એક ગામમાં બે માણસો રહેતા હતા તેમાંથી એકનું નામ ભોલા હતું અને બીજાનું ચમન હતું. એ બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી. એ બંને પરસ્પર એકબીજાને ખૂબ ચાહતા હતા. એકબીજાના સુખ-દુઃખમાં સામેલ થતા હતા. એક દિવસ ભોલાએ ચમનને કહ્યું કે ચાલો આપણે શહેર તરફ જઈએ અને ત્યાં રોજગાર શોધીએ પરંતુ ચમને કહ્યું કે ગામડાનું જીવન શહેરના જીવન કરતાં વધુ બહેતર છે. કારણ કે ગામડાના લોકો એકબીજાના હમદર્દ અને મદદગાર તેમજ શુભેચ્છક હોય છે. એકબીજાના દુઃખદર્દને સમજે છે, અને બીજાની મુસીબતમાં સામેલ થાય છે. આનાથી ઉલ્ટું શહેરના લોકો સ્વાર્થી અને ગરજવાન હોય છે. માલની મહોબ્બતમાં ગળાડૂબ હોય છે. વધુમાં વધુ માલ હાંસલ કરવાની ધુનમાં એકબીજાને ભૂલી જાય છે. મિત્ર મિત્ર સાથે ગદ્દારી કરવા લાગે છે અને ભૂતકાળના બધા ઉપકારો ભૂલી જાય છે.
પરંતુ ભોલો એ વાત ઉપર જિદ કરતો જ રહ્યો કે શહેર જવું જ છે અને ધન-દૌલત કમાવવી જ છે. આથી ચમન પણ પ્રવાસ માટે ઇચ્છા ન હોવા છતાં પણ તૈયાર થઈ ગયો. બંનેએ પ્રવાસની તૈયારી કરી લીધી અને પ્રવાસે નીકળી પડયા. પરંતુ ચમને તેને એક વાત કહી કે વ્હાલા મિત્ર ! વધુ ધન-દૌલત મેળવવાના ચક્કરમાં મિત્ર સાથે બેઈમાની ન કરજો. આથી બંનેએ મળીને સંયુકત રીતે વ્યાપાર શરૃ કર્યો. એક દિવસની વાત છે કે બંને કયાંક જઈ રહ્યા હતા કે એ જ દરમ્યાન ચમન ભોલાથી થોડો પાછળ રહી ગયો. અચાનક રસ્તામાં તેને એક કોથળી મળી જેમાં ૧૦૦૦ દીનાર હતા. માલ-દૌલત મળી જતાં એ બંને ગામડે પાછા આવી ગયા, ઘરે પહોંચતા પહેલા તેમને માલની વહેંચણી કરી લેવા સલાહ-મસ્લત કરી. આથી ચમને ભોલાને કહ્યું કે અડધા એટલે કે પ૦૦ દીનાર તમે લઈ લો અને અડધા અર્થાત પ૦૦ દીનાર હું લઈ લઉં છું પરંતુ ભોલાની નિય્યત બગડી ગઈ. તેણે વિચાર્યું કે કોઈક રીતે બધા દીનાર મને જ મળી જાય. આથી તેણે ચમનને કહ્યું કે આપણે માલની વહેંચણી ન કરીએ, બલ્કે અત્યારે આપણી જે જરૂરત છે એટલા દીનાર લઈ લઈએ અને બાકીના દીનારને એક ઝાડ પાસે જમીનમાં દાટી દઈએ. જ્યારે જ્યારે આપણને જરૂરત પડશે ત્યારે ત્યારે જરૂરત પ્રમાણે કાઢીને લઈ જઈશું. આથી એવું જ કરવામાં આવ્યું. પરંતુ જેવા જ બંનેના રસ્તા અલગ થયા ભોલો પાછો આવ્યો અને પૂરો માલ/બધા દીનાર કાઢીને લઈ ગયો.
એક દિવસ જ્યારે ચમનને કેટલીક રકમની જરૂરત પડી તો તે ભોલા પાસે આવ્યો અને કહ્યું કે, ચાલો કેટલાક દીનાર કાઢી લાવીએ. બંને ત્યાં ગયા, અને જમીન ખોદી તો ત્યાં કંઈ જ ન હતું. ભોલો પોતાનું માથું કૂટવા લાગ્યો, અને પોતાના સાથી ચમનને કહ્યું કે, તારા સિવાય કોઈ આ લઈ ન શકે. આ સાંભળી ચમન સોગંદ ખાવા લાગ્યો અને કહ્યું કે, તારા સિવાય કોઈએ નથી લીધો આ માલ. કેમ કે તારા સિવાય આ અંગે કોઈ જાણતું ન હતું. આથી બંને વચ્ચે તકરાર શરૃ થઈ ગઈ અને તે વધી ગઈ. અંતે તે બંને કાઝી પાસે ગયા અને કેસ દાખલ કરી દીધો. કાઝીએ બંનેનો કિસ્સો સાંભળ્યો. ભોલાએ જે દાવો કર્યો કે તે માલ ચમન સિવાય કોઈએ નથી લીધો. અને ચમન આ વાતનો ઇન્કાર કરી રહ્યો હતો.
કાઝીએ ભોલાને કહ્યું કે, શું તમારા દાવા ઉપર કોઈ સાક્ષી છે ? તો તેણે કહ્યું કે, હા, એ જ ઝાડ સાક્ષી આપશે, જ્યાં માલ દાટવામાં આવ્યો હતો. આથી ભોલો દોડતો દોડતો ઘરે આવ્યો અને પોતાના ઘરડા પિતાને કહ્યું કે તે એ ઝાડમાં ઘૂસી જાય અને જ્યારે ઝાડને પૂછવામાં આવે તો તેનો જવાબ આપી દે તેનો ઘરડો પિતા ઝાડના પોલાણમાં પેસી ગયો. કાઝી પોતાના સાથી-લશ્કર સાથે એ ઝાડ પાસે પહોંચ્યો. અને તેણે આ બનાવ વિશે પૂછયું તો ઘરડાએ ઝાડમાંથી જવાબ આપ્યો કે હા ! તે માલ ચમને લીધો છે. કાઝી આ જવાબ સાંભળીને આશ્ચર્યમાં ડૂબી ગયો. તેણે પોતાના લશ્કરને કહ્યું કે, આ ઝાડને બાળી મૂકવામાં આવે. આ સાંભળી ઝાડમાંથી જોર જોરથી ચીસો પાડવા લાગ્યો. નજીક જ હતું કે તે મૃત્યુ પામે ત્યારે કાઝીએ ઘરડાને બનાવ અંગે પૂછયું તો તેણે સમગ્ર બીના કહી સંભળાવી. આથી કાઝીએ ઘરડાની ખૂબ જ મારપીટ કરી અને ભોલાના ચહેરાને કાળો કરી ગધેડા પર બેસાડી આખા શહેરમાં ફેરવ્યો અને હવે ચમનને તેનો માલ પાછો અપાવ્યો.