સામાજિક ચિંતન
અમે મુસ્લિમ સમાજના યુવાનો તથા યુવતીઓ સમાજના ગંભીર અને દીનદાર લોકોને પૂછીએ છીએ કે શું નિકાહ અમારો હક્ક નથી?
ઇજ્જત અને માન સંમાન સાથે જીવવું શું આ અમારો હક્ક નથી? તકવા (ઇશભય) સાથે જીવવું શું આ અમારો હક્ક નથી? અલ્લાહની ખુશી અને રઝા પ્રાપ્ત કરવું શું આ અમારો હક્ક નથી? જન્નતના માર્ગ ઉપર ચાલવું શું આ અમારો હક્ક નથી?
જ્યારે નિકાહ એક સુન્નત છે, ઇબાદત છે,સમ્માન છે, એક રહમત છે, એક રાહત છે, એક મુહબ્બત છે, એક ખુશી છે. તો પછી કેમ અમારા માટે મુશ્કેલીઓ પેદા કરી દેવામાં આવી છે? શું આ સમાજની જવાબદારી નથી કે યુવાન છોકરાઓ અને છોકરીઓના નિકાહને આસાન બનાવવામાં મદદરૃપ અને સહયોગી થાય.
નિકાહનો હક્ક ધરાવનારાઓનો આ એક દુખદ અવાજ છે. જે ધ્યાનાકર્ષક છે. જો નિકાહની હકીકતને નજર સમક્ષ રાખવામાં આવે તો તે આસાન થઇ જશે અને જો ભુલાવી જેવામાં આવે તો જીવનની એક કઠિન સમસ્યા બની જશે. જે આપણે આજે જોઈ રહ્યા છીએ.
નિકાહને રિતિ રિવાજો, ખોટા ખર્ચા, ફેશન અને ટ્રેડીશનથી ઉપર ઉઠાવીને ફરીથી તેને ઇબાદત અને રસૂલુલ્લાહ (સ.અ.વ.)ની સુન્નતનો દરજ્જો આપવામાં આવે. ઇબાદતોને અલ્લાહ અને અલ્લાહના રસૂલે આસાન બનાવી દીધાં છે. નિકાહ પણ એક ઇબાદત છે. એટલા માટે તેને પણ આસાન બનાવી દેવામાં આવ્યા છે. બસ એટલું જ છે કે સાક્ષીઓની સામે ઇજાબ-વ-કુબુલ (સ્વીકારી લેવું) અને મહેર અદા કરવું અને વલીમો એ પણ છોકરાની હૈસિયત (આર્થિક પરિસ્થિતિ) મુજબ રાખવામાં આવે. ન તો હૈસિયતથી વધારે મહેર હોય ન ભવ્ય અને ખર્ચાળ વલીમો. અને છોકરી પર તો વલીમો કે જમણવારનો ભાર મુકવામાં આવ્યો જ નથી.
નિકાહ એક ઇબાદત છે. એટલા માટે ઇબાદતને ઇબાદત તરીકે જ અદા કરવામાં આવે. ઇબાદતને રિતિ રિવાજો અને વ્યર્થ વાતોથી કોઈ સંબંધ નથી. ઇબાદતમાં રિયાકારી અને દેખાડો નથી હોતા. નમ્રતા અને ઇખલાસ તથા સાદગી હોય છે. નિકાહ જેવી ઇબાદતને પણ સુન્નત મુજબ જ અદા કરવી જોઈએ. જેવી રીતે તમામ ઇબાદત છે અને તેને સુન્નત મુજબ જ પઢવામાં આવે છે એવી રીતે જ્યારે નિકાહ સુન્નત છે તો એ પણ સુન્નત મુજબ જ હોય.
નિકાહ મારી સુન્નત છે અને જે મારા તરીકાને છોડી દે તેનો મારી સાથે કોઈ સંબંધ નથી. (હદીષ)
એટલા માટે નિકાહનો તરીકો પૈગમ્બરોનો તરીકો હોવાના કારણે ખૂબ જ પ્રતિષ્ઠિત અને મુસ્તનદ છે. છોકરી અને તેના મા-બાપ પર જમણવાર અનો ઘોડા-જોડાનો ભાર નાખીને એટલા ઉચ્ચ અને આસાન નિકાહને ખૂબ જ મુશ્કેલ બનાવી દેવામાં આવ્યો છે. ઇસ્લામ કમજોર અને બીજા પર આધારિત લોકો પર આર્થિક ભારનું નામ નથી. આ ઇસ્લામમાં રહમત અને મુઆશરતનો નિયમ છે. મા-બાપના ઘરે છોકરીના પાલન પોષણની જવાબદારી તેમની પોતાની હોય છે. અને જ્યારે તે પતિના ઘરે આવે છે તો આ જવાબદારી પતિ ઉપર આવી જાય છે. એટલા માટે છોકરી અથવા તેના મા-બાપ પર ઇસ્લામે જમણવારની જવાબદારી મૂકી નથી. પણ છોકરી તથા છોકરીના મા-બાપ પાસે ઘોડા-જોડાની રકમ અને બીજા ઘણી બધી માંગો કરવું નિકાહને મુશ્કેલ અને મોડા થવાનું કારણ બનતું જાય છે. આ ટ્રેડીશનને કડકાઈથી રોકવાની જરૃર છે. આ એક લાનત છે જેનો શિકાર વારાફરતી બધા જ કુટુંબો થતા જાય છે.
દેખાડો, પ્રસિદ્ધિ અને રિતી-રિવાજો આમંત્રિતોની મોટી સંખ્યા અને તેના આયોજનને જ ખુશી અને શાદી સમજી લેવામાં આવ્યા છે. પણ હકીકત આ છે કે મોટી મોટી પાર્ટીઓનું નામ ખુશી નથી. ફેશન અને ટ્રેડીશનનું નામ ખુશી નથી. ખુશીએ નથી જે તરત જ મુસીબત બની જાય અને પરેશાનીઓમાં બદલી જાય. કરજની ચિંતા ખુશીનો વિનાશ કરી દે છે. ખોટા ખર્ચા, સમયનો દુરૃપયોગ અને દેખાડો કરવાથી અલ્લાહ અને અલ્લાહના રસૂલ (સ.અ.વ.) રાજી થતા નથી. તો પછી કેવી રીતે આ ખુશીના અવસર પર ખુશી મળશે. ઘણાં બધા લોકોની હાજરીથી ખુશીમાં બહુ વધારો થતો નથી. ખુશીમાં વૃદ્ધિ તો એ લોકોને સામેલ કરવાથી થાય છે જે થોડાક જ હોય, પણ દિલથી નજીક હોય. વિચાર અને મિજાઝથી નજીક હોય અને તે હોય છે આપણા સગા-સંબંધિઓ અને નજીકના દોસ્ત એહબાબ. જે લોકો અમારાથી નજીક નથી, માત્ર ઓળખીતા જ છે તેઓ કોઈ બીજા લોકોની નજીક હોય છે અને તેઓ તેમના નજીકના લોકોની ખુશીમાં વધારો કરવામાં પોતાનો ભાગ ભજવે છે. આ હકીકત છે કે જે અમલથી અલ્લાહ અને તેના રસૂલ (સ.અ.વ.) ખુશ થાય છે તેનાથી જ મોમિનને અસલ ખુશી મળે છે. એટલે જ અલ્લાહની મરજી અને અલ્લાહના રસૂલની સુન્નત મુજબ નિકાહ થાય છે, તો દિલી ખુશી થાય છે.
નિકાહને આસાન અને રિશ્તાને મજબૂત બનાવવા માટે જરૂરી છે કે છોકરો અને છોકરી પણ દીનદારી અને તકવા (સંયમ) અખત્યાર કરે. આને અલ્લાહના રસૂલે (સ.અ.વ.) સૌથી વધુ મહત્વ આપ્યું છે. બીજી ખૂબિઓ એટલે સુંદરતા, દૌલત અને ખાનદાન રિશ્તાની મજબૂતીમાં મદદરૃપ થઈ શકે છે પણ તે મજબૂત બુનિયાદ નથી. એટલે જ નિકાહના ખુતબામાં પણ ચાર વખત તકવા તરફ ધ્યાન દોરવામાં આવેલ છે કે પતિ અને પત્ની અલ્લાહથી ડરીને અલ્લાહની હિદાયત મુજબ એક બીજાના હક્કો અને પોતાની જવાબદારીઓ અદા કરે. જેના પરિણામ સ્વરૃપે દુનિયામાં તેઓ પ્રેમ, શાંતિ અને સમ્માનથી જીવન ગુજારશે અને પરલોકમાં પણ સફળતા તેમજ અલ્લાહની રઝા મેળવશે.
આ વાતો જે રજુ કરવામાં આવી છે. કંઇક વિચિત્ર લાગે છે, એટલા માટે કે ઇસ્લામના શિક્ષણથી લોકો વાકેફ નથી. વ્યક્તિ એ જ વાતોને ખરી અને પ્રમાણભૂત સમજે છે જેનાથી તેનું મન અને મસ્તિષ્ક પરિચિત છે અને જેનાથી તે પરિચિત નથી તેને તે ખોટા અને પ્રાચીન સમજે છે. એટલા માટે લોકોએ પ્રચલિત રિતિ રિવાજો, ખોટા ખર્ચા, વૈભવ, લેવડ-દેવડ, મોટી મોટી પાર્ટીઓ અને વધુમાં વધુ મહેર બાંધવું વગેરેને જ માપદંડ બનાવી લીધા છે અને આ દોડમાં ઇસ્લામની ઉત્તર શિક્ષાઓથી બહુ દૂર થઈ દયા છે.
બીજી બાજુ મોંઘામાં મોઘી કંકોત્રી ઉપર ખોટા ખર્ચ અને તમાશો અને દુખદાયી વાત છે કે થોડાક ક્ષણો માટે સેંકડો રૃપિયા કંકોત્રી ઉપર ખર્ચ કરવામાં આવે. આઇ.ટી.ના આ જમાનામાં ઇન્ટરનેટ અને મેસેજ નો સદઉપયોગ કરી શકાય છે. દરેક પ્રકારના મેસેજીસ સરકારી અને બિનસરકારી એસએમએસ ઉપર આવી રહ્યા છે. એટલા માટે આમાં કોઈ શરમની વાત નથી. પણ સાદગી અને કુર્બતનો ઇઝહાર છે. પયગામ, તારીખ અને સ્થળ ત્રણે સુરક્ષિત થઈ જાય છે. આ આસાન અને ઓછા ખર્ચ ઉપર ધ્યાન આપી શકાય છે.
મો. 09481635968
ઇમેલ :mohdmali411@gmail.com