ભારતીય સમાજ પોતાની સભ્યતા, ધાર્મિકતા અને ભાષાઓની વિવિધતાના આધારે એક બહુ જ અદ્વિતિય પ્રકારના અનેક જૂથોમાં વહેંચાયેલો ભાતિગળ સમાજ છે. અને આ એક હકીકત છે કે આટલી બધી વિવિધતાઓ હોવા છતાં અહીંના જુદા-જુદા સમાજો વચ્ચે નજીકના ભૂતકાળ સુધી અત્યંત સુંદર સંબંધો જળવાઈ રહ્યા છે. ઇતિહાસની હકીકતોથી જાણવા મળે છે કે અહીં ઇસ્લામના અનુયાયીઓનું આગમન અને ઇસ્લામના પ્રચાર અને પ્રસારની શરૃઆત છેક ખુલ્ફાએ રાશીદીનના ખિલાફત કાળ દરમ્યાન જ થઈ ગઈ હતી. સહાબા રદિ. અને તેમના પછી અનેક સદાચારી સંતપુરુષોએ અહીં ઇસ્લામના પ્રચાર-પ્રસારના સિલસિલામાં પ્રશંસાપાત્ર પ્રયત્નો કર્યા છે. એમાં તે વ્યક્તિઓના પ્રયત્નોનો પણ ફાળો છે, જેમને કાયદેસર સરકારી રીતે ઇસ્લામના પ્રચાર-પ્રસાર માટેના હેતુથી મોકલવામાં આવ્યા હતા. અને તે લોકોના પ્રયત્નોનો પણ ફાળો છે જે અરબસ્તાનથી વેપાર અર્થે અહીં પધાર્યા હતા. વહાલા વતનમાં ઇસ્લામના પ્રચાર-પ્રસારનું કાર્ય જુદા-જુદા સમયે અને જુદા-જુદા તબક્કામાં થતુ રહ્યું. માલાબારથી બંગાળ સુધી અને દક્ષિણથી કાશ્મીર અને પંજાબ સુધી ઇસ્લામના ફેલાવાનો જુદો-જુદો ઇતિહાસ, જુદા-જુદા પડાવ અને જુદા-જુદા માધ્યમો દ્રષ્ટિગોચર થાય છે. એમાં કોઈક ઠેકાણે મુસ્લિમ શાસકો તરફથી સરકારી સ્તરે થનારી દાવતી કોશિશોનું પ્રભુત્વ દેખાય છે અને કોઈક ઠેકાણે વેપાર અર્થે તશરીફ લાવનાર પ્રતિષ્ઠિત નિમંત્રકો અને આધ્યાત્મવાદી સંતપુરુષોના પ્રયત્નો સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. જેઓએ પોતાના સઘળી તલ્લિનતાની સાથે-સાથે મોટા પાયે દીનના નિમંત્રણના કાર્યને અંજામ આપ્યો. આ એક વાસ્તવિક્તા છે કે અહીં વસવાટ કરનારા મોટા ભાગના મુસ્લિમો નવમુસ્લિમો છે, જે દીનના નિમંત્રણના ફળસ્વરૃપ ઇસ્લામથી સંમાનિત થયા હતા. બીજી તરફ આ પણ એક હકીકત છે કે અહીંની એક મોટી વસ્તી હંમેશાથી આ મહાન ને’મતથી વંચિત રહી છે. તો પણ આ મોટી વસ્તીના સંબંધો ઇસ્લામ અને ઇસ્લામને માનનારાઓના સાથે હંમેશા ઉત્તમ રહ્યા છે.
અહીં ઘણા સૈકાઓ સુધી મુસલમાનોએ રાજ કર્યું. તેમ છતાં આ સંપૂર્ણ કાળ દરમ્યાન, ભલે તે સુલતાનોનો રાજ્યકાળ હોય કે મોગલોનો રાજ્યકાળ, કોઈપણ જગ્યાએ નાઇન્સાફી કે અન્યાય થયો હોય અથવા તેમના હક્કો અને આઝાદીથી તેમને વંચિત કરવામાં આવ્યા હોય અથવા તેમના ધાર્મિક કાર્યોમાં કોઈપણ પ્રકારનો અનુચિત હસ્તક્ષેપ કરવામાં આવ્યો હોય તેનું દ્રષ્ટાંત મળવું મુશ્કેલ છે. આ પણ એક હકીકત છે કે આ સંપૂર્ણ કાળ દરમ્યાન મુસ્લિમ રાજ્ય શાસનને દેશબાંધવોનો સંપૂર્ણ સાથ-સહકાર અને સહયોગ રહ્યો છે અને રાજ્યશાસનમાં દેશબાંધવોને ઇષ્ટ હદ સુધી ભાગીદારી પ્રાપ્ત રહી છે. સંપૂર્ણ મુસ્લિમ રાજ શાસનકાળમાં લશ્કર અને સરકારી હોદ્દાઓથી લઈ ન્યાયાલયો સુધી હિંદુઓ અને બીજા દેશબંધુઓનું યોગ્ય પ્રતિનિધિત્વ રહ્યું છે. દુર્ભાગ્યથી પાછળના જમાનામાં દેશની સ્થિતિ એવી નથી રહી જેવી પહેલાં હતી. મુસ્લિમ રાજ્યશાસનનું પતન થયું. અંગ્રેજોના રાજ્યશાસનનો યુગ આવ્યો અને દેશ ગુલામીની જંજીરોમાં જકડાઈ ગયો. ગુલામી મુસ્લિમ અને બિનમુસ્લિમ, તમામ જનતાની એક સમાન સમસ્યા હતી. આથી સ્વતંત્રતા સંગ્રામમાં પણ મુસ્લિમ અને બિનમુસ્લિમ સૌએ સાથે મળીને સમાન રીતે ભાગ લીધો. સ્વતંત્રતા માટેના લાંબા સમયના સંગ્રામ અને બ્રિટીશ સરકારના રાજકીય પરિવર્તનના પરિણામે અંગ્રેજોને અહીંથી વિદાય થવું પડયું. પરંતુ અંગ્રેજો જ્યારે વિદાય લઈ રહ્યા હતા ત્યાં સુધીમાં તેઓએ પોતાના ષડયંત્રો અને પ્રપંચી પોલીસીઓે દ્વારા દેશના સામાજીક માળખામાં ભાગલા ઉપર ભાગલા પાડીને રાજ કરવામાં ઘણી હદ સુધી સફળ રહ્યા હતા. દેશમાં જુદી-જુદી ઉગ્રવાદી સંસ્થાઓની સ્થાપના અમલમાં આવી ચુકી હતી. હુલ્લડો, કોમી તોફાનોનો એક ભયાનક સિલસિલો શરૃ થઈ ચુક્યો હતો. કોમી એકતા ખરાબ રીતે પ્રભાવિત થઈ ચુકી હતી અને હિંદુ મુસ્લિમ બંને કોમો દરમ્યાન ગેરસમજના પરિણામે એક ભયંકર ખાઈ પેદા થઈ ચુકી હતી. ત્યાર પછી સૌથી ભયંકર અને હિન્દુસ્તાનના ઇતિહાસની સૌથી મોટી દુખદાયક દુર્ઘટના (ધર્મના નામ પર દેશના ભાગલા અને તેના માટે જવાબદાર મુસલમાનોને ઠેરવવાની) અસ્તિત્વમાં આવી ચુકી હતી. આ પણ એક કડવી વાસ્તવિકતા છે કે વિભાજનના આ સમગ્ર ચિત્રમાં હિન્દુસ્તાનની મુસ્લિમ મિલ્લત અને તેની નેતાગીરીની કામગીરી તેમની અમાનતની ફરજના પ્રમાણમાં ઉચિત રહી નહીં અને તે બીજાઓના ષડયંત્રનો શિકાર બનતી ગઈ.
વર્તમાન પરિસ્થિતિ વધારેને વધારે ભયાનક બનતી જઈ રહી છે. દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને ઉપસ્થિત થઈ રહેલા બનાવોની હકીકતનું પૃથકકરણ કરવાથી જાણ થાય છે કે હિન્દુ-મુસ્લિમ સંબંધોની સુંદરતાની બાકી રહેલી છાપ પણ નષ્ટ થતી જઈ રહી છે. ઉગ્રવાદી શક્તિ તેમના નાપાક ઇરાદાઓ માટે સતત સક્રિય છે. અને હિન્દુ-મુસ્લિમ વચ્ચે નફરતની ખાઈ તેજ ગતિથી વધી રહી છે. ત્યાં જ સમગ્ર મુસ્લિમ મિલ્લતની નેતાગીરી આ સિલસિલામાં જાગૃતિનું જરા પણ દ્રષ્ટાંત આપવા માટે તૈયાર નથી. ઉલ્ટુ પોતાના મસ્લકના સંકુચિત વિચારો અને નકારાત્મક માનસિકતાના પરિણામો ઉગ્રવાદી શક્તિઓને મદદગાર સાબિત થઈ રહ્યા છે. જરૂરત એ વાતની છે કે હિન્દુ-મુસ્લિમ સંબંધોના સુંદર ભૂતકાળની પુનઃપ્રાપ્તિ માટે પ્રયત્નો કરવામાં આવે. આ સિલસિલામાં ઇસ્લામી મિલ્લતે સક્રિય રીતે કામગીરી અદા કરવી પડશે. કારણકે આ તેની દીની જરૂરત પણ છે અને રાજકીય જરૂરત પણ. દીની જરૂરત એ રીતે કે આ તેનો મુસ્લિમ તરીકેની ફરજનો એક ભાગ છે. અને રાજકીય જરૂરત એટલા માટે કે મિલ્લતના જાનમાલના રક્ષણનો મુદ્દો આ પરિસ્થિતિમાં એક મોટો પડકાર બનતો જઈ રહ્યો છે. એટલા માટે જરૂરી છે કે ભારતીય મુસ્લિમ મિલ્લતમાં સામૂહિક રીતે સભાનતા અને જાગૃતિ પેદા કરવામાં આવે. લાગણીઓની ઉશ્કેરણીના પ્રયત્નોને દરેક રીતે પરાસ્ત કરવામાં આવે અને દેશમાં કોમી એકતા માટેના પ્રયત્નોને તેજ કરવામાં આવે. આ પરિપેક્ષ્યમાં જોવામાં આવે તો નજીકના દિવસોમાં બનારસ યુનિવર્સિટીમાં સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયાની ઇન્ટરનેશનલ કોન્ફરન્સ “સાંપ્રદાયિક સૌહાર્દ અને રાષ્ટ્ર નિર્માણ” એક બહુ જ આવકારદાયક પગલુ છે. મિલ્લતના બીજા સંગઠનો અને સંસ્થાઓનું પણ આ દિશામાં ધ્યાન દેરવાની જરૂરત છે.