તહેવારો અને લોકોના સામાજિક જીવન વચ્ચે અતૂટ સંબંધ છે. જ્યારથી માનવીએ આ ધરતી પર સામાજિક જીવન વિતાવવાનું શરૃ કર્યું છે, સંભવતઃ ત્યારથી જ તહેવારોની ઉજવણીનો ક્રમ પણ ચાલ્યો આવે છે. દુનિયામાં કોઈ કોમ એવી નથી અને કદી રહી પણ નથી, જેણે વર્ષમાં બે-ચાર કે પાંચ-દસ દિવસ આ હેતુથી વિશિષ્ટ ન કર્યા હોય. આ તહેવારો વાસ્તવમાં સમાજની જાન છે. લોકોનું એક જગ્યાએ એકઠાં થવું, સમાન લાગણીઓ પ્રદર્શિત કરવી, હળીમળીને ખુશીઓ મનાવવી, એક જેવા રીતરિવાજો પૂરા કરવા, આ બધું પોતાનામાં ગુંદર જેવી ખૂબીઓ ધરાવે છે, જેનાથી લોકો પરસ્પર જોડાય છે અને એક સુગ્રથિત અને સુસંબદ્ધ સમાજ બને છે અને તેમનામાં સામૂહિક આત્મા ન કેવળ પેદા થાય છે, બલ્કે થોડા-થોડા સમયાંતરે તાજો અને જાગૃત પણ થતો રહે છે.
સામાન્ય રીતે તહેવારો દુનિયાના વિભિન્ન દેશો અને જાતિઓમાં મનાવવામાં આવે છે. તેનું વિશ્લેષણ કરવામાં આવે તો જાણવા મળે છે કે પ્રત્યેક તહેવાર કાં તો કોઈ મહત્ત્વની ઘટનાની યાદગારમાં ઉજવવામાં આવે છે, અથવા કોઈ મહાન વ્યક્તિની જાતથી સંલગ્ન હોય છે, કે પછી કોઈ ખાસ ધાર્મિક પ્રસંગથી સંબંધિત હોય છે. જે હોય તે, તહેવારો માટે કોઈને કોઈ એવી ઉજવણી જરૂરી છે, જે એક જાતિના લોકો અથવા એક દેશના રહેવાસીઓ માટે સંયુક્ત રુચિની વસ્તુ હોય અને જેનાથી તેમની ઊંડી લાગણીઓ જોડાયેલી હોય. આ જ કારણસર એક જાતિ કે દેશના તહેવારોમાં બીજી જાતિ કે દેશના લોકો રસ નથી લેતા અને કોઈ હેતુસર ઔપચારિક રસ લેવા માગે તો લઈ નથી શકતા; કેમ કે એક જાતિનો તહેવાર જે રસમ-રિવાજ અને પરંપરાઓથી સંબંધ ધરાવે છે, તે બીજી જાતિની ભાવનાઓ અને અનુભૂતિઓમાં એ ક્રિયા-પ્રક્રિયા અને પ્રવૃત્તિ પેદા નથી કરતી, જે સ્વયં એ જાતિમાં પેદા કરે છે.
તહેવારો મનાવવાની રીતો પણ દુનિયાની વિભિન્ન જાતિઓમાં અનેકાનેક છે. ક્યાંક ફક્ત રમત-ગમત અને રાગરંગ અને આનંદ-પ્રમોદ સુધી તહેવારો સીમિત હોય છે, ક્યાંક મોજમજા અને હરવા-ફરવા તથા સભ્યતાની હદોને પાર કરીને નિરર્થક અને બગાડનાં કામો અને પ્રવૃત્તિઓ તથા અશિષ્ટતાની હદો સુધી પહોંચી જાય છે, ક્યાંક ધાર્મિક ઉત્સવોની સાથે અમુક સંસ્કાર-વિધિઓ પણ અદા કરવામાં આવે છે, અને ક્યાંક આ સામૂહિક ઉજવણીઓથી ફાયદો ઉઠાવીને લોકોમાં ઉચ્ચ દરજ્જાની નૈતિક રૃહ ફૂંકવા અને કોઈ લક્ષ્ય અને ઉદ્દેશ્યની સાથે ઉત્કટ પ્રેમ અને ઊંડો લગાવ પેદા કરવાની કોશિશ કરવામાં આવે છે. ટૂંકમાં, એક કોમ કે જાતિની તહેવાર મનાવવાની રીત જાણે એક માપદંડ છે, જેનાથી તમે તેના સ્વભાવ અને તેના સાહસ અને ઉમંગોને જાહેરમાં માપીને જોઈ શકો છો. જેટલું ઉચ્ચ નૈતિક સ્પિરિટ કોઈ કોમમાં હશે, એટલાં જ પ્રમાણમાં તહેવારો સુસભ્ય અને પવિત્ર હશે, અને એ જ પ્રમાણે નૈતિક રીતે કોઈ કોમ જેટલી પતનગ્રસ્ત હશે, તે પોતાના તહેરવારોમાં એટલાં જ પ્રમાણમાં ઘૃણાસ્પદ પ્રદર્શનો કરશે.
ઇસ્લામ, એક વૈશ્વિક સુધારવાદી આંદોલન છે, જે કોઈ ખાસ દેશ કે જાતિથી સંબંધ નથી ધરાવતું, બલ્કે દુનિયાના તમામ લોકોને એક ખુદાપરસ્ત સભ્યતાના અનુયાયી બનાવવા માગે છે, તેથી તેણે જ્યાં જીવનના દરેક ક્ષેત્રને વિશેષ રૃપમાં ઢાળ્યું છે, એ જ રીતે તહેવારોને પણ એક નવું સ્વરૃપ આપ્યું છે, જે દુનિયાભરના તહેવારો અને ઉત્સવોથી ભિન્ન છે. સામાજિક જીવનમાં તહેવારોનું જે મહત્ત્વ છે અને સમાજમાં સામૂહિક ઉત્સવો-પ્રસંગો માટે જે એક પ્રાકૃતિક તરસ જોવા મળે છે, ઇસ્લામે તેની અવગણના તો નથી કરી, બલ્કે તેનાથી લાભ ઉઠાવવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે. પરંતુ તહેવારોની ઉજવણી, તહેવારો મનાવવાની રીત અને તહેવારોની નૈતિક સ્પિરિટમાં તેણે પાયાનો ફેરફાર કરી નાખ્યો છે. આ બાબતની ત્રણ મુખ્ય વિશેષતાઓ તરફ હું તમારું ધ્યાન દોરવા માગું છું.
કોઈ વૈશ્વિક આંદોલન કોમી તહેવારોને પસંદગીની નજરથી નથી જોઈ શકતું. જે તહેવારોનો પાયો અલગ-અલગ કોમી પરંપરાઓ પર હોય, જેના સાથે એક જ કોમ કે જાતિની ભાવનાઓ અને રુચિઓ જોડાયેલ હોય અને જેમાં એક કોમની સાથે બીજી કોમ સ્વાભાવિક રીતે ભાગ ન લઈ શકતી હોય, તે વાસ્તવમાં માનવતાને કોમ-કોમ કે જાતિ-જાતિ વચ્ચે અને રાષ્ટ્રો દરમ્યાન વિભાજિત અને ભેદભાવ કરવાનું પ્રેરકબળ છે. તે જે રીતે એક કોમને પોતાનામાં સંગઠિત થવામાં મદદ કરે છે, એ જ રીતે દરેક કોમને બીજી કોમથી ફાડવા અને અલગ કરવાની સેવા પણ કરે છે. તેથી કોઈ એવું આંદોલન, જેનો વિષય કોમો, જાતિઓ અને રાષ્ટ્રોથી ઉપર ઉઠીને માનવતા હોય અને સમગ્ર દુનિયાના લોકોને એક સભ્યતાના રિશ્તામાં પરોવવા માગતું હોય, આ પ્રકારના તહેવારોને, એટલું જ નહિં કે સ્વીકારતું નથી, બલ્કે સહન પણ કરી શકતું નથી; કેમ કે તે તેના ઉદ્દેશ્યની રાહમાં પ્રત્યક્ષરૃપે એક રુકાવટ હોય છે. આને સામે રાખીને ઉદ્દેશ્યનો સ્વાભાવિક તકાદો એ જ છે કે જે કોમો કે જાતિઓ કે રાષ્ટ્રો આના પ્રભાવ હેઠળ આવે, તેમનાથી એ તહેવારો છોડાવી દે અને એવા તહેવારો નિર્ધારિત કરે, જેમાં તેઓ બધા ભાગ લઈ શકતા હોય, જે એક જ સમયે કોમી (કે રાષ્ટ્રીય) પણ હોય અને આંતરરાષ્ટ્રીય પણ, જેનો પાયો કોમી પરંપરાઓ અને ભાવનાઓ પર ન હોય, બલ્કે માનવતા માટે સંયુક્ત અને સમાન મહત્ત્વ ધરાવતી ભાવનાઓ અને પરંપરાઓ ઉપર હોય.
પછી, જે આંદોલન વૈશ્વિક હોવાની સાથે ખુદારપરસ્ત (ઈશનિષ્ઠ) પણ હોય, તે આવા તહેવારોને અને એ તમામ ઉજવણીઓને, જે પ્રાચીન આસ્થાઓની યાદ તાજી કરનારી હોય, બંધ કરી દે અને તેની જગ્યાએ એવા તહેવારો નિર્ધારિત કરે, જે ખુદાપરસ્તીનો ગાઢ રંગ ધરાવતાં હોય.
ખુદાપરસ્તીની સાથે અનિવાર્યપણે એક નૈતિક ઉચ્ચ લક્ષ્ય પણ જોડાયેલ હોય છે અને તેનો તકાદો એ છે કે એક ખુદાપરસ્ત આંદોલન પોતાના અનુયાયીઓને એવા તહેવારો આપે, જે દુરાચાર અને બગાડ તથા અશ્લીલતા અને અશિષ્ટતાથી તદ્દન પવિત્ર હોય, જેમાં આનંદ-પ્રમોદ સભ્યતાની સાથે અને ખુશીનું પ્રદર્શન વિવેકની સાથે હોય, જે માત્ર રમત-ગમત પર જ સમાપ્ત ન થઈ જાય, બલ્કે સામૂહિક જીવનમાં તહેવારોથી જે પ્રવૃત્તિશીલતા અને ગતિશીલતા પેદા થાય છે, તેને ઉચ્ચ દરજ્જાના નૈતિક હેતુઓ માટે સમગ્રપણે પ્રયુક્ત કરવામાં આવે.
ઇસ્લામે પોતાના અનુયાયીઓ માટે જે તહેવારો નક્કી કર્યા છે, તેમાં આ ત્રણેય વિશેષતાઓ સ્પષ્ટ દેખાય છે. અરબસ્તાન, ઈરાન, મિસર (ઇજિપ્ત), શામ (સીરિયા) તેમજ અન્ય દેશોમાં જે કોમોએ ઇસ્લામનો સ્વીકાર કર્યો, તેમનાં તમામ ધાર્મિક તહેવારો અને ઉત્સવો ઇસ્લામે છોડાવી દીધા, અને તેના બદલે બે તહેવારો પ્રચલિત કર્યા, જેને આપણે ‘ઈદુઝ્-ઝુહા’ અને ‘બકર-ઈદ’ (ઈદે-કુરબાં)ના નામથી જાણીએ છીએ. આમાંથી પહેલો તહેવાર તો એ ખુશીમાં મનાવવામાં આવે છે કે અલ્લાહના નામે રમઝાનના ત્રીસ રોઝા રાખવાનો જે આદેશ આપવામાં આવ્યો હતો, તેને પૂરો કરવામાં આપણે સફળ થઈ ગયા, તેથી આ આદેશ-પાલનથી નિવૃત્ત થઈને આપણે આપણા માલિકનો શુક્ર (કૃતજ્ઞતા) બજાવી લાવીએ. રહ્યો બીજો તહેવાર, તો તે એ અનુપમ કુરબાનીની યાદગાર છે, જે આજથી ચાર હજાર વર્ષ પહેલાં અલ્લાહના એક સાચા આજ્ઞાંકિત બંદાએ પોતાના માલિક સમક્ષ પ્રસ્તુત કરી હતી. આ બંને તહેવારોમાં તમે સ્પષ્ટ રૃપે જોઈ શકો છો કે કોઈ વિશેષ કોમિયત (જાતીયતા કે રાષ્ટ્રીયતા)નો લગાવ બિલકુલ નથી, બલ્કે બે એવી વસ્તુઓને તહેવારની બુનિયાદ બનાવવામાં આવેલ છે, જેનાથી દુનિયાના તમામ ખુદાપરસ્ત લોકોની ભાવનાઓ સમાન રૃપે જોડાઈ શકે છે. એ જ પ્રમાણે બંને તહેવારોમાં સૃષ્ટિના માલિક અને પાલનહારની શુદ્ધ અને નિખાલસ બંદગીનો ગાઢ રંગ જોવા મળે છે; કોઈ આદર્શ વ્યક્તિત્વ કે મહાન વ્યક્તિ કે હસ્તીની પૂજા-ઉપાસના (વીરપૂજા, Hero-worship)નો અથવા કોઈ મખ્લૂક (સર્જન)ની પરસ્તિશનો નાનોસરખો અંશ સુદ્ધા તમને જોવા નહીં મળે. પછી આ તહેવારોને મનાવવાની જે રીત નિર્ધારિત કરવામાં આવી છે, તે પણ એટલી પવિત્ર અને શુદ્ધ છે કે આનાથી વધારે સુંદર, સભ્ય અને સુસંસ્કૃત તેમજ નૈતિક લાભોથી ભરપૂર રીતની કલ્પના પણ કરી શકાતી નથી. પાછળના મુસલમાનોએ ઇસ્લામી કાળની અસલી શાનને અમુક અંશે અજ્ઞાનતા (બિનઇસ્લામ)ના કૃત્યો-પ્રવૃત્તિઓથી કલંકિત કરી નાખી છે, પરંતુ રસૂલુલ્લાહ ના જમાનામાં જે રીતે ઈદ મનાવવામાં આવતી હતી, તેનું દૃષ્ય હું તમારી સામે મૂકું છું, જેનાથી તમે આ તહેવારોની પવિત્રતાનું અનુમાન લગાવી શકશો.
ઈદના દિવસે સવારે તમામ મુસલમાનો – સ્ત્રીઓ, પુરુષો, બાળકો સૌ ‘ગુસ્લ’ (શરીઅત અનુસાર સ્નાન) કરતા હતા અને સારામાં સારા કપડાં, જે અલ્લાહે તેમને પ્રદાન કર્યા હતા, પહેરતા. રમઝાનની ઈદમાં નમાઝ માટે જતાં પહેલાં તમામ ખુશહાલ અને સંપન્ન લોકો એક નિયત પ્રમાણમાં ‘સદકો’ (દાન) કાઢીને ગરીબોને આપતા હતા, જેથી કોઈ વ્યક્તિ ઈદના દિવસે ભૂખ્યો ન રહેવા પામે. ‘બકર ઈદ’માં તેનાથી વિપરીત, નમાઝ પછી કુરબાની કરવામાં આવતી હતી, થોડોક દિવસ ચઢતાં બધા લોકો ઘરોમાંથી નીકળી પડતા હતા. આદેશ હતો કે સ્ત્રીઓ, પુરુષો, બાળકો સૌ નીકળે, જેથી મુસલમાનોની સંખ્યા અને તેમની શાનનું પ્રદર્શન થાય, અલ્લાહથી દુઆ માગવામાં પણ સૌ સાથે રહે, અને સામૂહિક આનંદોલ્લાસમાં પણ બધાને હળવા-મળવાનો મોકો મળી જાય. ઈદની નમાઝ મસ્જિદના બદલે વસ્તીની બહાર મેદાનમાં થતી હતી, જેથી મોટામાં મોટો સમૂહ ભેગો થઈ શકે. નમાઝ માટે નીકળતી વખતે તમામ મુસલમાનો આ ‘તકબીર’ પઢતાં-પઢતાં ચાલતા હતા– (અલ્લાહ સૌથી મોટો અને મહાન છે, અલ્લાહ સૌથી મોટો અને મહાન છે, તેના સિવાય કોઈ પૂજ્ય-ઉપાસ્ય નથી, અને અલ્લાહ જ સૌથી મોટો અને મહાન છે, અલ્લાહ જ સૌથી મોટો અને મહાન છે, તમામ પ્રશંસા અને કૃતજ્ઞતાઓ અલ્લાહ માટે જ છે.) દરેક ગલી, દરેક મહોલ્લો, દરેક બજાર અને દરેક સડક પર આ જ નારાઓ લાગતા રહેતા, જેનાથી સમગ્ર આબાદી ગૂંજી ઉઠતી હતી. ઈદગાહના મેદાનમાં જ્યારે બધા લોકો એકઠાં થઈ જતા, તો સફ (કતારો) બાંધીને આખો સમૂહ રસૂલે ખુદા ની ઇમામત (નેતૃત્વ)માં શિસ્તબદ્ધ અને અનુશાસનથી બે રકાત નમાઝ અદા કરતા. પછી રસૂલુલ્લાહ ઊભા થઈને ખુત્બો (પ્રવચન) આપતાં. જુમ્આની નમાઝથી વિપરીત આ પ્રવચન નમાઝ પછી આપવામાં આવતું હતું, જેથી વધારેમાં વધારે લોકો પોતાના લીડરના મહત્ત્વના પ્રવચન વખતે હાજર હોય, જેની તક વર્ષમાં ફક્ત બે વાર આવતી હતી. પહેલાં એક પ્રવચન પુરુષોની સામે થતું, પછી આપ મેદાનના બીજા ભાગની તરફ તશરીફ લઈ જતા, જ્યાં સ્ત્રીઓ એકત્ર થતી હતી અને ત્યાં પણ પ્રવચન કરતા. આ પ્રવચનોમાં શિક્ષણ અને શિખામણ તથા ઉપદેશ અને નિર્દેશો ઉપરાંત ઇસ્લામી સમુદાયથી સંબંધિત એ તમામ મુખ્ય પ્રશ્નો અને મામલાઓ પર પણ પ્રકાશ નાખવામાં આવતો હતો, જે તે વખતે સામે હોય. કોઈ સૈનિક કે રાજકીય અભિયાન જો શરૃ કરવાનું હોય તો તેની વ્યવસ્થા પણ ત્યાં જ આ સમૂહમાં કરી દેવામાં આવતી. સામૂહિક જરૃરિયાતોની તરફ પણ લોકોનું ધ્યાન દોરવામાં આવતું અને દરેક વ્યક્તિ પોતાની હેસિયત અનુસાર તેને પૂરી કરવામાં ભાગ લેતો, ત્યાં સુધી કે રિવાયતોમાં આવ્યું છે કે સ્ત્રીઓ પોતાના ઘરેણાં સુદ્ધા ઉતારીને સમુદાયની સેવામાં પ્રસ્તુત કરી દેતી હતી. પછી આ સમૂહ ઈદગાહથી પાછો વળતો હતો અને આદેશ એ હતો કે જે રસ્તાથી આવ્યા હોવ, તેનાથી વિરુદ્ધ બીજા રસ્તાથી ઘર તરફ પાછા જાઓ, જેથી આબાદીનો કોઈ હિસ્સો લોકોની હલચલ અને તકબીરોની ગૂંજથી ખાલી રહેવા ન પામે.
નમાઝથી પાછા ફરીને ‘બકર ઈદ’ના દિવસે તમામ સંપન્ન મુસલમાનો કુરબાની કરતા હતા. આ કુરબાનીનો હેતુ એ ઘટનાની યાદને જ નહીં, બલ્કે એ ભાવનાઓને પણ તાજી કરવાનો હતો, જેની સાથે ઇરાકનો રહેવાવાળો એક હિજરતી વૃદ્ધ માણસ મક્કામાં અલ્લાહનો ઇશારો પામતાં જ સ્વયં પોતાના દીકરાને અલ્લાહના પ્રેમમાં કુરબાન કરવા માટે તૈયાર થઈ ગયો હતો અને બરાબર છરી ફેરવવાની ઘડીએ અલ્લાહે પોતાની દયા અને કૃપાથી તેમને દીકરાના બદલે ઘેટાની કુરબાની કરવાની મંજૂરી આપી દીધી. બરાબર આ જ તારીખે, એ જ વખતે મુસલમાનો એ જ કાર્યને વ્યવહારૃ રૃપે કરીને એ ભાવનાને તાજી કરે છે કે હઝરત ઇબ્રાહીમ અલૈ.ની જેમ તેઓ પણ અલ્લાહના ‘મુસ્લિમ’ (આજ્ઞાંકિત) અને આજ્ઞાપાલક બંદાઓ છે, તેમની જેમ જ પોતાના પ્રાણ, ધનદોલત, સંતાન, દરેક વસ્તુને અલ્લાહના હુકમ અને તેના પ્રેમમાં ન્યોછાવર કરવા માટે તૈયાર છે અને તેમનું જીવવું અને મરવું બધું જ અલ્લાહ માટે છે. આ નિયત અને ઇરાદાનું પ્રદર્શન જાનવરને ઝબેહ કરવાના કાર્યથી અને આ શબ્દોથી થાય છે, જે ઝબેહ કરતી વખતે જબાનથી અદા કરવામાં આવે છે ઃ
”મેં મારું રુખ તેની તરફ ફેરવી લીધું, જેણે આકાશો અને ધરતીને પેદા કર્યા છે. હું તદ્દન એ રીતનો અનુયાયી છું, જે ઇબ્રાહીમ (અલૈ.)ની રીત હતી અને હું અલ્લાહની સાથે કોઈને ભાગીદાર ઠરાવનારાઓ પૈકીનો નથી. મારી નમાઝ અને મારી કુરબાની, મારું જીવન અને મારું મૃત્યુ બધું જ અલ્લાહ – સૃષ્ટિના માલિક અને પાલનહાર માટે છે, જેનો કોઈ ભાગીદાર નથી. આનો જ મને આદેશ આપવામાં આવ્યો છે અને હું અલ્લાહના આજ્ઞાંકિત (મુસ્લિમ) બંદાઓમાંથી છું. હે અલ્લાહ ! આ તારો જ માલ છે અને તારા માટે જ હાજર છે, બિસ્મિલ્લાહ અલ્લાહુ અકબર.”
આ શબ્દો જબાનથી અદા કરતાં જાનવરને ઝબેહ કરવામાં આવતું હતું અને આ દૃશ્ય ઘરની મહિલાઓ અને બાળકો સૌ-કોઈ જોતાં હતાં, જેથી બધાના હૃદયોમાં એ જ કુરબાની અને અલ્લાહની એ જ આજ્ઞાપાલનની ભાવના તાજી થઈ જાય. પછી આ માંસ ગરીબો અને સગાવહાલાઓમાં વહેંચી નાખવામાં આવતું હતું. જાનવરની ખાલ (કે ચામડું) અથવા તેની કિંમત ગરીબ લોકોને આપી દેવામાં આવતી હતી. આ ઉપરાંત પણ દિલ ખોલીને ‘ખૈરાત’ (દાન) કરવામાં આવતી હતી, જેથી ઈદ કેવળ ખુશહાલ અને સંપન્ન લોકોનો જ તહેવાર બનીને ન રહી જાય.
બસ, આ ઈદ હતી, જે નબી ના કાળમાં મનાવવામાં આવતી હતી. આ ‘સરકારી વિધિઓ’ ઉપરાંત બિનસરકારી રીતે યુવાન લોકો અમુક ખેલકૂદ પણ કરી લેતા હતા અને ઘરમાં છોકરીઓ-યુવતીઓ મળીને અમુક ગીતો પણ ગાઈ લેતી હતી. પરંતુ આ વસ્તુ બસ એક હદના અંદર રહેતી હતી, આનાથી આગળ કદમ વધારવાની પરવાનગી નહોતી. બલ્કે સમાજના આગેવાનો તો યુવાનોની આ જાયઝ આનંદ-પ્રમોદની પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવાથી દૂર રહેતા હતા, જેથી તેમનું સાહસ મર્યાદા ન ઓળંગે, જેનાથી તેઓ અનુચિત પ્રદર્શનો કરવાની હિંમત કરવા લાગે. આગેવાનોનો જે વ્યવહાર હતો, તેનું અનુમાન એ ઘટનાથી લગાવી શકાય છે, જે પ્રમાણભૂત રિવાયતોમાં વર્ણવવામાં આવેલ છે કે એક વખતે ઈદના દિવસે નબી પોતાના ઘરમાં દાખલ થયા તો જોયું કે હઝરત આઇશા રદિ.ના પાસપડોસની બે છોકરીઓ બેસીને ગીત ગાઈ રહી છે. ગીતો કાંઈ ઇશ્ક અને આશિકી તથા શરાબ અને કબાબ વિષયક નહોતા, બલ્કે બગાસના યુદ્ધના જમાનાના ગીતો હતા. છોકરીઓ પણ કંઈ વ્યવસાયિક ગાયિકાઓ અને સંગીતકાર નહોતી, બલ્કે ઘરોની વહુ-દીકરીઓ જ હતી, જે ક્યારેક દિલ બહેલાવવા પરસ્પર બેસીને નિર્દોષ ભાવથી ગીતો ગાઈ લેતી હતી. રસૂલુલ્લાહ એ તેમના આનંદમાં હસ્તક્ષેપ ન કર્યો અને ખામોશીથી એક ખૂણામાં જઈને ચાદર ઓઢીને સૂઈ ગયા. થોડી વાર પછી હઝરત અબૂબક્ર રદિ. આવ્યા અને તેમણે પોતાની સુપુત્રી (હઝરત આઇશા રદિ.)ને ઠપકો આપ્યો કે રસૂલુલ્લાહ ના ઘરમાં આ શું શૈતાની હરકત થઈ રહી છે. તેમનો અવાજ સાંભળીને નબી એ ચહેરા ઉપરથી કપડું હટાવ્યું અને કહ્યું ‘રહેવા દો, દરેક કોમની એક ઈદ હોય છે, આજે આપણી ઈદ છે.”
આંહઝરત નો આ ઇરશાદ સાંભળીને હઝરત અબૂબક્ર રદિ. ખામોશ થઈ ગયા, પણ ગીત ગાવાનો એ સિલસિલો ચાલુ ન રહી શક્યો. તેમના પાછા ફરતાં જ હઝરત આઇશા રદિ.એ છોકરીઓને આંખનો ઇશારો કર્યો અને તેણીઓ પોતાના ઘરોમાં ભાગી ગઈ. આ ઘટનાથી જાણવા મળે છે કે યુવાન લોકોના નિર્દોષ ખેલકૂદને અને કંઈક ગાવા-વગાડવાને જાયઝ તો રાખવામાં આવતું હતું, પરંતુ વડીલો સ્વયં આવી પ્રવૃત્તિઓમાં હિસ્સો લઈને તેમની હિંમત નહોતા વધારતા. પાછળથી જ્યારે વડીલોએ હદોની રખેવાળી અને કાળજી કરવાનું છોડી દીધું, તો રસ્સી ઢીલી જ પડતી ગઈ, ત્યાં સુધી કે નાચગાનથી નીકળીને મામલો અહીં સુધી પહોંચ્યો કે –
રોઝે ઈદ અસ્ત લબે ખશ્ક મય આલૂદ કનીદ,
ચારહ કારે ખુખ અય તિશ્ના લબાં ઝુદ કનીદ.