નવા વર્ષની શરૂઆતમાં જ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ઢંઢેરાની જાહેરાત સાથે જ ચર્ચાઓનું બજાર ગરમ થયું હતું. તેનું મુખ્ય કારણ હતું, બે મુખ્ય રાજકીય પક્ષો ઉપરાંત આમ આદમી પાર્ટી (આપ) અને ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લેમીન (AIMIM)ની ગુજરાતની ચૂંટણીઓમાં જંપલાવવાની જાહેરાત. એવું કહેવાય છે કે ગુજરાતી પ્રજા વર્ષોથી ભાજપ અને કોંગ્રેસના વિકલ્પની રાહ જાેઈ રહી હતી. અરે, થોભો, શું ખરેખર ગુજરાતની બહુમતી પ્રજા ભાજપના વિકલ્પની ઇચ્છુક છે? આ લખાય છે ત્યારે ગુજરાતના છ મુખ્ય મહાનગરોના ચૂંટણી પરિણામો જાહેર થઈ ગયા છે, અને તેના પર એક નજર નાખીને આપણે ઉપરના સવાલનો જવાબ તારવીએ.
ગુજરાતની છ મહાનગરપાલિકાઓ (અહમદાબાદ, વડોદરા, સૂરત, રાજકોટ, જામનગર, ભાવનગર)ના ચૂંટણી પરિણામોમાં કુલ ૫૭૬ બેઠકોમાંથી ભાજપને ૪૮૩ (૨૦૧૫માં ૩૮૯/૫૭૨); કોંગ્રેસને ૫૫ (૨૦૧૫માં ૧૭૪/૫૭૨); ‘આપ’ને ૨૭; AIMIMને ૭ અને બસપાને ૩ બેઠકો મળી છે. છેલ્લા ૨૫-૩૦ વર્ષથી ભાજપ ગુજરાતમાં એકધારૂં શાસન કરી રહી છે અને સામાન્ય જનતાને લગતા કેટલાય પ્રશ્નો વણઉકેલાયા હોવા છતાં બહુમતી જનતાનો ભાજપ તરફી બિનશરતી ઝુકાવ વિચારણીય છે. આ ચૂંટણીઓમાં ભાજપ સામે પેટ્રોલ-ડિઝલના ગગનચુંબી ભાવો, કમરતોડ મોંઘવારી, બેરોજગારી, ખેડૂત આંદોલન જેવા રાષ્ટ્રીય મુદ્દાઓ તેમજ નજીકના ભૂતકાળમાં અહમદાબાદ, સૂરત, રાજકોટ જેવા મહાનગરોમાં કોરોના મહામારી દરમિયાન નિમ્ન સ્તરનું સંચાલન અને લોકડાઉનમાં ગેરવહીવટના લીધે લોકોની દુર્દશા જેવા મુદ્દાઓ પડકારરૂપ હોવા છતાં ભાજપના જનમતમાં કોઈ જ ફરક પડ્યો નહિ, બલ્કે લોકોએ આ વખતે તેમને વધુ સારો પ્રતિસાદ આપ્યો છે, જે આશ્ચર્યજનક છે.
બીજી બાજુ મુખ્ય વિપક્ષ કોંગ્રેસ જાણે મૃતઃપ્રાય બની છે. કુલ ૫૭૬ બેઠકોમાંથી માત્ર ૫૫ બેઠકો પર વિજય એ નગણ્ય છે. તેમાં પણ મોટા ભાગની બેઠકો લઘુમતી વિસ્તારોમાંથી છે. એટલે કે બહુમતી સમાજે કોંગ્રેસને સદંતર નકારી દીધી છે. સૂરતમાં તો કોંગ્રેસ પોતાનુ ખાતું પણ ખોલી શકી નહિ અને આખો પક્ષ શૂન્ય પર સમેટાઈ ગયો. એટલું જ નહિ, ચૂંટણીઓ પહેલાં જ ૨૦૦ થી વધુ બેઠકો પર ક્યાંક તો ઉમેદવારી પત્રક રદ થવાથી તો ક્યાંક છેલ્લી ઘડીએ ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવાને લીધે ભાજપ બિનહરીફ જીતી ગયું હતું. આ બાબત વાસ્તવમાં ગુજરાત કોંગ્રેસના બદહાલ અને બિનસક્ષમ નેતૃત્વની ચાડી ખાય છે. માત્ર ચૂંટણી ટાણે જ નહિ પરંતુ સમગ્ર પાંચ વર્ષ દરમિયાન એક મજબૂત વિપક્ષ તરીકે કામ કરવામાં કોંગ્રેસ નિષ્ફળ નીવડી છે. કોરોના મહામારી દરમિયાન તંત્રના ગેરવહીવટ અને લોકોના રોષને વાચા આપી કોઈ સક્ષમ વિરોધ ચળવળ ઊભી કરવાની કોઈ ઇચ્છાશક્તિ જાેવા મળી નહિ. માત્ર પ્રેસ સ્ટેટમેન્ટ અને ટિ્વટર ટ્રેન્ડથી આગળ વધીને કોઈ જમીની સ્તરની ચળવળ ચલાવી શકી નથી. અને કદાચ આ જ નિષ્ફળતાઓ તેમજ બહુમતી સમાજ દ્વારા કોંગ્રેસની સદંતર ઉપેક્ષા તેને આ સ્થિતિમાં લઈ આવી છે.
કેજરીવાલની આમ આદમી પાર્ટી એ આમ તો છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પોતાના સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો આદર્યા હતા. પરંતુ લગભગ છેલ્લા છ મહિનાથી શ્રી ગોપાલ ઇટાલિયાના નેતૃત્વ હેઠળ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આપે તેના દિલ્હી મોડેલને લોકો સમક્ષ પ્રસ્તુત કરીને શિક્ષણ, આરોગ્ય, સસ્તી વીજળી, પાણી જેવા વિકાસના કામો કરવાનું બાંહેધરી પત્રક જાહેર કર્યું. છ મહાનગરપાલિકાની કુલ ૫૭૬ બેઠકોમાંથી ૪૭૦ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ અહમદાબાદ અને સૂરતમાં રોડ શો કર્યો. ‘આપ’ના દિલ્હી મોડેલ આધારિત વિકાસલક્ષી કાર્યોની બાંહેધરી અને ચૂંટણી પ્રચારના પ્રમાણિક પ્રયાસો પછી પણ તે છ મહાનગરપાલિકામાંથી પાંચમાં પોતાનું ખાતું ન ખોલાવી શકી. જાે કે સૂરતમાં તેણે અપસેટ સર્જીને ૨૭ બેઠકો પ્રાપ્ત કરી જાેરદાર પરફોર્મન્સ આપ્યું. પરંતુ શું જનતાએ ‘આપ’ના વિકાસ મોડેલને મત આપ્યા છે કે નહિ તે સવાલ બાકી છે. સૂરતની જે બેઠકો પર આપે સરસાઈ મેળવી છે તે પાટીદાર સમાજની પ્રભુત્વવાળી બેઠકો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના ઘણા નેતાઓ અને કાર્યકરો જેઓ ૨૦૧૫ થી ભાજપ સામે જંગે ચડ્યા છે તેઓ આ વખતે કોંગ્રેસની ટિકિટ વહેંચણીથી નારાજ થઈ છેડો ફાડી આપ સાથે જાેડાયા હતા. અને મોટા ભાગની બેઠકો તેમણે હાંસલ કરી છે એવું પ્રતીત થાય છે. એટલે મુદ્દા આધારિત રાજનીતિ સફળ થઇ છે કે કેમ એ અંગે હજી પ્રશ્નાર્થ છે.
આ વખતની ચૂંટણીમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર ઉવૈસીની AIMIMની ગુજરાતમાં એન્ટ્રી હતી. ઉવૈસીએ છોટુભાઈ વસાવાની બી.ટી.પી. સાથે ગઠબંધન કરીને ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જંપલાવ્યું. તેના અંતર્ગત પ્રથમ પ્રયાસ તરીકે છ માંથી માત્ર અહમદાબાદ મહાનગરપાલિકાની ૨૧ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા. કોંગ્રેસના મોટા નેતાઓથી લઈ સામાન્ય કાર્યકરોએ તેમને ભાજપની ‘બી’ ટીમ હોવાનો રાગ આલાપ્યો. પરંતુ AIMIM એ ચૂંટણીમા પોતે એક મજબૂત વિકલ્પ તરીકે ઊભરવાની ખાતરી આપી એક મોકો આપવા જનતાને રિઝવવાના પ્રયાસો આદર્યા. ગુજરાતનો લઘુમતી સમાજ ઘણા વખતથી કોંગ્રેસનો વિકલ્પ શોધી રહ્યો હતો, તેણે ઉવૈસીની પાર્ટી પર વિશ્વાસ મૂકીને ૨૧ માંથી ૭ બેઠકો પર વિજય અપાવ્યો છે. તેમજ અન્ય ૫ બેઠકો પર પણ AIMIM પાતળા માર્જીનથી હારી. AIMIM ની આ સફળતાથી લઘુમતી સમાજનો યુવાવર્ગ ઘણા ઉત્સાહમાં છે. પરંતુ જાેઈએ કે આ નવો પક્ષ તેમની આકાંક્ષાઓ પર કેટલો ખરો ઊતરે છે.
ઉવૈસી સાહેબ પોતે તો બંધારણીય મૂલ્યોના જતનની અને મુસલમાનોની સાથે દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગોના હકો માટેની લડાઈ લડવાની રટ લગાવે છે, પરંતુ તેમના આલોચકો તેમની પર ‘ઓળખની રાજનીતિ’ (Identity Politics) દ્વારા કોમી સંવાદિતા વચ્ચેની ખાઈને મજબૂત કરવાના આરોપો લગાવે છે.
આવતા સપ્તાહમાં ગુજરાતના નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓ પણ હજુ વધારે ચિત્ર સ્પષ્ટ કરશે. પરંતુ હવે જાેવાનું એ રહે છે કે અસદુદ્દીન ઉવૈસીની રાજનીતિ ગુજરાતમાં કયા નવા રાજકીય સમીકરણો બનાવે છે અને અરવિંદ કેજરીવાલ વિકાસના મુદ્દાઓની રાજનીતિ પર કાયમ રહે છે કે કેમ અને તે કેટલી કારગર નીવડે છે. ગુજરાત હવે ભાજપ- કોંગ્રેસ સિવાય અન્ય રાજકીય વિકલ્પ ખરેખર મેળવે છે કે કેમ એ તો હવે આવનારો સમય જ બતાવશે. પરંતુ આપણે આશા રાખીએ કે ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીઓમાં ગુજરાતની પ્રજા પાસે એકથી વધુ મજબૂત રાજકીય વિકલ્પો ખુલ્લા હોય અને લોકશાહી ખરા અર્થમાં મજબૂત બને.