ભારત નવયુવાનોનો દેશ છે. એક સર્વે પ્રમાણે વિશ્વની સૌથી વધુ યુવાન વસ્તી (૧૫-૨૯ વર્ષ) ધરાવતો દેશ ભારત છે. પરંતુ આ પણ એક કડવું સત્ય છે કે આ યુવાન વર્ગના ફકત ૩૦ ટકા જેટલી આબાદીને રોજગારી હાંસલ છે. જે આંક વૈશ્વિક સરેરાશ સામે નોંધપાત્ર નીચો છે. ઉપરાંત ૨૦૦૮ની વૈશ્વિક મંદી પછી બેકારીના આંકમાં વિશ્વસ્તરે પણ વધારો થયો છે જેનો શિકાર આપણો દેશ પણ થયો છે. બેકારી ગરીબીનું અને ક્રમિક અપરાધોનું મુખ્ય કારણ છે. ઉપરાંત આર્થિક રીતે સ્થાયી યુવા-વર્ગ જ સામાજિક અને સામૂહિક વિકાસનો પાયો છે. એટલે જ આ બેરોજગારીને નાથવાનું કાર્ય માત્ર સરકારનું નહીં, પરંતુ યુવા-વર્ગની પણ સહયારી જવાબદારી છે.
વર્તમાન શિક્ષણ-વ્યવસ્થા મહદ્અંશે જ્ઞાનના સંગ્રહાલયોનું જાણે ફકત સર્જન કરતું હોય તેમ અન્ય સર્જનાત્મક વિચારો અને કૌશલ્યોના સંચારથી ખાલી નજરે પડે છે. વિદ્યાર્થીઓમાં રોજગારીની નવી નવી તકો તરફ ઉભારવાના બદલે ડૉકટર, એન્જીનીયર કે શિક્ષક જેવી ડિગ્રીઓ પ્રાપ્ત કરી ‘જોબ-સર્ચર’ બનાવી રહી છે. તેથી જ આજે સરકારી અને કોર્પોરેટ સંસ્થાઓના બહુ થોડા પગારની ઘણી ઓછી જગ્યાની ભરતીમાં પણ હજારોની કતારો જોવા મળે છે અને શિક્ષિત બેકારોની સંખ્યામાં દિન-પ્રતિદિન ઉમેરો થતો જાય છે.
આ કાળચક્રમાંથી બહાર નીકળવા આજના યુવા-વર્ગે ‘જોબ સીકર્સ’ તરફથી ‘જોબ ક્રિએટર્સ’ તરફ પ્રયાણ કરવું પડશે. નોકરી માટે ફાંફાં મારવાના બદલે યુવાનોએ પોતાના નવા ઇરાદાઓ અને ઉપાયો થકી લઘુ અને મધ્ય ઉદ્યોગો વિકસાવવા તરફ ડગ માંડવા જોઈએ. આ ઉદ્યોગ સાહસિકતા યુવાનનો સ્વરોજગારીનો આત્મવિશ્વાસ પૂરો પાડશે, સાથે જ આસપાસ ઘણાં યુવાનોને રોજગારીની તકો પૂરી પાડશે.
ઉદ્યોગ સાહસિક (Entrepreneur)એ વ્યક્તિ છે જે સ્વાવલંબી હોય છે. અન્ય વ્યક્તિઓ માટે રોજગારીની તકો ઊભી કરે છે, સાહસ કરવાની હિંમત ઊભી કરે છે, કંઈક નવું સર્જન કરવાની પહેલ કરે છે અને લોકોે વ્યાજબી ભાવે સામાન અને સેવા મળી શકવાની તકો ઊભી કરે છે.
ઉદ્યોગ સાહસિકતા ઊભી કરવા સ્વરોજગારી અને અન્ય રોજગારીની તકો ઉપરાંત સબ-અર્બન વિસ્તારોના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. અને તે દ્વારા પ્રાદેશિક અસમાનતા પર નિયંત્રણ આવે છે. આ સબ-અર્બન વિસ્તારોમાં લોકોને વ્યાજબી ભાવે સ્વીકૃત કક્ષાના goods and service પ્રાપ્ત થવા લાગે છે અને તેમના ‘સ્ટાન્ડર્ડ ઑફ લિવિંગ’ ઊંચા આવે છે. આમ છતાં લોકોનું શહેર તરફી સ્થળાંતરણ પણ અંકુશમાં આવે છે.
ઉદ્યોગ સાહસિકતા દ્વારા લઘુ અને મધ્ય ઉદ્યોગોનો વિકાસ એ આજના સમયની જરૂરત છે જેથી સાહસ કરી શકાતા અને મૂડી રોકાણ કરી શકાતા નવયુવાનોએ આ દિશામાં ડગ માંડવા જોઈએ. તેમજ સરકારે પણ મસ-મોટા કોર્પોરેટ લક્ષી નીતિ તરફથી લઘુ-મધ્ય ઉદ્યોગોના વિકાસ તરફી નીતિ તરફ પ્રયાણ કરવું આવશ્યક છે. /