Thursday, November 21, 2024
Homeકેમ્પસ વોઇસએસ.આઇ.ઓ.નું ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીઓ માટે વિદ્યાર્થીઓનું જાહેરનામું

એસ.આઇ.ઓ.નું ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીઓ માટે વિદ્યાર્થીઓનું જાહેરનામું

અબ્રાહમ લિંકન પ્રમાણે લોકશાહી તે લોકોની, લોકો વડે અને લોકો માટેની સરકાર છે. આનો અર્થ એમ થયો કે જે તે દેશમાં પણ લોકશાહીને સ્વીકાર કરવામાં આવે ત્યાંના નાગરિકો સરકારી નિર્ણયો લેવામાં મહત્વનો ભાગ ભજવે. તેમને તે બાબતનો અધિકાર હોય કે તેઓ સરકારના નીતિનિયમો ઘડવામાં અને તેના વિકાસ માટે પોતાના મંતવ્યો આપી શકે. ભારત એક લોકતાંત્રિક રાષ્ટ્ર છે. આપણને વિશ્વના સૌથી મોટા લોકતંત્ર હોવા પર ગર્વ છે. ભારતીય બંધારણ કલમ ૩૨૬ના ભાગ XVમાં તે દરેક ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર આપે છે જે ૧૮ વર્ષથી નાનો ન હોય અને ગમે તે જાતિ, જ્ઞાતિ અથવા ધર્મને માનનારો હોય. ભારતીય નાગરિકો, દર પાંચ વર્ષે પોતાનો મત આપી પોતાના પ્રતિનીધિની પસંદગી કરે છે. ચૂંટણીના સમયે જનતા અને તેમના રાજનૈતિક પ્રતિનીધિઓ વચ્ચે સંવાદની ગુંજન તેજ થઇ જાય છે.

આવા સમયે સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (SIO) તે યોગ્ય સમજે છે કે રાજકીય પક્ષો સામે એક સ્ડૂડન્ટ્સ મેનીફેસ્ટો અથવા વિદ્યાર્થીઓનું જાહેરનામું રજૂ કરવામાં આવે. આ મેનીફેસ્ટોમાં વિદ્યાર્થીઓ, શિક્ષણ અને યુવાનોને લગતા મહત્વના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી છે. અમે વિદ્યાર્થી સમુદાય અને યુવાનો વતી દરેક રાજકીય પક્ષોને આહવાન કરીએ છીએ કે આ જાહેરનામામાં ચર્ચિત મુદ્દાઓની ગંભીરતાપૂર્વક નોંધ લે.

શિક્ષણ:

શિક્ષણ તે માનવ વિકાસ માટે મહત્વનું સાધન છે. એક રાષ્ટ્રના સામાજિક અને આર્થિક ઘડતર માટે સુશિક્ષિત, જ્ઞાનબધ્ધ અને કુશળ પ્રજા અનિવાર્ય છે. રાષ્ટ્રની વસ્તિમાં સુશિક્ષિત લોકોનું પ્રમાણ વધુ હોવું તે રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યની નિશાની છે. સમાજમાં શિક્ષણના આવા મહત્વને ધ્યાનમાં લઇને અમે અમારા વિદ્યાર્થીઓના જાહેરનામામાં શિક્ષણ અને વિદ્યાર્થીઓને પ્રથમ સ્થાન આપ્યું છે.

વર્તમાન પરિસ્થિતિ :

પ્લાનીંગ કમિશન ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે શિક્ષણના મહત્વને ધ્યાનમાં રાખીને અગિયારમી પંચ વર્ષીય યોજના દરમિયાન વર્ષ ૨૦૦૪માં શિક્ષણ પાછળ કુલ ખર્ચને જી.ડી.પી.ના ૩.૩ ટકા થી વધારીને વર્ષ ૨૦૦૨માં જી.ડી.પી.ના ૪ ટકા સુધી લઇ જવામાં આવ્યું. આ પ્રમાણે વર્ષ ૨૦૦૪માં શિક્ષણ પાછળ માથાદીઠ ખર્ચ રૃા. ૮૮૮ થી વધારીને વર્ષ ૨૦૧૨માં રૃા. ૨૯૮૫ સુધી લઇ જવાયો. આ અહેવાલમાં તે પણ દર્શાવવામાં આવ્યું કે પ્રાથમિક શિક્ષણમાં બાળકોના દાખલાનો દર વધ્યો છે. વધુમાં આ અહેવાલે રાષ્ટ્રીય સાક્ષરતાનો દર વધીને ૭૪ ટકા સુધી પહોંચ્યો છે તેવું પણ સુચિત કર્યું છે. આ આંકડાઓ સાક્ષરતા અને શિક્ષણના ક્ષેત્રમાં જે પ્રગતિ થઇ છે તેનો ચિતાર આપે છે.
આ પ્રગતિ અને વિકાસ હોવા છતાં પણ ઘણા બધાં પડકારો ઉભા છે. આજ અહેવાલ પ્રમાણે વર્ષ ૨૦૧૨ના આંકડાઓ લઇએ તો સરેરાશ એક બાળક સ્કૂલમાં ૫.૧૨ વર્ષ વિતાવે છે જે વિકાસશીલ રાષ્ટ્રોના સ્તર કરતા ઘણું નીચે છે. પ્રાથમિક અને માધ્યમિક સ્તરે સ્કૂલોમાં ડ્રોપઆઉટની સંખ્યાનો દર ઘણો વધારો છે. સ્કૂલની બહાર રહેતા બાળકોની સંખ્યા વિશેષ કરીને પછાત વર્ગોમાં વધી રહી છે. જો કુલ વિદ્યાર્થીઓ પર શિક્ષકોના પ્રમાણ (PTR)ની વાત કરવામાં આવે તો ડિસટ્રીક્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન (DISE)ના પ્રમાણે રાઇટ ટુ એજ્યુકેશન (RTE)ના ધોરણો પર ખરી ઉતરતી ન હોય તેવી શાળાઓની સંખ્યા ઘણી વધારે છે. લગભગ ૪૦ ટકા શાળાઓમાં વિદ્યાર્થીઓ સામે શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું છે અને તેમાં પણ ૮.૧ લાખ શિક્ષકો તો નેશનલ કાઉન્સીલ ફોર ટીચર્સ એજ્યુકેશન (NCTE) દ્વારા નક્કી કરાયેલા ધોરણો પર ખરા પણ નથી ઉતરતા. આ ઉપરાંત ભેદભાવપુર્ણ અને જુનવાણી પાઠ્યક્રમોના કારણે શિક્ષણની ગુણવત્તા ખાડે જઇ રહી છે. વધુમાં ભેદભાવોના કારણે બાળકીઓને શિક્ષણ મેળવવામાં નડતરનો સામનો કરવો પડે છે. જ્યાં સુધી ઉચ્ચ અભ્યાસને લઇએ તો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (GER) ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓ આવ્યા પછી પણ વર્ષ ૨૦૧૨માં ૧૩ ટકા સુધી પહોંચ્યો છે જે ૨૬ ટકાના વૈશ્વિક સ્તર કરતા ક્યાંય નીચે છે. GERના સ્તરમાં શહેરી અને ગ્રામીણ ક્ષેત્રોમાં ઘણો મોટો તફાવત છે. આ ઉપરાંત મુસલમાનોમાં GERનું સ્તર રાષ્ટ્રીય સ્તર કરતા અડધું એટલે માત્ર ૭.૫૦ ટકા પર છે.

ગુણવત્તાસભર શિક્ષણમાં, તાલીમબધ્ધ પ્રાધ્યાપકોમાં અને બીજી સવલતોમાં ઉચ્ચ અભ્યાસનું ક્ષેત્ર તેવી જ સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે જે પ્રાથમિક અને માધ્યમિક ક્ષેત્રના શિક્ષણને કરવો પડે છે. ક્વેકક્વારેલી સાયમનડ્સના ૨૦૧૩ના એહેવાલ પ્રમાણે વિશ્વની ટોચની ૨૦૦ યુનિવર્સીટીઓમાં ભારતની એક પણ વિશ્વવિદ્યાલયનો સમાવેશ થતો નથી. શૈક્ષણિક સંસ્થાઓમાં નૈતિક મુલ્યોના અભાવ પણ સ્પષ્ટ વર્તાઇ રહ્યો છે. ઉપર દર્શાવેલા પ્રશ્નો તમામ પ્રશ્નોને આવરી નથી લેતા પરંતુ જે અતિ મહત્વ ધરાવતા હોય તેનું એક ટુંકુ વિવરણ છે.

સૂચનો

રાઇટ ટુ એજ્યુકેશન અધિનીયમનું ચુસ્ત પાલન –

રાઈટ ટુ એજ્યુકેશનનો અધિનીયમ પ્રાથમિક શિક્ષણ સામે રહેલી અડચણોને દૂર કરવામાં ઘણો સક્ષમ છે. હવે તે બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ કે આ અધિનીયમનું ચુસ્ત પાલન થાય, જેથી કરીને તમામને ગુણવત્તાસભર શિક્ષણ પ્રદાન કરી શકાય. એવી નીતિઓના ઘડતરની જરૃર છે જેથી કરીને ઉચ્ચ-પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દાખલાનો દર વધે, ડ્રોપઆઉટ રેટ ઓછો થાય. ૨૫ ટકા વિદ્યાર્થીઓનો વિના મુલ્યે ખાનગી શાળાઓમાં જાય, મધ્યાહન ભોજનની ઉપલબ્ધિ થાય, વસાહતોને એક કિલોમીટરના ઘેરાવમાં શાળા મળે, બાળકીઓ માટે અલગ શૌચાલયો હોય, શિક્ષણની ગુણવત્તા સુધરે અને વિદ્યાર્થીઓ માટે સાનૂકુળ વાતાવરણ હોય.

શિક્ષકોનું શિક્ષણ અને નિયુક્તિ –

બારમી પંચ વર્ષીય યોજનાની ગણતરીઓ પ્રમાણે સર્વ શિક્ષા અભિયાનને પણ આવરી લેવામાં આવે તો પ્રાથમિક શિક્ષણ માટે કુલ ૧૨.૫૮ લાખ શિક્ષકોની ખાલી જગ્યા ભરવી પડે અને તેમાં મોટો ભાગ ઉત્તર-પ્રદેશ, બિહાર, પશ્ચિમ-બંગાળ, મધ્ય-પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના છ રાજ્યોમાં આવે. આજે પણ ઘણી બધી શાળાઓ શિક્ષકોના અભાવનો સામનો કરી રહી છે. આ ખાલી જગ્યાઓને વહેલાસર ભરવાની જરૃર છે. આ ઉપરાંત શિક્ષકોની ગુણવત્તા અને કુશળતા સુધારવાની તાતી જરૃર છે. સર્વ શિક્ષા અભિયાનની યોજનાના અહેવાલ પ્રમાણે તો ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકો ટીચર્સ એલીજીબીલીટી ટેસ્ટ (TET) પાસ કરવામાં નિષ્ફળ નિવડ્યા હતા જે રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત પસાર કરવી અનિવાર્ય હતી.

પ્રાથમિક શિક્ષણમાં પાયાની ભાષા –

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે માતૃભાષા કેવો મહત્વનો ભાગ ભજવે છે તેવા અનેક સંશોધનો મોજૂદ છે. આ જ કારણે પ્રાથમિક શિક્ષણમાં માતૃભાષા અને સ્થાનિક ભાષાઓની ઉપેક્ષા કરાય તેમ નથી. તેવી નીતિઓનું ઘડતર થવું જોઇએ જેથી કરીને શિક્ષણના માધ્યમમાં માતૃભાષાને પણ યોગ્ય સ્થાન મળે.

પાઠ્યપુસ્તકોની સમિક્ષા –

જુનવાણી અને ભેદભાવપૂર્ણ માહિતીઓના બોજને હટાવવા હેતુ પાઠ્યપુસ્તકોની સમયાંતરે સમિક્ષા થવી જોઇએ. નેશનલ કાઉન્સીલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) અને સ્ટેટ કાઉન્સીલ ઓફ એજ્યુકેશન રીસર્ચ એન્ડ ટ્રેનિંગ (SCERT) જેવી સંસ્થાઓને પાઠ્યક્રમોની સમયાંતરે સમિક્ષા અને સુધારણાના કામ આપવા જોઇએ.

બાળકીઓ માટે સાનૂકુળ વાતાવરણ –

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૧૯૮૬ અને ૧૯૯૨માં જણાવવામાં આવ્યું છે કે શિક્ષણ તે મહિલાઓમાં વિશ્વાસ પ્રતિપાદીત કરવાનું અને સમાજમાં તેમની સ્થિતિ સુધારવાનું સાધન બનવું જોઇએ. પરંતુ જમીન પર કંઇક જુદી જ હકીકત વર્તાય છે. બાળકીઓને અભ્યાસના સ્થાને ખૂબ ભેદભાવનો સામનો કરવો પડે છે. તેમને ક્યારેક તો વિશેષ કરી ગ્રામીણ ક્ષેત્રોમાં જાતિય સતામણીનો ભોગ બનવું પડે છે. આવી પરિસ્થિતિઓને કાબૂ કરવા વિશેષ ધ્યાન આપવું જોઇએ જેથી કરીને બાળકીઓને શિક્ષણ માટે સાનૂકુળ વાતાવરણ ઉપલબ્ધ થાય.

શૈક્ષણિક સંસ્થાઓની ક્ષમતામાં વધારા બાબત –

એવું જોવાઇ રહ્યું છે કે ધારાધોરણની ઉપેક્ષા કરીને બનાવવામાં આવતી કોલેજો અને વિશ્વિદ્યાલયોને સાધનોના અભાવનો સામનો કરવો પડે છે અને તેના કારણે શિક્ષણની ગુણવત્તા પર માઠી અસર પડે છે. આ કારણે નવા શૈક્ષણિક સંસ્થાનો ખોલવા કરતાં પ્રવર્તમાન સંસ્થાનોને મજબૂત કરવા માટે પગલાં લેવાની જરૃર છે.

તબીબી શાખા માટે વિશેષ ધ્યાન –

કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા ૨૦૧૦માં જાહેર કરાયેલા અહેવાલ પ્રમાણે આસામ, બિહાર, ઝારખંડ, ઉત્તર-પ્રદેશ અને પશ્ચિમ-બંગાળમાં તબીબી શિક્ષણ માટે વિશેષ સવલતોનો અભાવ છે. આ કારણે આ બધા રાજ્યોમાં મેડીકલ કોલેજો શરૃ કરવા માટે વિશેષ પ્રયાસોની જરૃર છે.

ઉચ્ચ અભ્યાસમાં ગુણવત્તા –

ઉચ્ચ અભ્યાસમાં અને તેમાં પણ વિશેષ કરીને ઇજનેરી અને તબીબી શાખાઓમાં ગુણવત્તાસભર શિક્ષણની તાતી જરૃર છે. તમામ ઉચ્ચ અભ્યાસની સંસ્થાઓ નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડીશન કાઉન્સિલ (NAAC) દ્વારા જાહેર કરાયેલા ધોરણનું પાલન કરે તેની તકેદારી રાખવી જોઇએ. આ સમસ્યાનું એક સમાધાન તે થઇ શકે કે આવી સંસ્થાઓનું સમયાંતરે આંતરિક અને ત્રીજા પક્ષ દ્વારા ઓડિટ કરવામાં આવે.

પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડલ માટે સંતુલિત અભિગમ –

બારમી પંચ વર્ષીય યોજનામાં નોંધવામાં આવ્યું છે કે ઉચ્ચઅભ્યાસ ક્ષેત્રે પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) મોડલ નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યું છે. PPP મોડલ જરૂરી હોઇ શકે છે પરંતુ જો તે ખાનગી સર્વોચ્ચતાના દ્વાર ખોલશે તો રાષ્ટ્ર માટે વિશેષ ઉપયોગી સાબિત નહીં થાય. આપણે તે બાબતની તકેદારી રાખવી જોઇએ કે શિક્ષણમાં સરકારી અને ખાનગી ભાગીદારીનો અમલ સાવચેતીપૂર્વક, પરસ્પર વિશ્વાસ અને ઇમાનદારીપૂર્વક થાય જેથી કરીને ગુણવત્તાસભર શિક્ષણ તમામને અને વિશેષ પછાત વર્ગોને પહોંચાડી શકાય.

મુસલમાનો માટે વિશેષ ધ્યાન –

સાચર સમીતિએ ૨૦૦૬માં મુસલમાન સમુદાયની સામાજીક, આર્થિક અને શૈક્ષણિક સ્થિતિ પર જે અહેવાલ આપ્યો હતો તે પ્રમાણે તમામ IIMSમાં માત્ર ૧.૩ ટકા વિદ્યાર્થીઓ મુસલમાન હતા, IITsમાં ૩.૯ ટકા અન્ડરગ્રેજ્યુએેશન કોર્સિસમાં ૨ ટકા અને વ્યવસાયિક કોર્સિસમાં આ આંકડો માત્ર ૪ ટકા મુસલમાનો હતા. આ અહેવાલને અનુલક્ષીને મુસલમાન સમુદાયમાં શૈક્ષણિક ક્ષેત્રે સુધાર લાવવા વિશેષ પ્રયાસોની જરૃર છે. આ ઉપરાંત સચર સમીતિના અહેવાલમાં શિક્ષણ અને સાક્ષરતા માટે જે સૂચનો કરવામાં આવ્યા હતા તેનું અમલીકરણ કરવું જોઇએ.

વ્યાજરહિત શૈક્ષણિક લોન –

ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રે નિમ્ન વિકાસનું એક કારણ છે કે વિદ્યાર્થીઓ માટે નાણાંકીય સહાય નથી અથવા તો પોસાય તે દરે લોન ઉપલબ્ધ નથી. આ કારણે ઉચ્ચ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને વ્યાજરહિત લોન્સ ઉપલબ્ધ કરાવી તેમની નાણાંકીય સહાય કરવી જોઇએ.

શૈક્ષણિક સલાહકારોનું નિયમન –

વિદેશમાં ભણતર માટે ભારતીય વિદ્યાર્થીઓની સુચીમાં સતત વેગ વધી રહ્યો છે અને તેના માટે વિદ્યાર્થીઓ કેટલાક એન્જટ્સની પણ મદદ લેતા હોય છે. ઘણા એવા બનાવો બન્યા છે જેમાં વિદ્યાર્થીઓને છેતરામણીનો શિકાર બનવું પડ્યું છે અને તેમની કારકિર્દીને નુકસાન વેઠવવુંં પડ્યું છે. આના માટે નિયમન બનાવવું અત્યંત જરૂરી છે.

મૂલ્યો આધારિત શિક્ષણ –

શૈક્ષણિક સંકુલોમાં અનૈતિક અને અભદ્ર ગતિવિધિઓ સતત વધી રહી છે. આના માટે ઘણા કારણો જવાબદાર છે પરંતુ મુલ્ય રહિત શિક્ષણ સૌથી મોટું કારણ છે. આ કારણે પાઠ્યક્રમોમાં એવી સામગ્રી જરૃરથી ઉમેરાવી જોઇએ જેથી કરીને મુલ્યો અને નૈતિકતાને પ્રોત્સાહન મળે.

ઉત્તરભારતના રાજ્યો માટે વિશેષ સવલતો –

ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ અને ઝારખંડ જેવા ઉત્તર ભારતના રાજ્યો શિક્ષણની ગુણવત્તા સુલભતા અને માળખાકીય સુવિધામાં ઘણાં પાછળ છે. આ કારણે આવા રાજ્યો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવવું જોઇએ.

યુવાનો માટે –

તાજેતરમાં પ્રસિદ્ધ એક અહેવાલ પ્રમાણે ભારતની બેતૃત્યાઉંશ વસ્તી ૨૫ વર્ષ કરતા ઓછી આવરદાની છે. જાણકારોના માનવા મુજબ આ સંખ્યા ૨૦૨૫ સુધીમાં હજુ વધશે. યુવાનો કોઇપણ રાષ્ટ્ર માટે આધારસ્તંભ હોય છે. તેઓ સામાજિક પ્રગતિ અને આર્થિક વિકાસ માટે ખુબ ઉપયોગી હોય છે. તેઓમાં ક્ષમતા હોય છે કે તેઓ રાષ્ટ્રને શાંતિ અને પ્રગતિ ભણી લઇ જાય. આ બાબતોને સામે રાખી સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (SIO)એ યુવાનોને સ્પર્શતા મુદ્દાઓને આ જાહેરનામાં વિશેષ જગ્યા આપી છે.

બેરોજગારી ઘટવી જ જોઇએ –

સરકારે ભૂતકાળમાં નેશનલ યુથ પોલીસી ૨૦૦૩ અને વર્ષ ૨૦૦૫માં નેશનલ કાઉન્સીલ ફોર સ્કીલ ડેવેલપમેન્ટ (NCSD) જેવી યોજનાઓ બહાર પાડી હતી જેથી કરીને યુવાઓમાં કુશળતા અને ધંધાકીય સાહસની ભાવના પેદા થાય અને તેમને રોજગારીની તકો ઉપલબ્ધ થાય. પરંતુ આ બધી પહેલો અપૂરતી સાબિત થઇ છે. આ માટે વધુ વ્યાપક કાર્યક્રમો બનાવવાની જરૃર છે.

દારૃ, તમાકુ અને ડ્રગ્સના ઉપયોગ પર પાબંદી –

આજે લગભગ યુવાનો દારૃ, તમાકુ અને ડ્રગ્સના દૂષણોથી પ્રભાવિત છે જે તેમના આરોગ્ય પર માઠી અસર પાડે છે અને જીવનો ખતરો પણ ઉભો કરે છે. આ કારણે આ તમામ વસ્તુઓના ઉપયોગ પર પાબંદી લાદવી જોઇએ. જેઓ આ નશીલા પદાર્થોના આદિ થઇ ગયા છે તેમને વિશેષ મનોચિત્સિક સહાયો વડે આ પ્રકારના દૂષણોથી નજાત અપાવવી જોઇએ.

નિર્દોષ યુવકોની ધરપકડ પર રોક –

આતંકવાદ સામેની લડાઇના બહાના હેઠળ કેટલીય સંખ્યામાં નિર્દોષ મુસલમાન યુવકોની ધરપકડ કરવામાં આવે છે. કોર્ટ તેમના વિશે ચુકાદો આપે તે પહેલા તેમને આતંકવાદી ચિતરી દેવામાં આવે છે. મીડિયાનો કથિત રોલ પણ આમાં અવગણી શકાય નહીં. આ પ્રકારના અન્યાયો પર રોક થવી જોઇએ અને તે જોવું જોઇએ કે નિર્દોષો પર કોઇ જુલ્મ ન થાય.

ડિમાંડ – માંગણીઓ

૧. શૈક્ષણિક અભ્યાસક્રમોમાં નૈતિકમુલ્યો અને નૈતિક ધોરાધોરણોને શામેલ કરવો જોઇએ, તેમજ દારૃ, ડ્રગ્સ અને અશિષ્ટ મનોરંજન પર પ્રતિબંધ લગાવવો જોઇએ.

૨. રાઈટ ટુ એજ્યુકેશન (RTE) કાયદાનો અસરકારક અમલ થવો જોઇએ. RTEની જોગવાઇઓનું પાલન ન કરવા બદલ શાળાઓને સખત દંડ કરવો જોઇએ.

૩. શિક્ષકોની વર્તમાન ખાલી જગ્યાની ભરતી કરવી જોઇએ અને વર્તમાન શિક્ષકો કે જેઓ કરારથી કામ કરી રહ્યા છે તેમને કાયમી કરવા જોઇએ.

૪. એકમાત્ર શૈક્ષણિક વિકલ્પોને, જે નીતિની સંવેદનશીલ જરૃરિયાતોે પર આધારીત છે, ઉભા કરવાના પ્રયત્નો કરવા જોઇએ.

૫. વચનબદ્ધતા સાથે સાંપ્રાદાયિક ભાવના માટે સમિક્ષા કરવી જોઇએ.

૬. શિક્ષણનું વ્યવસાયીકરણ બંધ થવું જોઇએ.
૭. દેશભરની કોલેજોમાં MBBS/ MD/ MSની સીટોની સંખ્યામાં વધારો કરવો જોઇએ.

૮. તકનીકી શિક્ષણની સ્થિતિ, ગુણવત્તા અને સંશોધનને તપાસવા માટે સાવધાની અને દેખરેખ રાખી શકે તેવી વ્યવસ્થાની સ્થાપના કરવી જોઇએ.

૯. શ્રેષ્ઠ સંસ્થાઓ જેવી કે AIIMS, IITs, IIMs અને કેન્દ્રિય યુનિવર્સિટીઓમાં મેડીકલ, એન્જીનિયરીંગ, વિજ્ઞાન અને હ્યુમેનીટી જેવા વિષયોમાં મફત ઓનલાઇન કોર્સવેર, ઓનલાઇન ઇન્ટરનેટ અને વીડિયો કોર્સ ઉપલબ્ધ કરાવવા જોઇએ.

૧૦.શૈક્ષણિક સંસ્થાઓમાં કૌશલ્યવર્ધન અને જોબ આસિસ્ટન્સ વિભાગોની સ્થાપના કરવી જોઇએ.

૧૧. દિલ્હી યુનિવર્સિટીના “Four Year Undergraduate Program”ની સમિક્ષા થવી જોઇએ.

૧૨. શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓએ સમાજના નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે રેમેડીયલ કોચિંગ સેન્ટરો ખોલવા જોઇએ કે જેથી તેમને શૈક્ષણિક પડકારો અને સુધારણા માટે બનાવી શકાય.

૧૩. UGC-NET પરિક્ષાના સેન્ટરોની શાખાઓમાં વધારો કરવો જોઇએ.

૧૪. MCDs હેઠળની કોલેજો અને હોસ્ટેલોની સંખ્યામાં વધારો કરવો જોઇએ.

૧૫. શિક્ષણ માટે ફાળવતા બજેટને GDPના ૬ ટકા સુધી વધારો થવો જોઇએ.

૧૬. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને લઘુમતીનો દરજ્જો આપવો જોઇએ.

૧૭. UPSCની પરિક્ષાના વૈકલ્પિક પેપરમાં વિદેશી ભાષાને પસંદગી તરીકે ફરીથી દાખલ કરવું જોઇએ.

૧૮. સાચર સમીતિ અને મિશ્રા સમીતિના અહેવાલની તમામ ભલામણોને અમલી બનાવવી જોઇએ.

૧૯.ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓને વ્યાજરહિત લોન આપવી જોઇએ.

૨૦. Overseas Educational Consultantsની તમાસ કરવા માટે એક જાગૃત ટીમની રચના કરવી જોઇએ.

૨૧. રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા જેમ કે Natioanl Institute of Education (શિક્ષણની રાષ્ટ્રીય સંસ્થા)ની સ્થાપના કરવી જોઇએ. જેને તટસ્થ શૈક્ષણિક નીતિઓ ઘડવાની તેમજ અભ્યાસક્રમને સુસંગત અને ગુણવત્તાસભર બનાવવા સંશોધન કરવાની કામગીરી સોંપી શકાય.

૨૨. શૈક્ષણિક સંકુલોમાં મનોવૈજ્ઞાનિક અને પુનઃવસન કાઉન્સિલની સ્થાપના કરવી જ જોઇએ.

૨૩. લીંગદોહ કમીશનની ભલામણોને અનુસરીને વિદ્યાર્થી રાજકારણ અને ચુંટણીને શૈક્ષણિક સંકુલોમાં યોજવાની મંજૂરી આપવી જોઇએ.

૨૪. યુવાનો માટે તકનીકી અને વ્યવસાયીક કૌશલ્યોવર્ધન કેન્દ્રોે ઉદ્યોગસાહસિકોની મદદથી બહોળા પ્રમાણમાં શરૃ કરવા જોઇએ.

૨૫.નવયુવાનો, જેઓ ખોટા અને ગેરકાયદાકિય રીતે જેલના સડીયા પાછળ ધકેલવામાં આવ્યા છે, જો પાછળથી નિર્દોષ સાબિત થાય તો તેમને નાણાંકીય વળતર આપવું જોઇએ. તેમને તેમનું શિક્ષણ અને તેમની નોકરી ફરીથી શરૃ કરવા માટે ચારિત્ર્ય પ્રમાણપત્ર આપવું જોઇએ.

એસ.આઇ.ઓ. આશા રાખે છે કે ઉપર ચર્ચામાં સમાવિષ્ટ સમસ્યાઓના નિરાકરણ માટે તમારા તરફથી સકારાત્મક પ્રતિક્રિયા પ્રાપ્ત થશે. આશા છે કે તમારી પહેલ દેશને શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરવામાં મદદરૃપ નિવડશે.

Hangout with SIO President on Students Manifesto

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments