Thursday, December 26, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપઇસ્લામ : મનની શાંતિ અને દુઃખોથી મુક્તિ

ઇસ્લામ : મનની શાંતિ અને દુઃખોથી મુક્તિ

મોટાભાગના લોકો એવું માને છે કે ઇસ્લામ પર ચાલવું અઘરું છે, જ્યારે કે ઈશ્વરે ઇસ્લામને એક સરળ અને સંતુલિત જીવન-માર્ગ તરીકે અવતરિત કર્યો છે અને તે એક પ્રાકૃતિક ધર્મ છે. ઈશ્વરે મનુષ્યને પણ તેની પ્રકૃતિ પર પેદા કર્યો છે, જેને અરબી ભાષામાં ‘ફિતરહ’ કહે છે. જેમ કે કુઆર્નમાં છે કે ઃ ”એકાગ્ર થઈને પોતાનું રુખ આ દીન (ધર્મ)ની દિશામાં જમાવી દો, કાયમ થઈ જાવ તે પ્રકૃતિ પર જેના ઉપર ઈશ્વરે મનુષ્યોને પેદા કર્યા છે, ઈશ્વરે બનાવેલ પ્રકૃતિ બદલી શકાતી નથી. આ જ તદ્દન સીધો અને સાચો ધર્મ છે, પરંતુ ઘણાં લોકો જાણતા નથી.” (સૂરઃ રૃમ, ૩૦) અહીં અલ્લાહે મનુષ્યની પ્રકૃતિને જ પોતાનો ધર્મ કહેલ છે, જે તદ્દન સહજ, સીધો અને સાચો છે.

ઇસ્લામ એ વાતનો સ્વીકાર કરે છે કે મનુષ્યની આ પ્રકૃતિની અંદર કેટલાક પ્રેરક-બળો છે, જે આ ધરતી પર મનુષ્યની ભૂમિકાને પ્રભાવિત કરે છે, બીજ શબ્દોમાં ઇચ્છાઓ કહી શકાય; જેમ કે – સારા ભોજન અને શુદ્ધ પાણીની ઇચ્છા, એક સુંદર મકાનની ઇચ્છા, પ્રેમ અને સેક્સની ઇચ્છા, જીવવાની ઇચ્છા, સફળ અને મજબૂત બનવાની ઇચ્છા વગેરે. મનુષ્યમાં રહેલી આ પ્રાકૃતિક ઇચ્છાઓને, જો નિયંત્રણમાં રાખવામાં ન આવે અને તેનું સીમા-નિર્ધારણ કરવામાં ન આવે તો તે સ્વયં મનુષ્ય માટે અને ધરતી પર વસતા અન્ય લોકો અને જીવો માટે ખૂબ જોખમી બની શકે છે. નિયંત્રણની આ રીત સંતુલિતની સાથે વ્યવહારૃ પણ હોવી જરૂરી છે, જેથી તે મનુષ્યની પ્રકૃતિ પર બોજ પણ ન બની જાય અને તેમાં એટલી છૂટછાટ પણ ન હોય કે તે નિરંકૂશ પશુની જેમ જીવન વિતાવવા લાગે.

ઇસ્લામ મનુષ્યની આ પ્રકૃતિને અંકૂશમાં રાખવાની સંપૂર્ણ પદ્ધતિ બતાવે છે. આ એક ઈશ્વરીય પદ્ધતિ છે, જે મનુષ્યને પશુ પણ નથી બનવા દેતી અને અન્ય સજીવ-નિર્જીવ કરતાં તેને શ્રેષ્ઠ પણ બનાવી દે છે. કુઆર્નમાં ઈશ્વર કહે છે ઃ ”આ તો અમારી મહેરબાની છે કે અમે આદમની સંતાન (મનુષ્ય)ને પ્રતિષ્ઠા આપી અને તેમને જમીન અને પાણીમાં સવારીના સાધનો આપ્યા અને તેમને શુદ્ધ વસ્તુઓમાંથી રોજી આપી અને પોતે સર્જેલા અનેક સર્જનો ઉપર સ્પષ્ટ શ્રેષ્ઠતા આપી.”

મનુષ્યનું સીમિત જ્ઞાન અને બુદ્ધિ ઃ
મનુષ્યનું જ્ઞાન સીમિત છે, અને તેની બુદ્ધિ પણ સીમિત છે. આપણે ગમે તે કરી લઈએ, આપણા વિચારથી કે સમજણથી આપણે કદાપિ જીવનનો સહજ માર્ગ પામી શકતા નથી. પરંતુ ઈશ્વર પોતાના જ્ઞાનમાં અને પોતાની તત્ત્વદર્શિતમાં સંપૂર્ણ છે, એટલા માટે જ ઈશ્વરે જીવન અંગે સહજ માર્ગદર્શન આપતા ગ્રંથો અવતરિત કર્યા, તેના માર્ગદર્શનને જીવનમાં ચરિતાર્થ કરવા માટે મનુષ્યોમાંથી પોતાના સંદેષ્ટાઓ પસંદ કર્યા. આ સંદેષ્ટાઓની અંતિમ કડી પયગંબર હઝરત મુહમ્મદ (સલ્લ.) છે અને તેમના ઉપર અવતરિત થનાર ગ્રંથ કુઆર્ન છે, જે અંતિમ ઈશ્વરીય ગ્રંથ છે. આ બંને મૂળ સ્ત્રોત જીવનનો સહજ અને પ્રાકૃતિક માર્ગ બતાવે છે. તે તેના જ્ઞાન અને તેની તત્ત્વદર્શિતા અનુસાર કેટલીક સીમાઓ અને અમુક નિયમો નિર્ધારિત કરે છે, જે મનુષ્ય માટે વ્યક્તિગત અને સામૂહિક રૃપે નિતાંત લાભદાયી અને ઉપયોગી છે, અને તેથી તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર હાનિકારક છે. કુઆર્ન કહે છે ઃ ”આ ઈશ્વરની ઠરાવેલી સીમાઓ છે, તેના નજીક ન ફરકશો…” (સૂરઃ બકરહ, ૧૮૭) ઈશ્વર કુઆર્નમાં એક બીજી જગ્યાએ કહે છે ઃ ”આ અલ્લાહે ઠરાવેલી મર્યાદાઓ છે, તેનું ઉલ્લંઘન ન કરો અને જે લોકો અલ્લાહની મર્યાદાઓનું ઉલ્લંઘન કરે તેઓ જ અત્યાચારી છે.” (સૂરઃ બકરહ, રર૯)

ઘણા બધા એવા કાર્યો છે, જેની ઇસ્લામ પરવાનગી આપતો નથી; જેમ કે ઇસ્લામમાં બ્રહ્મચર્ય કે સંન્યાસની મનાઈ છે, કેમ કે તે મનુષ્યની પ્રકૃતિની વિરુદ્ધ છે – અર્થાત્ કામવાસના એ મનુષ્યની પ્રાકૃતિક ઇચ્છા છે. પરંતુ જ્યારે મનુષ્યની આ પ્રાકૃતિક ઇચ્છાની સીમા નિર્ધારિત કરવામાં ન આવે તો તે એક સામાજિક ઉપદ્રવ બની જાય છે. ઇસ્લામે તેનું પરફેક્ટ નિર્ધારણ કર્યું છે. પયગંબર સાહેબના કેટલાક સાથીઓમાંથી ત્રણ જણાએ વૈરાગ્યનો વિચાર કર્યો. એકે નક્કી કર્યું કે તે કદી લગ્ન નહીં કરે, બીજાએ નક્કી કર્યું કે તે હંમેશા ઉપવાસ રાખશે, તો ત્રીજાએ નક્કી કર્યું કે તે કદી ઊંઘશે નહીં, આખી રાત બંદગી કરશે. આ સાંભળીને પયગંબર સાહેબે પોતાના સાથીઓને કહ્યું કે, ”તમને આ શું થઈ ગયું છે કે તમે આવું-આવું કહી રહ્યા છો, જ્યારે કે હું બંદગી પણ કરું છું અને સૂઈ પણ જાઉં છું, ઉપવાસ પણ કરું છું અને ભોજન પણ લઉં છું અને હું સ્ત્રીઓ સાથે લગ્ન પણ કરું છુંં; અને જે મારી આ સુન્નત (મારી જીવવાની રીત)થી દૂર થઈ ગયો તેની સાથે મારો કોઈ સંબંધ નથી.” (સહીહ મુસ્લિમ)

ઇસ્લામ, આની સાથે મનુષ્યને તેની કામવાસના અને લાલસા તથા મનેચ્છાઓને તાબે પણ થવા દેતો નથી, જેમ કે આજના યુગમાં આપણે કથિત ‘સભ્ય’ સંસ્કૃતિમાં જોઈ રહ્યા છીએ. ઇસ્લામ મનુષ્યના પોતાની પત્ની, પુત્ર અને પુત્રી, સોના-ચાંદી અને અન્ય સંપત્તિ પ્રત્યેના પ્રેમનો સ્વીકાર કરે છે, પણ તે આ દુનિયાના જીવનમાં સુખ-ભોગ અંગેની ચોક્કસ સીમાઓ નક્કી કરે છે. તેની સાથે તે પરલોકની યાદ અપાવે છે. જેમ કે કુઆર્નમાં નિર્દેશ છે ઃ ”લોકો માટે મનગમતી વસ્તુઓ – સ્ત્રીઓ, સંતાનો, સોના-ચાંદીના ઢગલા, ચુનંદા ઘોડાઓ, ચોપગાં પશુઓ અને ખેડાઉ જમીનો ઘણી લોભામણી બનાવી દેવામાં આવી છે, પરંતુ આ બધી વસ્તુઓ દુનિયાની થોડા દિવસની જિંદગીની સામગ્રી છે. હકીકતમાં જે વધુ સારું ઠેકાણું છે, તે તો અલ્લાહ પાસે છે. કહો, ‘હું તમને બતાવું કે આનાથી વધુ સારી વસ્તુ કઈ છે ? જે લોકો ઈશભય અને સંયમનો વ્યવહાર અપનાવે તેમના માટે તેમના પ્રભુ-પાલનહારના પાસે બાગ છે, જેના નીચે નહેરો વહેતી હશે, ત્યાં તેમને શાશ્વત જીવન પ્રાપ્ત થશે, પવિત્ર પત્નીઓ તેમની સંગિની હશે અને અલ્લાહની પ્રસન્નતા તેમને પ્રાપ્ત થશે…” (સૂરઃ આલે ઇમરાન, ૧૪-૧૫)

આમ, ઇસ્લામ અનુસાર પ્રાકૃતિક ઇચ્છાઓને પૂર્ણ તાબે થઈ જવું એ મનુષ્યનો ઉદ્દેશ્ય નથી, બલ્કે મનુષ્યની પરીક્ષા એ છે કે તે આ દુનિયાના જીવનમાં તેની આ પ્રાકૃતિક ઇચ્છાઓને ઈશ્વરના આધીન કરે છે કે પછી મનેચ્છાઓને તાબે થઈ જાય છે. જો તે ઈશ્વરે નિર્ધારિત કરેલ સીમાઓનું પાલન કરશે, તો તેનાથી તેના જીવનમાં ન માત્ર સંતુલન પેદા થશે અને સુખ-શાંતિનો અનુભવ કરશે, બલ્કે પરલોકના શાશ્વત જીવનમાં તેને શાંતિ અને મોક્ષ પ્રાપ્ત થશે. ઇસ્લામના મતે આલોકનું આ જીવન પીડાદાયક આધ્યાત્મિક પરીક્ષણ નથી કે તે ગુફાઓમાં અને જંગલોમાં જઈને પસાર કરવું પડે, તો જ તેને દુઃખદર્દથી મુક્તિ મળી શકે અને પરલોકમાં મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. આખું વર્ષ કે વર્ષના કેટલાય દિવસો સુધી ભૂખ્યા-તરસ્યા રહીને, લગ્નવિહિન રહીને અને મનને મારીને હૃદયની શુદ્ધિનો માર્ગ ઇસ્લામ નથી દેખાડતો. તેના બદલે એક મુસ્લિમ તરીકે તેના માટે પયગંબરનું અનુસરણ અનિવાર્ય છે, જેમાં જીવનનો સંતુલિત અને મધ્યમમાર્ગનો સંદેશ છે – જેમ કે ઈશ્વર કહે છે ઃ ”વાસ્તવમાં તમારા માટે ઈશદૂત (હઝરત મુહમ્મદ સલ્લ.)માં એક ઉત્તમ આદર્શ છે, દરેક એ વ્યક્તિ માટે જે ઈશ્વર અને પરલોકના દિવસની અપેક્ષા રાખતો હોય અને ઈશ્વરનું પુષ્કળ પ્રમાણમાં સ્મરણ કરે.” (કુઆર્ન, સૂરઃ અહ્ઝાબ, ર૧)

પ્રતિબંધક નીતિ-નિયમો ઃ
‘પ્રતિબંધ’ (Restriction) શબ્દ મહદ્અંશે એ લોકોના મોઢેથી નીકળે છે, જેમને મુક્ત જીવન (Free Life) જીવવાની ટેવ પડી ગઈ હોય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે તમે જ્યાં જશો ત્યાં અમુક નીતિ-નિયમો હોય જ છે; જેમ કે – વ્યક્તિ વર્ક-પ્લેસમાં, શાળા-કૉલેજો અને યુનિવર્સિટીઓમાં અને મોટાભાગે જાહેર માર્ગો પર. જો જાહેર-માર્ગો પર ચાલવાના નિયમોનું પાલન કરવામાં ન આવે તો અકસ્માત થઈ શકે છે. ઇસ્લામ એવા ઘણાં નિયમોનું પાલન કરવાનું કહે છે, જેની અન્ય સભ્યતાઓમાં છૂટ છે; જેમ કે પશ્ચિમી સભ્યતામાં જીવતા લોકો એવું માને છે કે પ્રતિબંધથી વ્યક્તિની સ્વતંત્રતા હણાય છે, પણ આપણે જોઈએ છીએ કે તેમના સ્વૈરાચાર અને સ્વચ્છંદતાના કારણે ઘણા લોકો, ટીનેજરો પણ એઈડ્સ વગેરે જેવી જીવલેણ બીમારીઓના ભોગ બન્યા છે, જેના ભરડામાં આજે સમગ્ર જગત સપડાયેલું છે. આ બધા નીતિ-નિયમો મનુષ્યોએ બનાવેલા છે. પરંતુ જે મનુષ્યને ઈશ્વરે બનાવ્યો છે તે તેની પ્રકૃતિને સારી રીતે જાણે છે અને તેની પ્રાકૃતિક ઇચ્છાઓને યથાર્થ રૃપે કંટ્રોલ કરી શકે છે. ઇસ્લામે રોજિંદા જીવન માટેના ઉત્કૃષ્ટ નીતિ-નિયમો આપેલા છે, જે સ્વયં મનુષ્યને સુખ-શાંતિનો અનુભવ કરાવે છે, અને અનેક માનસિક-શારીરિક રોગોથી તેની રક્ષા કરે છે; ઉપરાંત આખા સામાજિક માળખાને તંદુરસ્ત અને નૈતિકતા પ્રત્યે પ્રતિબદ્ધ રાખે છે. કુઆર્નમાં અને પયગંબર સાહેબના કથનો અને આચરણમાં આવા અનેક ઉદાહરણો મળી આવશે.

એક વધારે સારો પ્રસ્તાવ, જે ઇસ્લામ આપે છે ઃ
આકાશો અને ધરતીનો સૃષ્ટા, જેણે આપણને અને આપણી પ્રકૃતિને બનાવેલ છે, જેની પાસે એવી રીત છે જેનાથી આપણી પ્રાકૃતિક ઇચ્છાઓ વધુ સંતુલિત અને સહજ રીતે પૂરી થાય છે, તે આપણને દુનિયાના લાભો કરતાં વધુ સારા વળતર, વધારે ઉત્તમ ઈનામ અને અનંત લાભની ઑફર કરતો હોય તો શું આપણે એ જાણવું ન જોઈએ કે તે પ્રસ્તાવ શું છે ? ઈશ્વર પોતાના ગ્રંથ ‘કુઆર્ન’માં કહે છે ઃ ”તમે લોકો દુનિયાના ફાયદાઓ ચાહો છો, જો કે અલ્લાહની નજર સમક્ષ તો આખિરત (પરલોક) છે, અને અલ્લાહ વર્ચસ્વશાળી અને તત્ત્વદર્શી છે.” (સૂરઃ અન્ફાલ, ૬૭) એક અન્ય ઠેકાણે કહે છે કે, ”કેટલાક ચહેરા તે દિવસે તેજસ્વી હશે, પોતાની કામગીરી પર ખુશ હશે, ઉત્તમ શ્રેણીની જન્નતમાં હશે, કોઈ વ્યર્થ અને અશિષ્ટ વાત તેઓ ત્યાં નહીં સાંભળે, તેમાં ઝરણાં વહેતાં હશે, તેમાં ઉચ્ચ આસનો હશે, જામ મૂકેલા હશે, ગાવ-તકિયાની કતારો લાગેલી હશે અને ઉત્તમ અને કીમતી જાજમો પાથરેલી હશે.” (સૂરઃ ગાશિયહ, ૮-૧૬)

જીવનનો સાચો ઉદ્દેશ્ય ઃ
આમ તો આ દુનિયાના જીવનમાં એવી ઘણી સારી વસ્તુઓ છે, જે ઈશ્વરે જ મનુષ્યને સહજ જીવન-યાપન માટે પ્રદાન કરી છે. પરંતુ આ વિપુલ ધનસંપત્તિ અને રાચરચિલું તથા દુનિયાના આ ફાયદાઓનો એક નિશ્ચિત અંત છે; જેમ કે મનુષ્યની સુંદરતા, જે તેની યુવાનીમાં તેને ખૂબ કામ લાગે છે અને તેના માટે ઘણા માર્ગો ખોલી આપે છે, પરંતુ જ્યારે ૬૦ કે તેનાથી વધારે ઉંમરે પહોંચે છે તો તે તેનો સાથ છોડી દે છે. વૃદ્ધત્વની વાસ્તવિકતા છે. એવું જ ધનસંપત્તિનું છે, જે સમય જતાં પોતાનું મૂલ્ય ખોઈ નાખે છે અથવા તેને કંઈ કામ નથી લાગતી, જ્યારે તે મૃત્યુના નજીક પહોંચી જાય છે. તેણે તનતોડ મહેનત કરીને એકઠી કરેલી ધનસંપત્તિ છેવટે તેના વારસદારો પાસે ચાલી જાય છે. જો કે ઈશ્વરે ધનસંપત્તિ કમાવાની છૂટ આપી છે, પણ બીજાનું શોષણ કરીને કે અન્યાય કરીને નહીં. આપણે આ ધરતી પર જન્મીએ છીએ, આ દુનિયામાં જીવીએ છીએ અને પછી એક દિવસે મૃત્યુ પામીએ છીએ. આ જ જીવનની અને આ દુનિયાની વાસ્તવિકતા છે. જો આપણે ખરેખર આપણા પસાર થતા જીવન પર એક નજર નાખીશું, તો જરૃર એવું લાગશે, જાણે આપણે અહીં દુનિયામાં એક પ્રવાસી છીએ ! પ્રવાસી હંમેશા એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં અને એક સ્થળેથી બીજા સ્થળે પ્રવાસ કરતો રહે છે, હંમેશા એક સ્થળે અને એક સ્થિતિમાં નથી રહેતો. એવું જ આ દુનિયાનું છે. પયગંબર મુહમ્મદ (સલ્લ.)એ સરસ વાત કહી છે – ”તમે દુનિયામાં એવી રહો, જાણે તમે પરદેશી છો અથવા પ્રવાસી.” (બુખારી) પયગંબરના સાથી હઝરત ઇબ્ને ઉમર (રદિ.) હંમેશા કહેતા, ”જ્યારે સાંજ હોય તો સવારની રાહ ન જૂઓ અને જ્યારે સવાર હોય તો સાંજની રાહ ન જૂઓ. તંદુરસ્ત હોવ તો બીમારીના સમય માટે નેકીનું ભાથું લઈ લો અને જીવન દરમ્યાન મૃત્યુ માટે કર્મની મૂડી પ્રાપ્ત કરી લો.” (બુખારી)

આમ, ઈશ્વરે ન તો આ દુનિયાને શાશ્વત બનાવી છે, ન મનુષ્યને અહીં અનંત જીવન પ્રાપ્ત છે. દુનિયાની આ તમામ વસ્તુઓ નશ્વર અને નાશવંત છે. તો પછી ઈશ્વરે આ દુનિયા બનાવી શા માટે અને મનુષ્યને અહીં મોકલ્યો શા માટે ? કુઆર્ન તેનો જવાબ આપે છે ઃ
”અમે આ આકાશ અને ધરતીને અને જે કંઈ તેમાં છે, કંઈ રમત માટે નથી બનાવ્યું… પરંતુ અમે તો અસત્ય પર સત્યનો ફટકો લગાવીએ છીએ જે તેનું માથું ભાંગી નાખે છે અને તે જોત-જોતામાં નાશ પામે છે…” (સૂરઃ અંબિયા, ૧૬-૧૮)
”અત્યંત મહાન અને ઉચ્ચ છે તે જેના હાથમાં (સૃષ્ટિનું) રાજ્ય છે, અને તેને દરેક વસ્તુનું સામર્થ્ય પ્રાપ્ત છે; જેણે મૃત્યુ અને જીવનનો આવિષ્કાર કર્યો જેથી તમને લોકોને અજમાવીને જુએ કે તમારામાંથી કોણ સારાં કર્મ કરનાર છે, અને તે પ્રભુત્વશાળી પણ છે અને ક્ષમા કરવાવાળો પણ.” (સૂરઃ મુલ્ક, ૧-૨)
સૃષ્ટિની દૃશ્ય-અદૃશ્ય વસ્તુઓ અને સજીવો-નિર્જીવો તમામ મનુષ્યની સેવા માટે છે અને મનુષ્ય ઈશ્વરની ભક્તિ અને ઉપાસના માટે પેદા કરવામાં આવ્યો છે. સ્વયં ઈશ્વર કહે છે, ”મેં જિન્નાતો અને મનુષ્યોને આના સિવાય બીજા કોઈ કામ માટે પેદા કર્યા નથી કે તેઓ મારી બંદગી (ઉપાસના) કરે.” (સૂરઃ ઝારિયાત, ૫૬)

ઈશ્વરથી પ્રેમ, તેની ઉપાસના અને તેની ભક્તિ જ આ જીવનનો સાચો ઉદ્દેશ્ય છે. ઈશ્વરથી પ્રેમ કેવી રીતે કરી શકાય ? કુઆર્ન કહે છે ઃ ”(હે ઈશદૂત ! તેમને કહો) જો તમે ખરેખર ઈશ્વરને પ્રેમ કરતા હોવ તો મારું અનુસરણ કરો, અલ્લાહ તમારા સાથે પ્રેમ કરશે અને તમારી ભૂલોને માફ કરી દેશે. તે મોટો ક્ષમા આપનાર અને દયાળુછે. તેમને કહો – ઈશ્વર અને તેના દૂતનું આજ્ઞાપાલન સ્વીકારી લો. પછી જો તેઓ તમારું આ આમંત્રણ ન સ્વીકારે તો ચોક્કસપણે તે સંભવ નથી કે ઈશ્વર એવા લોકોને પ્રેમ કરે, જેઓ તેનું અને તેના દૂતનું આજ્ઞાપાલન કરવાનો ઇન્કાર કરતા હોય.” (સૂરઃ આલે ઇમરાન, ૩૧-૩ર)

માનવ-રચિત કાનૂનનો પ્રશ્ન ઃ
માનવી પોતે પોતાની રીતે, પોતાની મરજીથી બધા માટે, હંમેશ માટે નક્કી નથી કરી શકતો કે શું સારું છે અને શું ખરાબ ? માનવ-રચિત કાનૂન વ્યક્તિની ઇચ્છાઓ, તેની ભાવનાઓ અને લાગણીઓ, અપૂર્ણ-અધૂરું જ્ઞાન, માન્યતાઓ, પૂર્વગ્રહો વગેરેથી હંમેશા પ્રભાવિત હોય છે. આ એક એવી વાસ્તવિકતા છે, જેનો ઇન્કાર સંભવ નથી. આ ખામીઓ અને ત્રુટિઓની સાથે જ તેઓ કાનૂન ઘડતા હોય છે. તેથી જ માનવ-રચિત કાનૂનમાં એવા કેટલાય છિદ્રો, છટકબાીઓ અને ઊણપો રહી જાય છે. તેમાં સમયાંતરે સુધારા-વધારા કરવા પડતાં હોય છે, છતાં તે પૂર્ણ નથી હોતો. તેથી સર્વજ્ઞાની અને સર્વોચ્ચ-સર્વગુણ સંપન્ન અને પરમ્ પવિત્ર ઈશ્વરે કુઆર્નનું અવતરણ કર્યું અને ઈશદૂત હઝરત મુહમ્મદ (સલ્લ.)ને આદર્શ બનાવીને મોકલ્યા, તો તેમાં દર્શાવી દીધું કે મનુષ્ય માટે શું સારું છે અને શું ખરાબ, શું સાચું છે અને શું ખોટું. કુઆર્નમાં મહિમાવાન ઈશ્વર કહે છે ઃ ”અમે આ ગ્રંથ તમારા પર અવતરિત કર્યો છે જે દરેક વસ્તુની સ્પષ્ટપણે સમજૂતી આપનારો છે અને માર્ગદર્શન અને કૃપા અને ખુશખબર છે તે લોકો માટે જેમણે આજ્ઞાપાલનમાં માથું ઝૂકાવી દીધું છે.” (સૂરઃ નહ્લ, ૮૯)

તો, ઇસ્લામ શું કહે છે ?
ઇસ્લામનો સંદેશ મનુષ્યની પ્રકૃતિ સાથે સુસંગત છે. પરમ્ તત્ત્વદર્શી ઈશ્વરે મનુષ્યને સર્વોત્તમ રૃપમાં ઘડ્યો. તેને તેણે પરોક્ષને, જે તેને તેની નરી આંખે દેખાતું નથી તેને સમજવાની-પામવાની અને માનવાની શક્તિ પ્રદાન કરી. તેથી જ મનુષ્યનું હૃદય, તેનો આત્મા અને તેની ક્ષિતિજો સૃષ્ટિના અન્ય જીવધારીઓ કરતાં ખૂબ વ્યાપક, ખુલ્લી અને વિસ્તરીત છે. તેથી જ ઈશ્વર મનુષ્યને સૃષ્ટિજન્ય વસ્તુઓ તરફ દૃષ્ટિ કરવાનું આહવાન્ કરતો રહે છે, આખું કુઆર્ન આવા દૃષ્ટાંતોથી ભરેલું છે – જેમ કે, ”તો શું આ લોકો ઊંટોને નથી જોતા કે કેવા બનાવવામાં આવ્યા ? આકાશને નથી જોતા કે કેવું ઊંચું ઉઠાવવામાં આવ્યું ? પર્વતોને નથી જોતા કે કેવા જમાવવામાં આવ્યા ? અને ધરતીને નથી જોતા કે કેવી પાથરવામાં આવી ?” (સૂરઃ ગાશિયહ, ૧૭-ર૦)

આપણે પોતે આપણી જાતમાં ઈશ્વરની નિશાનીઓ જોઈ શકીએ છીએ; કુઆર્નમાં ઈશ્વર કહે છે, ”હે મનુષ્ય ! કઈ વસ્તુએ તને પોતાના તે કૃપાળુ રબ (પ્રભુ-પાલનહાર) વિષે ધોખામાં નાખી દીધો, જેણે તને પેદા કર્યો, તને નખશિખથી દુરસ્ત બનાવ્યો, તને એક સંતુલન સાથે બનાવ્યો, અને જે રૃપમાં ઇચ્છ્યો તને જોડીને તૈયાર કર્યો ?” (સૂરઃ ઇન્ફિતાર, ૬-૮) ઉપરાંત, ”અમે મનુષ્યને સર્વોત્તમ બંધારણ પર પેદા કર્યો…” (સૂરઃ તીન, ૪)

આપણે સૌ ઈશ્વરના સર્જનો છીએ, સર્વશ્રેષ્ઠ સર્જન, જેમને તેણે બુદ્ધિ અને સમજ આપી, અને પોતાના સૃષ્ટાને ઓળખવાની સંપૂર્ણ શક્તિ પ્રદાન કરી. આ ઈશ્વર પોતાના આ સર્વશ્રેષ્ઠ સર્જનથી શું કહે છે ? ”…તો દોડો ઈશ્વર તરફ, હું (અર્થાત્ ઈશદૂત હઝરત મુહમ્મદ સલ્લ.) તમારા માટે તેના તરફથી સ્પષ્ટપણે સચેત કરનાર છું, અને અલ્લાહ સાથે કોઈ બીજો ઉપાસ્ય ન બનાવો, હું તમારા માટે તેના તરફથી સ્પષ્ટપણે સચેત કરનાર છું.” (સૂરઃ ઝારિયાત, ૪૭-૫૧)

અને, તેથી જ જે લોકો પોતાના ઈશ્વરને ઓળખી લે છે, તેને પામી લે છે, તે સ્વયં પોકારી ઉઠે છે – ”લા-ઇલાહ ઇલ્લલ્લાહ, મુહમ્મદુર્-રસૂલ્લાહ’ અર્થાત્ – કોઈ પૂજ્ય-ઉપાસ્ય નથી એક પરમ્ ઈશ્વર (અલ્લાહ) સિવાય, (અને) મુહમ્મદ (સલ્લ.) ઈશ્વરના સંદેષ્ટા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments