જ્યારથી કાશ્મીરની ૧૯ વર્ષીય અભિનેત્રી ‘ઝાયરા વસીમે’ બોલિવૂડને ત્યજવાની ઘોષણા કરી છે, સોશ્યલ મીડિયામાં ભૂકંપ સર્જાઈ ગયો છે. દરેક લોકો તેમની ઉપર ટિપ્પણી કરી રહ્યા છે, પોતાની માનસિકતાના આધારે તેમના વિષે નિવેદનો કરી રહ્યા છે અને આ પગલાંને સાચું કે ખોટું તેના વિષે પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે.. આ અવાજમાં ઝાયરાની પોતાની લાગણીઓ કચડાઈ ગઈ છે જે એમણે ફિલ્મ જગત છોડવાની ઘોષણાની સાથે સ્પષ્ટ રીતે કર્યું છે. જો કે ન્યાયના તકાદાને નજર સમક્ષ રાખીને ઝાયરાની અભિવ્યક્તિની સ્વતંત્રતા અને જીવન-શૈલીની આઝાદીના અધિકારને સ્વીકારવામાં આવે.
પાંચ વર્ષ પહેલાં ઝાયરાએ આમિર ખાન અભિનીત ફિલ્મ “દંગલ” મૂવીથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ ફિલ્મથી જ તે લોકપ્રિયતાના શિખરે પહોંચી ગઈ. પોતાના પરફોર્મન્સના કારણે તેણીએ ઘણા એવોર્ડ પણ પ્રાપ્ત કર્યા. દરેક પ્રકારનો દુનિયાનો વૈભવ અને પ્રતિષ્ઠા હોવા છતાં પણ તેણીએ પોતાની અંદર અમુક કમીઓની અનૂભુતિ કરી, તેનો અંતરાત્મા તેને ડંખવા લાગ્યો. અંતરાત્મા અને નફ્સના સંઘર્ષે તેને બેચેન કરી દીધી. શાંતિની શોધમાં તેણી કુર્આન તરફ પલ્ટી તો કુરઆન તેમના ઉપર જીવન-રહસ્ય પ્રગટ કરી દીધું. તેમના ઉપર સ્પષ્ટ થઈ ગયું કે અત્યાર સુધી તે અંધકારમય જીવન વ્યતીત કરી રહી હતી, ફિલ્મ જગતની ચમક-દમક તેણી ઉપર એટલી છવાઈ ગઈ હતી, કે તેણીના ઈમાનની જ્યોત મંદ પડી ગઈ હતી, અને તેના રબથી તેમનો સંબંધ કમજોર થઈ ગયો હતો. જેમ જેમ તેણી કુર્આનનો અભ્યાસ કરવા લાગી, તેમ તેમ તેણીએ પોતાના ઈમાનમાં એક તાજગી અનુભવી, અને પોતાના રબથી સંબંધ મજબૂત કરવાનો જુનૂન વધતો ગયો. તેણીએ પોતાની અંદર એટલી તાકત અનુભવી કે ફિલ્મ જગતની મજબૂત સાંકળો કટકે કટકા થઈ ગઈ.
૨૧મી સદી આઝાદીની સદી છે. આઝાદીને એક આધારભૂત મૂલ્યોનું સ્થાન પ્રાપ્ત છે. કોઈ પણ સ્વરૂપે તેનો સોદો નથી કરી શકાતો. વિચારવાની આઝાદી, અભિવ્યક્તિની આઝાદી, ધર્મ અપનાવવાની આઝાદી, ખાવા-પીવાની આઝાદી, વસ્ત્રો ધારણ કરવાની આઝાદી, રહેણી-કરણીની આઝાદી, જીવન-શૈલી અપનાવવાની આઝાદી વિ. ન્યાયનો તકાદો આ છે કે આ તમામ આઝાદી દરેકને પ્રાપ્ત હોય. જો ગુના કરવાની આઝાદી પ્રાપ્ત છે, તો ગુનાથી રોકાઈ જવાની આઝાદી પણ હોવી જોઈએ. જો ઇસ્લામથી દૂર જવાની આઝાદી છે, તો તેનાથી નજીક હોવાની પણ આઝાદી હોવી જોઈએ. અશ્લીલતા અને નગ્નતાની આઝાદી છે, તો હયા અને પવિત્રતાની પણ આઝાદી હોવી જોઈએ. જો શરીર ખુલ્લું રાખવાની સ્વતંત્રતા છે, તો પડદાની આઝાદી પણ હોવી જોઈએ. જો બોલિવૂડમાં પ્રવેશવાની આઝાદી છે તો તેને કચડીને તેના કીચડમાંથી બહાર નીકળવાની આઝાદી પણ હોવી જોઈએ.
પરંતુ ઝાયરાએ બોલિવૂડ છોડવાની ઘોષણા જ્યારથી કરી છે, શેતાનના એજન્ટો ગતિમાન થઈ ગયા છે. તેઓને ઝાયરાની આ શૈલી પસંદ ન આવી. કોઈએ સલાહ આપતાં કહ્યું છે કે, ‘ઝાયરાને ફિલ્મ જગત ન છોડવું જોઈએ. ઇસ્લામે તેનાથી રોકયો નથી.’ બીજાએ ટીકા કરતાં પૂછ્યું છે કે, ‘ઝાયરા ! હવે શું? નકાબ કે હિજાબ?’ એક મહિલાએ કહ્યું છે કે, ‘બોલિવૂડ છોડવાનો નિર્ણય ખૂબ જ મૂર્ખતાપૂર્ણ છે.. મુસ્લિમ કોમના કેટલા ટેલેન્ટ પડદાના અંધકાર પાછળ દબાવી દેવામાં આવે છે.’
અલ્લાહતઆલા ફરમાવે છે કે, “જે લોકો ઈમાન લાવે છે, તેમનો સમર્થક અને સહાયક અલ્લાહ છે, અને તે તેમને અંધકારમાંથી પ્રકાશમાં કાઢી લાવે છે અને જે લોકો નાફરમાનીનો માર્ગ અપનાવે છે, તેમના સમર્થકો અને સહાયકો તાગૂત છે અને તેઓ તેમને પ્રકાશમાંથી અંધકાર તરફ ખેંચી લઈ જાય છે. આ આગમાં જનારા લોકો છે, જ્યાં તેઓ હંમેશાં રહેશે.” (સૂરઃબકરહ-૨૫૭)
દીકરી ઝાયરા ! તારો નિર્ણય ખૂબ જ સારો છે. તમને નવું જીવન મુબારક થાય. તમે તે અનુભૂતિ કરી કે ઈમાન અને તમારા રબથી સંબંધ કમજોર થઈ રહ્યો છે, તેથી તમે તમારા રબ તરફ પરત ફરવાનો નિર્ણય કર્યો. તમારો આ નિર્ણય ખૂબ જ આવકારદાયક છે. અફસોસના અશ્રુઓ તમામ પાપોને ધોઈ નાખે છે. કુર્આનમાં છે કે, “અલ્લાહતઆલા બધા જ ગુનાઓ માફ કરી દે છે. અલ્લાહ માત્ર શિર્ક (અનેકેશ્વરવાદ)ને જ માફ નથી કરતો. આ સિવાય બીજા જેટલા પણ ગુનાઓ છે, તે જેને ઇચ્છે છે માફ કરી દે છે. અલ્લાહ સાથે જેણે કોઈ બીજાને ભાગીદાર ઠેરવ્યો તેણે તો ઘણું જ મોટું જૂઠ ઘડી કાઢ્યું, અને ખૂબ જ સખત ગુનાનું કામ કર્યું.” (સૂરઃનિસા-૪૮)
હદીસમાં છે કે “બંદો અલ્લાહ તરફ એક વેંત જેટલો વધે છે, તો અલ્લાહ તેની તરફ એક હાથ જેટલો વધે છે. બંદો એક હાથ જેટલો આગળ વધે છે તો તે એક મીટર જેટલો વધારે છે. બંદો ઈશ્વરની સમક્ષ ચાલીને આવે છે તો ઈશ્વર તેની તરફ દોડીને આવે છે.” (બુખારીઃ૭૪૦૫, મુસ્લિમઃ૨૬૭૫)
દીકરી ઝાયરા ! લોકોના બહેકાવવામાં આવવાની જરૂર નથી. તમે જે નિર્ણય કર્યો છે તેને મક્કમતાથી પકડી રાખો.
અલ્લાહ તમારો મદદગાર રહે !
ઉર્દુથી અનુવાદઃ રાશિદ હુસૈન શેખ