Saturday, December 21, 2024
Homeઓપન સ્પેસજ્ઞાનની ઓળખ

જ્ઞાનની ઓળખ

“પઢો, અને તમારો રબ અત્યંત ઉદાર છે જેણે કલમ વડે જ્ઞાન શીખવાડ્યું, મનુષ્યને તે જ્ઞાન આપ્યું જેને તે જાણતો ન હતો” (કુઆર્ન – ૯૬ઃ૩-૪-૫)

અલ્લાહે મનુષ્યને જે જ્ઞાન આપ્યું છે એના બે પ્રકાર છે.
(૧) Acquired Knowledge
(૨) Revealed Knowledge

(૧) Acquired Knowledge :

“પછી જરા તે સમયની કલ્પના કરો, જ્યારે તમારા રબે ફરિશ્તાઓને કહ્યું હતું કે હું ધરતી પર એક ખલીફા (પ્રતિનિધિ, નાયબ) બનાવવાનો છું. તેમણે અરજ કરી, શું આપ ધરતી પર કોઈ એવાને નિયુક્ત કરવાના છો, જે તેની વ્યવસ્થાને બગાડી મૂકશે અને ખૂનામરકી કરશે ? આપની સ્તુતિની સાથે-સાથે તસ્બીહ (ગુણગાન) અને આપની પવિત્રતાનો જાપ તો અમે કરી જ રહ્યા છીએ. ફરમાવ્યું, ”હું જાણું છું, જે કંઈ તમે નથી જાણતા. ત્યારપછી અલ્લાહે આદમને બધી વસ્તુઓના નામ શીખવાડ્યા, પછી તેમને ફરિશ્તાઓ સમક્ષ રજૂ કર્યા અને ફરમાવ્યું, ”જો તમારો વિચાર સાચો છે (કે કોઈ ખલીફાની નિમણૂકથી તંત્ર બગડી જશે) તો જરા આ વસ્તુઓના નામ બતાવો.” (કુઆર્ન- ૨ઃ૩૦-૩૧).

આજે એ જ આદમની ઔલાદ એટલે કે મનુષ્યએ જ્ઞાન (Science and Technology)માં આટલું બધુ વિકાસ કરી દિધું છે અને આજ સુધી કરી રહ્યા છે કે આપણું મગજ દંગ રહી જાય છે. પહેલાના જમાનામાં મનુષ્યની હેસીયત શું હતી. તે ગુફાઓ અને જંગલોમાં રહેતો હતો અને ભૂખ ભાંગવા માટે વૃક્ષની પત્તીઓ અને પ્રાણીઓનો શિકાર કરીને કાચા માંસનું ભોજન કરતો હતો. યાત્રા કરવા માટે પ્રાણીઓનો જ ઉપયોગ કરતો હતો. પછી તેણે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને આગની ખોજ કરી, પછી ચક્રની અને ધીમે-ધીમે વિકાસ પામીને ટ્રેન, પ્લેન, રોકેટ, ફોન અને આજે કોમ્પ્યુટર વગેરે બનાવ્યા. અને અહીંયા સુધી કે તે ચાંદ ઉપર પણ પગ મુકીને આવ્યા. અને રોજીંદા જીવનની જરૂરીયાત મુજબ આજે પણ નવી-નવી ખોજો કરી રહ્યા છે. આ બધુ ફકત જ્ઞાનની થકી જ થયું. પણ આ ક્યા જ્ઞાન થકી? તે જ જ્ઞાન જે અલ્લાહે આપણા પિતા આદમ (અ.સ.)ને આપ્યું હતું. જે ઉપર કુઆર્નની આયતમાં છે કે, અલ્લાહે આદમને બધી વસ્તુઓના નામ શીખવાડયા.

આ જ્ઞાનનું ઉદાહરણ એક કેરીની ગુઠલીની જેમ છે, કે જેમ કે એક નાની કેરીની ગુઠલીમાં કેરીનું આખું વૃક્ષ સમાયેલું હોય છે અને જ્યારે તે ગુઠલીને જમીનમાં નાખ્યા પછી ધીમે-ધીમે એમાંથી પત્તીઓ ઉગે છે, પછી વધતો જાય છે અને એક સમય એ આખું વૃક્ષ બની જાય છે. આવી જ રીતે જે બધી વસ્તુઓનું નામ અલ્લાહે આદમને શીખવાડ્યું એ આજના આધુનિક જ્ઞાન (Modern Education of Science and Technology)ની ગુઠલી છે. આજે જેટલો પણ વિકાસ થઇ રહ્યો છે તે ફકત ભૌતિક વિકાસ છે. અલ્લાહે આદમ (અ.સ.)ને જે જ્ઞાન આપ્યું હતું તે ભૌતિક જ્ઞાન હતો. કેમકે કુઆર્નની આયતમાં ફરમાવ્યું છે કે, અલ્લાહે આદમને બધી ‘વસ્તુઓ’ એટલે ‘Matters’નું જ્ઞાન આપ્યું. અલ્લાહે આ ભૌતિક જ્ઞાન મનુષ્યને દુનિયામાં તેની ભૌતિક જરૂરતો પુરી પાડવા માટે આપેલું છે.

(૨) Revealed Knowledge :

“અમે કહ્યું, ”તમે સૌ અહીંથી ઊતરી જાઓ, પછી જો મારા તરફથી કોઈ માર્ગદર્શન તમારા પાસે આવે, તો જે લોકો મારા તે માર્ગદર્શનનું અનુસરણ કરશે, તેમના માટે કોઈ ભય અને દુઃખનો અવસર નહીં હોય, અને જેઓ તેને સ્વીકારવાનો ઇન્કાર કરશે અને અમારી આયતોને ખોટી ઠેરવશે, તેઓ આગમાં જનારા લોકો છે, જ્યાં તેઓ હંમેશાં રહેશે.” (કુઆર્ન- ૨ઃ૩૮-૩૯).

પહેલા જે જ્ઞાન છે, ‘Acquired Knowledge’ એને મનુષ્ય પોતાના જે પાંચ સેન્સ છે (જેમ કે આંખ, નાક, કાન, જીભ અને હાથ)થી મેળવે છે. પણ મનુષ્યનું શારીરિક અસ્તિત્વની સાથે-સાથે આધ્યાત્મિક અસ્તિત્વ પણ છે. બધા મનુષ્યોના મનમાં પ્રાકૃતિક રીતે અમુક પ્રશ્નો ઉભા થાય છે. જેમકે, આ સૃષ્ટિનો કોઇ ઇશ્વર (સર્જનહાર) છે? છે તો તે કેવો છે? એને આ આખી સૃષ્ટિની રચના કેમ કરી? મનુષ્યના જીવનનો શું હેતુ છે? મૃત્યુ પછી જીવન છે? છે તો મૃત્યુ પછી શું થવાનું? અને શું આપણા દુનિયાના જીવનની બાબતમાં મૃત્યુ પછી ઇશ્વરને જવાબ આપવાનો છે? આ દુનિયામાં કેવી રીતે જીવન વિતાવવું જોઇએ વગેરે…

જેવી રીતે અલ્લાહે મનુષ્યની ભૌતિક જરૂરતો પુરી કરવા માટે જ્ઞાન આપ્યું તેવી જ રીતે અલ્લાહે પોતાના બંદાઓ માટે દુનિયામાં જીવન વિતાવવા માટેના માર્ગદર્શન રૃપી જ્ઞાન આપવાની વ્યવસ્થા કરી છે.

આ બીજું જ્ઞાન મનુષ્ય પોતાના પાંચ ઇન્દ્રિયોથી હાંસલ કરી શકતો નથી. કેમકે મનુષ્યને જેટલી પણ શક્તિઓ ઇશ્વરે આપેલ છે તે મર્યાદિત છે. મનુષ્ય પોતાના પાંચ ઇન્દ્રિયોથી જે જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે તેટલું જ તે મેળવવાની ક્ષમતા ધરાવે છે. તેનાથી વધારે જ્ઞાનએ મેળવી નથી શકતો.

ઇશ્વરના ગુણો, તે કેવો છે? એણે શા માટે બધી વસ્તુઓ બનાવી? મનુષ્યના જીવનનો શું હેતુ છે? મૃત્યુ પછી શું થવાનું? જીવનમાં શું કરવું અને શું ન કરવું જોઇએ? કઇ વસ્તુ આપણા માટે લાભદાયક છે અને કઇ હાનિકારક, આ બધુ જ્ઞાન અલ્લાહે આપણા પયગમ્બરો દ્વારા મોકલ્યું છે.

આ જ્ઞાનને વહી (દિવ્ય ઇશ્વરીય વાણી) દ્વારા પયગમ્બરને આપવામાં આવ્યું અને એ જ્ઞાન પણ હઝરત આદમ (અ.સ.)થી ધીમે-ધીમે દરેક જમાનામાં જુદા-જુદા પયગમ્બરો દ્વારા અવતરિત થતું ગયું અને વિકાસ પામતું ગયું. છેલ્લે તે જ્ઞાન આખરી પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) ઉપર અવતરિત થયું અને સાથે પૂર્ણ પણ થયું. જે આજે આપણી પાસે કુઆર્નના રૃપમાં છે. હવે આ જ્ઞાન જ સત્ય જ્ઞાન છે. એમાં જ બધા માનવજાત માટે માર્ગદર્શન છે અને એ પરલોક સુધી લોકો માટે હિદાયત અને માર્ગદર્શન છે.

હવે અહિંયા આ વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે આ જે બે પ્રકારના જ્ઞાન છે, એ મુખ્યત્વે એક જ જ્ઞાન છે. એ એક જ જ્ઞાનના બે પ્રકારો છે. પણ આપણે ત્યાં લોકો એ સમજે છે કે પહેલું જ્ઞાન દુનિયાનું છે અને બીજું જ્ઞાન ધાર્મિક. બલ્કે બન્ને જ્ઞાન ઇસ્લામિક જ્ઞાન છે.

એક હોય છે અલ્લાહનું કાર્ય અને એક હોય છે અલ્લાહની વાણી. અલ્લાહની વાણી કુઆર્ન છે અને આ સૃષ્ટિમાં ચાંદ અને સુરજ વગેરે તારાઓ અને પૃથ્વી ઉપર વરસાદનું વરસવું વગેરેની જે વ્યવસ્થા ચાલે છે એ અલ્લાહનું કાર્ય છે. અલ્લાહ એ બધી વસ્તુઓને ચલાવે પણ છે અને સંભાળે પણ છે.

આ અલ્લાહના કાર્યમાં ચિંતન-મનન કરવું એ જ આધુનિક જ્ઞાન છે. જેને એસ્ટ્રોનોમી કહેવાય છે. એવી રીતે અલ્લાહના બીજા કાર્યો ઉપર ચિંતન-મનન કરવો એ જ્યુગરાફી, બાયોલોજી, ફિઝિયોલોજી, એમ્બ્રોલોજી વગેરે કહેવાય છે. અલ્લાહ પોતે જ કુઆર્નમાં મનુષ્યને આકાશો અને ધરતી પર અને ખુદ મનુષ્યની જાત ઉપર વિચાર કરવા માટે પ્રોત્સાહન આપે છે.

“તમારો ખુદા એક જ ખુદા છે, તે રહમાન (પરમ્ કુપાળુ) અને રહીમ (પરમ્ દયાળુ) સિવાય બીજો કોઈ ખુદા નથી. (આ હકીકતને ઓળખવા માટે જો કોઈ નિશાની અને ઓળખ જોઈતી હોય તો) જે લોકો બુદ્ધિથી કામ લે છે, તેમના માટે આકાશો અને ધરતીની રચનામાં, રાત અને દિવસના નિરંતર એકબીજા પછી આવવામાંં, તે હોડીઓમાં જે મનુષ્યોના લાભની વસ્તુઓ લઈને નદીઓ અને સમુદ્રોમાં ચાલે-ફરે છે, વરસાદના તે પાણીમાં જેને અલ્લાહ ઉપરથી વરસાવે છે, પછી તેના વડે મૃત ધરતીને જીવન પ્રદાન કરે છે અને (પોતાની આ જ વ્યવસ્થાને કારણે) ધરતીમાં દરેક પ્રકારના સજીવોને ફેલાવે છે, હવાઓના પરિભ્રમણમાં, અને તે વાદળોમાં જે આકાશો અને ધરતી વચ્ચે આજ્ઞાને આધીન બનાવીને રાખવામાં આવ્યા છે, અસંખ્ય નિશાનીઓ છે.” (કુઆર્ન– ૨ઃ૧૬૩-૧૬૪)

“અને તે જ છે જેણે આ ધરતી ફેલાવી રાખી છે, તેમાં પર્વતોના ખૂંટા ખોસી રાખ્યા છે અને નદીઓ વહેવડાવી દીધી છે. તેણે જ દરેક પ્રકારના ફળોની જોડીઓ પેદા કરી છે અને તે જ દિવસ ઉપર રાતને ઢાંકી દે છે. આ બધી વસ્તુઓમાં મોટી નિશાનીઓ છે તે લોકો માટે જેઓ ચિંતન-મનનથી કામ લે છે.” (કુઆર્ન– ૧૩ઃ૦૩)

ડૉ. ઇસરાર અહમદ (રેહ.) કહે છે કે અલ્લાહે મનુષ્યને દુનિયામાં સાચા માર્ગ ઉપર ચાલવા માટે આ બે આંખો (જ્ઞાન) આપી હતી. પણ આજે મનુષ્યએ બીજી આંખ (પયગમ્બરોના જ્ઞાન)ને બંધ કરી નાખી અને ફકત પહેલી જ આંખ ઉપર ભરોસો કરી દીધો. આ જ છે એક આંખ વાળા દજ્જાલીયત.

જ્યારે મનુષ્યએ સર્જનહારની હિદાયતને છોડીને ફકત એક જ આંખ (આધુનિક જ્ઞાન) ઉપર ભરોસો કરી દિધો તો જોઇલો કે વિશ્વમાં એનું શું પરિણામ આવી રહ્યું છે.

આ આધુનિક જ્ઞાનથી મનુષ્યને ઘાતક હથીયારો, ન્યુકિલ્યર બોમ્બ, મિસાઇલ વગેરે બનાવ્યા અને આખી દુનિયામાં યુદ્ધો અને બગાડ ફેલાવી રહ્યા છે. આ આધુનિક જ્ઞાને આજ સુધી દુનિયાને બે મોટી ભેંટ આપી છે. એક છે પહેલું વિશ્વ યુદ્ધ અને બીજું બીજું વિશ્વ યુદ્ધ.

આ આધુનિક જ્ઞાનની મદદથી હોવું તો આ જોઇતંુ હતું કે મનુષ્ય સર્જનહાર અલ્લાહની કુદરતની આ બધી નિશાનીઓ ઉપર ચિંતન-મનન કરીને ઇશ્વરને ઓળખે અને એના જ માર્ગદર્શન મુજબ જીવન ગુજારે, કેમકે ઇશ્વરના માર્ગદર્શનનું પાલન કરવાથી વિશ્વમાં શાંતિ સ્થાપિત થઇ શકે છે. મનુષ્ય આ જ્ઞાનમાં અલ્લાહને ભુલીને આગળ વધી રહ્યો છે. અને અલ્લાહને ભુલીને જ દુનિયામાં રાજ્યતંત્ર ચલાવી રહ્યા છે. એટલા માટે જ દુનિયામાં યુદ્ધો, જુલ્મ અત્યાચાર, અશ્લીલતા, બળાત્કાર, ભ્રષ્ટાચાર, વગેરે બગાડ ફેલાઇ રહ્યા છે. “જમીન અને સમુદ્રમાં બગાડ પેદા થઈ ગયો છે લોકોના પોતાના હાથોની કમાણીથી, જેથી સ્વાદ ચખાડે તેમને, તેમનાં કેટલાક કર્મોનો, કદાચ તેઓ અટકી જાય.” (કુઆર્ન– ૩૦ઃ૪૧)

આ જ જ્ઞાનનું શિક્ષણ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યું છે. જે મનુષ્યને અલ્લાહથી દૂર કરી રહ્યું છે.
“અલ્લાહ સે કરે દૂર તો તાલીમભી ફિત્ના”
– અલ્લામા ઇકબાલ

મોલાના મૌદૂદી (રેહ.) એ કહ્યું છે કે, “જે શિક્ષણ બંદાને અલ્લાહની નજદીક નથી લઇ જતુ, એકેશ્વરવાદની સત્યાર્થતા સ્પષ્ટ નથી કરતું, અલ્લાહે નક્કી કરેલી મર્યાદાઓને આધીન જીંદગી વિતાવવાની માનસિક્તા ઉભી નથી કરતું, સભ્યતાને સુશોભિત નથી કરતું તે શિક્ષણ, શિક્ષણ નહી પરંતુ અજ્ઞાનતા છે અને અજ્ઞાનતા ભલે આધૂનિક હોય કે પ્રાચીન પરંતુ તે પ્રતિત તો અજ્ઞાનતા જ થાય છે.”

તમે ઇતિહાસ ઉઠાવીને જુઓ કે જ્યારે મુસલમાનોએ આ બન્ને જ્ઞાનમાં કોઇ ફરક ન કરતા હતા (બલ્કે એ બન્ને જ્ઞાનને ઇસ્લામી જ્ઞાન જ સમજતા હતા) તો જોઇલો તે સમયે મુસલમાનો કેટલા આગળ હતા, ત્યારે મુસ્લિમો દુનિયાની લીડરશીપ કરતા હતા. અને તે જ સમયે યુરોપને ‘ડાર્ક કન્ટીનેન્ટ’ કહેવામાં આવતો હતો અને તે સમયને યુરોપના જમાનાને ‘ડાર્ક એજીસ’ કહેવામાં આવતો હતો, કેમ કે તે સમયે યુરોપમાં જ્ઞાનનું નામો-નિશાન ન હતું. આજે યુરોપ અને વેસ્ટર્ન વિશ્વ આ આધુનિક જ્ઞાનમાં જેટલા પણ આગળ વધ્યા એ તે સમયના મુસ્લિમ વૈજ્ઞાનિકોને કાણે જ છે. તે સમયે કેટલાક મુસ્લિમ વૈજ્ઞાનિકો હતા જેના દ્વારા આજે સાયન્સ આટલું આગળ વધ્યું છે.

આ બન્ને જ્ઞાન (જે હકીકતમાં એક જ છે) એ કુઆર્નના જ જ્ઞાન છે. જો આજે પણ આપણે કુઆર્નને થામી લઇએ, કુઆર્નને સમજીને એના ઉપર ચિંતન-મનન કરી અને એના માર્ગદર્શન મુજબ ચાલીએ તો આજે પણ દુનિયાની ઇમામત આપણા હાથમાં આવી શકશે. ઇન્શાઅલ્લાહ.

સબક ફિર પઢ સદાકત કા શુજાઅત કા અદાલત કા
લિયા જાએગા કામ તુઝ સે દુનિયા કી ઇમામત કા
– અલ્લામા ઇકબાલ રેહ.

કુઆર્નમાં અલ્લાહ ફરમાવે છે કે, “શું આ લોકો કુઆર્ન ઉપર વિચાર નથી કરતા ? જો આ અલ્લાહ સિવાય કોઈ બીજા તરફથી હોત તો આમાં ઘણા વિરોધાભાસી વર્ણનો જોવા મળતા.” (પઃ૮૨). “શું આ લોકોએ કુઆર્ન પર વિચાર કર્યો નથી, કે તેમના હૃદયો પર તાળાં લાગેલા છે ?” (૪૭ઃ૨૪). “રમઝાન એ મહિનો છે, જેમાં કુઆર્ન અવતરિત કરવામાં આવ્યું, જે માનવ-જાત માટે સંપૂર્ણ માર્ગદર્શન છે અને એવું સ્પષ્ટ શિક્ષણ ધરાવે છે, જે સીધો માર્ગ દેખાડનારું તથા સત્ય અને અસત્યનો ભેદ સ્પષ્ટ કરી દેનારું છે.” (૨ ઃ૧૮૫)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments