Friday, April 19, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપત્રણ તલાક - સમાન નાગરિક ધારો : એક વિહંગાવલોકન

ત્રણ તલાક – સમાન નાગરિક ધારો : એક વિહંગાવલોકન

સન ૧૯૮૬ – એક મુસ્લિમ પ્રૌઢા શાહબાનુ જે ત્રણ તલાક પીડિત હતી. લડતાં લડતાં પહોંચી વરિષ્ઠ અદાલતના શરણે. પછી તો ધારણા પ્રમાણે જ ચુકાદો આવ્યો કે જીંદગીભર અથવા તો બીજા લગ્ન સુધી વળતર – મેન્ટેનન્સ આપવું પડે.

જે લોકોએ તે સમયગાળાને અનુભવ્યો છે તેઓ ઇતિહાસથી સુપેરે પરિચિત છે. એક લહેર ઉઠી હતી મુસ્લિમ ઉમ્મતમાં જે જુસ્સાથી તેની રજૂઆત થઈ તે જોઈ સાચે જ તે સમયની રાજીવગાંધીની કોંગ્રેસ સરકારે સત્વરે પગલાં લેવા મજબૂર બનવું પડયું અને પાર્લામેન્ટે ઐતિહાસિક ખરડો પસાર કર્યો. વરિષ્ઠ અદાલતના ચુકાદાને સ્થગિત કર્યો. ખુદ શાહબાનોને પણ પોતાના કારનામા પર પસ્તાવો થયો તેવા અહેવાલ હતા.

પરંતુ તે પછી શું ઉમ્મતે અને અદાલતોએ પણ તેને અનુરૃપ વર્તન કર્યું. જવાબ છે સ્પષ્ટ ના…

તેની વિગતમાં પછી જઈશું પરંતુ એક વાત નોંધનીય છે કે તેના પ્રત્યાઘાત રૃપે હિંદુ અંતિમવાદીઓને બહુમતી પ્રજાને ઉશ્કેરવાનો મોકો જરૃર મળી ગયો. બહુધા સેક્યુલર કર્મશીલો તથા બુદ્ધિજીવીઓનું આજે પણ સ્પષ્ટ માનવું છે કે આ પ્રક્રિયાએ આર.એસ.એસ. તથા હિંદુ બહુમતીવાદની ચઢતીને ખૂબ બળ આપ્યું. બલ્કે તેઓની આક્રમકતાને ધાર આ પ્રસંગે જ આપી. તથા કોંગ્રેસના વળતા પાણી પણ શરૃ થઈ ગયા. બાબરી મસ્જિદ શહીદી પહેલાના રામમંદિર આંદોલને પણ આ કારણે જ વેગ મળ્યો તો કાલે શાહબાનો હતી અને આજે દસકા બાદ સાયરાબાનો છે અને તેની રજૂઆત ત્રણ મુદ્દાની છે. ત્રણ તલાક, નિકાહ હલાલા અને બહુપત્નિત્વ. આમ એક ચેલેન્જ ફરી પર્સનલ લોની સામે ઊભી થઈ ગયેલ જણાય છે. સુપ્રિમ કોર્ટે સરકારને પોતાનું વલણ જણાવવાનું કહ્યું, અને આ મોદી સરકારને તો દોડવું હતું અને ઢાળ મળી ગયો. આજે ત્રીસ વર્ષ પછી આતંકવાદના ઓથા હેઠળ ઇસ્લામ તથા મુસ્લિમોને બદનામ કરવા પહેલાં કરતાં ઘણું જ સહેલું છે. કારણ સામાન્ય બહુમતી જનમાનસમાં ધિક્કારની આગ ધગધગી રહી છે. ઝાકિર નાયકનો મીડિયા ટ્રાયલ હમણાં જ પુરો થયો છે. પ્રસાર માધ્યમો ઝેર ઓકીને હવે હાંફી ગયા છે ત્યારે જ આ મુદ્દે તેઓને નવી હવા મળી ગઈ છે. બધા જ કોલમિસ્ટો જુદા જુદા અર્થઘટનો સાથે કુઆર્ન-ફિકહ તથા ઉમ્મતના દેશ-વિદેશના કાયદા તથા વલણોને પ્રગટ કરી રહ્યા છે.

આમ આ મુદ્દાનો ઇતિહાસ અને સરકારના વલણ પછી સુપ્રિમ કોર્ટનો અભિગમ શું હશે તે સમજવું સહેજ પણ મુશ્કેલ નથી.

અસલમાં ધી હિંદુ અખબારની કોલમિસ્ટ નિવોદિતા મેનનની છણાવટ મુજબ સાયરા બાનોને ૧૯૮૬ના કાયદા પછી ઘરેલુ હિંસા કાનૂન ૨૦૦૫ જે ધાર્મિક ભેદભાવ વગર સર્વેને ઉપલબ્ધ છે. તથા શમીમઆરા વિરુદ્ધ યુપી સરકાર ૨૦૦૨નો ચુકાદો પણ તેને સહારો આપે જ છે, તો પછી કેમ ફરી અદાલતમાં આ પડકાર આવી પડયો.

આ સમજવા માટે સાયરાબાનુનો એ સાક્ષાત્કાર (ઇન્ટરવ્યૂ) જેમાં તે “ભારતમાતા કી જય”ને યોગ્ય બતાવે છે તે સાચો અંગુલીનિર્દેશ કરે છે.

અસલમાં મુસ્લિમ પર્સનલ લો આધુનિક જ છે. ૧૯૩૦-૪૦માં હિંદુ કાયદાને પછાત ગણી તેમાં સુધારાની જરૂરત જણાઈ જ્યારે કે હવે મુસ્લિમ પર્સનલ લોની સામે પ્રગતિશીલ ન હોવાના ઓથા હેથળ હુમલા થઈ રહ્યા છે. અસલમાં આ મુસ્લિમોને ફટકારવાની લાઠી છે જે તેઓને મળી ગઈ છે. સમાન સિવિલ કોડ મુસલમાનોને સીધા દોર કરવા અને તેમને એ ભાન કરાવવા સારૃ છે કે તેઓ અહીં બીજા દરજ્જાના નાગરિક છે અને હિંદુઓની દયા પર નિર્ભર છે.

ઘણા વિદ્વાનોએ એ નોંધ્યું છે કે જો આપણે મહિલાના હક્કો બાબતે ચિંતિત હોઈએ તો ઇસ્લામે જે ન્યાયની પદ્ધતિ બીજી પત્ની  સારૃ ગોઠવેલ છે તે ખૂબ જ ઉચિત છે કારણ બહુપત્નીત્વ તો હિંદુઓમાં થોડું વધારે જ પ્રચલિત છે અને તેઓને ઉપપત્ની (પ્રચલિત શબ્દ રખાત)ના નીચા સ્વરૃપમાં સમાજમાં ગોઠવાવું પડે છે. બે વિજાતીય વ્યસ્કો વચ્ચે સમજૂતીથી લગ્ન વિના (લિવ ઇન રિલેશનશીપ)ને પણ જો અદાલત મંજૂર રાખતી હોય અને લગ્ન બહારની બીજી પત્નીને પણ હક્ક અપાવતી હોય તો કદાચ સમાન સિવિલ કાયદામાં ઇસ્લામી ન્યાય પદ્ધતિ જ સૌને શ્રેષ્ઠ લાગી શકે, તેમ માનવામાં કોઈ જ અતિશ્યોક્તિ નથી.

દહેજને તિલાંજલી અને ‘મહેર’નો સ્ત્રીના છુટાછેડા પછી પણ તેની ઉપરનો અબાધિત અધિકાર જે સુરક્ષા મુસ્લિમ સ્ત્રીને આપે છે તે હિંદુ સ્ત્રીને પ્રાપ્ત નથી. અને હિંદુ અવિભક્ત કુટુંબનો કાયદો જેનો લાભ ફકત હિંદુઓને જ મળે છે તે લૈંગિક ન્યાય (Gender Justice)માં સ્પષ્ટ રીતે બાધારૃપ જણાય છે.

વાસ્તવિક રીતે તો ભારતમાં ઇસ્લામ સિવાયના અન્ય ધર્મોમાં પ્રચલિત પિત્તૃસત્તાક સમાજ વ્યવસ્થામાં સ્ત્રીનું શોષણ વિવિધ સ્વરૃપે થતું જ રહે છે જેની અસર મુસલમાનો ઉપર પણ વર્તાય છે. આ પ્રગતિશીલ દીન જેની જીવનવ્યવસ્થાએ એક ઝાટકે સ્ત્રી હત્યાને પ્રતિબંધિત કરી અને કુટુંબના યુનિટ (એકમ)માં માતા અને પત્નીને તો અનન્ય સ્થાન અપાવ્યું પણ સાથે જ દિકરીને પણ એ સામાજિક ઊંચાઈ આપી જેની કલ્પના પણ સ્ત્રીભ્રુણ હત્યાના આ યુગમાં બીજા સમાજો કે ધર્મો કરી શકતાં નથી. સ્ત્રી પુરૃષના ગુણોત્તરમાં જે તફાવત જોવા મળી રહ્યો છે તેમાં ભ્રુણ હત્યાનો રોલ કેટલો મોટો છે તે સર્વવિદિત છે.

કેટલાયે વર્ષો ઝુંબેશ ચલાવ્યા પછી પણ તેમાં નજીવો સુધારો વર્તાય છે કારણ શિક્ષિત વર્ગ જ આ પદ્ધતિને સૌથી વધુ અનુમોદન આપે છે.

મારો એક એન્જીનીયર મિત્ર જેની પત્ની ડોક્ટર છે અને ઉચ્ચ હિંદુ સવર્ણ જાતિના છે તેમની લાંબા સમય પછી મુલાકાત થતા મેં સ્વભાવિક પૂછયું કે ભાઈ એક દિકરી હતી હવે આગળ શું છે. તે ભાઈએ બહુ દર્દ સાથે કહ્યું હા તે એક જ હાલ પણ છે. કારણ પછીથી ૨ વાર સોનોગ્રાફીમાં લક્ષ્મીજી દેખાયા જેને સ્વીકારવા અમારા કુટુંબમાં સમાજમાં કોઈ જ તૈયારી ન હોતી તેથી અમોએ નિકાલ કરી નાંખ્યો. મેં જ્યારે ધ્યાન દોર્યું કે આ તો ખૂન છે તો તેઓની આંખોમાં સ્વીકાર સાથે ઝળઝળીયાં આવી ગયાં.

હવે આ પ્રગતિશીલ સમાજ આપણને મુસલમાનોને સ્ત્રી સશક્તિકરણના પાઠ ભણાવી રહ્યો છે. કેવી વિચિત્રતા?

બીજી અગત્યની વાત જે ધ્યાને લેવા જેવી છે તે એ કે હિંદુ ધર્મમાં લગ્ન સમયે ‘કન્યાદાન’ થાય છે. જેથી લગ્ન પછીનું સ્ટેટસ બદલાઈ જાય છે જ્યારે ઇસ્લામમાં લગ્ન પછી પણ ભાઈની તેવી જ બહેન અને પિતાની તેવી જ દિકરી રહે છે. આમ છુટાછેડા પછી ઇદ્દત બાદ તેના મેન્ટેનન્સ માટે પતિની જવાબદારી તો પુરી થાય છે પરંતુ પિતા-ભાઈ અથવા સમાજની રહે જ છે.

આવો લૈંગિક ન્યાય (Gender Justice)ની વાત ચાલી રહી છે તો થોડા બીજા પાસા પર પણ નજર નાંખીએ,

ભારતમાં વર્ષે દહાડે વેશ્યાવૃત્તિ (Prostitution)નો રૃા. ૪૦,૦૦૦ કરોડનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે. આમ આદમી ફકત ક્રિયાકાંડ (Rituals) પુરતો જ ધાર્મિક છે અને યુરોપ-અમેરિકાની નવી હવા સાથે ઇન્ટરનેટ અને મોબાઈલના સહારે અબજો રૃપિયાનો નગ્નતાનો વેપાર (Porn film) ખીલી રહ્યો છે. આ બધામાંથી ઉત્પન્ન થતું કાળું ધન સમાજ તથા અર્થતંત્રને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાનનું વિષચક્ર ચલાવી રહ્યા છે. ભારતભરમાં અંદાજે એક કરોડ વેશ્યા – હવે નવું નામ ‘sex worker’ છે. ફકત મુંબઇમાં જ લાખો વેશ્યા છે. સેક્સના ધંધામાં ૩૦ થી ૫૦ હજાર બાળકો ભારતમાં જોતરાયલા છે. આ બધું ખરેખર ભયાનક અને આંખ ઉઘાડનારૃં હોવું જોઈએ પણ ના! પ્રસાર માધ્યમોનું ફોકસ ક્યારેય આ મુદ્દા નહીં બને.

હવે શરાબખોરી (આલ્કોલિઝમ) અને નશાખોરી આપણા દેશમાં કઈ હદે વકરી છે તેને ચકાસીએ.

૬.૨૫ કરોડ લોકો ભારતવર્ષમાં શરાબખોરીમાં ગ્રસ્ત છે. પંજાબનું ૭૦ ટકાથી વધુ યુવાધન ડ્રગ્સ નશીલી દવાઓના રવાડે છે. શું આ બધા મુદ્દા સ્ત્રી સશક્તિકરણ આડે રૃકાવટ નથી? ચોક્કસ જ છે.

જો સરકાર ખરેખર સ્ત્રીઓના હક્કોના રક્ષણ સારૃ ચિંતિત હોય તો સૌથી ગંભીર મામલો વારસાના અધિકારનો છે. છેક ૧૯૫૬માં આનો હિંદુ કાયદામાં સ્વીકાર થયો અને ૨૦૦૫ના સુધારા પછી પણ તેનો અમલ ક્યાંય દેખાતો નથી. એક તરફ તો ઇસ્લામમાં સ્ત્રીને પુરૃષ કરતાં કેમ અડધો વારસાધિકાર તેના વાંધા જ્યારે બીજી તરફ સરખો કાગળઅધિકાર આપ્યા પછી લગભગ શૂન્ય ખરેખર અમલ. હિંદુ સ્ત્રીઓને કાં તો ખબર જ નથી અથવા હિંમત જ નથી. અને કોઈ સ્વૈચ્છિક સામાજિક સંગઠનો પણ આ બાબતે કાંઇક નક્કર કરી રહ્યા હોય તેમ જણાયું નથી. કુટુંબોના સંબંધ બગડી જવાની બીકે આનો ઉલ્લેખ પણ ટાળે છે.

ટુંકમાં, ત્રણ તલાકના મુદ્દા ઉપર જો તેની ઉપર પ્રતિબંધ એક વાર લાગી જાય તો પણ સમાજમાં કોઈ ખાસ હકારાત્મક ફેર પડવાનો નથી. પરંતુ સરકાર ખરેખર જો વેશ્યાવૃત્તિને ડામવા ભ્રુણહત્યાને રોકવા અને શરાબ તથા નશીલી દવાઓના સેવન થકી સમાજના પતનને રોકવા સાચે જ અસરદાર પગલાં લે તો સારૃં થશે.

મહિલાઓ ફકત પતિનાં જ માથાં ફોડતી ન ફરે પરંતુ પોતાના મા-બાપ અને ભાઈઓથી પણ પોતાનો હક્ક માંગે તો તે ઉચિત હશે. તેવો સ્પષ્ટ અભિપ્રાય સુખ્યાત સામાજિક કર્મશીલ ડો. જાવેદ જમીલે આપ્યો છે.

આવો હવે એ સમજીએ કે આજની આ સરકારને આમાં શું રસ છે અને તે પ્રસાર માધ્યમો થકી તેનો કઈ રીતે ઉપયોગ કરવા માંગે છે. અસલમાં છેલ્લા અઢી વર્ષના કેન્દ્રના શાસન તથા અન્ય ભાજપ એનડીએ શાષિત રાજ્યોમાં તેઓ કંઇ જ ઉકાળી શકયા નથી. કોંગ્રેસથી અલગ કે હટીને કોઈ જ પાસામાં તેમની કોઈ જ નોંધપાત્ર કામગીરી નથી. બલ્કે ભ્રષ્ટાચાર, મોંઘવારી, પ્રજાકીય કાર્યોમાં દુર્લક્ષ અને બીજા બધા અનિષ્ઠોમાં બધા પાછલા કિર્તીમાનો આ સરકારો વટાવી રહી છે. જૂઠ, બદમાશી, છેતરપિંડી, દોગલાપણું બધામાં નંબર વન છે.

આવી રહેલ પાંચ રાજ્યોની મહત્ત્વની ચૂંટણીમાં વિકાસના ગાપ્પા બહુ ચાલે તેમ નથી. તેથી સરકારની નિષ્ફળતા ઢાંકવા અને તેની ચર્ચા જ ન થાય અથવા નહિવત થાય તે સારૃ બીજા મુદ્દા ઉભા કરવા પડે અને આ બાબતે આપણા બન્ને સાહેબોને મહારત છે તે ભલે બીજા રાજ્યોને સમજાય ત્યારે સાચું પણ ગુજરાતને તો આની ખબર છે જ!

અસલમાં ઇસ્લામ – મુસલમાનોની આ ધુલાઈમાં એવો મધુર રસ આ કોમવાદી માનસને મળે છે કે હવે તો પ્રજાને તેનું વ્યસન જ બની જાય. તેવો ‘સાહેબો’નો સ્પષ્ટ નિર્ધાર છે.

તો એક તરફ મુસ્લિમોનો આક્રોશ, ફિરકાથી ઉપર ઉઠી ઊભી થયેલ એકતા અને પર્સનલ લો થકી લગાવ આ બધું ઉમ્મતને ભાવતું ગમતું અને હકારાત્મક લાગે છે પણ બીજી તરફ આ જ પરિસ્થિતિ બહુમતિ ધ્રુવીકરણ (Polarisation)ને જોઈતું બધું જ ઈંધણ પુરૃં પાડે છે જે ભાજપનો અને આર.એસ.એસ.નો સ્પષ્ટ ઉદ્દેશ્ય છે.

આપણી મોટી મોટી સફળ રેલીઓ, સભાઓ, સોશ્યલ મીડિયા ઉપર ચાલતી એકતા ઇત્તેહાદ ઝુંબેશ અને તેને મળતો પ્રચંડ પ્રતિસાદ આપણને પોરસાવે છે. પણ બીજી તરફ સામો પક્ષ પણ આનો જ ભરપૂર લાભ લેવા તત્પર છે. પ્રસાર માધ્યમો પણ પુરી સમજદારીથી તેઓને બળ પુરૃં પાડી રહ્યા છે. આનું સૌએ ધ્યાને રાખવું પડશે અને આગામી દરેક પગલામાં તેનું પૂરતું ધ્યાન રાખવું પડશે.

આપણા વર્તનનો જોશ તો બહુ થઈ ગયો હવે સાચા હોંશથી પરિસ્થિતિનું આકલન કરવું પડશે. ત્રણ તલાકના પ્રશ્ને આપણા ફિકહમાં જે મતભેદ છે તેને ઇજ્માઅ-ઇજ્તેહાદથી ઉકેલવો જોઈએ. ઇબને તૈમિયા જેવા વિદ્વાનો, સલફી, શિયા વિ. ઘણા લોકો તેને એક જ ગણે છે તેથી સુપ્રિમ કોર્ટ કદાચ આ મંતવ્યને મહોર મારે તો પણ ઉમ્મતને સાચી પરિસ્થિતિથી અવગત કરાવવી પડશે. જ્યારે એક તલાકથી જ જે હેતું છે તે સિદ્ધ થતો હોય તો ત્રણની મુર્ખામીથી કોઈ જ ફાયદો નથી તેનો અમલી સ્વીકાર જરૂરી છે. બીજું કાયદો બનાવીને પણ પ્રજા જ્યાં સુધી તેને સ્વીકારે નહીં ત્યાં સુધી તેનો ખાસ મતલબ જ રહેતો નથી. દા.ત. હિંદુ વારસાધિકાર અને બાળલગ્નનો કાયદો બનાવ્યા પછી પણ સ્ત્રીને બરાબરનો અધિકાર તો બાજુએ રહ્યો કંઇક આંશિક અમલ પ્રગતિશીલ કહેવાતા કુટુંબોમાં પણ જોવા નથી મળતો. કર્મશીલો પ્રસાર માધ્યો પણ આ બાબતે સમજદારીથી ચુપ છે.

હઝરત ઉમર રદિ.એ ત્રણ તલાકના toolનો ઉપયોગ કરી સ્ત્રીને શોષણ મુક્ત કરવાનો સંદેશ આપેલ. ચંદ્રકાંતબક્ષી જેવા પ્રબુદ્ધ લેખક પણ બક્ષીનામામાં લખે છે કે તલાક ઇસ્લામનો પ્રગતિશીલ અને સ્ત્રીની મુક્તિ સારૃ આવેલ તેના બદલે શોષણ અને અત્યાચારનો પર્યાય થઈ ગયો છે. આપણે સમાજના આ અભિગમનો ગંભીરતાથી બદલવા લાંબી મજલ કાપવાની રહેશે. આલિમો અને સ્કોલર્સે આ બાબતે વ્યવહારુ પ્રગતિશીલ અભિગમ દ્વારા શરીઆ થકી સમાજને બદલવો પડશે. ખુબ ઝડપથી. હવે સુસ્તી, આળસ નહીં ચાલે, કારણ તમારા વર્તનથી ઇસ્લામ બદનામ થઈ રહ્યો હોય ત્યારે આ ન જ ચાલે.

આવનારો સમય રાહ જોઈ રહ્યો છે આ કપરા સંજોગોમાં આપણી ઉમ્મતના વલણનો અને ખાસ તો આપણા કાઈદ (લીડર) અને વિદ્વાનો (આલીમો)નો કે તે કેટલી દુરંદેશી અને ધૈર્યથી આ પડકારોનો સામનો કરવા સક્ષમ છે.

અને છેલ્લે આ લેખનું સમાપન અલ્લાહની આપેલ એ શિક્ષા જે તેને માનવસમાજના માર્ગદર્શન સારૃ અર્પેલ છે એ મહાન કિતાબના પ્રકાશમાં કરશું જે કયામત સુધી સલામત છે. અને સર્વ યુગના પડકારોમાં સીધો માર્ગ ચીંધે છે અને જેની સચ્ચાઈ ઉપર આપણને અટલ વિશ્વાસ છે.

નિકાહના આદેશો બાદ ફરમાવ્યું, “આ અલ્લાહનો કાનૂન છે જેનું ૫ાલન કરવું તમારા પર અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે.” (સૂરઃનિસા-૨૪)

તલાક અને ખુલાના આદેશ બાદ ફરમાવ્યું, “… આ અલ્લાહે ઠરાવેલી મર્યાદાઓ છે, તેનું ઉલ્લંઘન ન કરો અને જે લોકો અલ્લાહની મર્યાદાઓનું ઉલ્લંઘન કરે તેઓ જ અત્યાચારી છે.” (સૂરઃબકરહ-૨૨૯)

વારસાની વ્યવસ્થાનું વર્ણન જ્યાં સમાપ્ત થાય છે ત્યાં ફરમાવ્યું, “અને જે અલ્લાહ અને તેના રસૂલની અવજ્ઞાા કરશે અને તેણે ઠરાવેલી સીમાઓનું ઉલ્લંઘન કરશે તેને અલ્લાહ આગમાં નાખશે જેમાં તે હંમેશાં રહેશે અને તેના માટે અપમાનજનક સજા છે.” (સૂરઃનિસા-૧૪)

કોઈ મુસલમાનને પણ એ અધિકાર નથી કે અલ્લાહના કાનૂનો અને આદેશોની ઉપસ્થિતિમાં બીજો કાનૂન બનાવે અથવા પોતાની પસંદગીના માર્ગે ચાલે.

“કોઈ મોમિન (ઈમાનવાળા) પુરુષ અને કોઈ મોમિન (ઈમાનવાળી) સ્ત્રીને એ અધિકાર નથી પહોંચતો કે જ્યારે અલ્લાહ અને તેનો રસૂલ કોઈ મામલામાં ફેંસલો કરી દે તો પછી તેને પોતાના તે મામલામાં સ્વયં ફેંસલો કરવાનો અધિકાર પ્રાપ્ત રહે, અને જે કોઈ અલ્લાહ અને તેના રસૂલની અવજ્ઞાા કરે તો તે સ્પષ્ટ પથભ્રષ્ટતામાં પડી ગયો.” (સૂરઃ અહઝાબ-૩૬)

અલ્લાહ સાચી સમજ અને હિદાયત આપે.

mgvgetco@yahoo.co.in

મો. ૯૯૨૫૨૧૨૪૫૩

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments