Saturday, December 21, 2024
Homeઓપન સ્પેસઉત્તમ દૃષ્ટાંરુપ જીવન

ઉત્તમ દૃષ્ટાંરુપ જીવન

હઝરત ઉમર બિન ખત્તાબ રદી. અલ્લાહના રસૂલ સ.અ.વ.ની ખિદમતમાં હાજર થયા. અને શું જૂએ છે!!! અલ્લાહના રસૂલ સ.અ.વ. ભોંય ઉપર રેતીમાં સુઈ ગયા છે અને આપના પવિત્ર શરીર અને રેતી દરમ્યાન કોઈ જ પાથરણું નથી. રેતીના નિશાન આપની પીઠ ઉપર સ્પષ્ટ દેખાઈ રહ્યા છે અને આપ સ.અ.વ. ખજૂરના પાંદડાથી ભરેલા ચામડાના ઓશિકાથી અઢેલીને આરામ કરી રહ્યા છે. હઝરત ઉમર રદી. અવાચક રહી ગયા.

તેઓ કહે છે કે મેં અલ્લાહના રસૂલ સ.અ.વ.ના ઘરમાં ત્રણ વાર આમ તેમ બધે નજર દોડાવી પરંતુ ચામડાના તે ઓશિકા સિવાય મને કંઈ જ નજર ન આવ્યું. મેં અલ્લાહના રસૂલ સ.અ.વ.થી અરજ કરી, હે અલ્લાહના રસૂલ સ.અ.વ.! આપ અલ્લાહથી દુઆ કરી દો કે તે આપની ઉમ્મતને ખુશહાલી પ્રદાન કરે. ઈરાનીઓ અને રોમનો તો અત્યંત ખુશહાલ છે. તેમને દુનિયાની સાધન સંપત્તિથી નવાઝવામાં આવ્યા છે જ્યારે કે તેઓ અલ્લાહની ઇબાદત પણ કરતા નથી.

આ સાંભળીને અલ્લાહના રસૂલ સ.અ.વ. ઓશિકું છોડીને એકદમ બેઠા થઈ અને ફરમાવ્યું, “અરે, હે ખત્તાબના દીકરા તમે પણ હવસનો શિકાર થઈ ગયા?!!! આ તો તે લોકો છે જેમને આ જગતમાં જ સર્વસ્વ આપી દેવામાં આવ્યું છે.”

અહીં, જરા રોકાઈને એ પ્રશ્નો ઉપર વિચાર કરીએ કે જો અલ્લાહના રસૂલ સ.અ.વ.ની પવિત્ર જાત સન્માનીય સહાબાઓ માટે નમૂનો અને દૃષ્ટાંતરૃપ ન હોત તો સહાબાઓ રદી. ઉપર આપ સ.અ.વ.ની તાલીમથી કોઈ અસર હોત ખરી? શું આપ સ.અ.વ. પોતાના જીવનને દૃષ્ટાંતરૃપ બનાવ્યા વગર કુઆર્ન અને ડહાપણ તેમજ વિવેકના શિક્ષણ વડે તે લોકોની આત્મશુદ્ધિ કરી શકતા? શું તેમની એવી તરબીયત થઈ જાત જેના મૂળ આટલા ઊંડા હોત? શું આપ અમલી અને સ્પષ્ટ નમૂના વગર સહાબાઆ રદી.ને પવિત્ર અને સ્વચ્છ મન સાથે ઉચ્ચ નૈતિક મૂલ્યોની આટલી ઉચ્ચ કક્ષાએ પહોંચાડી શકતા હતા? અને ભૌતિકતાની ગુલામી અને મનેચ્છાઓના સકંજામાંથી આઝાદ કરાવી શકતા હતા? શું દૃષ્ટાંતરૃપ બન્યા વગર આપ સ.અ.વ. માટે આ શક્ય હતું ખરૃં?

અમલી નમૂનો અને દૃષ્ટાંતરૃપ જીવન તરબીયત અને પ્રશિક્ષણનો સૌથી શ્રેષ્ઠ અને કારગર નુસખો છે. અમલી નમૂનો એક વાસ્તવિક જીવન અને અનુભૂતિ થઈ શકે તેવી ચીજ છે જે અભિવ્યક્તિ પહેલાં જ આચરણનું ઉમદા દૃષ્ટાંત રજૂ કરી દે છે. જ્યાં થીયરી પછી અને પ્રેકટીકલ પહેલાં થતું હોય તેમ દેખાય છે. વ્યક્તિનું વર્તન અને આચરણ તેના શબ્દ કરતા વધારે અસરકારક હોય છે.

અલ્લાહ તઆલા કુઆર્નમાં કહે છે, “હકીકતમાં તમારા માટે અલ્લાહના રસૂલ (ઈશદૂત)માં એક ઉત્તમ આદર્શ છે, દરેક તે વ્યક્તિ માટે જે અલ્લાહ અને આખિરત (પરલોક)ના દિવસની અપેક્ષા રાખતો હોય અને અલ્લાહનું પુષ્કળ પ્રમાણમાં સ્મરણ કરે.” (સૂરઃઅહઝાબ-૨૧)

અલ્લાહના અંતિમ રસૂલ સ.અ.વ. લોકોને જે વાત કહેતા હતા, લોકોને જે વાતની દા’વત આપતા હતા તેનો અમલી નમૂનો અને જીવંત દૃષ્ટાંત પોતાના જીવનથી રજૂ કરતા હતા. જેમને અલ્લાહે પોતાના સૌથી પ્રિય પાત્ર અને અંતિમ પયગંબર ઠરાવ્યા તે પવિત્ર જીવનનો આપણે અભ્યાસ કરીએં તો જણાશે કે જીવનપર્યંત આપ હંમેશા સંકટો અને વિપદાઓથી ઘેરાયેલા રહ્યા પણ ક્યારેય પોતાના પ્રભુથી ખુશહાલી ન માંગી.

એટલે આપણા વડીલો માટે પણ એ અત્યંત જરૂરી છે કે તેઓ જે લોકોની તરબીયત કરવા માંગતા હોય તેમના માટે સૌ પ્રથમ તેઓ પોતે જ અમલી નમૂનો બની જાય. તેમણે પોતાના અનુયાયીઓ માટે સ્વંયને દૃષ્ટાંતરૃપ બનાવવા જ પડશે. નહીંતર તેમને ક્યારેય તેવા સાથીઓ નહીં મળે જેઓ તેમની ચળવળમાં તેમને યોગદાન અને બળ પૂરૃં પાડી શકે. શું તે લોકો જેઓ આલીશાન મકાનોમાં એશ-આરામ કરે છે અને કિંમતી વસ્ત્રો પહેરીને ઠાઠથી હરેફરે છે, જેઓ જીવનની તમામ લિઝ્ઝતો લૂંટી રહ્યા છે, તેઓ એમ સમજે છે કે કુર્બાની અને ભોગ-બલિદાન જેવા વિષયો ઉપર ચર્ચા અને પ્રવચન કરીને બીજા લોકોને પ્રભાવિત કરી દેશે! હરગિઝ નહીં આવું શકય જ નથી. તમે જે વાત કહેતા હોય અને જે ધ્યેય તરફ આગળ વધવા માંગતા હોય તે માટે સૌપ્રથમ તમારૃં નિખાલસ અને દૃષ્ટાંતરૃપ આચરણ અનિવાર્ય છે. *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments