Saturday, April 20, 2024
Homeમનોમથંનઆસમાની સુલતાની - લાચારી ઇન્સાનિયતની

આસમાની સુલતાની – લાચારી ઇન્સાનિયતની

કોવિડ 19ની મહામારીને દોઢ વર્ષ વીતી ગયું છે અને છતાં પુરી દુનિયા લાચારીથી વધુ આકરી લાચારી મહેસુસ કરી રહી છે. વબા કે મહામારી યુગોથી સમુદાયોને ધમરોળતી રહી છે. કુર્આનના અભ્યાસથી સ્પષ્ટ રીતે સમજાય છે કે માનવજાતના ઘડતર માટે, તેના માર્ગદર્શન માટે તથા તેને બુરાઈઓથી રોકીને ભલાઇની તરફ વાળવા માટે સમયાન્તરે અલ્લાહ તરફથી આ ચેતવણી સ્વરૂપે પ્રગટ થતી રહી છે.લુત, હુદ, નુહ, શોએબ,યુનુસ મુસા (અ. સ.)વિગેરે રસુલો- ઇશદુતોના ઉપદેશના અને તેમના સમુદાયના વર્તનના તથા તદ્પશ્ચાત આપદાના કિસ્સાઓ કુર્આને વિસ્તારથી વર્ણવ્યા છે. મહામારી આસમાની તો હોય છે, પરંતુ સુલતાની પણ હોય છે. આપણો દેશ ભારત હાલ જે પરિસ્થિતિથી ઝઝૂમી રહ્યો છે તે હતી તો આસમાનીજ, પરંતુ સુલતાની ચેષ્ટાએ તેને ઘણી વધારી દીધેલ છે, તેવું સ્પષ્ટ આકલન સામાન્ય પ્રજાજન થી માંડી વિશ્વ કક્ષાના માધ્યમો અને વિચારકો બતાવી રહ્યા છે. આફતો કે મહામારી નું આવવું પ્રજા કે શાસકની ઉદ્ધતાઈ, ઘમંડ, ઉદ્દદંડતા, નફફટાઈ તથા રસુલો- ઇશદૂતો ની સામે બંડ નું પરિણામ હોય છે. રસુલોની સતત સુધારણા તથા ચેતવણીના પ્રયત્નો પછી પણ કોઈ ફેરફાર ન થતાં, અલ્લાહ સુધારણાના આખરી આયામ તરીકે સામાન્ય રીતે કોઈ આફત, આપદા કે વબા- મહામારી મોકલેછે. આપણા દેશ ભારત ની પરિસ્થિતિ નું આકલન કરીએ તો સ્પષ્ટ રીતે સમજાય છે કે, એકતરફ આ વૈશ્વિક આસમાની મહામારી તો છેજ,પરંતુ અહીંતો સુલતાની ધમંડ અને અહંકાર આના પાયામાં છે. પાછલા સમયની ટાઇમલાઈન જોઈએ તો પ્રથમ અવિચારી લોકડાઉન અને તેના પછી થાળી વેલણ ઘંટડીઓ થકી કોરોના ને ભગાડવાની હાસ્યાસ્પદ હરકતો, જેમાં બચ્ચન અને અંબાણીના કુટુંબીજનોની ચેષ્ટાઓ પ્રજાની આંખો સામે તરવરી રહી છે. 21 દિવસમાં તેને ભગાડવાની સુલતાનની ચેલેન્જ કે પડકાર પ્રજાજનોને સાચે જ અભિભૂત કરી રહ્યો હતો. સુલતાને કીધું છે તો હવે તો કોરોના ને ભાગવું જ રહ્યું!! દુનિયામાં તે ભલે ગમે તે કરે, ભારતમાંથી તો તેને ભાગવુંજ પડશે!! તેના પછી તુરંત તબલીગી જમાતને લઈ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા અપ પ્રચાર થકી ઇસ્લામ- મુસલમાનોને જે રીતે ટાર્ગેટ કરી કોર્નર કર્યા તે અભૂતપૂર્વ અને હલકાઈ નું સાચે જ વરવું પ્રદર્શન હતું. કોમવાદને કોરોના સાથે ગૂંથી અને જે આંકડાઓની માયાજાળ તબલીગની અલગથી રોજ-બ-રોજ પ્રજા સમક્ષ મૂકવામાં આવતી ,એ ભૂલી શકાય તેમ નથી. અરે! અહીં ગુજરાતમાં તો સિવિલ હોસ્પિટલમાં પણ અલગ વિભાગો મુસલમાનોના કરી નાખવામાં આવ્યા. મુસલમાનો તથા ઇસ્લામને નીચાજોણું કરવામાં કોઈ કસર ન છોડી, એટલું જ નહીં પરંતુ જે નવા નવા આયામો થકી પ્રજાને ભ્રમિત કરી તે સાચે જ ઐતિહાસિક છે. જોકે પછીથી વિવિધ કોર્ટો એ એટલું જ નહીં કે સૌને નિર્દોષ છોડ્યા, પરંતુ સરકારી- સુલતાની હરકતો ની ઝાટકણી પણ ખૂબ જ કાઢી. લોકડાઉન દરમિયાનજ શ્રમજીવીઓ ના ટોળેટોળા સામૂહિક રીતે દેશના વિવિધ માર્ગોપર અને રેલવે ટ્રેક ઉપર પોતાના વતન તરફ પ્રયાણ કરતા જોવા મળ્યા, તે સાચેજ હૃદયને કંપાવી મુકનારા દ્રશ્ય હતા. સુપ્રીમ કોર્ટે સુલતાનની આભામાં આને અવગણી કોઈ દિશાસૂચન મહિનાઓ સુધી ન કર્યા. સુલતાની અહંકાર નાકામ નોટબંધી અને ગબ્બર જીએસટી પછી પણ પ્રજાની ચૂપકીદીથી એટલો ઊંચે ચડેલો હતો કે તેને કોઈ ટીકા કે સૂચન સ્વીકાર્ય જ નહોતું. ચૂંટણીઓ જુદા જુદા તબક્કા એ યોજાતીજ રહી. રેલીઓ અને સભાઓમાં ટોળેટોળા ખૂબ ભેગા થતાં રહ્યા. પાંચ રાજ્યોની ચૂંટણી અને પછી કુંભમેળો સુપર સ્પ્રેડર ન બને તોજ નવાઈ!! ખુદ સરકારે બહાર પાડેલ માર્ગદર્શિકાનું પણ ઉલ્લંઘન થતુંજ રહ્યું, તો બીજી તરફ પ્રજાને નિયમોના પાલન ની સતત દુહાઈ દેતા રહી સ્પષ્ટ દંભનું સુલતાની પ્રદર્શન પ્રજા જોતીજ રહી. કોરોનાની બીજી લહેરમાં અમેરિકામાં રોજ સાડા ત્રણ લાખ કેસ આવી રહ્યા હતા અને 4500 લોકો મરી રહ્યા હતા, બ્રિટન પણ તેનાથી ખૂબ જ પરેશાન હતું, દુનિયાના બીજા દેશો તેનો ભોગ બની રહ્યા હતા અને અહીં સુલતાની ચમચાઓ યશોગાન ગાવામાં અભિભૂત હતાં. ચાપલૂસીમાં એટલું જ નહીં કે આપણા દેશ ભારતને ,પરંતુ સમગ્ર વિશ્વને આપણા સુલતાને કોરોના ને મહાત કરી જે પથદર્શન પુરુ પાડ્યું છે તે સાચેજ અદ્વિતીય છે,તેવા ગાન ગવાતા રહ્યા.પ્રમાણપત્રો ફાટતાં રહ્યા.

વેકસીનનું કોઈ ઉત્પાદન કે આયોજન ન ગોઠવાયું અને ઉપરથી બહારના દેશોને ઉદારતાથી આપવાનો દેખાડો કર્યો. વિશ્વ ગુરુ બનવાનો અને છાકો પડી દેવાનો અભરખો કેમનો છૂટે, વારુ. નિષ્ણાતો ની ચેતવણીઓ બિલકુલ કાને ન ધરી અને આ અહંકાર સાચેજ આપણને ખૂબ ભારે પડ્યો. હોસ્પિટલોમાં ઓક્સિજન ની અછત અને તેના અપૂરતા વ્યવસ્થાપન ને લઇ અનેક લોકોને કમોતે પ્રજાએ મરતા જોયા. સ્મશાન ઘાટ પર લાશોનો અંબાર લાગી ગયો. લાશો ને રસ્તા પર સામૂહિક અગ્નિદાહ દેવો પડ્યો અને છેલ્લે તો ગંગા અને યમુના નદીમાં અનેક લાશોને છોડી દેવાઇ. આફતો આવે છે, મોટા હાદસા પણ થતા રહે છે પરંતુ મોતનું ચોતરફ નું આ તાંડવ સાચેજ અકલ્પનીય છે અને આ નિરંકુશ તાંડવમાં પ્રજા પોતાની લાચારીઓ અને મૂર્ખતા ના પડછાયા જોઈ રહી છે. પરિસ્થિતિ આજે આ છેકે પોતાનો હસતો રમતો પરિજન યા પરિચિત અચાનક જ રૂંધાતા શ્વાસ વચ્ચે ક્યારે દમ તોડી દેશે તેની ધારણા કરવું પણ મુશ્કેલ છે. દિવસની શરૂઆત જ કોઈના મૃત્યુના ગમગીન સમાચાર થી થઈ રહી છે. એકના દિવંગત થવાના સમાચાર નો ઝટકો હજુ તો પૂરો પણ નથી થતો કે બીજાના ઉપડી જવાના સમાચાર માણસને હચમચાવી દે છે. એકને શ્રદ્ધાંજલિ અર્પી અને મન થોડું હળવું થયું નથી કે બીજાના ગમના સંદેશાઓના શબ્દો ની શોધ શરૂ કરવી પડી રહી છે. ખબર નથી ક્યારે સમાપ્ત થશે આ શ્રદ્ધાંજલિ નો ગમગીન સમય? કબ્રસ્તાનમાં એક પછી એક મૈયતને દફનાવવા આવતાં સાચે જ માણસના દિલમાં આ વિચાર આવી જતો હતો કે કદાચ હવે મારો વારો પણ જલદીજ આવી જશે. ખેર, બહાર આવીને માનવીછે કે પાછો એ જ લોભ-લાલચ અને બુરાઇઓ માં ગ્રસ્ત થઇ જતાં વાર નથી કરતો.

હજુતો આ બીજી લહેર મંદ પડી નથી કે ત્રીજી લહેર ની ચેતવણીઓ માનવીને લાચાર અને માયુસ કરી દીધો છે. આ લહેરમાં તો બાળકો પણ સપડાઈ જશે તેવી આશંકાઓએ સાચેજ દુનિયાભરના તબીબો અને નિષ્ણાતોને અને સામાન્ય પ્રજાજનોને ભયભીત કરી મૂક્યા છે. આટલા બધા સુલતાની છબરડાઓ જોયા પછી હવે ત્રીજી લહેરમાં તેને કઈ રીતે પહોંચી વળીશું ભલા, તે ચિંતા અહીંની પ્રજાને સાચેજ કોરી ખાય છે.

મુસ્લિમો શું કરે ?

કોરોનાની મહામારી શરૂ થતાં જ અહીં મુસ્લિમોએ બીજા પ્રજાજનોની સાથે મળી તથા પોતાની રીતે પણ ,ઓછા સંસાધનો હોવા છતાં, જે સૂજબૂઝ અને નિખાલસતા તથા મક્કમતાથી રિલીફ કામ કર્યું, પ્રજાની તકલીફોમાં ભાગ લઇ યોગદાન આપ્યું, તે સાચે જ દર્શનીય અને નોંધનીય હતું, જેની અહીંની પ્રજા તથા માધ્યમોએ પણ વિસ્તારથી નોંધ લીધી જ છે. હવે, આ બીજી લહેર માં પણ અલહ્મદુલિલ્લાહ! તેઓનો રોલ ખૂબ જ પ્રભાવી અને ઉમ્મત ના મોભા પ્રમાણે નો રહ્યો છે. JIH તથા SIO મળીને ગુજરાત અને દેશભરમાં 24* 7 સેવાઓ આયોજનબદ્ધ રીતે આપી રહ્યા છે. બીજી સઁસ્થાઓ પણ જુસ્સાથી આ કામ કરી રહી છે.તેઓએ માનવોની સેવામાં પોતાની જાતની પણ પરવા કર્યા વિના સાચે જ ઉદાહરણીય કાર્ય કર્યું છે. કેટલાક કોમવાદી તત્વો અને અધિકારીઓ એ તેમની હાજરીનો ભલે વાંધો લીધો, પરંતુ તે વિચલિત થયા નથી.

હવે, આજ મક્કમતા, નિખાલસતા થકી આપણે જો આપણા દેશબાંધવોની સેવા કરતા રહીશું અને એક દાઈ ગીરોહ હોઈ સેવા કાર્યોમાં પણ ઇસ્લામની સાક્ષી પુરી પાડતા રહીશું અને અમ્ર બિલ મારુફ અને નહિ અનિલ મુનકર ની ફર્જ સામૂહિક સ્વારૂપે અદા કરી હવે આ કાર્ય સેવા સાથે જોડી દઈશું, અલબત્ત હિકમતથી, તો એટલું જ નહીં કે આ લોકમાં પણ સફળતા મેળવીશું, પરંતુ પરલોકમાં પણ તેનો યથાર્થ બદલો જરૂર મેળવી શકીશું ઇ.અ.

એક તરફ વૈજ્ઞાનિક અભિગમ નો સ્વીકાર કરી, વેકસીન માટે લોકોને પ્રોત્સાહિત કરી, બધા સ્વાસ્થ્યના નિયમોનું પાલન કરીશું અને બીજી તરફ અલ્લાહથી લો લગાવી પોતાના ગુનાઓની માફી માંગતા રહી તેને રાજી કરી આ મહામારી માંથી મુક્તિ મેળવવા મથામણ કરતા જ રહીશું, જ્યાં સુધી આ આપદા પૂરેપૂરી સમાપ્ત ન થઈ જાય. અને આ જ તો અપેક્ષિત છે મધ્યમ માર્ગી સમુદાય(ઉમ્મતે વસ્ત) ની પાસે થી, કુર્આનના પ્રકાશમાં..

મો. 99252 12453


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments