Saturday, April 20, 2024
Homeઓપન સ્પેસકાળું ધન, પાકિસ્તાન, આતંકવાદ ...? ...?

કાળું ધન, પાકિસ્તાન, આતંકવાદ …? …?

વિશ્વના પુસ્તકો અને શૈક્ષણિક સંસ્થાઓમાં જ્યારે પણ  “લોકતંત્ર”નું નામ લેવામાં આવે છે અથવા લખવામાં આવે છે તો સૌથી ઉપર જનહિત અને ત્યાંના નાગરિકોની સુવિધા અને તેમના વિશ્વાસને જાળવી રાખવાની વાતો કરવામાં આવે છે.

આ સંદર્ભમાં ભારત બીજા રાષ્ટ્રોથી અલગ ઓળખ ધરાવે છે કે અહીંના લોકતંત્રમાં ઘણી સુવિધા અને વિશેષતાની સાથે તે વિશ્વના મોટા અને મજબૂત લોકતંત્રમાંથી એક છે.

લોકતંત્ર અને જનતાનો સંબંધ દિપક અને દિવેટ સમાન છે. જેમાં બન્નેનું સંકલન અને પરસ્પર સમજદારી તેના પાયાને મજબૂત કરે છે અને તેને ઉજ્જવળ બનાવે છે.

ભારત દેશે ૨૦૧૪માં ડેમોક્રેટિક પ્રક્રિયાથી લાંબા સમય પછી એન.ડી.એ. સરકારને ચૂંટી અને દેશને વિકાસ અપાવવા અને સમસ્યાઓથી નિકળવાની માળા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગળે પહેરાવવામાં આવી.

૮ નવેમ્બરની સાંજે દેશમાં એક નવિન અવાજ અને વિક્ષેપની સ્થિતિ પેદા થઈ. તેનું કારણ પ્રધાનમંત્રીનું એ ભાષણ હતું જેમાં તેઓએ દેશનું ૮૬% ચલણ જે ૫૦૦ અને ૧૦૦૦ રૃપિયાની નોટોના સ્વરૃપમાં છે એ રદબાતલ કરી દીધું અને સ્પષ્ટ જણાવી દીધું કે આજે રાત્રે ૧૨ વાગ્યાથી દેશના બધા જ ભાગોમાં ૫૦૦ અને ૧૦૦૦ની નોટ ગેરકાયદેસર ગણાશે. જેનો સીધો અર્થ એ હતો કે હવે આ નોટો ફકત કાગળના ટુકડાથી વિરોધે કોઈ કીંમતના નથી અને કાનૂની રીતે આ કોઈપણ વ્યવહારો કરવા માટે યોગ્ય નથી.

આ સમાચાર સાંભળીને દેશમાં ઘણા ભાગોમાં એવી પરિસ્થિતિ થઈ ગઈ કે કોઈએ યુદ્ધની ઘોષણા કરી હોય. આ સાંભળતા જ લોકો મોટા શોપિંગ મોલમાં ખરીદી કરવા માટે નીકળી પડયા તો ઘણા લોકો સોનાના ઝવેરાતો ખરીદતા દેખાયા અને પેટ્રોલ પંપ ઉપર પણ લાંબી કતારો જોવા મળી. આ એક ‘લાઈન’ સાંભળ્યા પછી દેશમાં લાઈન ઉપર લાઈન લાગવા માંડી. શરૃઆતમાં અમુક લોકો એને એક ગંભીર મજાક સમજી રહ્યાા હતા તો કોઈ ‘નયા જુમલા’ પરંતુ થોડી મિનિટોમાં અને કલાકો વિત્યા પછી જે રીતે રાત વધતી ગઈ વાત પણ વધતી ગઈ.

હું સ્વંય એક પ્રવાસ પર હતો જ્યાં ટોલ ટેક્સ ઉપર લાંબી કતારો લાગવાની શરૃ થઈ ગઈ. કારણ હતું ટોલ ટેક્સ વાળા ૫૦૦ અને ૧૦૦૦ની નોટો લેતા ન હતા કારણ કે બધા જ લોકો આ  નોટો વાપરવા માટે છુટક પૈસા આપી રહ્યા ન હતા. લોકોનું કહેવું હતું કે અમે ૨૦-૨૫ ટોલ ક્રોસ કરીએ છીએ ત્યારે અમારો પ્રવાસ પુરો થાય છે, આ મુસાફરીમાં આટલા છુટક પૈસા ક્યાંથી ઉપબબ્ધ થશે અને કોણ કરાવશે? બીજી તરફ ટોલ અધિકારીઓનું કહેવું હતું કે અમે આવી રીતે મોટી મોટી નોટો સ્વિકારતા ગયા તો છુટક પૈસા ક્યાંથી લાવીશું જ્યારે કે બેંકો બે દિવસ બંધ છે. વાતો ઘણી હતી, લોકો પણ ઘણા હતા પોલીસવાળા પણ ઘણા હતા, પરંતુ સૌની વચ્ચે ‘આ ચર્ચા’ને લઈને કોઈ પરિણામ ઉપર પહોંચવું અશક્ય લાગી રહ્યું હતું. આખી રાત આ રીતે વીતી ગઈ. સવારે ૧૦ વાગ્યે એક ખુશખબર મળી કે આવનારા ૭૨ કલાકો માટે બધા જ ટોલને ટેક્સ મુક્ત કરવામાં આવ્યા છે.

આ સમગ્ર ઘટના આપની સમક્ષ એટલા માટે જરૂરી સમજુ છું કે આપને આ ખબર પડે કે આ નિર્ણય પહેલા જનસ્તરની સમસ્યાઓ ઉપર કેટલી ચર્ચાઓ થઈ અથવા તેના સમાધાન માટે કયા નવા નિયમો બનાવવામાં આવ્યા અને કયા જુના નિયમો તોડવામાં આવ્યા. આ ટોલ મુક્ત સ્કીમ અથવા આવી રીતના અમુક ઉપાયો આ નોટ રદબાતલ કરવાના નિર્ણયની સાથે પણ કરવા જોઈતા હતા. જેથી આના ઉપર પ્રશ્ન ચિહ્ન લગાવવુ થોડુ મુશ્કેલ થઈ જાત, આ અંધાધુંધી   થવાની સંભાવના હતી અને તેને નિવારવા માટે જે તૈયારીઓ સરકારી સ્તરે થવી જોઈતી હતી, ઘોષણાના એક સપ્તાહ પછી પણ તે તૈપારીઓ પૂરી નથી થઈ શકી. સરકારી સ્તરે તૈયારીઓ પૂર્ણ થવી અત્યંત કઠીન કામ હતું, પરંતુ આનો એ અર્થ પણ નથી કે સુનામીથી બચવા માટે આપણે ‘વાઈપર’ લઈને સમુદ્ર કિનારા ઉપર ઉભા થઈ જઈએ.

લોકતંત્રમાં આટલો મોટો નિર્ણય જનતાને વિશ્વાસમાં લીધા વગર લઈ લેવો ઘણો જ આશ્ચર્યજનક  છે. આવા નિર્ણયોમાં પ્રશ્નોની વર્ષા કરવી લોકતંત્રને મજબૂત કરવાના પ્રયાસોમાંથી એક મુખ્ય પ્રયાસ છે. આ વાત પણ સમજી લેવી પડશે કે આ નિર્ણય પછી લોકો પોતાના પૈસાને ઠેકાણે લગાવવાની યુક્તિઓ અપનાવવી શરૃ કરી દીધી જેમાં વેટિંગમાં ટિકટ બનાવવી, લાખોની શોપિંગ અથવા  જુવેરાતની ખરીદી. એક-બે દિવસ વિત્યા પછી ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા દરોડા ઘણા મોટા શહેરોમાં ઘેરાં વાદળોની જેમ મંડરાવવા લાગ્યા, લોકો કોઈ અઘોષિત યુદ્ધ અથવા આક્રમણથી પીડિત દેખાવા લાગ્યા,  દુકાનો બંધ અને કર્ફ્યુ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ, ભયમાં હતાશભર્યા પગલાં લોકો  ભરી રહ્યા છે, આત્મહત્યાથી લઈને નોટોનું દહન કરવાના સમાચારો આપની સમક્ષ છે.

દેશમાં રહેવાવાળો નાગરિક દેશની સરકાર સામે ઘુંટણીયે પડીને વિદેશી વિદ્રોહી દેખાવા લાગ્યા, પોતાના ઘરમાં જ કેદ થવાનો ભય તેઓની આંખોમાં સ્પષ્ટ દેખાય છે. આ સમગ્ર ગભરાટ પાછળ જે વાત હતી તે એ ન હતી કે આમાંથી મોટાભાગના લોકો કાળું ધન રાખે છે, બલ્કે જે કુશળતા સાથે આ જાહેરાતનો મુખ્ય આધાર જે શબ્દોને બનાવવામાં આવ્યા તેનો ભય હતો.

ચલણોને રદબાતલ કરવાના આદેશનો આધાર કાળુ ધન, પાકિસ્તાનને જવાબ અને આતંકનો ખાત્મો કરવો હતો. જ્યારે આ આધારને લોકો સમક્ષ લાવવામાં આવ્યો તો કોઈ પોતાને કાળુ ધન રાખવાવાળો, પાકિસ્તાની અથવા આતંકીના શેલ (ખોલ)માં જોવા લાગ્યા. લોકોએ ચૂપ રહેવું પસંદ કર્યું અને આ ત્રણેય આરોપ ન લાગવાના ભયથી પોતાની જાતને બચાવવામાં જ રાષ્ટ્રહિત અને દેશભક્ત હોવાનું સમજયા અને તેઓ ભુલી ગયા કે લોકતંત્રમાં નાગરિકના અધિકારો, કાનૂન, સરકારની મર્યાદાઓ અને બંધારણમાં આપેલી સ્વતંત્રતા શું શું છે? આ એક એવી વાત હતી જે મોટાભાગના ભણેલા-ગણેલા નાગરિકોને પણ સમજમાં ન આવી અને તેઓ આ નિર્ણયને પોતાના ઉપર ફાંસીનું દોરડું સમજવા લાગ્યા.

અહીં અમુક વાતો ધ્યાન રાખવા યોગ્ય છે, કાળા-નાણાં (Black Money) કેશ-નાણાં (Cash Money) આ બે અલગ-અલગ વસ્તુઓ છે. જ્યાં સુધી કાળા-નાણાંની વાત છે તો તેની વ્યાખ્યા અનેક રીતોથી કરવામાં આવી ચુકી છે અને જનતાની વચ્ચે તેની ચર્ચાઓ ચાલે છે, તેની વાસ્તવિકતા તેઓ સમજી હોય કે નહીં. તમને ખબર હશે કે પાછલા લોકસભા ઇલેકશનમાં આ ગરમાગરમ મુદ્દો હતો. પરંતુ વાત જ્યારે કેશ-નાણાંની છે તો આ સમજી લેવું પડશે કે આર્થિક મંદીએ યુરોપ અને અમેરિકામાં કોલાહલ મચાવી દીધો હતો.  ત્યારે પણ આપણો દેશ આનાથી બચવા માટે તૈયાર હતો. આની સાક્ષી દેશનો ઇતિહાસ આપવા માટે તૈયાર છે. તે મુંઝવણોથી દેશને જે બચાવ્યા તે દેશના કેશ-નાણાં હતા જે અડધાથી વધારે માર્કેટમાં હતા અને જેનાથી અર્થવ્યવસ્થા સધ્ધર રહી અને મંદીના તે સમુદ્રથી દેશને સુકાન બનીને સહારો આપ્યો હતો.

૭૦ ટકા કૃષિ આધારિત દેશમાં    સેંકડો કુટીર ઉદ્યોગ અને લાખો નાના-નાના ઉદ્યોગોની સાથે અગણિત ગેરસરકારી વ્યવસાય કેશ-નાણાં ઉપર આધિરત છે અને વાસ્તવિક ‘ભારત નિર્માણ’ તેના જ ખભા પર ઊભું છે. દેશની મોટી આબાદી જે મધ્યમ અને નાના વર્ગથી છે. તેમના જીવનનું મૂળભૂત ઈંધણ આ કેશ-નાણાં જ છે.

મહિલાઓની એે અડધી વસ્તીનો પણ ખ્યાલ રહે જેઓ વર્ષોથી પોતાના દિકરાઓ, દિકરીઓ, સંબંધીઓ અને બીજા કાર્યો માટે “પોતાની કમાણી”   તે પોતાની મહેનતની હોય કે પતિની  જહેમતની અથવા પોતાના ખર્ચાઓને નિયંત્રણ કરીને જમા કરેલી મૂડી હોય,  આ મૂડી પોતાના ઘરવાળાની સામે રાખીને ઘરની અદાલતમાં તે અપરાધી અને કાળા-નાણાં ધરાવનારી બની ગઈ. પોતાની આ વર્ષોની કમાણી ઉપર મિનિટોમાં પોતાની માલિકી ખોઈને બીજાના અધિકમમાં આપવા મજબૂર થઈ ગઈ છે. પરંતુ કોઈ નારીવાદી અથવા મહિલા અધિકારના રક્ષક આ વાત ઉપર પોતાના મોં ખોલવા તૈયાર નથી. આ એ જ લોકો છે જે ધર્મ અને મહિલા અધિકારો ઉપર પોતાના વિચારોની ઉલટીઓ કરતા ફરતા હતા. શું આ મહિલાઓને પણ પોતાના કાળા-નાણાં માટે ઇન્કમટેક્ષ વિભાગમાં હાજરી આપવી પડશે?

વાત જ્યારે આ બધા લોકો ઉપર ઇન્કમટેક્ષની થાય છે તો સરકારનો નિયમ તેમની પરસેવાની કમાણી અને તરબોળ નોટો ઉપર તીરછી માલૂમ પડે છે. ગણતરીના તે લોકો જેમના બંગલાઓમાં દેશની અર્થવ્યવસ્થાના ૮૦ ટકા નાણાં છે, તે બંગલાઓમાં ઇન્કમટેક્ષના આ નિયમ નિમ્ન કક્ષાના અને કમજોર દેખાય છે. હજારો અને લાખો કરોડોનું દેવું માફ થાય અથવા જમીનનો સોદો સરકાર બેધડક તેને કાગળોમાં વ્યવહાર કરી કોડીઓમાં કરોડોનો સોદો થાય છે અને સેંકડો વચેટીયા પોપટને લાલ મરચ્ દેખાડી દેવામાં આવે છે. અને  દેશના આવા દેશદ્રોહીઓને કોઈ નથી જોઈ શકત. આ એક હકીકત છે કે જેને સાવચેત નજરેથી જોવા, વાંચવા અને લોકોને બતાવવાની જરૃર છે.

જ્યારે વાત ઇન્કમટેક્ષ નિયમોની હોય તો ખબર છે કે દેશની રાજધાની અને ઘણા મોટા શહેરોથી દેશની સંપત્તિ (ડોકટર/ એન્જીનીયર/ એક્સપર્ટ) જેઓ ઈમાનદારીથી પૈસા કમાય છે જે વધારે હતા પરંતુ તેઓના ટેલેન્ટ ઉપર આધારિત હતા. પરંતુ સરકારના આ નિયમો અને ખોટી દાનતથી દેશથી છટકી જવા પર મજબૂર થઈ ગયા છે અને આજે તેઓ ઘણા દેશોમાં રિસર્ચ કરી તે દેશોનું નામ વિશ્વમાં પ્રખ્યાત કરી રહ્યા છે. કેમ આપણે આ વાતોને નાની ગણીને દેશને દૂરોગામી તોફાનમાં ધકેલી રહ્યા છીએ. સરકારને આ વાત ઉપર પણ ગંભીરતાથી વિચાર કરવો પડશે.

હવે ચલણોને રદબાતલ કરવાના બીજા પાસાઓને જોઈએ. બતાવવામાં આવી રહ્યું છે કે ભ્રષ્ટાચાર અને નકલી નોટોને તેના દ્વારા બંધ કરવામાં આવશે, તો આ વાત ગળે ઉતરવા જેવી નથી. જ્યારે ૧૦૦૦ની નોટોથી ભ્રષ્ટાચાર વધે છે તો ૨૦૦૦ની નોટથી ડબલ ભ્રષ્ટાચાર વધશે. ભ્રષ્ટાચાર રોકવાની દિશામાં આ મત પણ હોઈ શકે કે જે પોલીસ અને કાયદો વ્યવસ્થા તેને રોકવા માટે  છે તે જ લોકો જો સમગ્ર રીતે આમાં સામેલ હોય તો કેવી રીતે સંભવ છે કે ભ્રષ્ટાચારનું નિવારણ થઈ શકે છે. આ તો બલ્કે એવું જ છે કે કોઈને ઊંઘ આવી રહી હોય અને તમે તેને ગાદલું, ધાબળા અને ઓશીકું ઉપલબ્ધ કરાવી રહ્યા છો. સરકારી સ્તરના ભ્રષ્ટાચારને મિટાવવા માટે ગેરસરકારી લોકોને પરેશાન કરવા કેટલું ઉચિત છે?

બીજી તરફ જ્યાં મામલો નકલી નોટોનો છે તો આ ધ્યાન રાખવું પડશે કે જે શ્રેણીની ૨૦૦૦ની નોટ છે તેની નકલી નોટ તેના પહેલા આવી જવાની સંભાવના છે. આપને ખબર જ હશે કે ૨૦૦૦ની નવી નોટોમાં માતૃભાષામાં ૨૦૦૦ પણ સારી રીતે નથી લખી શકયા અને ૧૦૦૦ની જુની નોટોની ગુપ્ત સુરક્ષાને કોણે લીક  કર્યું. શું તે કોઈ વિદેશી હતો? જો ૨૦૦૦ની નોટની સાથે પણ આજ થશે તો બીમારી તો એ જ રહે છે, બસ જનતા ત્રસ્ત થઈ ગઈ.

૬ મહિના પહેલાથી છાપવામાં આવેલી ૫૦૦ અને ૨૦૦૦ની નોટો ઉપર ૬ સપ્ટેમ્બર ૨૦૧૬થી આરબીઆઈના ગવર્નર તરીકે કાર્યભાર સંભાળતા ઉર્જિત પટેલની સહીઓ, નોટની ગુણવત્તા, જનસ્તરની પરેશાનીઓ, અચાનક બેંક બંધ થયા પછી ઘોષણા, અમુક મહિના પહેલા જ રિલાયન્સ જીઓ સિમનો અબ્જોેનો કારોબાર, ઘણી ગૌશાળાઓને બાબા રામદેવ દ્વારા દત્તક લેવી, રાજકીય પાર્ટીઓનો ‘બંદોબસ્ત’, બે દિવસ બેન્કો બંધમાં ‘મોટામોટા’ કાર્યો અને એવા હજારો પ્રશ્ન છે જે આ નોટબંધી અને તેના પાછળ છુપાયેલા ચહેરાને હટાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બસ, આ ચેહરો સ્વચ્છ હોય, આ જ પ્રાર્થના આપણે આપણા ઇશ્વરથી કરીએ છીએ.

ભારતની મોટી વસ્તી જે ગામોમાં વસે છે તેઓ આ પરિવર્તનથી વધુ પરેશાન છે. કારણ કે બેન્કોની મોટાભાગની શાખાઓ જે શહેરોમાં છે તથા એટીએમ, નેટબેંકિંગ, ચેક જેવી આધુનિક સુવિધાઓ શહેરી જનતા સુધી જ સીમિત છે. ગામોમાં વસ્તા લોકો જેમના ખાતા પણ નથી તેઓની વાત તો બાજુએ મુકીએ, જેના છે તેઓ પણ તેમના ‘પારકા’ પૈસા માટે રોજ ૨૦-૪૦ કિલોમીટરની યાત્રા કરવી પડે છે. બેંકમાં જઈને પૈસા બદલાવે છે અને નંબર ન આવે તો બીજા દિવસની રાહ જોવી પડે છે. બાળકો ભુખ્યા રહે અથવા પત્નીની ડિલિવર કરવાની હોય તો પણ. હવે આ વાત કહેવી કે હોસ્પિટલોમાં તો સ્વિકારવામાં આવે છે તો જનતાની વચ્ચે જઈને મહેસૂસ કરો કે બેંકના નોકરથી લઈને પેટ્રોલ પંપ અને સરકારી સેવાઓ સુધી જનતાને કેટલી ગાળો અને તોછડાઈનો સામનો કરવો પડી રહ્યો છે. અચાનક આવેલી આ સમસ્યાઓની પાછળ આ તર્ક પણ આપવામાં આહ્યો છે કે આવું પહેલા પણ થતું રહ્યું છે. ૧૯૭૮માં મોરારજી દેસાઈની લીડરશીપમાં પણ આવી રીતની કાર્યવાહી થઈ હતી. પરંતુ તેઓને આ પણ જોઈ લેવું જોઈએ કે તે વખતે ૧૯૭૮માં ૧૦૦૦, ૫૦૦૦, ૧૦૦૦૦ની જે નોટો બંધ કરવામાં આવી તેનું યોગદાન ચલણમાં ફકત ૨% જેવું હતું અને અત્યારે ૫૦૦ અને ૧૦૦૦ની નોટો બંધ કરતા સમયે ૮૬% છે. સરકારના  ખાતા ખોલાવવાના પરિણાણો આપણે નાણાંમંત્રીના આ રીપોર્ટથી જોઈ શકાય છે કે જનધન ખાતાના ૧/૩ ખાતા તે જ ખાતા ધારકોના છે જેઓના પહેલાથી જ ખાતા મોજુદ હતા. હવે આ બેંકનું ક-ખ-ગ ન જાણવા વાળા અને ઓછું ભણેલા લોકો જેઓ નાના અને મધ્યમ વર્ગથી સંબંધિત છે. તેઓને અમુક સમય જીવનનિર્વાહની મૂળભૂત આવશ્યક્તાઓ પુરી કરવા માટે સંઘર્ષ કરવો પડશે, પછી પુત્રીના લગ્ન હોય કે પુત્રનું શિક્ષણ હોય.

આમ તો લોકતંત્રમાં જ્યાં સુધી જનતા પોતાના કર્તવ્ય અને અધિકારો માટે જાગૃત ન હોય તો તેઓની આ હાલત થવી સ્વાભાવિક છે. નહિંતર જેટલી ભીડ બેંક અને પોસ્ટઓફિસ પર છે તેટલી જ રસ્તાઓ ઉપર આવી જાય તો શું દૃશ્ય હોય??? આ વિચારીને જ માથુ ચકરાવા લાગે છે.

તાજેતરમાં અમેરિકાની ચૂંટણીની  ઘોષણામાં ટ્રમ્પની જીત થયા પછી જનતા રસ્તાઓ ઉપર ઉતરી આવી. એક  અયોગ્ય વ્યક્તિના વિરુદ્ધ આટલું સાહસ દેખાડવામાં આવ્યું આનાથી પણ પાઠ લેવા જેવો છે. અને બીજી તરફ આપણે છીએ કે પોતાના અધિકારોની લડાઈને પણ, પાકિસ્તાન, આતંક અને કાળા-નાણાંના કહેવાતા શબ્દોના નીચે કચડી  નાંખીએ છીએ. આમ તો આ નિર્ણયના તાત્કાલિક પ્રભાવ તો આપણે આપણી નરી આંખોથી જ જોઈ રહ્યા છીએ પરંતુ તેની દુરોગામી અસર પણ સરકારની નિયતો અને ઇરાદાઓ પર ટકેલી છે.  આશા છે આ નિયતો પણ તરત જ સામે આવી જશે. *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments