓને એવું પ્રશિક્ષણ આપ્યું કે તેઓ સહાનુભુતિ તેમજ ત્યાગના પ્રેરણાસ્ત્રોત બની ગયા. જ્યારે વર્તમાન સમયમાં આપ (સ.અ.વ.) અને તેમના શિક્ષણ પર ઇમાન રાખનાર મુસ્લિમ સમાજમાં એક બીજા માટે પ્રેમભાવ, સહાનુભુતિ તેમજ ત્યાગનો અભાવ જોવા મળે છે અને એના કારણે જ આજે સમગ્ર મુસ્લિમ સમાજ વેર-વિખેર તેમજ અત્યાચાર અને જુલ્મ સિતમનો શિકાર બનેલો દેખાય છે. જો આજે પણ મુસ્લિમ સમાજમાં એક બીજા માટે પ્રેમભાવ તેમજ સહાનુભુતિ અને ત્યાગની લાગણી ઉદ્ભવે તો તેઓ આજે પણ દુનિયામાં શ્રેષ્ઠત્તમ સમાજનું નિર્માણ કરી શકશે.