જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના પ્રદેશ પ્રમુખે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, આયશાની હૃદય ધ્રુજાવી નાંખનાર વિડીયો ક્લિપ વર્તમાન સમાજની માનસિકતા અને સ્ત્રી વેદનાને છતી કરે છે. આ કોઈ નવી ઘટના નથી પરંતુ સમાજના થવા જઈ રહેલા પતનના ચિહ્ન સમાન છે. ચોક્કસપણે આત્મહત્યાને ક્યારેય પ્રોત્સાહિત ન કરી શકાય, પરંતુ એક શિક્ષિત મહિલા પણ આવું પગલું ભરવા મજબૂર બને તે બાબત સામાજિક ચિંતકો, ધાર્મિક વિદ્વાનો અને સમગ્ર કોમ્યુનિટીના આગેવાનો માટે ચિંતાજનક પરિસ્થિતિ છે.
જમાઅતના પ્રદેશ પ્રમુખ શકીલઅહમદે વધુમાં જણાવ્યું હતું કે, ઈસ્લામી મૂલ્યો આધારિત પરિવારનું નિર્માણ એ સમયની તાતી જરૂર છે. આવી ઘટનાને બનતી રોકવા માટે દહેજ પ્રથા અને બિન-ઇસ્લામી રિવાજોની નાબૂદી અને સ્ત્રી-અધિકારોની ચૂકવણી માટે જાગૃતિ અભિયાન, મસ્જિદને કેન્દ્ર બનાવીને સત્વરે થવા જોઈએ. મોટા પાયે કાઉન્સિલિંગ સેન્ટર અને શરઇ પંચાયતોની સ્થાપના થવી જોઈએ.
તેમણે અનુરોધ કર્યો હતો કે જે સંસ્થાઓ અને જમાઅતો આ કામ કરી રહી છે તેમને વધુ મજબૂત અને પ્રભાવિત બનાવવાની જરૂર છે. જમાઅતે ઇસ્લામી હિંદ ઇસ્લામી સમાજના નિર્માણ માટે આયોજનબદ્ધ રીતે કામ કરી રહી છે. અને કાઉન્સિલિંગ સેન્ટર્સ પણ ચલાવી રહી છે. આ દિશામાં નીચલા સ્તર સુધી કામ કરવાની જરૂર છે.