હજ્જની મહીમા અને મહત્ત્વનો જોડાણ હઝરત ઇબ્રાહીમ અ.સ.ના જીવન સાથે સીધું સંકળાયેલ છે. હજ્જનું નામ આવતા જ હઝરત ઇબ્રાહીમ અ.સ.નું સમગ્ર જીવન આંખ આગળ તરવરી ઉઠે છે. ત્યાગ અને બલિદાનની પરાકાષ્ઠા કોઈ વ્યક્તિ વિચારી શકે તે પરાકાષ્ઠા પર હઝરત ઇબ્રાહીમ અ.સ. બિરાજમાન હતા.
બાળપણમાં જ્યારે તેમણે બહુઇશ્વરવાદના માહોલમાં આંખો ઉઘાડી તો તે તેમની પવિત્ર પ્રકૃતિ અને અંતરાત્માને યોગ્ય ન લાગી. તેમણે પોતાના મહંત પિતાની વિરુદ્ધ જઈ અલ્લાહના એક હોવા પર ભાર મુક્યો અને બહુઇશ્વરવાદની આલોચના કરી. તેમણે પ્રવર્તમાન રાજા નમરૃદને ચોક્કસ શબ્દોમાં સંભળાવી દીધું કે ઇશ્વર તો એક જ છે. જે પુર્વથી સૂર્યોદય કરે છે અને પશ્ચિમમાં સુર્યાસ્ત કરે છે. જો તુ ઇશ્વર સમકક્ષ હોય તો પશ્ચિમમાં સૂર્યોદય અને પુર્વમાં સુર્યાસ્ત કરી બતાવ. નિરૃત્તર થયેલ રાજાએ હઝરત ઇબ્રાહીમ અ.સ.ને આગમાં બાળી નાખવાનો હુકમ કર્યો. હઝરત ઇબ્રાહીમ અ.સ.ની ઉંમર તે સમય અંદાજે ૧૧ વર્ષની હતી. ૧૧ વર્ષની ઉંમરે આ હિંમત અને ગંભીરતા દર્શાવે છે કે તેઓ અલ્લાહ પર જબરદસ્ત વિશ્વાસ અને ઇમાન ધરાવતા હતા. હઝરત ઇબ્રાહીમ અ.સ.ને નમરૃદે આગમાં ફેકાવ્યું તે તરત જ અલ્લાહે આગને હુકમ કર્યો ”હે આગ ! ઠંડી થઈ જા અને સલામતી બની જા ઇબ્રાહીમ ઉપર.” (સૂરઃ અંબિયા-૬૯)
આ રીતે અલ્લાહ પોતાના બંદાઓની કસોટી કરે છે અને તેમને બચાવે છે. હઝરત ઇબ્રાહીમ અ.સ.ની અલ્લાહે વારંવાર કસોટી કરી અને દરેક કસોટીમાં તેઓ ધૈર્યવાન (સબ્ર કરનાર) અને કૃતજ્ઞી (શુક્ર કરનાર) સાબિત થયા. આ કસોટી કરવાનો સિલસિલો છેક તેમની વૃદ્ધાવસ્થા સુધી ચાલ્યું. વૃદ્ધાવસ્થામાં અલ્લાહે તેમને ઇસ્માઈલ અ.સ. સ્વરૃપે પુત્ર પ્રદાન કર્યું અને તે જ વ્હાલા પુત્રની અલ્લાહે કુર્બાની આપવાનો સંકેત આપ્યો. આ પ્રસંગે પણ હઝરત ઇબ્રાહમે પીછેહઠ ન કરી. તેમણે અલ્લાહની રઝા (પ્રસન્નતા) હાંસલ કરવા માટે પોતાના વ્હાલા બાળકની ગરદન પર છરી પણ મુકી દીધી.
અલ્લાહ તે તકવો, તવક્કલ અને ઈમાન પોતાના બંદા જોવા ઇચ્છે છે તે હઝરત ઇબ્રાહીમ અ.સ.ના રૃપમાં લોકો સમક્ષ નમૂના તરીકે મોજૂદ છે. હજ્જ અને કુર્બાનીની વિધીના દરેક પ્રસંગમાં હઝરત ઇબ્રાહીમ અ.સ.નો ત્યાગ, બલિદાન અને તેમની નિખાલસતા જોવા મળે છે. ઇસ્લામના બુનિયાદી ફરાઈઝ અને વાજીબાતમાં હજ્જ અને કુર્બાનીને શામેલ કરવાનો આશય આ છે કે જે ત્યાગ, બલિદાન અને નિખાલસતા એક બાપ તરીકે હઝરત ઇબ્રાહીમ અ.સ.ના જીવનમાં જોવા મળે છે, એક પુત્ર તરીકે હઝરત ઇસ્માઈલ અ.સ.માં જોવા મળે છે અને એક માં તરીકે હઝરત સારા અ.સ.માં જોવા મળે છે. તે દરેક મુસ્લિમમાં જોવા મળે.
પરંતુ આજે મુસ્લિમોની પરિસ્થિતિ કંઇક ઓર છે. મોટાભાગના મુસ્લિમો દીનથી દૂર થઈ ગયા છે. તેમને જ્ઞાન અને ભાન એમ બન્ને નથી કે આ હજ્જ અને કુર્બાની પાછળની રૃહ (હકીકત) શું છે. અલ્લાહ કુઆર્નમાં ફરમાવે છે, “ન તેમનું માંસ અલ્લાહને પહોંચે છે, ન લોહી, પરંતુ તેને તમારો તકવા (ઈશપરાયણતા) જ પહોંચે છે.” (સૂરઃ હજ્જ-૩૭)
અલ્લાહના ડર અને તેની પ્રસન્નતા હાંસલ કરવાના ઇરાદા સાથે લોકોમાં ‘હું કેટલો પૈસાદાર છું’ અને ‘હું કેટલો અલ્લાહવાળો છું’ તેનો દેખાડો કરવાના ઇરાદાની ભેળસેળ લોકોને અલ્લાહની સમીપ જવાને બદલે વધારે દૂર કરી દે છે. હજ્જ અને ઉમરાહ જતા પહેલા દા’વત કરવી આમ વસ્તુ બની ગઈ છે. ત્યાં જઈ ફોટો પાડી, વીડિયો બનાવી સોશ્યલ મીડિયા પર status અપડેટ કરતાં રહેવાનો ટ્રેન્ડ બનતો જાય છે. એહરામમાં સેલ્ફી, તવાફ કરતી વખતે બયતુલ્લાહ સાથે સેલ્ફી, રોઝએ અકદસની સામે દુઆ માંગતી વખતે સેલ્ફી નકરા દંભ અને દેખાડાને પ્રસ્તુત કરે છે.
આપણા બુઝુર્ગોને જરા યાદ કરો. જ્યારે તેઓ હજ્જ માટે જતા તો દરેક નજીક અને દૂરના સગા-સંબંધીઓને ઘરે જઈ માફી માગી નિકળતા હતા. કોઈ દેવુ માથે ન હોય કોઈનું ભુલેચુકે રહી ગયું હોય તો દરેકને પુછે કંઈ આપવાનું બાકી તો નથી ને? અને લોકોની માફી હાંસલ કર્યા બાદ તે અલ્લાહના ઘર સમક્ષ પહોંચતા હતા અને પોતાના ગુનાહો યાદ કરીને રડી રડીને બેહાલ થઈ જતા હતા. અલ્લાહના રસૂલ સ.અ.વ. સમક્ષ (રોઝએ અકદસ) જઇ પોતે એક ઉમ્મતી અને જવાબદાર હોવા છતાં મુસ્લિમ તરીકે જવાબદારી નથી નિભાવી રહ્યા તે એહસાસ સાથે રાડારાડ કરી મુકતા. ત્યાંથી નિકળતી વખતે પોતાની જાત સાથે એક વાયદો કરતા કે બાકીનું જીવન અલ્લાહ અને તેના રસુલ સ.અ.વ.ની આજ્ઞાંમાં વિતાવશે. પરંતુ આજે આ રૃહ બાકી ન રહી. હજ્જ માટે જતા લોકોના કેન્દ્રમાં અલ્લાહની પ્રસન્નતા ઓછી અને દેખાડો વધુ જોવા મળે છે. જે આખિરત માટે ભયંકર પરિણામ નોતરી શકે છે. આવો હજ્જ અલ્લાહ કબુલ નથી કરતો.
અને કુર્બાની કરતી વખતે પણ એ જ સેલ્ફ અને સેલ્ફી કેન્દ્રીય સ્થાને હોય છે. આ શું છે?!!! શું આ જ ઇસ્લામ છે?!!! શું આ જ રસ્તો છે જે અલ્લાહના રસુલ સ.અ.વ.એ બતાવ્યું હતું?!!! ના. બિલ્કુલ નહીં.
સીરાતે મુસ્તકીમ (સત્ય માર્ગ) તો આ છે કે દરેક અમલ પાછળ વ્યક્તિની નિય્યત અલ્લાહની પ્રસન્નતા હાંસલ કરવા માટે હોય. પછી તે નમાઝ હોય, ઝકાત હોય, રોઝો હોય, હજ્જ હોય, કુર્બાની હોય કે બીજો કોઈ અમલ.
બીજી કોઈ પણ નિય્યત સાથે કરવામાં આવેલ સદ્કાર્ય અલ્લાહને ત્યાં અજ્રને કાબેલ બનશે નહીં. અલ્લાહ આપણને આ હજ્જના મહિનામાં નિય્યતની પવિત્રતા હાંસલ કરવાની તોફીક આપે. અને દરેક અમલ નિખાલસતાથી કરવાની તોફીક આપે. આમીન.
/ kalim.madina@gmail.com