રાજ્યો પોતાની રીતે લોક ડાઉન નહિ લગાવી શકે
જેની આપણે આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે આપણા સામે ભારત સરકારના ગૃહમંત્રાલય દ્વારા અનલૉક-4 ની ગાઇડલાઇન આવી ચૂકી છે, જે અંતર્ગત 1 સપ્ટેમ્બર, 2020થી સમગ્ર દેશમાં કઈ કઈ પ્રવૃત્તિઓ ફરીથી શરૂ થશે અને કઈ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ ચાલુ રહેશે તેની સ્પષ્ટતા કરાઈ છે.
તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સંબંધિત વિભાગો સાથે ચર્ચા વિચારણા બાદ આ ગાઇડલાઇન દેશભરમાં લાગુ કરવા માટે તૈયાર કરાઈ. તો આવો જાણીએ કે આ વખતે કઈ પ્રવૃતિ શરૂ થશે જે લોકડાઉન સમયે બંધ કરવામાં આવી હતી અને કઈ પ્રવૃતિ બંધ રહેશે.
આ વખતે શું શરૂ થશે?
7 સપ્ટેમ્બર, 2020થી તબક્કાવાર મેટ્રો રેલ સુવિધા ફરી શરૂ થશે. જો કે આ અંગે મિનિસ્ટ્રી ઑફ હાઉસિંગ ઍન્ડ અર્બન અફેર્સ દ્વારા નક્કી કરાયેલાં ધોરણો અનુસરવાનાં રહેશે.
21 સપ્ટેમ્બરથી સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય અને અન્ય આયોજનો 100 લોકોની મર્યાદામાં રહીને આયોજિત કરી શકાશે.
21 સપ્ટેમ્બરથી ઓપન એર થિયેટરોને પોતાની પ્રવૃત્તિઓ શરૂ કરવા માટેની મંજૂરી મળશે.
21 સપ્ટેમ્બર બાદ ધો. 9 થી 12ના વિદ્યાર્થીઓ શિક્ષકો પાસેથી માર્ગદર્શન મેળવવાના હેતુસર શાળાની સ્વૈચ્છિક મુલાકાત લઈ શકશે, જોકે, આ હેતુ માટે વાલીએ લેખિતમાં પરવાનગી આપવાની રહેશે.
રાજ્યમાં ગરબાના આયોજનને મળી શકે છે મંજૂરી.
ઓનલાઈન કોચિંગ અને ટેલિ કાઉન્સલિંગ જેવા કામ માટે 50 ટકા ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફને સ્કૂલ બોલાવી શકશે.રાજ્ય સરકાર તેની પરવાનગી આપી શકશે.
નેશનલ સ્કિલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ્સ, ઈડસ્ટ્રિલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ્સ (ITI) અને શોર્ટ ટર્મ ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ આપી શકાશે.
નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ સ્મોલ બિઝનેસ ડેવલપમેન્ટ, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ એન્ટરપ્રેન્યોરશિપમાં પણ ટ્રેનિંગ શરૂ કરી શકાશે.
માત્ર પીએચડી કરી રહેલા રિસર્ચ સ્કોલર્સ માટે હાયર એજ્યુકેશન ઈન્સ્ટિટ્યુટ્સ ખુલશે. ટેક્નિકલ અને પ્રોફેશનલ કોર્સિસ માટે જે પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને લેબોરેટરીનો ઉપયોગ કે એક્સપેરિમેન્ટ વર્ક જરૂરી છે તે કોલેજ જઈ શકશે. રાજ્યો સાથે વાતચીત પછી હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ તેને ખોલવાની પરવાનગી આપશે.
શું બંધ રહેશે?
રેગ્યુલર પેસેન્જર ટ્રેન સેવા બંધ રહેશે.હાલ પસંદગીની ટ્રેનો જ ચાલી રહી છે.
ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ બંધ રહેશે. જોકે, ગૃહમંત્રાલય દ્વારા મંજૂરી સાથે કરાતી આંતરરાષ્ટ્રીય મુસાફરી માન્ય ગણાશે.
મલ્ટીપ્લેક્સ બંધ રહેશે.
થિયેટર, સ્વીમિંગ પૂલ, એન્ટરટેનમેન્ટ પાર્ક, ક્લોઝ્ડ થિયેટર બંધ રહેશે.
આ વખતે મહત્વની વાત એ છે કે રાજ્ય હવે પોતાની રીતે લોકડાઉન નહિ લગાવી શકે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સમાં કહેવાયું છે કે રાજ્ય સરકાર હવે રાજ્ય, જિલ્લા, સબ ડિવિઝન, શહેર કે ગામ્ય સ્તરે કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર કેન્દ્ર સરકારની સલાહ વગર લોકડાઉન લગાવી શકશે નહીં.