પ્રસ્તાવના :
ગુજરાત સરકારનું દર વર્ષે જે બજેટ આવે છે તેમાં શિક્ષણ માટે જુદી જુદી જોગવાઈઓ કરવામાં આવે છે. શિક્ષણ માટેનું ખર્ચ માનવ વિકાસ માટે અને સમાજના એકંદર વિકાસ માટે ખૂબ જ અગત્યનું છે એ તો એક હકીકત છે જ. તેથી, આ ખર્ચ કેટલું થાય છે અને કેવી રીતે થાય છે તે વધારે મહત્ત્વનું બને છે.
શિક્ષણ માટેનાં ખર્ચ વિષે નીચે જણાવેલ કેટલીક બાબતો ધ્યાનમાં લેવા જેવી છેઃ
(૧) સરકારનું ખર્ચ સામાજિક સેવાઓ, આર્થિક સેવાઓ અને સામાન્ય સેવાઓ એમ ત્રણ ભાગમાં વહેંચાય છે. શિક્ષણ માટેનું ખર્ચ સામાજિક સેવાઓની જે જોગવાઈઓ હોય છે તેનો ભાગ બને છે.
(૨) સરકારનું ખર્ચ વિકાસલક્ષી ખર્ચ અને બિન વિકાસલક્ષી ખર્ચ એમ બે ભાગમાં પણ વહેંચાય છે. શિક્ષણ માટેનું ખર્ચ સરકારના વિકાસલક્ષી ખર્ચનો ભાગ બને છે.
(૩) શિક્ષણ પાછળ જે ખર્ચ થાય છે તે મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ એમ બે ભાગમાં પણ વહેંચાય છે. મહેસૂલી ખર્ચ એટલે એવું ખર્ચ કે જે સામાન્ય રીતે પગાર, પેન્શન, વહીવટ, નિભાવ અને કેટલીક યોજનાઓ માટેનું ખર્ચ હોય છે. મૂડી ખર્ચ સામાન્ય રીતે એવું ખર્ચ છે કે જે વિવિધ અસ્કાયમતો ઊભી કરવા માટે થાય છે.
આ બાબતોને આધારે કેટલીક અગત્યની બાબતો સમજવા જેવી છે :
(૧) સરકાર જો પ્રાથમિક શાળા કે કોલેજ બાંધે છે તો તે મૂડી ખર્ચ કહેવાય.
(૨) પ્રાથમિક શાળા કે કોલેજ બાંધે એટલે વિકાસ થાય છે એટલે તે વિકાસલક્ષી ખર્ચ કહેવાય.
(૩) પણ સરકાર જો શિક્ષણ કે અધ્યાપકને પગાર આપે કે પેન્શન આપે તો તે બિન-વિકાસલક્ષી ખર્ચ કહેવાય કારણ કે પગાર અને પેન્શનનું ખર્ચ બિન-વિકાસલક્ષી કહેવાય છે. અહીં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે શિક્ષક કે અધ્યાપક વિના શાળા કે કોલેજ કે યુનિવર્સિટી ચાલે કેવી રીતે? તો પછી એ ખર્ચને કેવી રીતે બિન-વિકાસલક્ષી ખર્ચ કહેવાય? આ પ્રકારનું વર્ગીકરણ જ ખોટું છે એમ કહેવાય. પરંતુ આ વર્ગીકરણ વર્ષોથી ચાલે છે અને તેથી જ કદાચ શિક્ષકોને ઓછા અને બાંધ્યા પગારે રાખવાનું વલણ સરકારમાં ઊભું થયું છે.
(૪) શિક્ષણ માટેનું ખર્ચ માત્ર શિક્ષણ વિભાગ જ કરે છે એવું નથી. શિક્ષણ સિવાયના વિભાગો પણ શિક્ષણ માટે કરે છે. ગુજરાતમાં મોટે ભાગે એ ખર્ચ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા થાય છે કારણ કે દલિતો, આદિવાસીઓ, બાળકો, મહિલાઓ અને અન્ય પછાત વર્ગોના કલ્યાણ માટેનું ખર્ચ એ વિભાગ દ્વારા થતું હોય છે.
આમ, જુઓ તો સરકારના શિક્ષણ માટેનાં ખર્ચની વિગતોમાં દર વર્ષે આમ તેમ થોડા ફેરફારો જ કરવામાં આવતાં હોય છે અને કોઈ મૂળભૂત ફેરફારો કે માળખાગત ફેરફારો નજરે પડતા હોતા નથી.
શિક્ષણ માટેનું ખર્ચ ખરેખર કેટલું છે?
સામાજિક સેવાઓ માટેનું મહેસૂલી ખર્ચ શિક્ષણ માટેનું ખર્ચ પણ ધરાવે છે. પણ તેમાં માત્ર શિક્ષણ નહી પણ રમતગમત, કલા અને સંસ્કૃતિ માટેના ખર્ચનો સમાવેશ થઈ જાય છે. આ ખર્ચ ૨૦૧૮-૧૯ માટે ૨૨,૩૮૨ કરોડ અંદાજવામાં આવ્યો છે. મૂડી ખર્ચમાં આ ખર્ચ રૃ. ૧,૭૧૫ કરોડ અંદાજાયો છે. આમ કુલ ખર્ચ થયો રૃ. ૨૪,૦૯૭ કરોડ. આ રકમ કુલ બજેટના કુલ ખર્ચ રૃ. ૧,૮૨,૭૨૮ કરોડમાં માત્ર ૧૩.૧૯ ટકા જેટલું થાય છે. ૨૦૧૭-૧૮માં કુલ ખર્ચ રૃ. ૧,૭૧,૦૭૧ કરોડ હતું અને તેમાં શિક્ષણ માટેનું ખર્ચ રૃ. ૨૧,૯૦૯ કરોડ એટલે કે ૧૨.૮૦ ટકા હતું. આમ, શિક્ષણ માટેના ખર્ચમાં માત્ર ૦.૩૯ ટકાનો જ વધારો કરાયો છે. રકમની દૃષ્ટિએ જુઓ તો આ વધારો માત્ર રૃ. ૨,૧૮૮ કરોડનો છે અને તે ૨૦૧૭-૧૮ના ખર્ચ કરતાં ૯.૦૮ ટકા જેટલો જ વધારે છે. આટલા ઓછા વધારાથી શિક્ષણ ક્ષેત્રે કયું દળદર ફીટશે એ સમજવું મુશ્કેલ બને તેમ છે. જો કે, નાણાં પ્રધાને તેમના પ્રવચનમાં એમ જણાવ્યું છે કે શિક્ષણ માટે રૃ. ૨૭,૫૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે તેમ જણાવ્યું છે. આ રકમ તેઓ કેવી રીતે બોલ્યા છે તે સમજાતું નથી. એ વાત સાચી કે આ વધારો ફુગાવાના આશરે છ ટકાના દર કરતાં થોડો વધારો છે અને તેથી વાસ્તવિક વધારો થયો છે એમ પણ કહેવાય.
વળી, એ બાબત એ પણ મહત્ત્વની છે કે સરકાર શિક્ષણ પાછળ જીડીપીના કેટલા ટકા જેટલું ખર્ચ કરે છે. ૧૯૬૦ના દાયકાના કોઠારી પંચે એમ કહ્યું હતું કે શિક્ષણ પાછળનું જાહેર એટલે કે સરકારી ખર્ચ ઓછામાં ઓછું જીડીપીના છ ટકા જેટલું હોવું જોઈએ. અહીં જે કોઠો આપ્યો છે તેમાં જીડીપીના સંદર્ભમાં ગુજરાત સરકાર કેટલું ખર્ચ કરે છે તેની વિગતો આપવામાં આવી છે. આ વિગતો પરથી જાણવા મળે છે કે ગુજરાત સરકાર જીડીપીના માંડ બે ટકા જેટલું ખર્ચ શિક્ષણ પાછળ કરે છે. ૨૦૧૫-૧૬ પછી તો આ ટકાવારી પ્રમાણ ઘટતું ગયું છે એ પણ જોઈ શકાય છે. અહીં છેલ્લા બે વર્ષની જીડીપીના આંકડા વાર્ષિક નવ ટકાનો વૃદ્ધિ દર રહેશે એવી ધારણા પર આધારિત છે કારણ કે છેલ્લા ૧૫ વર્ષનો જીડીપીનો સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર લગભગ એટલો રહ્યો છે. શિક્ષણને ગુજરાત સરકાર સહેજ પણ વધારે મહત્ત્વ આપતી નથી એ આ આંકડા પરથી સહેજે તારવી શકાય છે.
નાણાં પ્રધાનની જાહેરાતો :
નાણાં પ્રધાને બજેટ પ્રવચનમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટે જે જાહેરાતો કરી છે તે નીચે મુજબ છેઃ
(૧) કૃષિ યુનિવર્સિટીઓમાં શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવા રૃ. ૭૦૨ કરોડ. (૨) મધ્યાહન ભોજન યોજના રૃ. ૧૦૮૧ કરોડ. (૩) પ્રાથમિક શાળાઓમાં નવા વર્ગખંડો બાંધવા રૃ. ૬૭૩ કરોડ. (૪) કન્યાઓ શાળા ન છોડી દે તે માટે ધોરણ ૯ અને ૧૦ માટે નિવાસી વ્યવસ્થા ઊભી કરવા રૃ. ૬૯ કરોડ. લાભ મળશે ૬૪૭૫ કન્યાઓ. (૫) ૧૪ આદિવાસી જિલ્લાના ૫.૧૫ લાખ વિદ્યાર્થીઓના વાલીઓને અન્ન ત્રિવેણી યોજના હેઠળ અનાજ પૂરૃં પાડવા માટે રૃ. ૬૮ કરોડ. (૬) તાલુકા દીઠ પાંચ શાળા લેખે કુલ ૧૨૫૦ શાળામાં ધોરણ ૬થી ૮ના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન કેન્દ્રો ઊભાં કરવા માટે રૃ. ૩૭.૫૦ કરોડ. (૭) ગણિત અને વિજ્ઞાન વિષયોમાં ગુણવત્તા વધારવા માટે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ ૪૦૦૦ શાળાઓમાં ધોરણ ૭ અને ધોરણ ૮ના વર્ગખંડો માટે અને એનસીઈઆરટીના ધોરણ ૫થી ૮ના અભ્યાસક્રમના ઈ-કન્ટેન્ટ વિકસાવવા રૃ. ૩૦ કરોડ. તેનો લાભ અનુક્રમે ત્રણ લાખ અને ૫૮ લાખ વિદ્યાર્થીઓને મળશે. (૮) ધોરણ ૩થી ૮ના ૪૨ લાખ વિદ્યાર્થીઓ અને ધોરણ ૬થી ૮ના ૨૧ લાખ વિદ્યાર્થીઓને વિજ્ઞાની વર્કબુક વિનામૂલ્યે આપવા રૃ. ૧૫ કરોડ.
(૯) શિક્ષકોને તાલીમ માટે રૃ. ૧૩ કરોડ. (૧૦) આંગણવાડી માટેની દૂધ સંજીવની યોજના હેઠળ દૂથ પૂરૃં પાડવા રૃ. ૩૭૭ કરોડ. તેનો લાભ ૨૯.૮૧ લાખ માતાઓ અને પ્રાથમિક શાળાનાં અને આંગણવાડીનાં બાળકોને મળશે.
નાણાં પ્રધાને ઉચ્ચ શિક્ષણ માટે તેમના પ્રવચનમાં જે બાબતો કહી હતી તે નીચે મુજબ છે ઃ
(૧) ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા રૃ. ૧૫૦ કરોડ. (૨) સરકારી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં માળખાગત સુવિધાઓ માટે રૃ. ૨૫૭ કરોડ. (૩) ગુજરાત યુનિવર્સિટીમાં સંશોધન ઉદ્યાન માટે રૃ. ૪૨ કરોડ. (૪) વિદ્યાર્થીઓમાં રોજગારલક્ષી કુશળતા વધારવા ફિનિશિંગ સ્કૂલ માટે રૃ. ૧૧ કરોડ. (૫) ડિજિટલ એજ્યુકેશન ડેવલપમેન્ટ ફંડ માટે રૃ. ૩ કરોડ. (૬) ત્રણ પ્રાદેશિક અને એક સેન્ટ્રલ પ્રયોગશાળા માટે રૃ. ૬ કરોડ. (૭) ઇજનેરી કોલેજોમાં નવા અભ્યાસક્રમો માટે રૃ. ૫ કરોડ. (૮) કેસીજી ખાતે સ્ટાર્ટ અપ માટે નવું હબ વિકસાવવા રૃ. ૧૦ કરોડ. (૯) જીટીયુના નવા કેમ્પસ માટે રૃ. ૧૩ કરોડ.
ઉપરોક્ત જાહેરાતો નોંધપાત્ર છે પણ મોટા ભાગની જાહેરાતો લગભગ ચીલાચાલુ છે. આ ખર્ચ આગામી વર્ષમાં થાય તો પણ તેનાથી શિક્ષણ ક્ષેત્રે કોઈ નોંધપાત્ર ફેરફાર થશે એમ તો લાગતું જ નથી અને શિક્ષણની પાયાની સમસ્યાઓ ઉકેલવાની દિશામાં કોઈ મોટાં પગલાં ભરાશે એમ પણ લાગતું નથી. એમ પણ લાગે છે કે રાજ્ય સરકાર એને માટે ગંભીર પણ નથી. જે કંઈ ખર્ચ કરવાની જાહેરાતો કરાઈ તેમાંની મોટાં ભાગની જાહેરાતો મૂડી ખર્ચ અંગેની છે એટલે કે બાંધકામ અંગેની છે અને અસ્કાયમતો ઊભી કરવા સાથે તે સંબંધ ધરાવે છે. માળખાગત સવલતો સુધરે અને આધુનિક બને એની સામે વાંધો છે જ નહીં અને હોઈ શકે પણ નહીં. પણ શિક્ષણના સોફ્ટવેરનું શું? આ સોફ્ટવેર એટલે શિક્ષકો. શિક્ષકોની અને અધ્યાપકોની હજારો ખાલી જગ્યાઓ ભરી દેવાશે એવી તો કોઈ જાહેરાત કરવામાં આવી જ નથી. એટલે માળખાગત સવલતો ઊભી થયાં પછી શું એનો વિચાર સરકારે કર્યો જ નથી. સરકારે ઘણી સરકારી કોલેજો ઊભી કરવા માટે ભૂતકાળમાં બજેટમાં જાહેરાતો કરી હતી અને આજે એ કોલેજોની શી સ્થિતિ છે એ તો સૌ કોઈ જાણે છે.
જાહેરાત કરતાં ઓછું ખર્ચ :
વળી, શિક્ષણ માટે જે ખર્ચ બજેટ રજૂ કરતી વખતે જાહેર કરવામાં આવે છે તે ખર્ચ થાય છે જ એવું પણ નથી. ઘણી વાર જાહેરાત કરતાં ઘણું ઓછું ખર્ચ કરવામાં આવે છે. કેટલાક દાખલા બજેટ પ્રકાશન નં. ૩૨ પ્રવૃત્તિની રૃપરેખામાંથી અહીં નોંધનીય છેઃ
(૧) ૨૦૧૬-૧૭માં સરકારી કોલેજોના વિકાસ માટે રૃ. ૮,૫૬૮ લાખની જોગવાઈ સામે ૫,૧૫૩ લાખ રૃ. જ થયું હતું. પછીના વર્ષે ૧૫,૭૧૩ લાખ રૃ.ની જોગવાઈ કરી હતી પણ કેટલું ખર્ચ થશે એનો કોઈ અંદાજ અત્યારે નાણાં પ્રધાને મૂક્યો નથી. ૨૦૧૮-૧૯માં હવે તેને માટે રૃ. ૬,૭૯૪ લાખની જોગવાઈ કરાઈ છે. (૨) આ જ રીતે, એ જ વર્ષમાં સરકારી કોલેજો અને છાત્રાલયના વિકાસ માટે રૃ. ૧૨,૬૨૬ લાખની જોગવાઈ સામે રૃ. ૫૯૫૫ લાખનું ખર્ચ થયું હતું. ૨૦૧૭-૧૮ માટે રૃ. ૧૬,૦૯૬ લાખની જોગવાઈ સરકારે કરી હતી. આગામી વર્ષ માટે પણ એટલી જ જોગવાઈ કરવામાં આવી છે.
(૩) યુનિવર્સિટીઓના વિકાસ માટે ૨૦૧૬-૧૭માં રૃ. ૨૦,૨૫૫ લાખની જોગવાઈ સામે રૃ. ૧૭,૭૪૨નો ખર્ચ થયો હતો અને ૨૦૧૭-૧૮માં રૃ. ૭,૮૦૨ લાખની જોગવાઈ કરાઈ હતી. ૨૦૧૮-૧૯માં હવે રૃ. ૫,૫૦૦ લાખની જોગવાઈ કરાઈ છે. આમ, યુનિવર્સિટીઓના વિકાસ માટેનું ખર્ચ ઘટતું જાય છે. (૪) બિન-સરકારી કોલેજોને ઈડીએન-૩૧ નંબરની યોજના હેઠળ જે સહાય આપવામાં આવે છે તે ૨૦૧૬-૧૭માં રૃ. ૩૦૧ લાખ હતી. ચાલુ વર્ષે એેને માટે કોઈ જ જોગવાઈ કરી નહોતી અને આગામી વર્ષે માટે પણ કોઈ જોગવાઈ કરાઈ નથી.
(લેખક શ્રી એચ.કે. આર્ટસ્ કોલેજ, અહમદાબાદમાં પ્રોફેસર છે.)