(જમાઅતે ઇસ્લામી હિંદના હોદ્દેદારોની એક સભામાં નીચે મુજબનો લેખ વાંચવામાં આવ્યો. સમીક્ષા કર્યા પછી અહીં પ્રસ્તુત કરવામાં આવી રહ્યો છે.)
લોકશાહીમાં ચૂંટણીઓ દેશની રાજકીય દિશા નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. તેમાં એ નિર્ણય થાય છે કે સરકાર કયા પક્ષની હશે અને તે દેશને કઈ દિશામાં લઈ જશે. આપણા દેશમાં ૨૦૧૯માં ચૂંટણીઓ યોજાશે. એવું લાગે છે કે આની અસર ઘણાં લાબા સમય સુધી રહેશે. આનાથી એ નક્કી થશે કે દેશની વ્યવસ્થા શું બંધારણ મુજબ ચાલશે કે અહીં એક ખાસ વર્ગ અને માનસિકતાની સત્તા હશે.
જમાઅતે ઇસ્લામી હિંદે ત્રણ દાયકા પહેલા બે મહત્ત્વના નિર્ણયો લીધા હતા અને વારંવાર તેની સ્પષ્ટતા પણ કરવામાં આવતી રહી છે.
એક એ કે દેશ અને મિલ્લતના મુખ્ય હિતોને ધ્યાનમાં રાખીને જમાઅતે ઇસ્લામી હિંદ ચૂંટણીમાં ભાગ લઈ શકે છે. તેથી તે એક લાંબા સમયથી ચૂંટણીઓમાં અપ્રત્યક્ષ રીતે ભાગ લઈ રહી છે.
બીજા નિર્ણય એ કે સરમુખત્યારશાહી અને ફાસીવાદના સામે લોકશાહી બળોનું સમર્થન કરવામાં આવે. આ કાર્ય પણ નિરંતર થતું રહ્યું છે. આનો અર્થ એ નથી કે જમાઅતે ઇસ્લામી હિંદે લોકશાહીને સત્ય અને ઇસ્લામી ઠેરવેલ છે, બલ્કે તેની દૃષ્ટિએ બીજી વ્યવસ્થાઓની સરખામણીએ આ એક સારી શાસન વ્યવસ્થા છે. આમાં મૂળભૂત હક્કોની બંધારણીય ખાતરી હોય છે, આમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પણ સામેલ છે. લોકશાહીમાં ઇસ્લામી દૃષ્ટિકોણને પ્રસ્તુત કરવાના માર્ગો નીકળી શકે છે.
લોકશાહીનો આધાર વ્યક્તિ-સ્વતંત્રતા, સમાનતા અને ન્યાય પર છે. વ્યક્તિ-સ્વતંત્રતામાં આસ્થા, તેના પર અમલ અને તેના પ્રચાર-પ્રસારની સ્વતંત્રતા, આર્થિક પ્રયાસો, પારિવારિક અને ખાનગી જીવનની સ્વતંત્રતા જેવા મુદ્દાઓ સામેલ છે.
સમાનતાનો અર્થ એ છે કે દેશના દરેક નાગરિકને સમાન દરજ્જા આપવામાં આવે. એક વ્યક્તિ અને બીજા વ્યક્તિ વચ્ચે ધર્મ, જ્ઞાતિ, ભાષા અને જાતિના આધારે કોઈ ભેદ કરવામાં ન આવે અને બધાના સમાન હક્કોનો સ્વીકાર કરવામાં આવે.
ન્યાયનો અર્થ એ છે કે કોઈપણ પ્રકારનો પક્ષપાત અને ભેદ કર્યા વગર દરેકને ન્યાય પ્રાપ્ત થાય અને કોઈના સાથે અત્યાચાર, અન્યાય અને અતિરેક કરવામાં ન આવે.
ઇસ્લામના નજીક આ મૂલ્યોનું મહત્ત્વ સ્વીકૃત છે, બલ્કે એમ કહી શકાય છે કે આ મૂલ્યો દુનિયાએ ઇસ્લામ પાસેથી જ મેળવ્યા છે.
અત્યારે આ ઉચ્ચ મૂલ્યોને ખૂબ ખરાબ રીતે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. વિશેષરૂપે લઘુમતીઓ અને નબળા વર્ગોને તેમના અધિકારો પ્રાપ્ત નથી. દેશની ભલાઈ માટે જરૂરી છે કે આ મૂલ્યોની રક્ષા કરવામાં આવે અને તેને બાકી રાખવામાં આવે.
આપણા સામે ઉમ્મતે મુસ્લિમા (મુસ્લિમ સમુદાય)નો પ્રશ્ન છે. આના વિશે વિસ્તારથી વિમર્શ કરવાની જરૂર છે. અત્યારે ઉમ્મતે મુસ્લિમા સૌપ્રથમ કાળની શ્રેષ્ઠ અને આદર્શ સ્થિતિ ખૂબ દૂર છે. તેનામાં ઘણી દીની અને નૈતિક નબળાઈઓ જાવા મળે છે. ક્યાંક ક્યાંક તે વૈચારિક રીતે ચલિત થયેલી દેખાય છે, સરકાર અને વહીવટી-તંત્રનો તેને ભય છે કે તેઓ તેમના અધિકારોનું રક્ષણ નથી કરતા, બલ્કે તેમના હાથે તેના અધિકારો પાયમાલ થઈ રહ્યા છે. તે શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત હોવાના કારણે પોતાની દૈનિક સમસ્યાઓથી ઉપર ઉઠીને વિચારી શકતી નથી. તે જુદા-જુદા જૂથો અને મસ્લકી વર્ગોમાં વિભાજિત છે. તે આખા દેશમાં વિખરાયેલી સ્થિતિ છે. તેનું કોઈ સંગઠિત પ્લેટફોર્મ નથી કે તેનો સંયુક્ત અવાજ હોય. તેના કારણે તેનામાં નિરાશા અને હતાશા જાવા મળે છે, જે કદાપિ ન હોવી જાઈએ.
તેનું બીજું પાસું એ છે કે આ ઉમ્મતની પોતાની બધી જ નબળાઈઓ હોવા છતાં અલ્લાહ ત્આલા અને તેના રસૂલ સ.અ.વ. પર તેનું ઈમાન છે. તેને જ તે અંતિમ પ્રમાણ માને છે. દીનની મૂળભૂત બાબતો વિશે તેનામાં કોઈ મતભેદ નથી. તેના હિતો એક છે. કુઆર્ન અને હદીસમાં તેને એક ‘ઉમ્મત’ (સંગઠિત અને વ્યવસ્થિત સમુદાય) ઠેરવવામાં આવેલ છે. દુનિયા પણ તેને એક ઉમ્મત માનીને જ તેના સાથે વ્યવહાર કરે છે. તેના કારણે તેના જાન-માલની સુરક્ષા, તેની સુધારણા અને પ્રશિક્ષણ, તેનો આર્થિક અને શૈક્ષણિક વિકાસ, તેના અધિકારોની સુરક્ષાની જવાબદારી આપણા બધા પર આવે છે. ચૂંટણીમાં આ બધા હેતુઓ નજર સમક્ષ હોય છે.
કુઆર્ન-મજીદે હઝરત મૂસા અ.સ.ના જે દા’વત (દીનના આહવાન્) અને સુધારાણાના કાર્યોનું વર્ણન કર્યું છે, તેનાથી આ બાબતે આપણને માર્ગદર્શન મળે છે. આ વૃત્તાંતને ત્રણ વિષયોમાં વિભાજિત કરી શકાય છે ઃ
(૧) ફિરઔનને અલ્લાહ ત્આલાના સાર્વભૌમત્વને સ્વીકારવા અને તે અનુસાર પોતાની સુધારણા કરવાનું આમંત્રણ. આદેશ થયો ઃ
‘‘ફિરઔન પાસે જાઓ, તે વિદ્રોહ (નો માર્ગ) અપનાવ્યો છે. તેને કહો કે શું તું એ માટે તૈયાર છે કે તારી આત્મ-શુદ્ધિ અને સુધારણા થાય અને હું તારા રબનો માર્ગ તને બતાવું. તું તેનાથી ડરીને ચાલે.’’ (સૂરઃ નાઝિઆત, આ. ૧૭-૧૯)
(૨) બની ઇસરાઈલને ફિરઔનની ગુલામીથી મુક્ત કરવા. બની ઇસરાઈલ એક ભ્રષ્ટ કોમ હતી. તેનામાં અનેક ખરાબીઓ હતી. તેના સાથે તે પીડિત હતી. કિબ્તીઓ તેમના પર દરેક પ્રકારનો અત્યાચાર કરી રહ્યા હતા. ફિરઔને નક્કી કર્યું ઃ
“અમે તેમના પુત્રોને મારી નાખીશું અને તેમની સ્ત્રીઓને (છોકરીઓને) જીવતી રાખીશું. અમને તેમના પર સંપૂર્ણ સામર્થ્ય પ્રાપ્ત છે.” (સૂરઃ આ’રાફ, આ. ૧૨૭)
ફિરઔનની મરજી વગર બની ઇસરાઈલ પોતાની આસ્થાને જાહેર પણ કરી શકતા ન હતા. જાદુગરોએ હઝરત મૂસા અ.સ. પર ઈમાન લાવવાની ઘોષણા કરી, તો ફિરઔને કહ્યું, તમારી આ હિંમત કેવી રીતે થઈ ?
‘‘(હું પરવાનગી આપું એ પહેલા જ તમે તેના પર ઈમાન લઈ આવ્યા !) તેની સજા હું તમને આપીશ.’’ (સૂરઃ શુઅરા-૪૯)
આ અત્યંત ખરાબ અત્યાચારો વિરુદ્ધ અવાજ ઉઠાવવા અને પોતાના અધિકારો માટે સંઘર્ષ કરવાનું સાહસ બની ઇસરાઈલ ખોઈ ચૂક્યા હતા. લાંબાગાળાની ગુલામીએ તેમનામાંથી નિશ્ચય અને હિંમત, સાહસ અને બહાદુરી જેવા ગુણો, જે કોઈપણ કોમના જીવનની પૂંજી હોય છે, સમાપ્ત કરી નાખ્યા હતા.
આ કાયર અને નાહિંમત કોમના સંદર્ભમાં હઝરત મૂસા અ.સ.ને આદેશ આપવામાં આવ્યો કે તેઓ તેને ફિરઔનના અત્યાચારમાંથી બહાર કાઢે. હઝરત મૂસા અ.સ.એ ફિરઔનને કહ્યું ઃ
“બની ઇસરાઈલને અમારા સાથે આવવા દો અને તેમને યાતના ન આપો.” (સૂરઃ તાહા, આ.૪૭)
(૩) હઝરત મૂસા અ.સ.નું ત્રીજુ કાર્ય બની ઇસરાઈલની સુધારણા અને તેમને એક ગ્રંથની વાહક કોમ બનાવવાનું હતું. આ સંદર્ભમાં તેમણે શું પ્રયત્નો કર્યા અને તેમને કેવી-કેવી તકલીફો સહન કરવી પડી, તેની વિગત કુઆર્ન-મજીદમાં છે. અહીં એક ઉદાહરણ આપવામાં આવી રહ્યું છે. હઝરત મૂસા અ.સ.એ કહ્યું ઃ
“અલ્લાહથી મદદ માગો અને ધૈર્ય કરો, નિઃસંદેહ ધરતી અલ્લાહની છે, તે પોતાના બંદાઓમાંથી જેને ચાહે છે તેનો વારસ બનાવે છે, અને છેવટે સફળતા અલ્લાહથી ડરવાવાળાઓ માટે છે.” (સૂરઃ આ’રાફ, આ.૧૨૮)
એક એવી કોમ, જે સેંકડો વર્ષથી ગુલામી અને પરાધીનતાનું જીવન વ્યતીત કરતી હતી, તેનામાં એ અહેસાસ પેદા કરવો સરળ ન હતું કે ફિરઔનની સત્તાથી ભયભીત થવાની જરૂર નથી. સત્તા આજે એક હાથમાં છે, કાલે બીજા કોઈના હાથમાં હોઈ શકે છે. જરૂર એ વાતની છે કે અલ્લાહ ત્આલાથી મજબૂત સંબંધ સ્થાપિત કરવામાં આવે તથા ધૈર્ય અને મક્કમતા દાખવવામાં આવે. વૈચારિક ઉચ્ચતાની કલ્પના જ આ કોમ માટે મુશ્કેલ હતી. તેણે કહ્યું ઃ
“તારા આગમન પહેલાં પણ અમને યાતનાઓ આપવામાં આવતી હતી અને તારા આગમન પછી પણ અમે યાતનામાં ગ્રસ્ત છીએ. મૂસા (અલૈ.)એ કહ્યું, ‘‘એ સમય દૂર નથી કે તમારો રબ તમારા શત્રુને નષ્ટ કરી નાખે અને ધરતીના વારસ તમને બનાવી દે, અને જુએ કે તમે કેવા કાર્યો કરો છો.’’(સૂરઃ આરાફ, આ.૧૨૯)
આમ, એક સમય આવ્યો કે હઝરત મૂસા અ.સ. પોતાની કોમને મિસરથી કાઢવામાં સફળ થઈ ગયા તથા ફિરઔન અને તેનું લશ્કર નીલના સમુદ્રમાં ડૂબી ગયું. હઝરત મૂસા અ.સ.એ પોતાની કોમને ફલસ્તીન (પેલેસ્ટાઈન)માં વસાવી.
ઉમ્મતે મુસ્લિમા સંદર્ભમાં પણ આ જ બે કાર્યો કરવાના છે. પ્રથમ કાર્ય એ કે વિભિન્ન કારણોસર ઉમ્મતમાં એક પ્રકારની નિરાશા, હતાશા અને અસુરક્ષાની ભાવના જાવા મળે છે, જે ખૂબ નુકસાનકારક છે, તેને સમાપ્ત કરવી જાઈએ. તેનામાં પરિસ્થિતિનો કરવાનો નિર્ધાર અને હિંમત પેદા કરવામાં આવે. એ વાતની કોશિશ કરવામાં આવે કે તેના બંધારણીય અધિકારો તેને પ્રાપ્ત થાય, તેને આર્થિક અને શૈક્ષણિક રીતે ઉન્નતિ તરફ લઈ વાનો પ્રયત્ન કરવામાં આવે અને તેને એ યોગ્ય બનાવવામાં આવે કે દેશમાં તે પોતાની હકારાત્મક ભૂમિકા નિભાવી શકે. આના માટે દેશનું વાતાવરણ જેટલું સારું હશે, એટલી જ તકો પ્રાપ્ત થશે. લોકશાહી આના પ્રમાણમાં વધારે તકો ઉપલબ્ધ કરાવે છે.
બીજું કાર્ય ઉમ્મતની સુધારણા અને પ્રશિક્ષણનું છે. તેના માટે જરૂરી છે કે ઉમ્મતમાં દીનનું જ્ઞાન ફેલાય અને તેના પર અમલ કરવાની ભાવના તેનામાં જાગૃત કરવામાં આવે. તેની દીની ઓળખને બાકી રાખવામાં આવે, પર્સનલ લાની સુરક્ષા કરવામાં આવે અને તેના પર અમલ કરવાનું પ્રોત્સાહન આપવામાં આવે કે ઓછામાં ઓછું પોતાના ઘરેલુ અને પારિવારિક મામલાઓમાં અલ્લાહના આદેશોનું ચુસ્ત પાલન કરે. તેમનામાં ‘ખૈરે ઉમ્મત’ (સર્વશ્રેષ્ઠ સમેદાય) હોવાની સભાનતા કેળવવામાં આવે કે તેઓ દીની અને નૈતિક રીતે અન્ય કોમોથી વિશિષ્ટ દેખાય અને દુનિયાને સત્ય-માર્ગ બતાવે, તેના દ્વારા ભલાઈની સ્થાપના અને બૂરાઈ સમાપ્ત થાય. આ બંને કાર્યો દીની કાર્યો છે અને તેને પરિપૂર્ણ કરવા દીની કર્તવ્યોને પરિપૂર્ણ કરવું છે.
દેશની વર્તમાન પરિસ્થિતિનો તકાદો છે કે નીચે મુજબ કાર્યો કરવામાં આવે ઃ
(૧) એ વાતનો પ્રયત્ન કરવામાં આવે કે દેશમાં કાનૂનને સર્વોચ્ચતા પ્રાપ્ત થાય અને કાયદાનું શાસન સ્થાપિત થાય, ભય અને આતંકનો માહોલ દૂર થાય, બધાને સમાન અધિકારો પ્રાપ્ત થાય, કોઈની સાથે અન્યાય ન થાય. તેના માટે દેશમાં જે બળો કાર્યરત છે, તેમને સહકાર આપવામાં આવે.
(૨) રાજકીય પક્ષોથી વાતચીત કરવામાં આવે કે દેશમાં શ્રેષ્ઠ રાજકીય વાતાવરણ માટે તેમના વચ્ચે સંપર્ક અને સહયોગ હોય અને તેઓ યોગ્ય પગલાઓ ભરે.
(૩) એ વાતનો પ્રયત્ન કરવામાં આવે કે રાજકીય અને ધાર્મિક નેતૃત્વ એવા નિવેદનો અને કાર્યવાહીઓથી દૂર રહે, જે પક્ષપાત, પૂર્વગ્રહો અને વૈમનસ્યને ભડકાવતા હોય અને લોકોમાં નકારાત્મક વલણો પેદા કરતા હોય.
(૪) મીડિયા અને સોશ્યલ મીડિયા પર નજર રાખવામાં આવે કે તે ખોટા અને ગેરમાર્ગે દોરતા સમાચારો ન ફેલાવે અને સમયસર સાચા સમાચારો અને વિશ્લેષણોનો પ્રબંધ કરવામાં આવે.
(૫) દેશમાંથી નફરત અને વેરઝેરના વાતાવરણને સમાપ્ત કરવા તેમજ માનવીય ભાઈચારા અને સહાનુભૂતિનું વાતાવરણ ઊભુ કરવા માટે આંદોલન ચલાવવામાં આવે. તેમાં F.D.C.A. અને ‘જન-મોરચા’ને રાષ્ટ્રીય સ્તરે જીવંત કરવામાં આવે, અને સ્થાનિક સ્તરે ‘સદ્ભાવના મંચ’ને સક્રિય કરવામાં આવે.
(૬) દેશબંધુઓથી મોટા પ્રમાણમાં સંપર્કો સાધવામાં આવે અને તેમને સાંપ્રદાયિક નફરતના પરિણામોથી સચેત કરવામાં આવે અને વિવિધ વર્ગોમાં એકતા અને સહમતિ માટે અસરકારક પ્રયત્નો કરવા માટે તેમને તૈયાર કરવામાં આવે.
(૭) મુસ્લિમ સંસ્થાઓ અને નેતાઓથી સંપર્ક વધારવામાં આવે કે સાંપ્રદાયિક રાજકારણ વિરુદ્ધ સંગઠિત પ્રયત્નો કરવામાં આવે.
(૮) મિલ્લતમાં રાજકીય જાગૃતિ પેદા કરવામાં આવે, તેની શક્તિને સંગઠિત કરવામાં આવે, તેની પંક્તિઓમાં એકતા અને સંપ પેદા કરવામાં આવે અને તેને સાચી દિશા આપવાના પ્રયત્નો કરવામાં આવે.
આશા છે કે આનાથી પરિસ્થિતિને સારી બનાવવા અને લોકતાંત્રિક વાતાવરણ સ્થાપિત કરવામાં મદદ મળશે. •