Thursday, April 18, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપગૌવંશ ઉપર પ્રતિબંધ અપ્રાકૃતિક

ગૌવંશ ઉપર પ્રતિબંધ અપ્રાકૃતિક

આપણા સહુના સર્જનહાર પાલનહાર અલ્લાહ-ઇશ્વરે યોજનાપૂર્વક સમગ્ર બ્રહ્માંડનું સર્જન કર્યુ છે. તેના સર્જનમાં ક્યાંય કોઈ ખામી, ઉણપ, કચાસ કે ભૂલ શોધ્યે જડે તેમ નથી. બ્રહ્માંડમાં સૂર્ય, ચંદ્ર,નક્ષત્રો પોતપોતાની ભ્રમણ કક્ષામાં સુવ્યવસ્થિત ફરી રહ્યા છે. મનુષ્ય, પ્રાણી,વનસ્પતીના પેદા થવા અને નાશ પામવાનો કુદરતી ક્રમ અવિરત જારી છે. ઋુતુઓ તેના પરિવર્તનની સાથે યોગ્ય ક્રમચક્રમાં બદલાઈ રહી છે.

સંસારમાં જેટલા પણ જીવો છે તેના ભોજનની વ્યવસ્થા કુદરતે ખૂબજ સુંદર રીતે કરી છે. કુદરતે અબજો-ખરબો જીવો પછી તે ધરતી ઉપર રહેતા હોય કે ગગનમાં વિહરતા હોય, ધરતીના પેટાળમાં વસ્તા હોય કે પાણીમાં દરેક ઠેકાણે તેણે દરેક જીવના ભોજનની ખુબજ સુંદર વ્યવસ્થા કરી છે. કહેવાય છે કે તે “ભુખ્યો ઉઠાડે છે પરંતુ ભુખ્યો સુવડાવતો નથી.”

ધરતીમાંથી અનાજ, ફળો અને જાતજાતની વનસ્પતિઓનું ઉગવું મનુષ્ય માટે ઇશ્વરની અનન્ય કૃપા છે. એક જ ધરતી અને પાણી દ્વારા મનુષ્યના જીવન સમાન અનાજ, ફળ-ફળાદી, શાકભાજી, દવાઓ અનેક જાતની વસ્તુઓ મનુષ્યોને ઉપલબ્ધ કરાવવી એ કુદરતની કમાલ છે. ઘઉંના એક દાણામાંથી ૭૦૦ દાણા કરવા, નારિયેળમાં પાણી છલોછલ ભરાઈ જવું, દાડમના દાણાની ગોઠવણ, કેળા અને વિવિધ જાતના ફળોના સ્વાદ, તેમજ તેમનું ગુણકારી હોવું ઉપરાંત આ બધી વસ્તુઓ એટલા પુષ્કળ પ્રમાણમાં થવી કે સંસારમાં વસતા સાત અબજ માનવીઓની જરૂરીયાત સંતોષાઈ શકે. તેને કુદરતની અસીમ કૃપા જ કહેવાય જે માનવીને સર્જનહાર સમક્ષ નમવા માટે મજબૂર કરી દે છે.

સંસારમાં માત્ર અનાજની વાત કરીએ તો તે એટલા પુષ્કળ પ્રમાણમાં થાય છે કે સંસારમાં વસતા બધા જ માનવીઓની જરૂરીયાત સંતોષાઈ શકે. પરંતુ માનવી જ્યાં અન્યાયી હસ્તક્ષેપ કરે છે ત્યાં સમસ્યા ઉભી થાય છે. સમસ્યા અનાજના પુરવઠાની નથી તે તો પુષ્કળ પ્રમાણમાં છે જ, સમસ્યા તો તેની યોગ્ય અને ન્યાયી વહેંચણીની છે કે જેના કારણે લાખો કરોડો માનવીને ભૂખે મરવું પડે છે. એક તરફ લાખો ટન અનાજ ગોડાઉનમાં સડે છે જ્યારે બીજી તરફ લોકો ભૂખે મરી રહ્યા છે. એક તરફ શ્રીમંતો અનાજનો પુષ્કળ પ્રમાણમાં બગાડ કરી રહ્યા છે જ્યારે બીજી તરફ ગરીબ અને લાચાર મનુષ્ય કે જે ઇશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે તેઓ કચરા પેટીમાંથી એંઠવાડ ખાઈને પેટની આગને ઠારવી રહ્યા છે. પશુ કરતા પણ બદતર જીવન વ્યતિત કરી રહ્યા છે.

ઇશ્વરના પ્રતિનિધિ તરીકે માનવીએ ઇશ્વરીય સિદ્ધાંતો, પ્રાકૃતિક નિયમોને અનુરૃપ જીવનવ્યવસ્થા બનાવવી અને ચલાવવી જોઈએ કે જેથી આ દુનિયા અને સમગ્ર બ્રહ્માંડ પ્રાકૃતિક ક્રમ મુજબ આગળ વધતા અને પ્રગતિ કરતા રહે. જો કુદરતની સાથે તાલ મિલાવીને ચાલવામાં નહી આવે અને અપ્રાકૃતિક નિયમો દ્વારા કુદરતની રચનામાં હસ્તક્ષેપ કરવામાં આવશે તો કુદરતી તંત્ર બગડી જશે અને સ્વંય મનુષ્યોને અનેક યાતનાઓ અને સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવશે. પછી માનવી કુદરત સામે લડી નહી શકે. માનવીનું કામ કુદરત ઉપર વિજય મેળવવાનું નથી પરંતુ તેની સાથે લયબદ્ધ થઈને ચાલવાનું છે. આજે સંસારમાં જેટલી પણ કુદરતી સમસ્યાઓ ઉભી થઈ છે તેની પાછળ મનુષ્યનો અયોગ્ય અને અન્યાયી હસ્તક્ષેપ જ કારણભૂત છે.

ગીરના જંગલનું રસપ્રદ ઉદાહરણ આ સ્થાને યોગ્ય લેખાશે. સરકારી સર્વેના સુત્રો મુજબ ગીરના જંગલમાં જમીનના પાણીનું સ્તર ખુબજ નીચુ જતું રહ્યું છે. કારણકે સિંહ ઓછા થઈ ગયા છે. સિંહ અને જમીનના પાણીના સ્તરને શું લેવા-દેવા? સિંહ ઓછા થઇ જવાના કારણે હરણો અને અન્ય પશુઓ પુષ્કળ પ્રમાણમાં વધી ગયા છે કે જેઓ જંગલની વનસ્પતિને મોટા પ્રમાણમાં ખાઈ રહ્યા છે. જંગલો ઓછા થવાના કારણે વરસાદ ઓછો થઈ ગયો. જેના કારણે જમીનમાં પાણીનું લેવલ નીચુ જતુ રહ્યું. ગીરના જંગલોમાં સિંહોની સંખ્યા વધારવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગીરના સિંહો ૩૦% હરણો અને અન્ય પશુઓનો શિકાર કરે છે. ૭૦% ગાય અને ભેંસોનું મારણ કરે છે. હરણ અને અન્ય પશુઓનો શિકાર કરવામાં ખુબજ વધારે મહેનત કરવી પડે છે. તેમજ તેમનો શિકાર કર્યા પછી સિંહના કુટુંબનું પેટ ભરાતુ નથી. જ્યારે ગાય-ભેંસનું મારણ કરવામાં વધારે મહેનત કરવી પડતી નથી. અને મારણ કર્યા બાદ સમગ્ર કુટુંબનું પેટ આરામથી ભરાઈ જાય છે. ગાય-ભેંસના મારણ કરવા બદલ રાજ્ય સરકાર તરફથી પશુપાલકોને તરત જ વળતર ચુકવી દેવામાં આવે છે. રાજ્ય સરકારે કરોડો રૃપિયાનું ભંડોળ આના માટે ફાળવ્યું છે. જેનો અર્થ થાય છે કે રાજ્ય સરકાર દ્વારા સિંહોને વાર્ષિક કરોડો રૃપિયાનું ગૌ-માંસ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ત્યાં ગૌ-વંશને બચાવવા માટે સિંહોને મારવામાં નથી આવતા. કારણકે આ કુદરતી નિયમ છે. જો ગૌ-વંશને બચાવવા માટે સિંહોનો શિકાર કરવામાં આવે તો પરિસ્થિતિ શું થાય તેની કલ્પના જ કરી શકાય તેમ નથી.

મહારાષ્ટ્રમાં ગૌ-વંશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે તદ્દન અપ્રાકૃતિક તેમજ અન્યાયી છે. સંસારમાં ૨૦૦ દેશોમાંથી એક પણ દેશમાં ગૌ-વંશ ઉપર પ્રતિબંધ નથી. નેપાળ જેવા હિંદુ રાષ્ટ્રમાં પણ તેના ઉપર પ્રતિબંધ નથી. હાલમાં જ નેપાળના ગઢીમાઈમાં તહેવાર નિમિત્તે ૫ લાખ પશુઓની કતલ કરવામાં આવી હતી. ભારતના અનેક રાજ્યો એવા છે કે જ્યાં ગૌ-વંશ ઉપર પ્રતિબંધ શક્ય નથી. તેથી એમ ચોક્કસ પણે કહી શકાય કે સમગ્ર ભારતમાં ગૌ-વંશ ઉપર પ્રતિબંધ શક્ય નથી. તેમ છતાં માની લઈએ કે ગૌ-વંશ ઉપર પ્રતિબંધ લાદવામાં આવે તો તેની શું અસરો થઈ શકે? આ વિષય ખુબજ મહત્વનો અને ગહન અભ્યાસ માંગી લે તેવો છે.

ગૌ-વંશ પ્રતિબંધની અસરો :

1. કૃષિ પ્રગતિના કારણે ભારતમાં હવે આધુનિત પદ્ધતિથી ખેતી કરવામાં આવી રહી છે. ખેતર ખેડવા માટે બળદોનું સ્થાન ટ્રેકટરોએ ક્યારનુંય લઈ લીધું છે. તેથી કામ વગરના વાછરડા અને બળદો તેમજ દુધ ન આપતી ગાયો દેશ માટે એક વિકરાળ સમસ્યા બની જશે.

2. ગૌ-વંશની કતલ ઉપર આધારિત અનેક મોટા ઉદ્યોગો પડી ભાંગશે. જેમકે ચર્મ ઉદ્યોગ, હાડકા ઉપર આધારિત ઉદ્યોગ અને ચરબી ઉપર આધારિત ઉદ્યોગ.

3. ગૌ-વંશની કતલ ઉપર આધારિત હજારો-લાખો લોકોની રોજી રોટીનો પ્રશ્ન કે જેમાં બધા જ ધર્મના લોકોનો સમાવેશ થાય છે.

4. શાકભાજીના ભાવો અત્યારે રડાવી રહ્યા છે. લાખો ટન ગૌ-વંશનો પુરવઠો બંધ થતા જ શાકભાજી માટે વલખા મારવા પડશે. તેની સાથેસાથે કઠોળ પણ ખૂબ મોંઘા થઈ જશે. ગરીબોનું જીવવું અસહ્ય થઈ પડશે. તેમજ આ બધી જ વસ્તુઓની અછત વર્તાશે અને વિદેશોમાંથી આયાત કરવી પડશે. જે માટે બહુમૂલ્ય એવું પુષ્કળ વિદેશી હુંુડિયામણ ખર્ચાઈ જશે.

5. ગૌ-વંશની કતલ પર પ્રતિબંધનો કાયદો દેશમાં દુધની અછત લાવશે. દુધ મળવું મુશ્કેલ થઈ જશે. તેમજ દુધ ખુબજ મોંઘુ થઈ જશે. નવાઈ લાગે એવી વાત છે. પરંતુ આ સત્ય છે. સમય અને સમજ આવતા આ બધુ સમજાઈ જશે. દુધાળા પશુઓ અને જાતવાન અને સારા પશુઓના ભાગનો ચારો આ કામ વગરના જાનવરો ખાઈ જશે. તેમના રહેવાની જગ્યા અને તેમની સારસંભાળનો હિસ્સો પણ આ જાનવરોને મળશે જેના કારણે દુધાળા જાનવરો ઉપર પ્રતિકુળ અસરો થશે અને દુધનું ઉત્પાદન ખુબજ ઘટી જશે. ઉત્પાદન ઘટતા દુધ અત્યંત મોંઘુ થઈ જશે. પશુ પાલનમાં વિશ્વમાં પ્રથમ ક્રમાંકે આવતા ભારતમાં કે જ્યાં ગાયને માતા તરીકે પુજવામાં આવે છે ત્યાં દુધની આયાત કરવી પડશે અને આ દુધની નિકાસ એવા દેશોમાંથી કરવામાં આવશે જ્યાં ગૌ-વંશની હત્યા ઉપર પ્રતિબંધ નથી. કારણ કે ત્યાં બેકાર જાનવરોની કતલ કરી નાંખવામાં આવે છે. તેથી દુધાળા જાનવરોને ચારો, જગ્યા, સારસંભાળ, પૂરતા પ્રમાણમાં સારી ક્વોલીટીનો મળી રહે છે. તેથી તેવા દેશોમાં દુધનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થાય છે.

6. ગૌ-વંશની કતલ ઉપર પ્રતિબંધ ન હતો ત્યારે પાંજરા-પોળ અને ગૌ-શાળાઓની હાલત ખૂબજ ગંભીર હતી. ત્યાંના પશુઓની સ્થિતિ પણ ખુબજ દયનીય હતી. અને ત્યાંથી પશુઓ ગેરકાયદેસર રીતે વેચવામાં આવતા હતા. તેમજ તેમને અકુદરતી રીતે મારી નાખવામાં આવતા હતા. આવા અનેક કિસ્સાઓ અખબારો અને ટીવી સીરીયલોમાં આવતા રહ્યા છેે. અત્યારે હાલમાં જ એક પાંજરા-પોળમાં ૧૨૦ ગાયોનું અકુદરતી મૃત્ય થયું હતું. જેની તપાસ કરવામાં આવી રહી છે. જો ગૌ-વંશ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે તો પાંજરાપોળ અને ગૌ-શાળાઓ જાનવરોથી ઉભરાઈ જશે. પાંજરાપોળ અને ગૌ-શાળાઓ શું? ગામડાઓ પણ બેકાર જાનવરોથી ઉભરાઈ જશે. તેમને ખવડાવવું પીવડાવવું, સારસંભાળ રાખવી, ખેડુતો માટે શું સરકાર માટે પણ મુશ્કેલ થઈ જશે.! જે ભારત દેશમાં લાખો-કરોડો માનવીઓ ભૂખેે મરતા હોય ત્યાં બેકાર ગૌ-વંશને સાચવવું એક વિકરાળ સમસ્યા બની જશે.

7. ભારતના ખેડુતોની દયનીય સ્થિતિ જોતા તેમને કૃષિ ઉત્પાદનના ટેકાના ભાવો પણ ન મળતા હોય અને તેઓે મોટા પ્રમાણમાં આપઘાત કરતા હોય એવી સ્થિતિમાં તેમના આ બેકાર જાનવરોને કોણ ખરીદશે? કોણ તેનું મૂલ્ય ચુકવશે? જ્યાં સગો દિકરો કમાતો ન હોય તો તેનો બાપ તેને ઘરમાંથી કાઢી મૂકતો હોય ત્યાં બેકાર જાનવરને કુદરતી મૃત્યુ ન આવે ત્યાં સુધી પાળવું ખેડુત માટે કે પશુ-પાલકો માટે માથાનો દુખાવો બની જશે. લોકો તેમના ઢોરોને રસ્તા ઉપર રખડતા કરી દેશે.

8. ભારતમાં એક અંદાજે ૮૦ થી ૯૦ ટકા લોકો માંસાહારી છે. જેમાં ગૌ-વંશનું માંસ ૫૦ ટકા હિસ્સો ધરાવે છે. ત્યાં ગૌ-વંશનો લાખો ટન પુરવઠો બંધ થતા જ ગરીબ અને ભુખ્યા ભારતમાં ભૂખમરાનું પ્રમાણ અતિશય વધી જશે.

9. ભારતમાં આશ્ચર્ય ઉપજાવે એવી હકીકત એ છે કે જે લોકો ખેડૂતો અને પશુ-પાલકો છે તેઓ ગાયની પુજા નથી કરતા પરંતુ તેનો ઉપયોગ કરે છે. જ્યારે જે લોકો ગાયની પૂંજા કરે છે તેઓ તેનું પાલન અને ઉછેર નથી કરતા તેમજ તેનો યોગ્ય ઉપયોગ નથી કરતા. આવી પરિસ્થિતિમાં જો ગૌ-વંશ ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવે તો અનેકવિધ વિકરાળ સમસ્યાઓ ઉભી થવાના કારણે ગાયનું પૂજનીય સ્થાન ભયમાં આવી જશે અને લોકો તેને ઘૃણા કરવા લાગશે.

ગૌ-વંશની ઉપરોક્ત દર્શાવેલી સમસ્યાઓને કુદરતી રીતે મુસ્લિમ સમાજ અને અન્ય સમાજ વર્ષોથી હલ કરતો આવ્યો છે, ભારતીય સમાજ તેમનો ઋણિ હોવો જોઈએ અને તેમના આ કાર્યને આભાર અને પ્રશંસાની દ્રષ્ટિએ જોવાવું જોઈએ. તેમનું આ કાર્ય દેશ માટે ખુબજ મોટું યોગદાન ગણી શકાય એમ છે. જે માટે તેમને માન-સન્માન, આદર અને યોગ્ય આર્થિક વળતર મળવું જોઈએ. તેમને કાયદા દ્વારા પણ સુરક્ષિત કરવામાં આવવા જોઈએ. ઉપરાંત ગેરકાયદેસર જે કનડગત થઈ રહી છે તેને પણ દૂર કરવાની જરૃર છે.

ગૌ-વંશ ઉપર પ્રતિબંધ અપ્રાકૃતિક હોવાના કારણે તેના ઉપર સંપૂર્ણ આચરણ કરવું શક્ય જ નથી. આની વિપરીત અસરોને જોતા ટુંક સમયમાં જ આ કાયદાને રદ કરવાની મહારાષ્ટ્ર સરકારને ફરજ પડશે. તેમજ અન્ય રાજ્યો પણ તેમ કરવાની હિંમત નહીં કરી શકે.
(મો. ૯૧૭૩૪૬૩૦૯૦)
idk.gujarat@gmail.com

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments