અબૂઝર રદી.ની રિવાયત છે રસૂલુલ્લાહ સ.અ.વ. એ ફરમાવ્યું: ‘જે બંદો લાઇલાહ ઇલ્લલ્લાહ કહેતો હોય અને પછી આ જ હાલતમાં તેનું મોત આવે તો ચોક્કસપણે જન્નતમાં દાખલ થશે.’ (સહીહ મુસ્લિમ, ભાગ-૧, પા.૬૬)
સમજૂતી :
આ હદીષમાં ‘કાલલાઇલાહ ઇલ્લલ્લાહ’નો અર્થ માત્ર મૌખિક અને ઔપચારિક એકરાર નથી બલ્કે એવો એકરાર છે જેની અંદર હૃદયપૂર્વકની શ્રધ્ધા અને સમર્થન પણ હોય. જેમકે બીજી રિવાયતોમાં આવે છે. ‘મુસ્તૈકિનન્ બિહા કલ્બુહુ, સિદકન બિહા કલ્બુહુ’ એટલે કે હાર્દિક વિશ્વાસ અને સચ્ચાઇ સાથે આ એકરાર અને કબૂલાત હોવી જોઇએ. એ તો સ્પષ્ટ છે કે જ્યારે આવી રીતે એકરાર કરવામાં આવશે તો ચારિત્ર્યમાં જુદા તરી આવતા ફેરફારો પેદા થશે અને જીવનના દરેક પાસા ઉપર તેની સારી અસરો ઉપજશે.
સુફ્યાન બિન અબ્દિલ્લાહ સકફી રદી.ની રિવાયત છે, તેમણે કહ્યું, ‘મેં અરજપૂર્વક કહ્યું, હે રસૂલુલ્લાહ સ.અ.વ.! મને ઇસ્લામ વિશે એવી વાત બતાવી દો કે પછી બીજા કોઇને પૂછવું ન પડે.’ આપ સ.અ.વ. એ ફરમાવ્યું ઃ ‘કહો હું અલ્લાહ ઉપર ઇમાન લાવ્યો.’ પછી (આની જ ઉપર) મક્કમ રહો. (સહીહ મુસ્લિમ, ભાગ-૧, પા.૪૮)
હઝરત અબ્બાસ બિન અબ્દિલ મુત્તલિબ રદી.ની રિવાયત છે, તેમણે કહ્યું કે રસૂલુલ્લાહ સ.અ.વ. એ ફરમાવ્યુંઃ ‘તેણે ઈમાનનો સ્વાદ ચાખી લીધો જે અલ્લાહના રબ, ઇસ્લામના દીન અને મુહમ્મદના રસૂલ હોવા બાબત રાજી થઇ ગયો.’
(મુસ્લિમની રિવાયત, મિશ્કાત, પા.૪)