ગઈ કાલે રાત્રે દિલ્હીની અલ-શિફા હોસ્પિટલમાં ડો. મુહમ્મદ રફઅતનું ૬૫ વર્ષની વયે અવસાન થયું છે. ડો. મુહમ્મદ રફઅત જમાઅતે ઇસ્લામી હિંદના કેન્દ્રીય સલાહકાર સમિતીના સભ્ય હતા અને સેન્ટર ફોર સ્ટડી અન્ડ રિસર્ચ (CSR)માં ડિરેક્ટર તરીકે તેમણે સેવા આપી. તેઓ જામિયા મિલ્લિયા ઇસ્લામીયા (JMI)માં ફિઝિક્સના પ્રોફેસર હતા. અલીગઢના ડો.રફઅત “ઝિન્દગી-એ-નૌ” મેગેઝીનના ભૂતપૂર્વ તંત્રી અને તસ્નીફ એકેડમી સહિત જમાઅતે ઇસ્લામી હિંદમાં અનેક હોદ્દાઓ સંભાળી ચૂક્યા છે. તેઓ પ્રખ્યાત ઇસ્લામી વિદ્ધાન હતા, વિવિધ વિષયો ઉપર અંગ્રેજી અને ઉર્દૂમાં ૧૫ જેટલા પુસ્તકો લખ્યા છે. તેઓે જામિયા મિલ્લિયામાં B.E., BTec અને MScના વિદ્યાર્થીઓને ભણાવતા હતા અને તેઓ મુસ્લિમ એસોસિયેશન ફોર એડવાન્સમેન્ટ ઓફ સાયન્સના અમૂલ્ય સભ્ય હતા.
આ પ્રસંગે જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના પ્રમુખ શકીલઅહમદે જણાવ્યું છે કે “ડો. રફ્અત સાહેબના અવસાનના સમાચાર ભારે આઘાત સમાન પુરવાર થયા. અલ્લાહતઆલા મર્હૂમની કબ્રને નૂરથી ભરી દે, તેમની મગફિરત ફરમાવે અને જન્નતુલ ફિરદૌસમાં ઉચ્ચ દરજ્જાથી નવાઝે.” વધુમાં જણાવ્યું કે, તેમની સાથે હું જ્યારે જ્યારે મળ્યો ત્યારે તેઓ ખૂબ જ સ્નેહપૂર્વક મળતા, તેઓ ખૂબ જ વિનમ્ર સ્વભાવના, સાદગીપ્રિય અને ઉચ્ચ વિચાર ધરાવનાર વ્યક્તિ હતા. આનાથી આગળ આ કહેવું જાેઈએ કે વર્તમાન સમયના એક ચિંતક અને તેહરીકે ઇસ્લામીની ખૂબ જ કીમતી પૂંજી હતા. તેમનો અવસાન તેહરીકે ઇસ્લામી માટે મોટું નુકસાન છે. અલ્લાહ તેમના કુટુંબિજનો અન સંબંધિતોને સબ્રે-જમીલ એનાયત કરે, અને તેમનો બહેતર વિકલ્પ અર્પે.