કેન્દ્રમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી લીધા પછી રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની રાજકીય પાંખ ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસના પુનર્લેખનની દિશામાં કામ કરવાનો આરંભ કરી દીધો છે. કેમકે ભાજપના પિતૃ સંગઠન આર.એસ.એસ.નો ઉદ્દેશ્ય ભારતને ધર્મનિરપેક્ષ રાજ્યની બદલીને બ્રાહમણવાદ ઉપર આધારિત હિન્દૂ રાષ્ટ્રની સ્થાપના કરવાનું છે. જેથી રાજ્ય હોય કે કેન્દ્ર જ્યાં પણ ભાજપની સરકારો બને છે તે આ બાબતે સક્રીય થઈ જાય છે. તે ઇતિહાસ એવી રીતે ભણાવવા માંગે છે કે જેનાથી યુવાપેઢીમાં આ વિચારોને બળ મળે. આર.એસ.એસ. અને ભાજપ વૈચારિક શક્તિને ઓળખે છે. એટલે પોતાનો રાજકીય પ્રભાવ વધારવા માટે તેઓ ઇતિહાસનો પોતાના ઢંગથી ઉપયોગ કરવા માંગે છે. તેઓ ઇચ્છે છે કે તથ્યોને દૂર હડસેલીને ઇતિહાસમાં તે મનગઢત વાતો શામેલ કરી દેવામાં આવે, જે હિન્દુત્વના વિચારને આગળ વધારી શકે જેના કારણે હિન્દુ રાષ્ટ્રની સ્થાપનાની દિશામાં આગળ વધી શકાય. આ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે સંઘ પરિવાર ઇતિહાસના પુનર્લેખનને જરૂરી સમજે છે.
ઇતિહાસના પુનર્લેખન માટે સંઘ પરિવારના એકમનુ નામ છે – ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ – એપ્રીલ ૧૯૯૨માં આ સમિતિનું સંમેલન ઉત્તરપ્રદેશ સરકારના રાજ્ય શૈક્ષણિક સંઘ તથા પ્રશિક્ષણ પરિષદ તેમજ લખનૌ વિશ્વ વિદ્યાલયના પ્રાચીન ભારતીય ઇતિહાસ અને પુરાતત્વ વિભાગના સહયોગથી લખનૌમાં થયું. આ સંમેલનમાં ઇતિહાસના પાઠ્યપુસ્તકોના પુનરીક્ષણ ઉપર ચર્ચા-વિચારણા કરવામાં આવી. આ પ્રસંગે પ્રસિદ્ધ એક પુસ્તકમાં ઇતિહાસકારોથી અપીલ કરવામાં આવી કે તેઓ ભારતીય ઇતિહાસ સંકલન સમિતિના સભ્ય બની જાય. એક પ્રકાશિત લેખમા કહેવામાં આવ્યું કે બાબરના એક સેનાપતી મીર બકીએ અયોધ્યામાં રામમંદિર તોડીને મસ્જિદ બનાવી હતી.
સંઘ પરિવાર અને ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ ઇચ્છતી હતી કે ભારતીય શૈક્ષણિક અનુસંધાન પરિષદ (એનસીઇઆરટી) ઇતિહાસની તેમની વ્યાખ્યાને સ્વીકારી લે. એગષ્ટ ૧૯૯૨માં વિશ્વ હિન્દુ પરિષદે એન.સી.ઇ.આર.ટી.ના નિર્દેશકને એક સંમેલનની નોંધોને જોવા મોકલી હતી. આ સંમેલન ‘ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ’ દ્વારા આર્ય સમસ્યા ઉપર વિચારણ કરવા બોલાવવામાં આવ્યું હતું. સંમેલનનો નિષ્કર્ષ એ હતો કે આર્ય ભારતના મૂળ નિવાસી છે. વિહિપ ઇચ્છતી હતી કે એન.સી.ઇ.આર.ટી આને પાઠ્યપુસ્તકોમાં શામેલ કરી દે. આ સંબંધે ભારતીય શિક્ષામંડળ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વગેરે સંઘ પરિવારની સંસ્થાઓએ પણ એસ.સી.ઇ.આર.ટી.ને એક આવેદનપત્ર મોકલ્યું હતું.
જો આર્યો ભારતના મૂળ નિવાસી હતા, એ વાત ઉપર ભાર મૂકવા પાછળ સંઘ પરિવાર એ સમજ ધરાવે છે કે જેમના પૂર્વજ બહારથી આવ્યા છે. તેઓ ભારત પ્રત્યે ગાઢ લગાવ ધરાવતા નથી. એટલે માટે રાષ્ટ્ર પ્રસિદ્ધ ઇતિહાસકારોના મતની ઉપેક્ષા કરીને ભાજપ અને સંઘ પરિવારના ઇતિહાસકારો આર્યોને ભારતના મૂળ નિવાસી સિદ્ધ કરવા મથામણ કરે છે. તેઓ એ પણ ઇચ્છે છે કે ભારતના સ્વતંત્રતા સંગ્રામનો પ્રારંભ ૧૮૫૭મી નહીં, બલ્કે સિંકદરના આક્રમણ સમયથી માનવામાં આવે. જોકે ભારતના સ્વાધીનતા સંગ્રામમાં આર.એસ.એસ.ની કોઈ જ ભૂમિકા નથી. સ્વંતંત્રતા સંગ્રામના અંતિમ તબક્કામાં સંઘનો કોઈ નેતા ન તો જેલમાં ગયો છે ન તેમણે અંગ્રેજ સરકારનો વિરોધ કર્યો છે. તેમ છતાં આર.એસ.એસ. ઇચ્છે છે કે ઇતિહાસનું પુનર્લેખન કરીને રાષ્ટ્રીય આંદોલનમાં તેની ભૂમિકાને બહાર લાવવામાં આવે.
વિશ્વ હિન્દુ પરિષદના મૂખપત્ર ‘હિન્દુવિશ્વ’માં એ દાવો કરવામાં આવ્યો છે કે જેરૃસલેમ યદુશાલ્પજી છે. ‘યદુ’ અર્થાત્ કૃષ્ણનું પૂજાસ્થળ. એ આધારહીન વાત પણ લખવામાં આવી છે કે લંડનનું સૈપ્લોલ ચર્ચ મૂળ રૃપે ગોપાલ મંદિર હતું. કારણ મૂળ રૃપે વિશાળ વિષ્ણુ મંદિર હતું. પેરિસનું નોટરેડેમ ચર્ચ મૂળ રૃપે દેવી ભગવતી પાર્વતી ઉર્ફએ દુર્ગાનું મંદિર હતું અને પેરિસ મૂળ સ્વરૃપે એક હિન્દુનગર પરમેશ્વાસારિયમ હતું. આર.એસ.એસ.થી સંકળાયેલ એક ઇતિહાસકાર પી.એર.ઓકનો દાવો છે કે તાજમહલ એક હિન્દુ મંદિર હતું. તેમ લાલ કિલ્લો અને અનેક મોગલ મકબરા હિન્દુ સ્થળ હતા. ઓકે તો અદાલતમાં એક દાવો દાખલ કર્યો હતો કે તાજમહલના ઇતિહાસનું પુનર્લેખન કરવામાં આવે, કેમકે તેને શાહજહાં એ નહીં બલ્કે એક હિન્દુ રાજાએ બનાવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે તેમનો દાવો રદબાતલ કરી નાંખતા કહ્યું હતું કે આ નર્યો બકવાસ છે અને દાવાની મજાક ઉડાવતાં કહ્યું કે, “કોઈ બોનેટમાં મધમાખી ઘુસી ગઈ છે, એટલા માટે આ દાવો દાખલ થયો છે.” (તાજમહલને ‘તેજો મહાલય’ હોવાની ધનચક્કર કોન્સિપરિસિ થીઅરી સુપ્રિમ કોર્ટ અને આલ્હાબાદ હાઈકોર્ટ બંનેએ બે વખત ફગાવી દીધી હતી! – આ ગાંડા ઘેલા તારણો કાઢનાર પી.એન. ઓક વળી ઇતિહાસવિદ નહિ પણ એમ.એ., એલ.એલ.બી. હતા! – અનાવૃત” – જયવસાવડા, ગુજરાત સમાચાર શતદલ – તા.૧૭/૧૨/૧૪ના સૌજન્યથી અનુવાદક તરફથી)
ભારતીય શૈક્ષણિક અનુસંચાન પરિષદ (એનસીઇઆરટી) રાષ્ટ્રીય એકીકરણ તથા રાષ્ટ્રીય એકતાની દૃષ્ટિથી વિવિધ રાજ્ય સરકારો દ્વારા પ્રકાશિત પાઠ્યપુસ્તકોના મૂલ્યાંકનનંું કામ કરે છે. તેના દ્વારા બનાવવામાં આવેલ દિશા-નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે ઇતિહાસના પાઠ્યપુસ્તકોના મૂલ્યાંકનમાં બે વાતનું ધ્યાન રાખવું જોઇએ. પ્રથમ એ કે પુસ્તકનો સંદર્ભ, સામ્પ્રદાયિક, જાતીવાદી કે પ્રજાકીય પૂર્વગ્રહોના ફેલાવો, બીજી એ છે ભૂતકાળનું પ્રસ્તુતીકરણ પ્રમાણિક હોય તથા ભ્રામક અને તથ્યો વિરુદ્ધનું ન હોય. તથ્યોની યર્થાયથા અને પ્રમાણિકતા પાઠ્યપુસ્તકોનું સોથી મહત્વનું તત્વ છે. એનસીઇઆરટી એ પ્રાચીનકાળ, મધ્યયુગ અને આધુનિકજગતના ઇતિહાસને પાઠ્યપુસ્તકોમાં લખવા બાબતે અમુક દિશા-નિર્દેશ આવ્યા છે.
પરંતુ વિડંબના એ છે કે એનસીઇઆરટી પાસે પોતાના દિશા નિર્દેશને લાગુ પાડવા માટે કોઈ કાયદાકીય જોગવાઈ નથી, કેમકે શિક્ષણ નિકટવર્તી સૂચીમાં છે જેમાં રાજ્ય સરકારોની નિર્ણાયક ભૂમિકા છે. જો એનસીઇઆરટી કોઈ પુસ્તકને વાંધાજનક માને છે તો તે પોતાના મૂલ્યાંકન રીપોર્ટને પોતાની ભલામણો સહિત સંબંધિત રાજ્યો તથા તેની નકલ માનવ સંસાધન વિકાસ મંત્રાલયને મોકલી શકે છે. જો સંબંધિત રાજ્ય સરકારો, એનસીઇઆરટી દ્વારા મોકલવામાં આવેલ ભલામણોને પાઠ્યપુસ્તકોમાં શામેલ નથી કરતી, તો એનસીઇઆરટી કંઇ પણ કરવા અસમર્થ હોય છે.
૧૯૮૯માં રાજસ્થાન, હિમાચલ-પ્રદેશ અને મધ્યપ્રદેશમાં ભાજપની પૂર્ણ બહુમતીવાળી સરકારો અસ્તિત્વમાં આવી. તે પછી જ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના શાળઓમાં પાઠ્યપુસ્તકોમાં ધાર્મિક કટ્ટરતા ઊભી કરનારા પાઠ રાખવામાં આવ્યા. મધ્યપ્રદેશમાં આર.એસ.એસ.થી સંલગ્ન સંગઠન ‘વિદ્યાભારતી’ લગભગ ૧૬૦૦ સ્કૂલોનું સંચાલન કરે છે અને પ્રદેશની ભાજપ સરકારે તેને આઠમી કક્ષા સુધી પોતાનો પાઠ્યક્રમ નક્કી કરવાનો અને પરીક્ષા લેવાનો અધિકાર આપી દીધો. મધ્યપ્રદેશમાં વિદ્યાભારતી દ્વારા સંચાલિત શાળાઓના પાઠ્યક્રમોમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને નાથુરામ ગોડસેના હત્યારા કહેવામાં આવ્યા છે. સ્નાતક સ્તરે ફાઉન્ડેશન કોર્સનું આવનારુ પુસ્તક “ભારત કા સાંસ્કૃતિક વિરાસત” (ભારતનો સાંસ્કૃતિક વારસો)માં ભારત છોડો આંદોલન સંબંધે એક ફકરો જ લખવામાં આવ્યો છે અને તેમાં સામ્યવાદી પક્ષ દ્વારા અંગ્રેજ સરકાર સાથે સહયોગ કરીને દગાબાજીનો આરોપ લગાવવામાં આવ્યા છે.
રાજસ્થાનના શાળા પાઠ્યક્રમોમાં ભણાવવામાં આવતુ પુસ્તક “સંસ્કાર સૌરભ” તૃતીય ભાગમાં પાઠક્રમાંક ૩૫ છે, “પ્રાણ જાયે પર વચન ન જાયે.” આ પાઠમાં કારસેવા દરમિયાન માર્યા ગયેલા કોઠારીબંધુઓની કહેવાતી બલિદાન ગાથા આપવામાં આવી છે. આ જ રીતે કક્ષા ૬માં ભણાવાતી “સંસ્કાર સૌરભ” ભાગ ૪ ના પાઠ “દો નવેમ્બર કે હુતાત્મા”માં જોધપુરમાં માર્યા ગયેલા કારસેવકોની વીરતાનું વર્ણન છે અને તેમાં મુલાયમ સિંહ યાદવને ક્રુર કસાઈના રૃપમાં ચિતરવામાં આવ્યા છે. આ જ પુસ્તકના પાઠ ૨૪ “સત્યનિષ્ઠા”માં કોમવાદી રમખાણોનું વર્ણન કરતાં રમખાણોનું કારણ મુસલમાનોના ગાયોના વધને બતાવવામાં આવ્યું.
૧૯૯૧માં ઉત્તરપ્રદેશમાં ભાજપની બહુમતી સરકાર બની. પછી ઇતિહાસની પુસ્તકોમાં ફેરફાર શરૃ થયો. એમ ભણાવવામાં આવ્યું કે આર્ય ભારતના મુળનિવાસી છે અને તેઓ બહારથી નથી આવ્યા. ગાંધી અને કબીરથી સંબંધિત પોતે હરાવી દેવામાં આવ્યા. સુભાષચંદ્ર બોઝની હેડગોવરની મુલાકાત બતાવીને એમ પ્રદર્શિત કરવાના પ્રયત્નો થયા કે હેડગોવર રાષ્ટ્રીય આંદોલનના પ્રમુખ સ્તંભ હતા. સંઘ પરિવારના સંગઠનોએ એ માંગણી પણ કરી કે લખનૌના પ્રસિદ્ધ બેગમ હઝરત મહલ પાર્કનું નામ બદલીને “ઉર્મિલા વાટિકા” રાખવામાં આવે જ્યારે કે બેગમ હઝરત મહલ ૧૯૫૭ના સ્વતંત્રતાના સેનાની છે અને આપણા માટે આદરપાત્ર છે. પરંતુ કોમવાદી અને સંકીર્ણ હિન્દુવાદી દૃષ્ટિકોણના કારણે ભાજપ તેમના નામને સહન નથી કરી શકતો.
૨૦૧૪માં કેન્દ્રમાં ભાજપની બહુમતી સરકાર બની જવાથી અને આર.એસ.એસ.ના પ્રચારક રહી ચૂકેલા નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવાથી ઇતિહાસના પુનઃલેખનની સંઘ પરિવારની માંગને બળ મળ્યું છે. આ વખતે આ મોર્ચો આર.એસ.એસ.થી જોડાયેલા દીનાનાથ બત્રાએ સંભાળ્યો છે. દીનાનાથ બત્રા પાછલા ઘણા વર્ષોથી દિલ્હીમાં “શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન મંચ” ચલાવે છે. તેઓ શિક્ષા-સંસ્કૃતિને સંપૂર્ણ રીતે સંઘની માનસિકતા મુજબ ઢાળવા માગે છે. તેઓ ખાસ કરીને એન.સી.ઇ.આર.ટી.ના પુસ્તકો પાછળ પડી ગયા છે. જે પોતાની તાર્કિક્તા, વસ્તુનિષ્ઠતા, વૈજ્ઞાનિકતા માટે પ્રસિદ્ધ છે. બત્રા ઇચ્છે છે કે કહેવાતી ધાર્મિક અને પૌરાણિક માન્યતાઓ જેમની તેમ કોઈપણ પ્રશ્ન કર્યા વગર સ્વીકારી લેવામાં આવે.
ગત ૩૦ જૂન ૨૦૧૪એ ગુજરાત સરકારે એક પરિપત્રના માધ્યમથી રાજ્યની ૪૨૦૦૦ સરકારી શાળાઓમાં એ નિર્દેશ આપ્યા કે દીનાનાથ બત્રાના નવ પુસ્તકો અનિવાર્યપણે ભણતરમાં શામેલ કરવામાં આવે. આ નવ પુસ્તકોમાંથી એક “તેજોમય ભારત”માં ભારતની મહાનતાનું વર્ણન કરતા કહેવામાં આવ્યું છે કે, અમેરિકા સ્ટેમસેલ રિસર્ચનું શ્રેય લેવા માંગે છે, પરંતુ સાચી વાત એ છે કે ભારતના ડૉ. બાલાકૃષ્ણ ગણપત માતાપુરકરે શરીરના વિભિન્ન અંગોને ફરીથી પેદા કરવાનો પેટેંટ અગાઉથી પ્રાપ્ત કરી લીધો છે… તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ કોઈ નવી શોધ નથી અને ડૉ. માતાપુરકર મહાભારતથી પ્રેરિત થયા છે. કુંતીને એક બાળક હતું, જે સૂર્ય કરતાં પણ વધારે દિવ્ય હતું. જ્યારે ગોધારીને આની જાણ થઇ તો ગર્ભપાત થઈ ગયો અને તેના ગર્ભમાંથી માંસનો લાંબો ટુકડો બહાર નીકળ્યો. હૈયામન વ્યાસને બોલાવવામાં આવ્યા. જેમણે તેને અમુક ઔષધો સાથે પાણીની એક ટાંકીમાં મૂકી દીધો, પછી તેમણે માંસના તે ટુકડાને ૧૦૦ ભાગમાં વહેંચી દીધો અને તેને ઘી થી ભરેલ ટાંકીમાં બે વર્ષ માટે મુકી દીધી. બે વર્ષ પછી તેમાંથી ૧૦૦ કૌરવો નીકળ્યા. આ વાંચ્યા પછી ડૉ. માતાપુરકરને લગ્યું કે સ્ટેમસેલની શોધ તેમની પોતાની નથી, બલ્કે આ તો મહાભરતમાં પણ દેખાય છે.
આ જ પુસ્તકમાં દીનાનાથ બત્રાએ લખ્યું છે – આપણે જાણીએ છીએ કે ટેલીવીઝનની શોધ સ્કોટલેન્ડના એક પાદરી જોન લોગી બાચર્ડએ ૨૫ માર્ચ ૧૯૨૬માં કરી હતી પરંતુ અમે તમને તેનાથી અગાઉ દૂરદર્શનમાં લઈ જવા માંગીએ છીએ. ભારતના મહામાનવો યોગવિદ્યા દ્વારા દિવ્યદ્રષ્ટિ પ્રાપ્ત કરી લેતા હતા. આમાં કોઈ શંકા નથી કે ટેલીવિઝનની શોધ અહીંથી જ જોવા મળે છે. મહાભારતમાં સંજય દૃષ્ટિહીન હસ્તિનાપુરના રાજ મહેલમાં બેસીને પોતાની દિવ્યદૃષ્ટિનો ઉપયોગ કરીને ધૃતરાષ્ટ્રને યુદ્ધની સ્થિતિનો સજીવ અહેવાલ આપતો હતો.
દીનાનાથ બત્રાએ આ પુસ્તકોમાં અનેક વાતો કહી છે. તેમાંથી આ ભલામણ પણ છે – શું તમે ભારતનો નકશો બનાવી રહ્યા છો? એ વાતનો નિર્ધાર કરી લો કે તમે તેમાં પાકિસ્તાન, નેપાળ, અફઘાનિસ્તાન, ભૂટાન, તિબેટ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને મ્યાનમાર અર્થાત બર્માને પણ શામેલ કરી રહ્યા છો. આ તમામ અવિભાજ્ય અથવા અખંડ ભારતના હિસ્સા છે. તે સિવાય પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ ૧૪ ઑગષ્ટને રાષ્ટ્રીય રજાઓમાં શામેલ કરવો જોઈએ. જેને “અખંડ ભારત સ્મૃતિ દિવસ”ના રૃપમાં મનાવવો જોઈએ.
બત્રાની ભલામણ છે કે તમામ વિષયોનો પ્રથમ અધ્યાય વિશ્વ સભ્યતામાં ભારતનું યોગદાન બતાવનારો હોવો જોઈએ. આ યોગદાન શું છે તેના અમુક ઉદાહરણો ઉપર આપવામાં આવ્યા છે. જોકે આમાં કોઈ જ આશ્ચર્ય નથી કે પ્રસિદ્ધ ઇતિહાસકારોએ આ સમગ્ર પરિયોજનાને કચરો કહ્યા છે. પ્રો. રોમિલા થાપરનું કહ્યું છે કે, આ ઇતિહાસ નથી કાલ્પનિકતા છે. મો. ઇરફાન હબીબનું કહેવું છે કે, વિષયવસ્તુ એટલી બેહુદી છે કે કોઈપણ પ્રતિક્રિયા અનાવશ્યક જ હશે. મને નથી ખબર કે જ્યારે તેઓ ભૂગોળને કલ્પનામાં પરિવર્તીત કરશે તો બાળકોને શું ભણાવશે. આ રીતે ઇતિહાસને બદલે ભ્રામકતાને વસ્તુનિષ્ઠ જ્ઞાનના બદલે પોતાના અતીતના મિથ્યા ગૌરવગાનને ઉત્તેજન આપવું, ધર્મવિશેષને સર્વશ્રેષ્ઠ પ્રમાણિત કરવાની સુવિચારિત યોજના આધિન એકેડેમિક પદો ઉપર બત્રા અને ઓંક જેવી વિચારધારાના લોકોને નિયુક્ત કરવામાં આવી રહ્યા છે. ભારતીય ઇતિહાસ અનુસંધાન પરિષદ (ઇન્ડિયન કાઉન્સીલ ઓફ હિસ્ટોરીકલ રીસર્ચ)ના અધ્યક્ષ તરીકે વાય. સુદર્શનને નિયુ્ક્ત કરવામાં આવ્યા છે. રાવનું માનવું છે કે રામાયણ અને મહાભારત ઇતિહાસ છે, ન કે મહાકાવ્ય.
માત્ર ઇતિહાસ જ નહીં બલ્કે સમગ્ર શિક્ષા પ્રણાલી તથા તેના પાઠ્યક્રમોને બદલવાનો મુસદ્દો તૈયાર થઈ ગયો છે. આર.એસ.એસ.થી જોડાયેલ “શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાય”ના રાષ્ટ્રીય અધ્યક્ષ દીનાનાથ બત્રાએ કહ્યું છે કે, રાજનીતિક બદલાવ થઈ ચૂક્યો છે. હવે શિક્ષામાં પૂર્ણ બદલાવ થવો જોઈએ. પૂર્વ ભાજપ પ્રમુખ અને વર્તમાન કેન્દ્રીય પ્રધાન વૈંકૈયા નાયડૂએ ૨૩ જૂન ૨૦૧૩એ સ્પષ્ટ કહ્યું હતું – “જો તે (ભાજપ) સત્તામાં આવે છે તો પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરશે.” કેન્દ્રના ગૃહપ્રધાન રાજનાથસિંહે પણ ૨૩ જુલાઈ ૨૦૧૪એ રાજ્યસભામાં કહ્યું કે, “આ પ્રસ્તાવ છે કે આ સુનિશ્ચિત કરવા માટે કે બાળકોને માનવ મૂલ્યો અને જીવન મૂલ્યો પ્રતિ જાગૃત બનાવવા માટે શાળાના પાઠ્યક્રમોથી ફેરફાર કરવામાં આવશે.” દીનાનાથ બત્રાનું પણ કહેવું છે કે – “આવશ્યક્તાઓ મુજબ એક રાષ્ટ્રવાદી શિક્ષા પ્રણાલી વિકસિત કરવી પડશે અને તેના માધ્યમથી એક એવી યુવાપેઢીનું નિર્માણ કરવું પડશે કે હિન્દુત્વ તથા રાષ્ટ્રવાદ પ્રતિ પ્રતિબદ્ધ હોય.”
બત્રાના “શિક્ષા બચાવો આંદોલન” એ એનસીઇઆરટીના હિન્દી પુસ્તકો સંબંધે એક પુસ્તિકા બહાર પાડી છે. અને તેને માનવ સંસાધન વિકાસ મંત્રાલય પાસે મોકલી દીધી છે. તેઓ ઇચ્છે છે કે એનસીઇઆરટીના પુસ્તકોમાંથી એમ.એફ. હુસૈન અને પંતીબી કાવ્ય અવતાર સિંહ “યશ”ના સંદર્ભે હટાવી દેવામાં આવે. તેમના અનુસાર “મુશ્કિલ” – “દોસ્ત” – “ગુસ્સા” – “શરારત” – “ખબરદાર” – “ગાયબ” – “મુહબ્બત ” – “મૌકા” જેવા શબ્દોનો પ્રયોગ કડકાઈપૂર્વક બંધ કરી દેવામાં આવે કેમકે આ હિન્દીના નહીં ઉર્દુના શબ્દો છે. જે શબ્દકોષને પ્રદૂષિત કરે છે. શિક્ષામાં પરિવર્તનની ભલામણો માટે “શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન મંચ”એ એક પંચ બનાવ્યું છે. આ પંચ બનાવવા પાછળ આર.એસ.એસ.નો હાથ છે.
આર.એસ.એસ. આ સંસ્થાના માધ્યમથી દબાણ નાંખીને સરકારની શિક્ષા ક્ષેત્રમાં મનફાવે તેમ પરિવર્તન કરાવવા માંગે છે. ૨૧ સભ્યોના આ પંચમાં ઘણા એવા લોકો છે જેઓ શિક્ષણના વિભિન્ન સંસ્થાનો સાથે જોડાયેલા છે અને નિર્દેશક કુલપતિ, પ્રોફેસર, નિયામક જેવા ઉચ્ચ પદે ઉપર કામ કરી ચૂક્યા છે. ગત ૨૯ જુલાઈ ૨૦૧૪એ કેન્દ્રના માનવ સંસાધન વિકાસ સ્મૃતિ ઇરાની નાગપુરમાં સંઘ પરિવાર દ્વારા આયોજીત વિદ્યાભારતી આયોજનમાં ઉપસ્થિત હતી. ત્યાં તેમણે આર.એસ.એસ. પ્રમુખ મોહન ભાગવત અને સંઘના અન્ય અનેક નેતાઓથી વાતચીત કરી. અનુભવહીન સ્મૃતિ ઇરાનીને માનવસંસાધન વિકાસ ખાતુ આપવાની રણનીતિ આ જ છે કે તેને અપ્રત્યક્ષ રૃપે આર.એસ.એસ.ના એજન્ડાના અનુરૃપ ચલાવી શકાય.
આર.એસ.એસ. અને ભાજપ સત્તાનો પ્રયોગ યુવાપેઢીને એવું શિક્ષણ આપીને કરવા માગે છે, જેનાથી તેઓ ભારતને હિન્દૂરાષ્ટ્ર બનાવવાના તેમના સ્વપ્નને પૂરુ કરી શકે. એટલા માટે તેઓ શિક્ષા પાઠ્યક્રમો તથા ઇતિહાસમાં પરિવર્તન કરવા માગે છે. કેમકે રાષ્ટ્રીય આંદોલનમાં આર.એસ.એસ.ની કોઈ ભૂમિકા નથી અને સ્વાધીનતા સંગ્રામમાં અંતિમ તબક્કામાં આર.એસ.એસ.ના સરસંઘચાલક ગુરૃ ગોલવલકર અને દીનદયાલ ઉપાધ્યાય જેવા પ્રચારકોએ ન તો સ્વાધીનતા સંગ્રામમાં ભાગ લીધો અને ન તો જેલમાં ગયા. એટલા માટે ઇતિહાસને વિકૃત કરવો તથા તેનું પુનર્લેખન કરવું તેમના માટે જરૂરી બની ગયું. અંગ્રેજ સરકારથી પોતાને સાંસ્કૃતિક સંગઠન કહીને સહયોગ કરનારું આર.એસ.એસ. સ્વાધીનતા સંગ્રામના ઇતિહાસમાં તથ્યોને છુપાવી દઈને પોતાની ભૂમિકા ઊભી કરવા માગે છે.
ઇતિહાસનું પુનર્લેખન કરીને તેમજ પાઠ્યપુસ્તકોમાં સંશોધન કરીને આર.એસ.એસ. અને ભાજપ નવી પેઢીના મન-મસ્તિષ્ક શ્રેષ્ઠતા ઉપર આધારિત હિન્દૂ રાષ્ટ્રની પરિકલ્પનાને દૃઢ કરવા ઇચ્છે છે. જેથી ધર્મનિરપેક્ષતા અને લોકતંત્ર તેમજ માનવ સમાનતા ઉપર આધારિત ભારતીય બંધારણને બદલીને મનુસ્મૃતિ આધારિત હિન્દુરાષ્ટ્ર ઘોષિત કરનારૃં બંધારણ લાગુ પાડી શકાય. તેઓ ભૂલી રહ્યા છે કે ઇતિહાસ લેખનમાં ભ્રમને સત્ય બતાવીને ભારતનો સમગ્ર વિશ્વમાં કેટલો ઉપહાસ થશે. સમય આવી ગયો છે કે, લોકતંત્ર, ધર્મનિરપેક્ષતા, માનવસમતા અને ભારતીય બંધારણમાં વર્ણન કરવામાં આવેલ આદેશોમાં વિશ્વાસ ધરાવતી શક્તિઓ ઇતિહાસના આ પુનર્લેખન જે વાસ્તવમાં ઇતિહાસનો વિધ્વંશ છે, ના વિરૂદ્ધ એકજુષ થઈને સંઘર્ષના મેદાનમાં આવી જાય.
અન્ય પછાત વર્ગો, દલિતો, આદીવાસીઓ અને અલ્પસંખ્યકોએ, આર.એસ.એસ. અને ભાજપ દ્વારા ઇતિહાસનું પુનર્લેખન કરીને તથા શિક્ષા પાઠ્યક્રમોમાં ફેરફાર લાવીને પુનઃમનુવાદી વ્યવસ્થા સ્થાપિત કરવાના ષડયંત્રથી આપધાન થઈ જવું જોઈએ. જો તેઓ આજે નહીં જાગે, તો તેમની આવનારી પેઢીઓ તેમને ક્યારેય માફ નહીં કરે.
(કાન્તિ હિન્દી માસિકના સૌજન્યથી; અનુવાદ : મુહમ્મદ અમીન શેઠ)