દુનિયાના જીવનમાં મોમિનનું વલણ
- શદ્દાદ બિન ઔસ રદી.ની રિવાયત છે. તેમણે કહ્યું કે રસુલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યું ઃ “બુદ્ધિશાળી એ છે જેણે પોતાની જાતનો હિસાબ લીધો અને મૃત્યુ પછીના જીવન માટે કર્મ કર્યા અને ‘આજિઝ’ (નમાલો) એ છે જેણે પોતાની જાતને ઇચ્છાઓને તાબે કરી દીધી અને અલ્લાહ પાસે (કૃપા અને મહેરબાની) આશાઓ બાંધી લીધી.”
(તિર્મિઝી, મિશ્કાત, બાબે-ઇસ્તિહબાબુલમાલ)
- અબૂસઈદ ખુદરી રદી.ની રિવાયત છે. રસુલુલ્લાહ સ.અ.વ.અ.એ ફરમાવ્યું ઃ “મોમિન અને ઈમાનનું ઉદાહરણ એ ઘોડા જેવું છે જે ખૂંટા સાથે બંધાયેલો છે, હરેફરે છે, પછી પોતાના ખૂટા તરફ પાછો ફરે છે. આવી જ રીતે મોમિનથી પણ ભૂલચૂક થઈ જાય છે અને પછી તે ઈમાન તરફ પાછો આવી જાય છે. તો તમારું ભોજન નેક કામ કરનારાઓને ખવડાવો અને ભલાઈઓ વડે મોમિનોને નવાજો.”
(બયહકી, મિશ્કાત, બાબુઝ્ ઝિયાફત)
- હઝરત ઇબ્નેઅબ્બાસ રદી.ની રિવાયત છે. રસુલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યું ઃ “ચાર વસ્તુઓ છે તે જેને મળી ગઈ તેને દુનિયા અને આખિરતની ભલાઈ મળી ગઈ ઃ ૧. કૃતજ્ઞ હૃદય, ૨. ખુદાની યાદ કરતી જીભ, ૩. મુસીબત આવે ધૈર્ય રાખનાર શરીર અને ૪. એવી પત્ની જે પોતાના જીવ અને પતિના માલમાં અપ્રમાણિકતા આચરતી નથી.”
(બયહકી, મિશ્કાત, બાબુલ ઇશ્રત, પા. ૨૮)
- અબ્દુલ્લાહ બિન ઉમર રદી.ની રિવાયત છે. રસુલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યું “એ મુસલમાન જે લોકો સાથે મેળમેળાપ રાખે છે અને એમના તરફથી આપવામાં આવતી તકલીફો ઉપર ધીરજ રાખે છે, એ મુસલમાન કરતાં બહેતર છે જે લોકો સાથે ભળતો નથી અને તેમની આપેલી તકલીફો ઉપર ધીરજ રાખતો નથી.”
(તિર્મિઝી, મિશકાત)
- હઝરત અબૂહુરૈરહ રદી.ની રિવાયત છે, તેમણે કહ્યું કે રસુલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યું ઃ “મુસલમાન તે છે જેની જીભ અને હાથથી મુસલમાન સલામત રહે અને મોમિન એ છે જેનાથી લોકો પોતાના જાનમાલ વિષે સલામતી અનુભવે અને મુજાહિદ એ છે જે અલ્લાહના આદેશપાલનમાં પોતાના જીવ સાથે જિહાદ કરે, અને મુહાજિર એ છે જે નાફરમાનીનો માર્ગ છોડી દે.”
(મિશ્કાત, કિતાબુલ ઈમાન)