Friday, November 22, 2024
Homeઓપન સ્પેસઆ ગંધાતી લાશો છે ...

આ ગંધાતી લાશો છે …

હીજરી સન ૪ના શાબાન મહિનામાં બની મુસ્તલકના યુદ્ધમાં ઇસ્લામી લશ્કર અલ્લાહના રસૂલ સલ્લ.ના નેતૃત્વમાં વિજયી થઈ ચૂક્યું હતું. વિજય પ્રાપ્ત થઈ ગયા અને યુદ્ધ સમાપ્ત થઈ ગયા પછી ઇસ્લામી લશ્કરમાં ખૂબ મોટો ઉપદ્રવ (ફિત્નો) ફેલાઈ ગયો. આ ફિત્નો એ હતો કે મુહાજિરો (મક્કાથી આવેલા)ના સાથી કબીલા ગફ્ફારના એક વ્યક્તિ જિહજાહ અને મદીનાના ખજરજ કબીલાના સાથી સનાન અલજુહની વચ્ચે પાણી બાબતે વિવાદ ઊભો થઈ ગયો. ગફ્ફારીએ પોતાના લોકોને સાદ દીધો કે, હે કૂનાનાના લોકો! આવો આ તરફ જુહનીએ પણ અન્સારોને બોલાવ્યા. બંને જૂથના લોકો પોતાના માણસના અવાજ ઉપર દોડી પડયા અને બંને પક્ષો એ પોતાના માણસોની તરફેણમાં પોતાના જ ભાઈઓ વિરૂદ્ધ હથિયારો ઉઠાવી લીધા.

અલ્લાહના રસૂલ સલ્લ.ને જાણ થઈ તો દોડી આવ્યા અને ફરમાવ્યું, “આ શું અજ્ઞાનતાની વાતો છે! આવી જહાલતની વાતો ન કરો, આ ગંદી અને દૂર્ગંધ મારતી વાતો છે. જેણે જહાલતનો દાવો કર્યો તેનું ઠેકાણું જહન્નમનો સૌથી અધમ ભાગ હશે.” પૂછવામાં આવ્યું, હે અલ્લાહના રસૂલ સલ્લ.! તેઓ નમાઝ અને રોઝાના પાબંદ હોય અને મુસલમાન હોવાની ઘોષણા કરતા હોય તો પણ? આપ સલ્લ.એ કહ્યું, “હા, ભલે તે નમાઝ પઢતો હોય, રોઝા રાખતો હોય અને પોતાને મુસલમાન પણ કહેતો હોય.”

આ ફિત્નો આમ ત્યાં જ ખતમ થઈ ગયો. ઝઘડો સમાપ્ત થઈ ગયો લોકો પોતાના કૃત્ય બાબતે પછતાવા લાગ્યા. પરંતુ આ વાત આટલી સરળતાથી પતી ગઈ એ મુનાફિકો (દંભીઓ)ના સરદાર અબ્દુલ્લાહ બિન ઉબઈને ન ગમી. તેને ખૂબ ગુસ્સો હતો. કહ્યું, આ મુહાજિરો શું સમજે છે? મેં મારા જીવનમાં આટલો અપમાનજનક દિવસ ક્યારેય નથી જોયો. તે લોકોએ આપણને તુચ્છ બનાવી દીધા અને આપણા શહેર ઉપર કબજો જમાવી દીધો. ખુદાના સૌગંધ, મદીના જઈને આપણામાંથી જે ઇઝ્ઝતવાળો હશે તે કલંકિતને બહાર કાઢી મુકશે. તમે લોકોએ તેમને જગ્યા આપી, ધનસંપત્તિમાં ભાગીદાર બનાવ્યા એટલું જ નહીં પોતાની જાનોને મોતના હવાલે કરી દીધી અને તમારા સંતાનો અનાથ થઈ ગયા, તમે લઘુમતીમાં આવી ગયા હું તો કહું છું કે આ મુહાજિરો ઉપર ખર્ચ કરવાનું બંધ કરો ત્યાં સુધી કે લોકો મુહમ્મદ સલ્લ.થી પોતે જ દૂર થઈ જશે.

અલ્લાહના રસૂલ સલ્લ.ને અબ્દુલ્લાહ બિન ઉબઈની આ ઉશ્કેરણીજનક વાતોની જાણ થઈ તો આપને ખૂબ ગુસ્સો આવ્યો, ચહેરો લાલધુમ થઈ ગયો. અબ્દુલ્લાહ મદીનાના મોટા કબીલા ખજરજનો સરદાર હતો અને અલ્લાહના રસૂલ સલ્લ.થી તેની દુશ્મની અને મુસલમાનો પ્રત્યેની ઘૃણા કોઈનાથી છૂપી ન હતી. પરંતુ આપ સલ્લ.એ ગુસ્સો હોવા છતાં આ વાતને આગળ વધારવાને યોગ્ય ન માની અને ઉપદ્રવના ભયથી આ વાત ઉપર પરદો પાડી દેવાનો પ્રયત્ન કર્યો. જ્યારે હઝરત ઉમર રદી.એ અબ્દુલ્લાહનું માથું વાઢી નાંખવાની પરવાનગી માંગી તો અલ્લાહના રસૂલ સલ્લ.એ ફરમાવ્યું, “હે ઉમર! હું કેવી રીતે પરવાનગી આપી દઉં. લોકો કહેશે કે મુહમ્મદ સલ્લ. પોતાના સાથીઓને કતલ કરે છે.” તે પછી આપ સલ્લ.એ સૈન્યને ઝડપથી મદીના તરફ કૂચ કરવાનો આદેશ આપ્યો કે જેથી લોકો થાકીને લોથપોથ થઈ જાય અને આ વિષયે ચર્ચા કરવાનો કોઈ સમય જ ન રહે.

હઝરત ઉસૈદ જેઓ ખજરજ કબીલાના અગ્રણી હતા. આપ સલ્લ.ના પાસે આવ્યા. અલ્લાહના રસૂલ સલ્લ.એ તેમને કહ્યું કે, તમારા સાથી અબ્દુલ્લાહ બિન ઉબઈએ એમ કહ્યું કે મદીના પહોંચીને જે ઇઝ્ઝતવાળો હશે તે કલંકિતને બહાર કાઢી મુકશે. હઝરત ઉસૈદે કહ્યું, હે અલ્લાહના રસૂલ સલ્લ.! ખુદાની કસમ પછી તો આપ જ તેને બહાર કાઢી મુકશે. અલ્લાહ સાક્ષી છે કે તે કલંકિત છે અને આપ સલ્લ. ઇઝ્ઝત અને શક્તિવાળા છો. તે પછી તેમણે યાચના કરી કે હે અલ્લાહના રસૂલ સલ્લ.! આપ તેનાથી નરમાશનો મામલો ફરમાવશો. અલ્લાહ તઆલાએ આપ સલ્લ.ને અમારા પાસે એવા સમયે મોકલ્યા જ્યારે અમારી કોમ તેની તાજપોશી કરવાની તૈયારી કરી રહી હતી. તે એમ સમજી રહ્યો છે કે આપ સલ્લ.એ તેને બાદશાહ બનવાથી રોકી દીધો છે. તે પછી અલ્લાહના વ્હાલા નબી સલ્લ.એ મુનાફિકોના સરદારની ઉશ્કેરણીજનક વાતોની ન તો તપાસ કરાવડાવી ન તેને કોઈ સજાનો આદેશ આપ્યો.

અબ્દુલ્લાહ બિન ઉબઈના દીકરા જેમનું નામ પણ અબ્દુલ્લાહ હતું તેમને આ વાતની ખબર પડી તો તેઓ પણ આપ સલ્લ.ની સેવામાં હાજર થયા અને કહ્યું કે, હે અલ્લાહના રસૂલ સલ્લ. મને જાણ થઈ છે કે મારા પિતા તરફથી આપને તકલીફ પહોંચી છે. જો આપ સલ્લ.નો ઇરાદો તેમને કતલ કરવાનો હોય તો આપ મને ઇજાઝત આપો કે હું તેમનું માથું આપ સલ્લ.ના ચરણોમાં લાવીને મૂકી દઉં. પરંતુ અલ્લાહના રસૂલ સલ્લ.એ આ નવયુવાન મુસલમાનને ખૂબ નમ્રતાપૂર્વક કહ્યું કે, “મેં આવો કોઈ જ ઇરાદો કર્યો નથી ન મેં કોઈને આદેશ આપ્યો છે, તેઓ જ્યાં સુધી આપણી વચ્ચે છે આપણે તેમના સાથે સારો જ વ્યવહાર કરીશું.”

જ્યારે ઇસ્લામી સૈન્ય પાછું આવ્યું તો અબ્દુલ્લાહ રદી. મદીનાના સાંકડા રસ્તા ઉપર ઊભા થઈ ગયા અને પોતાના બાપને રોકી દીધા. કહ્યું, ઊભા રહો! તમે મદીનામાં ત્યાં સુધી દાખલ થઈ શકતા નથી જ્યાં સુધી અલ્લાહના રસૂલ સલ્લ. પરવાનગી ન આપી દે. અબ્દુલ્લાહ બિન ઉબઈ તો દિગમૂઢ થઈ ગયો કે તેનો પોતાનો દીકરો જ તેને રોકી રહ્યો છે અને કહી રહ્યો છે કે આજે મદીનામાં ઇઝ્ઝતવાળો જ દાખલ થશે. છેવટે અલ્લાહના રસૂલ સલ્લ. જાતે તે સ્થળે હાજર થયા અને સમજાવટ પછી અબ્દુલ્લાહ રદી. માન્યા અને અબ્દુલ્લાહ બિન ઉબઈને મદીનામાં પ્રવેશવાની રજા મળી.

આ સમગ્ર પ્રસંગ આપણને એ બતાવે છે કે સૌથી શ્રેષ્ઠ સંબંધ ઈમાનનો સંબંધ હોય છે. જેના સામે લોહીનો સંબંધ પણ ભલેને તે બાપ-દીકરાનો જ કેમ ન હોય ટકતો નથી. ઇસ્લામ માનવ સમુદાયને એ બતાવવા આવ્યો છે કે દુનિયામાં માત્ર એક જ સંબંધ છે, જે લોકોને અલ્લાહની બુનિયાદ ઉપર જોડી દે છે. જ્યારે આ સંબંધ કાયમ ન રહે તો પછી અન્ય કોઈ સંબંધ બાકી રહી શકતો નથી.

કુઆર્ન કહે છે, “તમે ક્યાંય એવું નહીં જુઓ કે જે લોકો અલ્લાહ અને આખિરત (પરલોક) પર ઈમાન ધરાવે છે તેઓ તે લોકોથી પ્રેમ કરતા હોય જેમણે અલ્લાહ અને તેના રસૂલનો વિરોધ કર્યો છે, ચાહે તેઓ તેમના પિતા હોય, કે તેમના પુત્રો કે તેમના ભાઈઓ કે તેમના કુટુંબીજનો.” (સૂરઃ મુજાદલા-૨૨)

જ્યારે મુહમ્મદ સલ્લ. અને આપના કાકા અબુલહબ અને પિત્રાઈ ભાઈ ઉમરૃ બિન હસ્સામ વચ્ચે કૌટુંબિક સંબંધ તદ્દન નષ્ટ થઈ ગયો અને જ્યારે મુહાજિરો પોતાના જ ઘરવાળાઓ અને સગાવ્હાલાંથી લડવા વિવશ થઈ ગયા, એ જ સમયે મુહાજિરો (મક્કાથી હિજરત કરનાર) અને અન્સારો (મદીનાના મદદગારો) વચ્ચે ઈમાન અને અકીદાનો સંબંધ કાયમ થયો અને આ સંબંધ ઊભો થતાં જ તેઓ એક જ પરિવારના લોકો અને પરસ્પર ભાઈભાઈ બની ગયા. આ ભાઈચારાના સંબંધે આરબ અને બિન આરબને એક કરી દીધા. હવે રોમના સુહૈબ, ઈથોપીયાના બિલાલ અને ઈરાનના સલમાન આરબ મુસલમાનોના ભાઈ બની ગયા. કબીલાઓનો ગર્વ ઓગળી ગયો, વંશનો પૂર્વગ્રહ ખતમ થઈ ગયો અને જાતી કે કોમની ઉચ્ચતાના ધોરણો ફના થઈ ગયા. અને અલ્લાહના અંતિમ પયગંબર સલ્લ.એ ફરમાવ્યું, “આ પૂર્વગ્રહો અને હઠધર્મીને ત્યજી દો. આ ગંધાતી લાશો છે. જે કોઈ અજ્ઞાનતાના પૂર્વગ્રહો તરફ બોલાવે તે અમારામાંથી નથી.”

માનવતાના માર્ગદર્શક સલ્લ.એ આપણને આ જ તરીકો અને પદ્ધતિ શિખવી અને ઇસ્લામના સંદેશનું કામ કરનારાઓ એ આ સબક કંઠસ્થ કરી લેવો જોઈએ અને દરેક પ્રકારના જાતીય, વર્ગીય, વંશીય કે કુટુંબના પૂર્વગ્રહોથી ઉપરવટ થઈને પોતાનું કામ કરતા રહેવું જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments