એક છોકરો હતો મુહમ્મદ શોએબ. ખૂબજ બુદ્ધિશાળી પરંતુ એટલો જ નટખટ અને બેદરકાર… દરેક કામને ટાળી દેવું. “અરે, હમણાં જ કરી નાખું છું ને” કહીને ભૂલી જવું તેની આદત પડી ગઈ હતી.
આ ચક્કરમાં તેની નમાઝો પણ છૂટી જતી હતી.
એક દિવસ આ છોકરો શોએબ પોતાના પિતા સાથે ભેંસ ખરીદવા ગયો. પશુબજારમાં તમામ જગ્યાએ સારી રીતે હરી ફરીને તેના પિતાએ એક સારી ભેંસ ખરીદી અને બંને બાપ-દીકરો ઘર તરફ ચાલી નીકળ્યા.
રસ્તામાં શોએબના પિતાને ખાન ચાચા મળી ગયા અને તેમણે એક કામ યાદ દેવડાવ્યું … ઘર કંઇ વધારે દૂર ન હતું … શોએબના પિતાએ તેને કહ્યું, બેટા! તુ આ ભેંસને લઈને ઘરે જતો રહે હું આ કામ પતાવીને ખાન ચાચા સાથે થોડી વારમાં આવું છું. તારી અમ્મીથી કહેજે, ચા તૈયાર રાખે.
શોએબે ભેંસની રાસ હાથમાં લીધી અને ભેંસને લઈને ઘર તરફ જવા લાગ્યો… જ્યારે આ શોએબ મીયાં ભેંસને લઈને ગામના બજારમાંથી જઈ રહ્યો હતો, ત્યારે તેણે જોયું કે એક જગ્યાએ બિરયાની વેચાઈ રહી છે … બસ! પછી શું થાય આમનાં મોં માં તો બિરયાની જોઈને જ પાણી આવી ગયું… વિચાર્યું, ચાલોને પહેલાં બિરયાની ખાઈ લેવામાં કેમ ન આવે… તે પછી ઘરે પહોંચી જઈશ. થોડીક જ વારની તો વાત છે આ ગલીમાંથી નીકળ્યો અને સામે તો ઘર… પછી શું?
બિરયાનીની બે પ્લેટ ચટ કરી ગયા પછી શોએબમીયાંએ પોતાની ભેંસ તરફ જોયું તો તેમના હોશ જ ઉડી ગયા. ત્યાં ન તો ભેંસ હતી ન તેની રાસ. કોઈ ચોર આખી ભેંસ લઈ જઈને છૂમંતર થઈ ગયો હતો.
હવે તો શોએબભાઈએ અહીં તહીં ખૂબ ભાગદોડ કરી પણ ભેંસ નહોતી મળવાની તે ન જ મળી. એક નાનકડી ભૂલના કારણે હજારો રૃપિયાનું નુકશાન થઈ ગયું હતું.
બીતા બીતા ભાઈ, ઘરે પાછા આવ્યા. તેમના પિતા તો ક્યારનાએ આવી ગયા હતા અને ગુસ્સામાં આંટાફેરા મારી રહ્યા હતા. બધી વાત જાણ્યા પછી તેમના પિતાએ તેમને ખૂબ ખૂબ ધમકાવ્યા. પછી પાસે બોલાવીને સમજાવ્યું કે ભાઈ, જુઓ… કેટલું મોટું નુકશાન થઈ ગયું તમારી બેદરકારીથી… કોઈ પણ કામમાં બેદરકાર રહીએં તો આ જ પરિણામ આવે.
શોએબે વિચાર્યું કે દુનિયાની આટલી નાની બેદરકારીનું પરિણામ જો આવું આવી શકતું હોય તો અલ્લાહની આજ્ઞાના ઉલ્લંઘનનું પરિણામ કેટલું ભયાનક આવશે? તે પોતાની ભૂલ ઉપર ખૂબજ પછતાયો અને તેણે પોતાની જાતથી પાકો વાયદો કર્યો કે આજ પછી હું કોઈ કામમાં જરાપણ આળસ કે બેદરકારી નહીં કરૃં કે જેથી હું દુનિયા અને આખિરત બંને જગ્યાની નામોશી અને અપમાનથી બચી શકું. *