Friday, March 29, 2024
Homeઓપન સ્પેસધરતીકંપ એક ચિંતન

ધરતીકંપ એક ચિંતન

આપણા સર્જનહાર પાલનહાર અલ્લાહે આ સૃષ્ટિ અને સમગ્ર બ્રહ્માંડનું સર્જન કર્યું. અને તેમાં આપણી ધરતીને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. તેમાં પણ તેણે માનવશ્રેષ્ઠને પેદા કરીને આ ધરતીને જીવંત બનાવી દીધી. સૃષ્ટિની દરેક રચના માનવીય જીવનની આસપાસ ફરી રહી છે. દરેક રચના માનવીય જીવનને જીવન પ્રદાન કરી રહી છે. એક માતા બાળકનો ઉછેર કરે છે તે રીતે માનવીના ઉછેરમાં સૃષ્ટિનું દરેક સર્જન પછી તે સુર્ય-ચંદ્ર-તારાઓ હોય કે ધરતી-વનસ્પતિ-નદી-સમુદ્રો-તળાવ હોય કે હવા-પાણી-ખોરાક હોય કે પશુ-પક્ષી હોય. દરેક વસ્તુ માનવીય જીવનની સાથેસાથે તેનો વિકાસ કરી રહી છે.

માનવી જ્યાં સુધી તેના સર્જનહારે આપેલી શક્તિઓનો પ્રાકૃતિક અને યોગ્ય ઉપયોગ કરે છે ત્યાં સુધી સૃષ્ટિની દરેક વસ્તુઓ તેને ભરપૂર સાથ અને સહકાર આપે છે. બન્ને એક બીજાને મદદ કરે છે. માનવી જ્યારે પોતાની શક્તિઓનો સૃષ્ટિની સુધારણા અને વિકાસમાં ઉપયોગ કરે છે ત્યારે સૃષ્ટિનું દરેક રચના તેના બદલા સ્વરૃપે તેને વધારે ઉપયોગી બનતી જાય છે. પરંતુ જ્યારે માનવી પોતાની શક્તિઓનો દુરૃપયોગ કરે છે, અપ્રાકૃતિક સ્વરૃપે તેનો ઉપયોગ કરે છે. ત્યારે સૃષ્ટિનો દરેક સર્જન માનવી માટે મુશ્કેલીઓ અને પડકારો ઉભો કરે છે. જેવા સાથે તેવાનો વ્યવહાર કરે છે. માનવીનો ધ્યેય સૃષ્ટિ ઉપર વિજય મેળવવાનો નહીં પરંતુ તેની સાથે તાલ અને લયબદ્ધ થઈને ચાલવાનો હોવો જોઈએ.

એડમન હિલેરી અને થાપા તેનસિંગે જ્યારે એવરેસ્ટના શિખરને સર કર્યું ત્યારે ટોચ ઉપર પહોંચીને એડમન હિલેરીએ કુદરત ઉપર જાણે વિજય મેળવ્યો હોય તે રીતે પોતાના દેશનો ધ્વજ લહેરાવી દીધો. હિલેરી જ્યારે ધ્વજ લહેરાવી રહ્યા હતા તે જ સમયે તેમના સાથી થાપા તેનસિંગ ધરતીને નમન કરીને પોતાની જાતને સર્જનહાર અને તેના સર્જનની સમક્ષ ઝુકાવી દીધી હતી અને તેનો આભાર માન્યો હતો.

આજે આપણો માનવ સમાજ અને તેના આધારે રચાયેલા અનેક દેશો કુદરત સામે વિજય મેળવવા જાણે યુદ્ધે ચઢ્યા હોય તેવું લાગી રહ્યું છે. માનવીની જીવનની પ્રગતિને બદલે માનવીને તબાહ અને બરબાદ કરવાનું આયોજન સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કુદરતે બક્ષેલા મહામૂલ્ય સર્જનનો પ્રાકૃતિક ઉપયોગ કરીને તેને વધારે સક્ષમ અને સારૃં બનાવવાના બદલે તેના સર્જનમાં પોતાના હસ્તક્ષેપ દ્વારા તેને બગાડ અને વિનાશ તરફ લઈ જઈ રહ્યા છે.

સામાન્ય રીતે જોતાં માનવીને સમગ્ર સૃષ્ટિ જીવન વ્યતિત કરવામાં ભરપૂર સાથ અને સહકાર આપી રહી છે. માનવીનું ખુબજ સુંદર રીતે જતન કરી રહી છે. તેની દરેક વસ્તુઓ અને બાબતોનું ધ્યાન રાખી રહી છે. માત્ર તેના શરીરનું નહીં પરંતુ તેની લાગણી, ભાવનાઓ સુધ્ધાંનું ધ્યાન રાખી રહી છે. પરંતુ ક્યારેક આ જ સૃષ્ટિ અને તેનું સર્જન માનવીય જીવનને તબાહ અને બરબાદ કરતા જોવા મળે છે. ક્યારેક અતિવૃષ્ટી અથવા અનાવૃષ્ટી દ્વારા, ક્યારેક વાદળો ફાટવા તો ક્યારેક ભૂસ્ખલન દ્વારા, ક્યારેક સુનામી-વાવાઝોડુ અને સમુદ્રી તોફાન દ્વારા, તો ક્યારેક ધરતીકંપ દ્વારા હજારો લાખો માનવીના નિર્દયતાપૂર્વક મોત નિપજે છે. ઘરો ગામડાઓ અને શહેરો તારાજ થઈ જાય છે. માનવ લાચાર અને નિરૃપાય થઈ જાય છે. માનવી દર્દ અને પીડામાં કણસે છે અને વિનાશક દ્રશ્યો જોઈને તેના મનમાં આ પ્રશ્ન ઉભો થાય છે કે, એ અલ્લાહ ઇશ્વર કે જે કૃપાળુ અને દયાળુ છે, જે પોતાની કૃપા અને દયા ઉપર ગર્વ કરે છે. એ અલ્લાહ-ઇશ્વર પોતે કહે છે કે, હું જાલિમ કે અત્યાચારી નથી. તો પછી તે પોતાના બંદાઓ ઉપર આવી આફતો કેમ ઉતારે છે. સ્વયં તેણે જ બનાવેલા સર્જનને, જેને સ્વંય દર્દ અને પીડાની ભાવના અને લાગણીઓ આપી છે, આ રીતે મુસિબતો અને તકલીફોમાં કેમ નાંખે છે? કેટલાંક લોકો તો આ બાબતે એટલા આગળ વધીને કહે છે અને ઇશ્વરના પ્રકોપના લક્ષણોને તેની કૃપા અને દયાની વિરૂદ્ધ સમજે છે અને તેમને એવું લાગે છે કે (નઅૂઝુબિલ્લાહ) ઇશ્વર એક આંધળી શક્તિ છે, જેને કોઈની રાહત અને પીડાનું કાંઇ જ જ્ઞાન નથી. તે આમ જ કોઈ પણ પ્રકારના જ્ઞાન વગર માનવીને તબાહ કરે છે.

સમગ્ર સૃષ્ટિ અને બ્રહ્માંડ ઉપર દ્રષ્ટિ નાંખતા એ બાબત સ્પષ્ટ થાય છે કે સૃષ્ટિની દરેક વસ્તુ અલગ-અલગ નથી. પરંતુ એક માત્ર યુનિટના અલગ-અલગ ભાગો છે. બધા જ એક બીજા સાથે બુદ્ધિ અને તર્કસંગત રીતે જોડાયેલા છે. ધરતીના એક કણથી લઈને સુર્ય સુધી બધા એક બીજા સાથે ઉપયુક્ત સંબંધ ધરાવે છે. આ સંબંધ બિલકુલ એવો જ છે જેવો સંબંધ માનવીના શરીરના ભાગોનો એકબીજા સાથે હોય છે. તેવી જ રીતે સૃષ્ટિની દરેક ઘટનાનો પણ એક સંબંધ હોય છે. ઘટના નાની હોય કે મોટી તે પોતાની રીતે અલગ અને એક માત્ર ઘટના નથી હોતી. બલ્કે સમગ્ર બ્રહ્માંડમાં બનતી બધી જ ઘટનાઓની એક કડી હોય છે અને બુદ્ધિ અને તર્કસંગત આયોજનના કારણે ઘટી છે. જેને દ્રષ્ટિ સમક્ષ રાખીને સૃષ્ટિનો સર્જનહાર પોતાનું આ અમર્યાદ શાસન ચલાવી રહ્યો છે. હવે વિચારણીય બાબત છે કે જે સામાન્ય વ્યક્તિની દ્રષ્ટિ સમગ્ર બ્રહ્માંડ ઉપર ન હોય, બલ્કે તે વિશાળ બ્રહ્માંડના એક સુક્ષ્મ અને તુચ્છ ભાગ ઉપર હોય, જેનો સૃષ્ટિ સાથે સંબંધ એક કણના સુર્ય સાથેના સંબંધ જેટલો પણ ન હોય અને જેની દ્રષ્ટિમાં સમગ્ર બ્રહ્માંડમાં ઘટતી બધી જ ઘટનાઓ ન હોય બલ્કે એક સુક્ષ્મ અને નાની ઘટના ઉપર હોય અને તેમાં પણ તેની દ્રષ્ટિ માત્ર બાહ્ય સ્વરૃપ સુધી સીમિત હોય. આંતરિક હકીકત સુધી પહોંચવાનું કોઈ માધ્યમ તેની પાસે નહીં હોય. શું આવી વ્યક્તિ કોઈ ઘટના બાબતે પોતાનું મંતવ્ય આપી શકે? અને છતાં મંતવ્ય આપવાની હિમ્મત કરે તો શું તેનું મંતવ્ય ખરૃં હોઈ શકે?

બ્રહ્માંડનું વ્યવસ્થાતંત્ર અને ઇશ્વરીય શાસન તો એટલું વ્યાપક અને વિશાળ છે કે તેની કલ્પના માત્રથી મગજ થાકી જાય છે. કોઈપણ દેશનો શાસક આપણી જેમજ એક માનવી હોય છે. તે જે કંઈ પણ કરે છે તે કરવાની આપણામાં પણ ક્ષમતા છે. પરંતુ તે સમગ્ર દેશનું સંચાલન કરી રહ્યો છે. આપણે દેશના એક ખુણામાં બેઠા છીએ. માત્ર આ તફાવતના કારણે આપણે તેના વ્યવહાર અને તેણે લીધેલા નિર્ણયો અને કરેલા કાર્યોની સમિક્ષા નથી કરી શકતા. તેને સમજી નથી શકતા. પછી જ્યારે માનવી અને માનવીમાં હોદ્દાના કારણે આટલો મોટો તફાવત છે તો વિચારો કે માનવી અને ઇશ્વર વચ્ચે કેટલો તફાવત હશે? અહીં હોદ્દાનો નહીં હકીકતનો તફાવત છે. તે સમગ્ર બ્રહ્માંડ ઉપર શાસન કરી રહ્યો છે. અને આપણે તેના શાસનના એક તુચ્છ ભાગમાં બેઠા છીએ. તેનું પ્રભુત્વ સમગ્ર બ્રહ્માંડ ઉપર છે અને આપણું પ્રભુત્વ સ્વંય આપણા શરીરની આંતરીક હકીકત સુધી પણ નથી. તે સર્વશક્તિમાન છે. આપણે લાચાર અને નિર્બળ છીએ. આટલા મોટા તફાવત પછી પણ આપણે તેના કાર્યો ઉપર ટિપ્પણી કરીએ તો તે તદ્દન અયોગ્ય લેખાશે.

વધારે સ્પષ્ટતા માટે બીજું એક યોગ્ય ઉદાહરણ લઈએ. માની લો કે તમે એક માળી છો અને ખુબજ મહેનતથી તમે એક બગીચો તૈયાર કર્યો છે. તેના વૃક્ષો, છોડવાઓ અને વેલાઓથી ચોક્કસ તમને પ્રેમ હશે. તમે તેની સુરક્ષા કરશો. તેના વૃક્ષાને અકારણ તોડવા કે ઉખાડવાને પસંદ નહીં કરો. તમને એનું પણ જ્ઞાન છે કે વનસ્પતીમાં જીવ ઉપરાંત આનંદ, દુઃખ અને પીડાની લાગણી પણ હોય છે. તેમની ઉપર કુહાડી કે કાતર ચલાવવામાં આવે તો તેમને પણ દુઃખ અને પીડા થાય છે. પરંતુ એ પ્રેમ અને જ્ઞાન છતાં પણ જરૃર પડે ત્યારે બાગમાં કાંટ-છાંટ કરો છો. પાંદળાઓ અને દાળીઓને કાપો છો. શાકભાજીને કાપીને સરખી કરો છો. કાચા અને પાકા ફળ જરૃર મુજબ તોડી લો છો. કળીઓ અને ફુલોને તોડી લો છો. જરૃર વગરના અને સુકાયેલા છોડને ઉખાડી ફેંકો છો.

જો વનસ્પતીની દ્રષ્ટિથી જોવામાં આવે તો આ બધુ અત્યાચાર અને જુલમ છે. જો વનસ્પતિમાં બોલવાની શક્તિ હોત તો તે કહેત કે આ કેવો માળી છે,નિર્દયી અને અત્યાચારી. અમારા શરીરના ભાગોને નિર્દયતાપૂર્વક કાપી નાંખે છે. અમારા બાળકોને (ફળ-ફુલ) અમારાથી છીનવી લે છે. નાના છોડને કે જેમણે જીવનને માણ્યું પણ નથી તેમને ઉખાડી નાંખે છે. નાની કળીઓને તોડી નાંખે છે. બાળકો, વૃદ્ધો કે યુવાનોને જોયા વગર બસ કાપવાનું કામ કરે છે. અને ક્યારેક તો આ અત્યાચારી મશીન એવી રીતે ફેરવી નાંખે છે કે અમારી સમગ્ર જાતીના લોકોનો સફાયો થઈ જાય છે. શું આ વ્યક્તિ પ્રેમાળ અને દયાળુ હોઈ શકે છે? અમે આ કાંટ-છાંટને કોઈ સારા કાર્ય તરીકે નથી જોતા, અમને તો તે પાષાણહૃદયી માનવી લાગે છે. તે તો કોઈપણ જાતના જ્ઞાન વગર ક્યારેક પાણી આપે છે તો ક્યારેક અમને કાપી નાંખી છે. ક્યારેક ખાતર આપે છે, તો ક્યારેક કુહાડી ચલાવે છે.

જો વનસ્પતિ તમારી વ્યવસ્થા ઉપર ટિપ્પણી કરે તો તમે શું કહેશો? એ જ કહેશોને કે તેની દ્રષ્ટી સુક્ષ્મ અને મર્યાદિત છે. તેઓ માત્ર પોતાને અને પોતાની આસપાસ જ જુવે છે. પરંતુ મારી દ્રષ્ટી વિશાળ છે. હું બગીચાને પૂર્ણ સ્વરૃપે જોઉ છું અને તેની પ્રગતિ મારૃં કર્તવ્ય છે. તેથી જ્યાં જરૃર જણાય ત્યાં કાંટછાંટ કરૃં છું, કારણ કે બગીચાનો સંપૂર્ણ લાભ મારા સમીપ એકએક છોડ, વૃક્ષ અને વેલાઓના વ્યક્તિગત લાભ કરતા વધારે મુલ્યવાન છે. તેમનું વિચારવું સંકુચિતતા છે. તેમનામાં ક્ષમતા નથી કે તેઓ સંપૂર્ણ બગીચાના લાભ અને ફાયદાની વાતો સમજી શકે. તેમને માત્ર તેમની તકલીફ અને પીડા દેખાય છે.

આ ઉદાહરણને જ્યારે તમે વિસ્તારીને જોશો તો તમારી અનેક ફરિયાદોનો જવાબ મળી જશે. બ્રહ્માંડની વ્યવસ્થા ઉપર જ્યારે આપણે વિચારીએ છીએ તો આપણને જણાય છે કે આ જબરદસ્ત કારખાનાને બનાવનારનું અને ચલાવનારનું ચોક્કસ એવું અસ્તિત્વ હોવું જોઈએ જે ખુબજ તત્વદર્શી, જ્ઞાની, ન્યાયપૂર્વક આદેશ આપનાર, ઊંડા રહસ્યોને જાણનાર હોય, જેણે આપણી અંદર લાગણીઓ પેદા કરી છે શક્ય નથી કે લાગણીઓથી અજાણ હોય. જેણે બાળકને જન્મ આપ્યો છે અને બાળકના ઉછેર માટે મા-બાપના હૃદય ઉપર જે ઉત્પન્ન કર્યું છે તે ચોક્કસ જાણે છે કે બીમારી કે મૃત્યથી બાળકને કેટલી તકલીફ થાય છે અને માતા-પિતાના હૃદયમાં કેટલી વ્યથા થાય છે. પરંતુ આ બધુ જાણવા અને અમારાથી વધારે સારી રીતે જાણવા છતાં તેણે બાળક અને માતા-પિતાને આ તકલીફ આપવાનું નિશ્ચિત કર્યું,જ્યારે આપણી લાગણીઓને જાણવા છતાં તેણે તેમને તબાહ કરવાનું પસંદ કર્યું,તો આપણે સમજવું જોઈએ કે આવું કરવું ચોક્કસ અનિવાર્ય હશે અને ઉચ્ચ જ્ઞાની અને ખબર રાખનાર સમક્ષ આનાથી વધારે સારો કોઈ વિકલ્પ નહીં હોય. નહીંતર તે એ શ્રેષ્ઠ વિકલ્પને જ પસંદ કરત.

આમાં કોઈ શંકા નથી કે તેની તત્વદર્શિતા આપણી સમજમાં નથી આવતી અને આવી પણ નથી શકતી. એેટલા માટે કે આપણી દ્રષ્ટી સમગ્ર બ્રહ્માંડ ઉપર નથી. અને આપણે નથી જાણતા કે સમગ્ર બ્રહ્માંડની વ્યવસ્થાનો લાભ શામાં છે અને તેના માટે ક્યારે શું કરવું જોઈએ. જો સંપૂર્ણ રીતે આપણે અલ્લાહની તત્વદર્શિતા, ડહાપણ અને તેના સંપૂર્ણ જ્ઞાન ઉપર દૃઢ વિશ્વાસ ધરાવતા હોઈએ તો દરેક આફત આવે ત્યારે આપણે સમજી જઈશું કે અલ્લાહ તઆલાની તત્વદર્શિતામાં આ કાર્ય અનિવાર્ય અને ઉપયુક્ત હશે અને તેના જ્ઞાન મુજબ આવું જ યોગ્ય હશે. અને આપણા માટે તેનો સ્વિકાર કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં હોય.

પછી એક બીજી બાબત ઉપર વિચાર કરતા આપણને જણાય છે કે જે હસ્તી સમગ્ર બ્રહ્માંડની આ વ્યવસ્થા ચલાવી રહી છે તેની દ્રષ્ટીમાં સમગ્ર બ્રહ્માંડનો સંપૂર્ણ લાભ છે. તેના કાર્યોમાં જે બાબત આપણને ખોટી અને વિનાશ જેવી જોવા મળે છે તે વાસ્તવમાં બાહ્ય રીતે દેખાતી હોય પરંતુ વાસ્તવમાં તે સંપૂર્ણ લાભદાયી જ હોય છે અને આવી ઘટનાઓ સંપૂર્ણ લાભ માટે અનિવાર્ય હોય. ઉદાહરણ તરીકે મૃત્યુને જ લઈએ જેની ઉપર મનુષ્ય સૌથી વધારે ઉત્પાત મચાવે છે. વ્યક્તિનું મૃત્યુ કેટલા મનુષ્યના જીવન માટે માર્ગ તૈયાર કરે છે. જો એક વ્યક્તિને જીવનનો પરવાનો આપી દેવામાં આવે તો તેનો અર્થ આ છે કે અનેક વ્યક્તિઓના જીવનનો દરવાજો બંધ કરી દેવામાં આવે. તેનું અમર જીવન જો લાભ છે તો માત્ર તેના માટે, પરંતુ સંપૂર્ણ બ્રહ્માંડ માટે તે ખોટું ગણાશે. એનાથી વિરૂદ્ધ એ નિશ્ચિત વ્યક્તિનું મૃત્યુ તેના માટે ખરાબ છે પરંતુ આ બીજા અનેક માટે ભલાઈ પણ છે. તે વ્યક્તિના મૃત્યુથી તેમાં કોઈ દોષ જોવા નથી મળતો. કારણ કે બ્રહ્માંડની વ્યવસ્થામાં તેના મૃત્યુથી કોઈ ફેર નથી પડતો.

આ ઉદાહરણ ઉપર વિચાર કરવાથી આપણે સમજી શકીએ છીએ કે, જેટલી આફતો આવે છે તે બધી બાહ્ય રીતે ખોટી છે અને બીજી રીતે ભલાઈનું માધ્યમ છે, અને સંપૂર્ણ ભલાઈને માટે તે અનિવાર્ય છે. કેટલીક વખત ચિંતન મનન કરવાથી આપણે તેની ભલાઈ જાણી શકીએ છીએ. પરંતુ ક્યારેક કોઈ ઘટનાથી સાચી ભલાઈ આપણી સમજમાં ન આવે ત્યારે પણ આપણે સંપૂણપણે એ વાસ્તવિકતા ઉપર ઈમાન રાખવું જોઈએ કે અલ્લાહ તઆલા જે કંઈ કરે છે સારૃં કરે છે અને આપણી ભલાઈ તેમાં જ છે કે આપણે તેના સમક્ષ મસ્તષ્ક નમાવી દઈએ. પછી તે બાબત આપણને સમજમાં આવે કે ન આવે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments