બિલ્કીસ બાનૂએ ૨૦૦૨ના રમખાણોમાં સૌથી વધારે મુશ્કેલીઓનો સામનો કર્યો છે. છતાં તેણીએ આશા છોડી નથી, અને ન્યાય મેળવવા માટે પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો છે. તેણીએ પોતાની પુત્રીને વકીલ બનાવવાનું સ્વપ્ન જોયું છે જેથી સંખ્યાબંધ નિર્દોષ લોકોને મળેલ અન્યાય માટે લડત આપી શકાય. એસ.આઈ.ઓ. ઑફ ઇન્ડિયા તેની પુત્રી હાજરા યાકૂબ પટેલના શિક્ષણને ટેકો આપવા આગળ આવી છે. એસ.આઈ.ઓ. તેના માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને એલએલબીના અભ્યાસ માટે નાણાંકીય મદદ કરશે.
તા. ૫ ઑગષ્ટ, ૨૦૧૭, શનિવારના રોજ એસ.આઈ.ઓ., ગુજરાતના હોદ્દેદારો મુહમ્મદ ઉમર મન્સુરી (પ્રદેશ પ્રમુખ), મુનવ્વર હુસૈન (ઝોનલ સેક્રેટરી) અને જાવેદ આલમ (જોઈન્ટ સેક્રેટરી) સહિત એસ.આઈ.ઓ.ના રાષ્ટ્રીય સચિવ તૌસીફ મંડેકરીની આગેવાની હેઠળ તેમના પરિવારની મુલાકાત લીધી. તેઓએ બિલ્કીસ બાનૂની ‘હિંમત’ અને ‘આશા’ માટે તેમની પુત્રીને સ્કોલરશીપ પ્રસ્તુત કરી.
આ સાહસિક પગલાની પ્રશંસા કરતાં એસ.આઈ.ઓ.ના રાષ્ટ્રીય પ્રમુખ નહાસ માલાએ પોતાની ફેસબુક વૉલ ઉપર લખ્યું હતુ કે, તે દિવસે, પ્રેસ કલબ ઑફ ઇન્ડિયા ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં બિલ્કીસ બાનૂએ તેમની દિકરી માટે એક વિશાળ સ્વપ્ન શેર કર્યું છે. તેણીએ તે દિવસે સ્વપ્ન જોયું કે, તેણીની નાની દીકરી હાજરા યાકૂબ પટેલને વકીલ તરીકે જોવા ઇચ્છે છે જેથી અનેક લોકો જે નિર્દોષ છે અને ન્યાય માટે તડપી રહ્યા છે તેઓને ન્યાય અપાવી શકાય. વધુમાં કહ્યું કે, આજે આ સ્વપ્નની અનુભૂતિ તરફનું પ્રથમ પગલુ છે. સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઑર્ગેનાઇઝેશન ઑફ ઇન્ડિયાએ જ્યાં સુધી એલએલબી (કાયદા)નો અભ્યાસ પૂરો ન થઈ જાય ત્યાં સુધી હાજરાને તેના શિક્ષણમાં નાણાંકીય ટેકો આપવાનું વચન આપ્યું છે. અમે ભારતના સૌથી મોટા કોમી રમખાણની યાદોને જીવંત રાખીશું. એસ.આઈ.ઓ. બિલ્કીસ બાનૂના ૧૫ વર્ષની અડગ પ્રતિબદ્ધતાને સલામ કરે છે. નહાસ માલાએ બિલ્કીસ બાનૂને ‘વિરોધની ઝળહળતી અભિવ્યક્તિનું પ્રતિક’ સમાન ગણાવ્યું.
તૌસીફ મંડેકરીએ બિલ્કીસ બાનૂને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું અને હાજરા યાકૂબ પટેલના શિક્ષણ માટે પ્રથમ ભાગ આપ્યો. મંડેકરીએ જણાવ્યું કે આ કોઈ ચેરીટી કે ખૈરાત નથી બલ્કે એક ‘સન્માન’ છે બિલ્કીસ બાનૂના ૧૫ વર્ષના સંઘર્ષ માટે; અને અમે સ્કોલરશીપનું નામ પણ એ જ રીતે આપ્યું છે courage and hope.
અત્રે યાદ રહે કે બિલ્કીસ બાનૂ ઉપર ગુજરાત રમખાણોમાં સામૂહિક બળાત્કાર થયો હતો અને તેણીના ઘરના ૧૪ લોકોને મારી નાંખવામાં આવ્યા હતા. /