ગુજરાત રાજ્યમાં ગૌવંશની કતલ ઉપર પ્રતિબંધ ઠેરવવામાં આવ્યો છે. ઉપરાંત જૈન ધર્મના તહેવાર પર્યુષણ પ્રસંગે પણ દરેક પ્રકારના માંસાહાર ઉપર અમુક દિવસો દરમ્યાન પ્રતિબંધ ઠેરવવામાં આવેે છે. મુસ્લિમ સમાજે આ કાયદાનું પાલન કર્યું છે અને જ્યાં સુધી આ કાયદો અમલમાં છે ત્યાં સુધી તેના ઉપર અમલ કરતો રહેશે. ગુજરાત સરકારના મંત્રી ડો. વલ્લભ કથિરીયાએ આ પ્રતિબંધને અનુરૃપ વાતાવરણ બનાવવા માટે કુઆર્ન અને હદીષના હવાલાથી ગાયનું માંસ આરોગવું હાનિકારક દર્શાવતા જાહેર હોર્િંડગ્સ ગુજરાત ગૌ-રક્ષા સમિતીના નામે શહેરના જાહેર માર્ગ ઉપર લગાવ્યા છે. ડો. વલ્લભ કથિરીયાનું આ પગલું પ્રતિબંધના કાયદાને ધાર્મિક સમર્થન અને અનુમોદન આપવા માટે એક રીતે જોતા આવકારદાયક ગણાય કે સંબંધિત સમાજના લોકોનો જનમત તેમના જ મૂળ ધાર્મિક ગ્રંથ કે કથનો દ્વારા કેળવવામાં આવે કે જેથી કાયદા બાબતે કોઈ દુરાગ્રહ બાકી ન રહે.
ડો. વલ્લભ કથિરીયાનો આ વિચાર અંગત રીતે સારો હોઈ શકે પરંતુ કોઈ વિચારને અમલમાં મૂકતા પહેલાં કે જ્યારે પ્રશ્ન સમાજના જાહેર જીવન સાથે સંબંધિત હોય ત્યારે ઘણા બધા પાસાઓને ધ્યાનમાં લેવાની જરૃર હોય છે. જેમ કે, વિચારને અમલમાં કોણ લાવે? કેવી રીતે લાવે? તે માટેના સાધનો કે તેને લગતી બાબતો ખુબજ પ્રમાણિત હોવી જોઈએ. સંબંધિત ધાર્મિક સમાજની લાગણીઓને તેમની આસ્થા-મર્યાદાઓને દ્રષ્ટિ સમક્ષ રાખવા જોઈએ. ધાર્મિક આગેવાનોને વિશ્વાસમાં લઈ ચર્ચા-વિચારણા કર્યા પછી કોઈ પગલું ભરવું જોઈએ. ડો. વલ્લભ કથિરીયાના આ કૃત્યમાં આ બધી જ બાબતો તરફ દુર્લક્ષ સેવવામાં આવ્યું છે. તેમનો આ નિર્ણય એકદમ ઉતાવળીયો-અનુભવરહિત હોય તેમ જણાય છે. અપેક્ષા મુજબ મુસ્લિમ સમાજ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો. મીડિયાએ પણ વિરોધમાં પોતાનો સૂર પુરાવ્યો. ડો. વલ્લભ કથિરીયાને પણ પોતાની ભૂલ સમજાઈ અને તરત જ હોર્િંડગ્સને ઉતારી લેવાના આદેશ આપી દેવામાં આવ્યા.
ઉપરોક્ત બાબતોનું એક મુસ્લિમ તરીકે મુલ્યાંકન કરીને ડો. વલ્લભ કથિરીયાને કેટલાક સુચનો કરવાનું યથાર્થ ગણાશે.
સંસારની અનેક જાતીઓમાં મુસલમાન ધાર્મિક રીતે ખુબજ સજાગ-સભાન અને સંવેદનશીલ જાતિ છે. તેમને સંસારના આર્થિક લાભોના મુકાબલે ધર્મ અને ધર્મવિધાન અતિપ્રિય છે. જે માટે તેઓ કોઈ પણ કક્ષા ભોગ આપી શકે છે. તેથી મુસ્લિમ સમાજની ધાર્મિક બાબતો તરફ ખુબજ વધારે કાળજી અને ચોકસાઈ કરી લેવાની જરૃર છે.
જ્યારે પણ ઇસ્લામ ધર્મ બાબતે કાંઇ કહેવુ હોય અથવા કહેવાની જરૃર પડે ત્યારે તેના મૂળ ધર્મગ્રંથ પવિત્ર કુઆર્ન અને ઇસ્લામના મહાન અને અંતિમ પયગમ્બર હઝરત મુહમ્મદ સ.અ.વ. ના કથનોની પ્રમાણિતતાને ચકાસી લેવામાં આવે. ત્યારબાદ તેને તેના યોગ્ય સ્વરૃપમાં હવાલા સાથે દર્શાવવામાં આવે. આ બાબતે કોઈપણ પ્રકારનો ભ્રમ ઊભો કરવામાં ન આવે. કારણ કે આજે સંસારમાં ઇશ્વરીય માર્ગદર્શન તરીકે માત્ર કુઆર્ન જ તેના શુદ્ધ સ્વરૃપમાં સુરક્ષિત છે. તેથી મુસ્લિમો તેમા જરા સરખી પણ ભેળસેળ સાંખી નહીં લે.
ડો. વલ્લભ કથિરીયા સાહેબ, આપે ગૌમાંસના હાનીકારક હોવા વિશે કુઆર્ન અને હદીષનો હવાલો આપ્યો છે ત્યારે આપની જાણ ખાતર જણાવી દઉં કે કુઆર્નમાં હલાલ જાનવરો કે જેનો મનુષ્ય પોતાના ભોજન તરીકે ઉપયોગ કરી શકે છે તેની સુચિ આપવામાં આવી છે. જેમાં ગૌવંશ પણ શામેલ છે. જેમાં ગાયનું વર્ણન વિશેષ રીતે કરવામાં આવ્યું છે. ઇસ્લામ ધર્મ મુજબ માંસ ખાવું ફરજીયાત નથી. એક મુસલમાન સંપૂર્ણ શાકાહારી હોઈ શકે છે. મનુષ્યનો આહાર ધાર્મિકને બદલે ભૌગોલિક વધારે છે. એક મનુષ્યએ ભોજનમાં શું લેવું કે ન લેવું તે બાબતે કોઈ વ્યક્તિ-સમાજ-રાજ્ય કે રાષ્ટ્ર નિર્ણય ન કરી શકે. આપણા સૌનો સર્જનહાર-પાલનહાર ઇશ્વર જ નક્કી કરશે કે મનુષ્યએ શું ખાવું અને શું ન ખાવું. તે માત્ર નિર્ણય જ નથી કરતો બલ્કે કરોડો માનવીને ભોજન ઉપલબ્ધ કરાવે છે. મનુષ્યની શારીરિક રચના પણ તેણે શાકાહારી-માંસાહારી બન્ને પ્રકારની બનાવી છે. આજે પણ સંસારમાં ૯૫ ટકા લોકોનું ભોજન માંસાહાર ઉપર આધારિત છે. સંસારનું એક પણ દેશ શુદ્ધ શાકાહારી નથી. સંસારના એક માત્ર હિંદુ રાષ્ટ્ર હોવાનો દાવો કરતુ નેપાળમાં લોકોનો મુખ્ય ખોરાક માંસાહાર જ છે. ત્યાં પણ માંસાહાર ઉપર પ્રતિબંધ નથી. હાલમાં જ નેપાળના મુખ્ય તહેવાર ટાણે ૫ લાખ પશુઓની કતલ કરવામાં આવી હતી. જે સમાચારો અખબારોમાં ખુબજ ચમકયા હતા. સંસારના એક પણ દેશમાં માંસાહાર ઉપર પ્રતિબંધ નથી.
ગૌમાંસને ભોજન તરીકે લઈ શકાય તેવા કુઆર્નના સ્પષ્ટ ઉલ્લેખ પછી તેના વિરુદ્ધની કોઈપણ વાત કે કથનને માનવું કે તેની પુષ્ટિ કરવી કે તે બાબતે નબળી હદીષોનો હવાલો આપવો કુઆર્નના આદેશનો ઇન્કાર કરવા બરાબર છે. કુઆર્ન સાથે ટકરાતી હોય તેવી કોઈ પણ વાતને માનવી કુઆર્નની અવગણના કરવા બરાબર છે. કુઆર્નની વાતને કોઈ માનવી બદલી શકતો નથી. કુઆર્નના આ આદેશ આજથી ૧૪૩૬ વર્ષ અગાઉના છે. ભારતના અનેક રાજ્યોમાં જ્યારથી ગૌવંશ ઉપર પ્રતિબંધનો કાયદો અમલમાં આવ્યો છે. ત્યાર પછી જ ગૌમાંસ આરોગવું હાનિકારક હોવાની નબળી હદીષોે ઉપજાવી કાઢવામાં આવી છે. આ અગાઉ ક્યારેય પણ આ હદીષો વાંચવામાં કે સાંભળવામાં આવી નથી. ૧૪૩૬ વર્ષ પહેલા અને એ અગાઉથી પણ આજદિન સુધી સંસારમાં માનવી ગૌમાંસને ભોજન તરીકે ઉપયોગમાં લેતો આવ્યો છે. આટલા વર્ષોના ભોજનના અનુભવથી પણ તેના હાનીકારક હોવાની પુષ્ટિ મળી નથી. વૈજ્ઞાાનિક રીતે પણ આજદિન સુધીની તેના હાનીકારક હોવા બાબતે કોઈ પ્રમાણ સામે આવ્યું નથી. હા, હદીષોમાં હાનીકારક હોવાની જે વાત આવી છે તે કોઈપણ વસ્તુના અતિશય ઉપયોગ બાબતે છે કે કોઈપણ વસ્તુનો અતિરેકની હદે ઉપયોગ કરવો નુકસાનકારક છે.
ડો. વલ્લભ કથિરીયા સાહેબ, જો આપ ખરેખર માનતા હોવ કે કાયદાનું પાલન કરાવવા અને સામાજીક બુરાઈઓને નાબૂદ કરવા માટે ધાર્મિક ગ્રંથોનો ઉપયોગ કરવો જોઈએ તો કુઆર્નમાં દારૃ-જુગાર-ભ્રષ્ટાચાર-વ્યાજ-ભ્રુણહત્યા જેવી અનેક બદીઓ નાબૂદ કરવા બાબતે સ્પષ્ટ ઉલ્લેખો, તેની રીત અને તેની સજાઓ દર્શાવવામાં આવી છે. આશા છે આ સામાજીક બુરાઈઓને દૂર કરવા માટે પણ આપ કુઆર્નનો ઉપયોગ કરશો. તેના હોર્િંડગ્સ જાહેર સ્થળોએ લગાવશે તેને નાબૂદ કરવાની પદ્ધતિઓ અપનાવશો અને તેની સજાઓને લાગુ કરવાના પ્રયત્નો કરશો. જે માટે આપને સમગ્ર મુસ્લિમ સમાજનો સાથ અને સહકાર મળી રહેશે જે માટે હું આપને બાહેંધરી આપુ છું.
ડો. વલ્લભ કથિરીયા સાહેબ, ગૌવંશ બાબતે કુઆર્ન અને હદીષના આદેશો જોતા પહેલા હિંદુ ધર્મના વેદો અને સ્મૃતિઓને પણ જોઈ લેવાની જરૃર હતી, કે જેમાં માંસાહાર અને ખાસ કરીને ગૌવંશના માંસાહારના ભોજન તરીકે ઉપયોગના અનેક સિદ્ધાંતો વિસ્તારપુર્વક આપવામાં આવેલા છે. જે અહીં આપની જાણ સારૃ નીચે દર્શાવવામાં આવ્યા છે.
ઋુગવેદ – ૧૦,૧૬,૯૧માં લખ્યું છેઃ “જે ગાય પોતાના શરીરની દેવો માટે બલી આપ્યા કરે છે જે ગાયોની આહુતિઓને સોમ જાણે છે, હે ઇન્દ્ર એ ગાયોને દૂધથી પરિપૂર્ણ અને વાછરડાવાળી કરીને અમારા માટે ગોષ્ટમાં મોકલી દો.”
ઋુગવેદ – ૧૦,૮૫,૧૩માં લખ્યું છે ઃ “એક યુવતિના વિવાહ પ્રસંગે બળદો અને ગાયોની બલી ચડાવવામાં આવે છે.”
ઋુગવેદ – ૬,૧૭,૧માં લખ્યું છે ઃ “ઇન્દ્રએ ગાય, વાછરડા, ઘોડા અને ભેંસના માંસનો ખાવા માટે ઉપયોગ કર્યો.”
મહર્ષિ યાજ્યાવલ્ક્યાને સત્પથ બ્રહ્માણમાં કહ્યું છે ૩,૧,૨,૨૧માં કહ્યું છે ઃ “હું ગૌમાંસ ખાવું છું. કારણ કે આ સુંવાળુ અને સ્વાદિષ્ટ છે. ”
આપાસ્તંબ ગૃહસૂત્રા – ૧,૩,૧૦માં કહેવામાં આવ્યું છે ઃ “ગાય એક અતિથિના આગમન ઉપર, પુર્વજોની શ્રદ્ધાના અવસરે અને વિવાહ પ્રસંગે બલી ચડાવવી જોઈએ.”
હિંદુ ધર્મના સૌથી મોટા પ્રચારક સ્વામી વિવેકાનંદના પુસ્તક ધી કમ્પ્લીટ વર્ક ઓફ સ્વામી વિવેકાનંદના ખંડ-૩ પા.૫૩૬માં આ પ્રકારે કહેવામાં આવ્યું છે ઃ “તમને જાણીને આશ્ચર્ય થશે કે પ્રાચીન હિંદુ સંસ્કાર અને અનુષ્ઠાનો મુજબ એક માનવી એક સારો હિંદુ નથી થઈ શકતો જે ગૌમાંસ નથી ખાતો.”
મહાત્મા ગાંધીએ પોતાના પુસ્તક ‘હિંદુ ધર્મ’ના પા. ૧૨૦માં કહ્યું છે ઃ “હું જાણું છું કે વિદ્વાનો આપણને જણાવે છે કે ગાયના બલિદાનોનો વેદોમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે.”
મનુસ્મૃતિ (અધ્યાય ૫, પદ્ય ૩૦) કહે છે ઃ “ખાવા યોગ્ય પશુઓ – ખાવા યોગ્ય પશુઓના માંસને ખાવામાં કોઈ પાપ નથી. કારણ કે બ્રહ્માએ ભક્ષણ અને ખાદ્ય બન્નેનું નિર્માણ કર્યું છે.”
મનુસ્મૃતિ (અધ્યાય ૫, પદ્ય ૩૫) કહે છે ઃ “શ્રાધ અને મધુપર્કમાં તથા વિધિ નિયુક્ત થવા પર જે મનુષ્ય માંસ નથી ખાતો તે મૃત્યુ પછી ૨૧ જન્મ સુધી પશુ થાય છે”
ડો. વલ્લભ કથિરીયા સાહેબ આ તો થોડાક જ ઉદાહરણો આપની જાણ સારૃ આપ્યા છે. મનુષ્યસ્મૃતિમાં તો ભક્ષ્યા ભક્ષણનો આખો અધ્યાય આપવામાં આવેલો છે. ઉપરાંત વેદોમાં પણ તેના અનેક ઉદાહરણો આપને મળી રહેશે. શું માંસાહારને યોગ્ય ઠેરવવા માટે આપ વેદો અને સ્મૃતિઓનો ઉપયોગ કરી લોકોને જણાવી શકશો? *