નૈતિક્તાનો સમાજ સાથે ઊંડો સંબંધ છે. જો સમાજમાં નૈતિક મૂલ્યોના મૂળ ઊંડા અને મજબૂત હોય તો આપણે કહી શકીએ કે સમાજ સારો અને ગુણવત્તામય છે અને નૈતિક મુલ્યોનું સ્તર નીચું જતું જાય જેટલી હદે નીચું જશે તેટલી હદે આપણા કોઇ પણ સમાજના નબળા અને ખરાબ હોવા અંગે અંદાજ કરી શકીએ છીએ.
આ દૃષ્ટિએ પ્રવર્તમાન જગતનું અવલોકન કરીએ તો પરિસ્થિતિ ભારે ચિંતાજનક દેખાય છે. બુનિયાદી ગણાવતા એવા નૈતિક મુલ્યો ઠેર ઠેર નષ્ટ થતા જોવા મળે છે. માનવતા, હમદર્દી, પ્રેમ અને ભાઇચારો જેવાં મૂલ્યો સમાજમાંથી ગુમ થતાં જાય છે. સમાજનું પાયાની એકમ એવી આપણી કુટુંબ વ્યવસ્થામાંથી આ સકારાત્મક નૈતિક મુલ્યો ધીમધીમે નાબૂદી તરફ જઇ રહ્યાં હોય એવું ભાસી રહ્યું છે. આના એક જ પાસા ઉપર થોડા વિચાર કરીએ તો દુઃખ થાય છે કે ઘરના વડીલો, વૃદ્ધ મા-બાપની અવગણના અને તેમને તરછોડી દેવાની ઘટનાઓ સામાન્ય બનતી જઇ રહી છે. વૃદ્ધાવસ્થા અને લાચારીની અવસ્થામાં જે લોકોને સેવા અને કાળજી તથા કુટુંબીજનોના પ્રેમની હુંફની જરૃર છે તેમને ઘરડાંઘરને હવાલે મુકીને દીકરા-દીકરીઓ છુટકારાનો દમ ભરે છે. ભારે અફસોસની અને દુઃખદ પરિસ્થિતિ ઉભી થઇ છે. અગાઉના જમાનામાં પશ્ચિમના દેશોમાંથી ‘ઘરડાં ઘરો’ના સમાચારો વાંચતા ત્યારે આપણી અંદર એ સમાજની તરફ ઘૃણા અને નફરત પેદા થતી હતી. આજે હવે એ જ ‘ઘરડાઘરો’ની સંખ્યામાં સતત ઉમેરો થઇ રહ્યો છે ત્યારે લાગે છે કે આપણો કુટુંબ વ્યવસ્થા અને આપણને સમાજ નૈતિક મુલ્યોના પાલનમાં ધીમે ધીમે નિષ્ક્રિય અને લાપરવાહ બનીને પશ્ચિમિ સંસ્કૃતિના દૂષિત સંસ્કારોનું અનુસરણ કરવા લાગી ગયું છે અને આપણા પરંપરાગત મૂલ્યો ધીમે ધીમે સમાજમાંથી અદૃશ્ય થવા લાગ્યા છે. વૃદ્ધ મહિલાઓ અને વૃદ્ધ પુરૃષોને ઘરડા ઘરના નોકરોના હવાલે મુકી દેતાં લોકોને જરાય ખચકાટ થતો નથી. જાણે કે માનવતા અને મા બાત પ્રત્યેની લાગણી જ મરી પરવરી છે.
બીજી તરફ સમાજ ઉપર જાતીય સ્વચ્છંદતા, હવસપરસ્તી, નિલ્લર્જતા, દુરાચાર અને નગ્નતાનો પૂર જે વ્યાપકતાથી ફેલાઇ ગયું છે અને એમ લાગે છે કે એક પછી એક દુનિયાના બધા જ દેશો એમાં ગરકાવ થઇ નાશ પામી રહ્યાં છે.
સુધરેલા અને વિકસિત દેશોમાં અગ્રેસર ગણાતા ફ્રાંસના શહેર પેરીસમાં એમ માની લેવામાં આવ્યું છે કે છોકરીઓ માટે શાળામાં શીયળની રક્ષા શક્ય નથી અને છોકરા-છોકરીઓ જાતીય કૃત્યો કરે છે તેથી સરકારે એવી વ્યવસ્થા ઉભી કરી છે કે છોકરીઓ માટે આવા કૃત્યોના પરિણામો સામે રક્ષણ આપતી દવાઓ શાળાઓમાં સરળતાથી મળે આના માટે રીતસરનો પ્રચાર કરવામાં આવે છે. ચોંકાવનારી બાબત તો એ છે કે ‘ટીનએજર’ છોકરીઓના ગર્ભપાતને ત્યાં એક સામાન્ય બાબત ગણીને સ્વીકારી લેવામાં આવી છે.
બીજી તરફ શાળાઓમાં શિક્ષિકાઓ ખુદ અનૈતિક જાતીય સ્વચ્છંદતાનું આચરણ કરતી જોવા મળે છે. આ શિક્ષિકાઓ તેમની જ શાળામાં ભણતા તેમના જ યુવાન વિદ્યાર્થીઓ સાથે કામવાસના સંતોષતી નજરે પડે છે. પાંચ-પાંચ છ-છ છોકરાઓ સાથે ‘સેક્સ માણતી’ શિક્ષિકાઓ નવાઇની વાત નથી. ગર્ભધારણ અને ઇન્ટરનેટ ઉપર એ અંગેનો પ્રચાર કરવામા ંપણ એમને અજૂગતું લાગતું નથી. ખૂબ જ સભ્ય અને સંસ્કારી ગણતા સમાજના આ વર્ગની આ હાલત છે તો સમાજના એ બીજા વર્ગોની તો વાત જ શું કરવી? દુરાચાર અને જાતીય સ્વચ્છંદતાને એ લોકો ખરાબ જ નથી ગણતા!
પણ અફસોસની વાત છે કે પશ્ચિમી દેશોના આ ‘વિકૃત’ અસામાજિક મૂલ્યોએ આપણા જેવો પૂર્વીય દેશોમાં પગપેસારો કરી દીધો છે અને ઝડપથી ફેલાઇ રહ્યા છે.
નિઠારી ગામની ઘટનાથી કોણ વાકેફ નથી? દિલ્હીના અડોઅડ આવેલ આ ગામમાં જ્યારે બંગલાની પાછળના નાળામાંથી મહિલાઓ અને બાળાઓના હાડપિંજરો મળ્યાં ત્યારે દેશભરમાં હાહાકાર મચી ગયો હતો. એક નરાધમ પોતાની કામવાસના સંતોષવા માટે ભણેલો-ગણેલો અને સંસ્કારી માણસ માસૂમ બાળાઓ અને નિર્દોષ મહિલાઓને ફસાવતો બંગલામાં જાતીય સુખ માણતો, પછી પુરાવાનો નાશ કરવા માટે એમને મારી નાખી એમના માંસનું ભક્ષણ કરતો અને પછી ચૂંથાયેલી લાશોનો ઘરની પાછળના જ નાળામાં છુપાવીને નાશ કરતો! નૈતિક મુલ્યોના અદ્યઃપતનનો આનાથી મોટો દાખલો ક્યો મળશે. પાટનગર દિલ્હીના સંસ્કારી સમાજમાં આવા માનવરૃપમાં શૈતાનો વસે છે એની કલ્પના સુદ્ધાંથી આમ આદમીને સલામતીની ચિંતા થવા માંડે છે.
નગ્નતાની વ્યાપકતા જોતાં એવું લાગે છે સમગ્ર દુનિયાને તેણે પોતાની જાળમાં લઇ લીધી છે. છાપાં, સામાયિકો, સાહિત્ય અને ટીવી ઇલેકટ્રોનિક નવીન ઉપકરણો અને સાધનોની આગમનની સાથે જ નગ્નતા ઘરે-ઘર પહોંચી ગઇ છે. પ્રિન્ટ અને મલ્ટીમીડિયાના આ જમાનામાં નગ્નતાની જાણે જાહેર સ્પર્ધા ચાલી રહી છે. લાજ-શરમ અને બેહયાઇથી બચવા માગતા સમાજના લોકોને માટે મુશ્કેલીનો પાર નથી રહ્યો, કોઇ છાપું કોઇ મેગેઝીન કે ટીવીનો કોઇ કાર્યક્રમ એવો નથી કે જ્યાં નગ્નતા એના નગ્ન સ્વરૃપમાં આકર્ષક રંગરૃપમાં દેખાતી ન હોય. અમેરિકી પ્રમુખ ક્લીંટન હોય કે ફ્રાંસનો પ્રમુખ સરકોઝી, કોઇ મુક્ત અને બેશરમીભર્યા જાતીયકૃત્યો કરવામાંથી બાકાત નથી. દેશને નેતૃત્વ પુરૃં પાડવાના આ દાવેદારો શું આ પ્રકારની સંસ્કૃતિ તરફ દેશોને લઇ જવા માંગે છે જ્યાં નૈતિક મૂલ્યોનું સ્તર તળિયે બેસી ગયું હોય? આગામી પેઢીને માટે શું નૈતિક મુલ્યોના કોઇ ધારાધોરણ બાકી રહેશે કે કેમ?
દુનિયાભરમાં નૈતિક મુલ્યોના નીચા જતા સ્તરની ઉપર નજર નાંખતા જ સમજાઇ જાય કે કેટલી હદે અદ્યઃપતન થઇ રહ્યું છે અને કેવા ભયાનક પરિણામો જાત-જાતના રૃપમાં ભોગવી રહી છે. ખુદ આપણા રૃઢિચુસ્ત ગણાતા દેશમાં હાલત એેટલી હદે વણસી ચુકી છે કે એક-એક કુવામાંથી સોસો ગર્ભ કાઢવામાં આવે છે. તળાવો અને ખાડાઓમાં મૃત બાળકોની લાશો ફોગાયેલી તરતી મળી આવે છે. શું આના ઉપરથી લાગતું નથી કે પરિસ્થિતિ ધીમે ધીમે ગંભીર બનતી જઇ રહી છે?
મહિલાઓ ઉપર અત્યાચારની ઘટનાઓના અહેવાલો છાપાંના પાના ઉપર દરરોજ જોવા મળે છે. જે ઘટનાઓની આપણને ખબર નથી પડતી અને જે સમાચારો દબાયેલાં જ રહે છે, તેમની સંખ્યા આના કરતાં અનેકગણી મોટી છે. ઘણા રાજ્યોના પ્રાંતોમાં લોકો ચિંતામાં ગરકાવ છે કે એમની પુત્રીઓના લગ્ન થઇ શકતાં નથી અને પરિણામે યુવતિઓના શિયળ બિનસલામત બની ગયા છે. બળાત્કાર અને ત્યારબાદ તેમની હત્યાના સમાચારોથી સમાજ ચિંતાગ્રસ્ત બની ગયો છે, છોકરીઓના મા-બાપની ઊંઘ હરામ થઇ છે. બળાત્કાર અને હત્યાઓના કેસોનું ભારણ અદાલતોમાં વધતુ જઇ રહ્યું છે.
બીજી તરફ છેતરપીંડી દગાખોરી લાંચરૃશ્વત, અપ્રામાણિકતા જેવા અપરાધોનું પ્રમાણ વેપાર ધંધા અને સરકારી કામકાજોમાં એટલી હદે વ્યાપક બની ગયું છે કે જાણે શરીરમાં વહેતું લોહી! કોઇ પંચાયત કે મ્યુનિસિપાલીટી હોય કે રાજ્યોની વિધાનસભા અને દેશની સંસદ હોય કોઇ આ બુરાઇઓથી બાકાત નથી. મુખ્યમંત્રીઓ અને પ્રધાનો પણ આવા અપરાધોના આરોપો હેઠળ જેલોમાં બંધ છે. લાંચરૃશ્વત માટેની નવી નવી તરકીબો અને સરકારી નિયમોના વિકૃત અર્થઘટનો કરીને દેશના વહીવટદારો, મંત્રીઓ અને ઉદ્યોગપતિઓ તથા વેપારીઓ અપ્રામાણિક્તા આચરીને દેશનું ધન બંને હાથે લૂંટી પ્રજાને રંજાડી રહ્યાં છે, તમિલનાડૂના ભૂતપૂર્વ મુખ્યમંત્રીની દીકરી મહિલા હોવા છતાં લાંચરૃશ્વતના આરોપસર તિહાડ જેલમાં અદાલતી કેસનોે સામનો કરી ચૂકી છે.
સમાજમાં ચોતરફ ઉપરથી નીચે સુધી પ્રવર્તી રહેલી આ પરિસ્થિતિની પાછળ રહેલા કારણો ઉપર નજર નાખશો તો તરત જ જણાઇ જશે કે સમાજના લોકોના આ અનૈતિક અને અપ્રામાણિક વર્તન માટે કોણ જવાબદાર છે. એ છે જવાબદારીની ભાવનાનો અભાવ, ધર્મ અને ખુદામાં ઇમાન અને વિશ્વાસની ભાવનાનું નબળું પડી જવું. અદાલતની અને ન્યાય વ્યવસ્થાનું નબળું પડી જવું, જેના લીધે અપરાધીઓને છુટોદોર મળી ગયા છે. બીજું સમાજનો એ વર્ગ કે જે અગાઉ સમાજના ઉત્થાન અને સુધાર માટે ઉભો રહ્યો હતો તે વર્ગ ધીમે ધીમે ખતમ થઇ ગયો છે. આડોશપાડોશ અને સમાજના અન્ય દુખિયારા માણસોની ચિંતા ન કરે એ વાત તો ઠીક છે પણ લોહીની સગાઇઓ અને સગાવ્હાલાં સુદ્ધાં પ્રત્યેની ફરજો અદા કરવાના નૈતિક મૂલ્યોની કોઇને પરવાહ નથી રહી. ભાઇ-ભાઇની હત્યા કરતાં ખચકાતો નથી, મતલબકે આજનો ઇન્સાન તેના રોજબરોજના સામાજિક આર્થિક અને ધાર્મિક વ્યવહારમાં એકદમ લાપરવાહ બની ગયો છે અને બધા જ નૈતિક મૂલ્યોને આધુનિક્તાના તકાદાના બહાના હેઠળ અભરાઇએ ચઢાવી દીધાં છે. આવો સ્વચ્છંદી અને દુનિયાપરસ્ત ઇન્સાન નૈતિક અદ્યપતનની ખાઇમાં નહીં જાય તો ક્યાં જશે?
આ ચિત્રદર્શન દુનિયાના એ તમામ લાગણીશીલ અને સંવેદનશીલ લોકોમાં ચિંતાની લાગણી જન્માવે છે જેઓ ઇજ્જત-આબરૃ અને સમાજ માટે શુભેચ્છાઓ અને શુભકામના ધરાવે છે. આમાંથી વિશિષ્ટ વર્ગ છે મુસલમાન યુવાનો છે જે એ તૌહીદ (એકેશ્વરવાદ), રિસાલત અને આખિરત (પરલોક) ઉપર મજબૂત અને દૃઢ શ્રદ્ધા ધરાવે છે. જે તેમની અંદર દરેક ક્ષણે એવી શક્તિનો સંચાર કરે છે જે તેમની અંદર જમાનાનો રૃખ પલ્ટી નાખવાનો જુસ્સો પેદા કરે છે અને તેમને બગાડની સામે ઉભા થઇ જવા માટે પોકારે છે. અત્યારે સમય પોકારી રહ્યો છે કે સ્વચ્છંદતા, દૂરાચાર અને અનૈતિક્તાના ઘોડાપૂરની દિશા ફેરવી નાખવા માટે ઉત્તમ ચારિત્ર્યના ધારક બનીને ઉભા થાય અને બુરાઇઓના કદરૃપા ચિત્રની સામે લોકોની સામે નેકી, તકવા (સંયમ), પરહેઝગારી, જેવા શુભ અને મુબારક ચિત્ર રજૂ કરે કે જેથી લોકો ખુશી ખુશી એમને અપનાવવા માટે તૈયાર થઇ જાય.
નૈતિક કટોકટીના પરિણામે દુનિયા આજે જે મુશ્કેલીઓ અને સમસ્યાઓનો સામનો કરી રહી છે તેની બહોળી માહિતી તેમજ તેની વિનાશકતા તથા બરબાદીની વેરાયેલી ઘટનાઓ અને કથાઓની માહિતી એકત્રિત કરવામાં આવે અને જુદા જુદા માધ્યમોનો ઉપયોગ કરીને એમને સમાજ સમક્ષ મુકવામાં આવે તો આશા રાખી શકાય કે લોકોની અંદર નૈતિકતાના મુલ્યોને ત્યજી દેવાથી કેવા ઝેરી પરિણામો આવે છે તેની સભાનતા આવે અને લોકોમાં નૈતિક વ્યવહાર અને આચરણ તરફ પરત આવવાની ભાવના જન્મે.
દુનિયાના વિવિધ સમાજો જે બરબાદી અને વિનાશકતાના ભોગ બન્યા છે તેમનો ઐતિહાસિક અને વિગતવાર અવલોકન કરીશું તો આપણી સમક્ષ એ હકીકત છતી થઇ જશે કે આવું સૌથી બુનિયાદી અને પહેલું કારણ એ છે કે દુનિયાના લોકો ખુદાને ભૂલી ગયાં, હઝરત મુહમ્મદ (સ.અ.વ.)ના શિક્ષણથી ભરપુર જીવનચરિત્ર પ્રત્યે ગાફેલ થઇ ગયાં, અને એ માર્ગદર્શનથી વંચિત થઇ ગયાં જે એમને વંચિતતા અને આખિરતના બહેતરીન બદલા તેમજ સજાની હકીકતથી આગાહ કરે છે, તેમના અંદરથી બેપરવાહી અને ગફલતને દૂર કરે છે, સીધો માર્ગ અને પવિત્ર જીવન અપનાવવા માટે પ્રેરણા આપે છે.
આ બધું જોયા અને સમજ્યા પછી શું નથી લાગતું કે આપણા નવયુવાનોએ અલ્લાહની પ્રસન્નતા અને આખિરતની સફળતા માટે કાર્યરત થવાની તાતી જરૂરત છે? લોકોને તેમના રબના રસ્તે બોલાવવા માટે અને યોજનાબદ્ધ રીતે કામે લાગી જવાની જરૃર છે? આ એક મહત્વની ફરજ છે જેને યુવકોએ વિશેષરૃપે અદા કરવા મેદાને પડવાની જરૃર છે. આ જ માનવતા પ્રત્યે સદ્ભાવના અને શુભકામના દર્શાવવાનો ઉત્તમ માર્ગ છે.