“અમને સીધો માર્ગ બતાવ, એ લોકોનો માર્ગ જેમના ઉપર તે કૃપા કરી, જે પ્રકોપના ભોગ ન બન્યા, જે પથભ્રષ્ટ નથી.” (કુઆર્ન)
વાચકમિત્રો, મારી વાત શરૃ કરતા પહેલાં હું માર્ટિન લ્યુથરના વિચારોનો એક સંદર્ભ રજૂ કરૃં છું. “આપણે દુનિયાની પાછળ એવી દોટ મુકી છે કે જીવનના અસલ ધ્યેયને ભુલાવી દીધો છે કે અંતઃકરણની અવાજને દબાવી દીધી છે. આપણે મિસાઇલોને તેમની મંજિલ સુધી પહોંચાડી છે પણ વ્યક્તિ સમાજને પથભ્રષ્ટ કરી દીધો.” અંતરાત્માની ભ્રષ્ટતા એ સમાજમાં પ્રવર્તતી દરેક વ્યક્તિગત અને સામાજિક બુરાઇઓની જડ છે અને આલોક અને પરલોકમાં નુકસાન ઉઠાવવાનું કારણ પણ.
ભારતદેશમાં આર્થિક સ્તરે GDP દર વધવાની સાથે સાથે અનૈતિક અને અસામાજિક પ્રવૃત્તિનો ઇન્ડેક્ષ પણ ઉંચો આવ્યો છે. આસપાસની પરિસ્થિતિ જોતાં શું નજરે ચડે છે? એક તરફ દુષ્ટતા જેવી અમાનવીય વૃત્તિઓ તો બીજી તરફ પીડિતોની ભરમાર, એક તરફ ગરીબોનું લોહી ચૂસી તેમને ધુત્કારતા અમીરો તો બીજી તરફ ધર્મના નામ પર પોતાનાં જ જેવા મનુષ્યોની કત્લેઆમ કરતાં અજ્ઞાનીઓ, ધનદોલત માટે લોહીના સંબંધોને આડે મૂકી એકબીજાનાં દુશ્મન બની જતાં ભાઇબહેનો તો બીજી તરફ સુખ દુઃખની પરવા કર્યા વિના પોતાનો અજોડ પ્રેમ આપી જેમણે આપણું પાલન પોષણ કર્યું તેવા મા-બાપને ઘરડાઘરમાં મૂકી આવતી આજની યુવાનપેઢી. આવી દરેક અસમાજિક પ્રવૃત્તિઓનું મૂળ કારણ આપણી અંદર વસેલાં અંતરાત્માની દુષ્ટતા છે. આપણે નૈતિકતાની હદ વટાવી ફકત ભૌતિક સુખ સમૃદ્ધિને જ જીવનનો ધ્યેય બનાવી લીધો છે. લાંચરૃશ્વત અને છેતરપિંડી કરી (અનૈતિક) જીતથી નેતાઓ અને સરકારી કર્મચારીઓની છાતી પહોળી થાય છે. ધન દોલન અને વર્ચસ્વની આંધળી દોટે સમાજના લોકોને એકબીજાના હરીફ બનાવી દીધા છે.
“ઇન્સાન કો ઉતના દુઃખ અપને દુઃખ સે નહીં હોતા જીતના દુસરો કે સુખ સે હોતા હૈ.” આ વાક્ય આપણા સમાજને એક અરીસો આપે છે. હકીકતમાં ઇર્ષ્યા અને દ્વેષ જેવી ખતરનાક બિમારીએ સમાજને ખોખલો બનાવી મુક્યો છે. શાળા-કોલેજોથી લઇને મલ્ટીનેશનલ કંપનીઓ સુધી આ બીમારી આપણા સૌમાં ઘર કરી ગઇ છે. ઇર્ષ્યા અને દ્વેષની બિમારીના કારણે સમાજમાં એવી સ્પર્ધા સર્જાઇ છે કે વ્યક્તિથી લઇને સરકાર સુધી દરેક એકબીજાથી આગળ વધવા કોઇ પણ હદે જવા તૈયાર છે. હજુ બહુ મોડું થયુ નથી. આપણી ભૂલોને સુધારવાનો સમય વીતી નથી ગયો. જાગ્યા ત્યારથી સવાર. આપણી લાગણીઓ પર કાબૂ મેળવી સંયમ અને ઇશપરાયણતાને આપણા હથિયાર બનાવીએ. પોતે પણ આગળ વધીએ અને બીજાની સફળતામાં પણ ખુશ થઇએ.
કહેવાય છે ને કે જેવું વાવીશું તેવું લણીશું. પછી શા માટે ઇમાનદારીનો માર્ગ ન અપનાવીએ? દેશની પ્રગતિ માટે શા કારણે નૈતિકતાના પંથે ન ચાલીએ? આ પ્રશ્નો પર ગંભીરતાથી વિચારવાની જરૃર છે. સમાજમાંથી મૃત્યુ પામેલ નૈતિક ગુણોને ફરીથી જીવિત કરવાની જરૃર છે કારણ કે નૈતિકતા મૃત્યુ પામશે તો મનુષ્ય અને પ્રાણીઓના જીવનમાં કોઇ તફાવત નહીં રહે.
અંધકારમાં રાચતી આપણી લાગણી પરના પાટા ખોલીએ. ફકત રાજકારણીઓ પર તેમની ગેરજવાબદારી અને ભ્રષ્ટાચારના આરોપ લગાવતાં પહેલાં પોતે દેશની સમૃદ્ધિ માટે શું કરીએ છીએ તેના પર પણ થોડો ગંભીરતાથી વિચાર કરીએ. આપણે સૌને તો પ્રામાણિક અને સદાચારી બનાવવા માંગીએ છીએ પરંતુ પોતાની જાતને ભૂલી જઇએ છીએ. એ પહેલાં કે અંતઃકરણની દુષ્ટતા આપણને વિનાશ તરફ દોરી જાય. ચાલો સૌ સાથે મળીને વ્યક્તિગત અને સામુહિક રીતે અંતરાત્માની શુદ્ધિનાં પ્રયત્નો કરીએ. ફકત પોતાની જ સફળતાનાં સ્વાર્થને નેવે મૂકી સમાજ અને દેશની પ્રગતિ અને સમુદ્ધિ માટે પણ તનતોડ મહેનત કરીએ. ઇશ્વર સૌને સદ્બુદ્ધિ આપે.