વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસની ૭૨મી વર્ષગાંઠના અવસર પર લાલ કિલ્લા પરથી જે પ્રવચન આપ્યું તે ચૂંટણી પ્રચાર જેવું લાગ્યું. તેમના ભાષણના કેન્દ્રમાં ૨૦૨૨ હતું જયારે કે ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી થવાની છે. આ સાડા ચાર વર્ષમાં શું કર્યું અને અત્યારે દેશ સામે જે પડકારો છે તેના માટે સરકાર પાસે શું આયોજન છે તેના વિષે વાત થવી જોઈતી હતી. ૨૦૨૨માં ‘ન્યુ ઇન્ડિયા’નું સ્વપ્ન સાકાર કરવાની ચર્ચા કરીને વડાપ્રધાન પ્રજાના માનસને પ્રભાવિત કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. ૨૦૧૪માં પણ આવા જ કેટલાક વાયદાઓ કરીને સત્તા પ્રાપ્ત કરી હતી, ‘ન્યુ ઇન્ડિયા’ના નિર્માણ માટે તમે જે વાતો કરી છે આપની સરકારે ચાર વર્ષોમાં એના માટે શું મહત્ત્વના કાર્ય કર્યા છે, ક્યાં પગલા લીધા છે, શું સફળતાઓ મળી છે અને કેવા પડકારો છે. તેની વિસ્તારપૂર્વક રજૂઆત થવી જાઈતી હતી.
‘ન્યુ ઇન્ડિયા’ની વાત કરતા વડાપ્રધાને કહ્યું કે અમે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવીશું. આ કોઈ નવું સૂત્ર નથી ભૂતપૂર્વ વડાપ્રધાન અટલજીએ પણ આ નારો આપ્યો હતો. ભયની વાત કરીએ તો આજે દેશની મોટી વસ્તી ભયના ઓથા હેઠળ જીવી રહી છે. કોઈને પોતાની ઓળખ સાથે જીવવામાં ભય લાગે છે, કોઈને સત્ય બોલવામાં ભય લાગે છે કેમકે ક્યાંક જનૈદ ભીડનો ભોગ બને છે, તો ક્યાંક કલબુર્ગી અને ગૌરીલંકેશની નિર્મમ હત્યા થાય છે. કોઈને પોતાની જાતિ દર્શાવવામાં ભય લાગે છે. આંતરિક સુરક્ષાની પરિસ્થિતિ આ છે કે ગત ત્રણ વર્ષોમાં ધાર્મિક દંગામાં ૪૧%ની વૃદ્ધિ થઈ છે. મોબ લીન્ચિંગમાં ૩૮થી વધુ હત્યા અને ૧૧૦૦થી વધુ ઘાયલ થયા છે. ભયનું વાતવરણ એટલું વધ્યું છે કે રિટાયર્ડ પોલીસ ઓફિસર જુલીઓ રિબેરોને કહેવું પડે છે કે ખ્રિસ્તી તરીકે પોતાની જાતને સ્ટ્રેન્જર હોવાનું અનુભવ કરી રહ્યો છું. સામાન્ય વ્યક્તિની શું દશા હશે તેની કલ્પના કરી શકાય છે. દેશના ઉચ્ચ શિક્ષિત એવા ૭૫ વૈજ્ઞાનિકોએ પ્રમુખશ્રીને પત્ર લખી કહ્યું હતું કે દેશની પરિસ્થિતિ બારૂદના ઢેર જેવી થઈ ગઈ છે. શૈક્ષણિક સંકુલોમાં વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સ્ત્રીઓ સાથે બળાત્કારની ઘટનાઓ વધી રહી છે. અહી સુધી કે નાની ઉમરની ફૂલ જેવી બાળકીઓની આબરૂ પણ સલામત નથી. ગ્લોબલ એક્સપર્ટના સર્વે મુજબ ભારત મહિલાઓ માટે વિશ્વનું સૌથી અસુરક્ષિત દેશ છે. ઈમાનદાર અધિકારીઓને બદલીની ધમકી આપી દબાવવામાં આવે છે.હેટ સ્પીચીસની સીઝન આવી હોય એવું લાગે છે. કોઈ વિશેષ ધર્મનો ભય દર્શાવી વોટ બેંક ઊભી કરવામાં આવી રહી છે. વિવિધ મુદ્દાઓ ઊભા કરી મોબ લીન્ચિંગની ઘટનાઓમાં વૃદ્ધિ થઈ રહી છે. આતંકવાદના નામે ફેક એન્કાઉન્ટર કરી નિર્દોષ યુવાનોની હત્યા કરવામાં આવી રહી છે. દલિતો, મુસ્લિમો પછાત વર્ગના લોકો પર વધતા જતા હિંસાના બનાવો શું સામાન્ય નાગરિકને ભયભીત નથી કરી રહ્યા!!!
હવે તો મોડલ સીટીના નામે બે ટંકની રોજી કમાવવા માટે સંઘર્ષ કરતા લારી-ગલ્લાવાળાઓ પણ ભયભીત છે. કોઈ નોટિસ વગર તેમને એક જ ઝટકામાં સાફ કરી દીધા. સરકાર પહેલાંથી જ રોજગાર ઊભા કરવામાં નિષ્ફળ ગઈ છે. એમાંય મજબૂરીમાં સ્વરોજગાર ઊભા કરી પોતાના ગુજરાન ચલાવતા લોકોને દયનીય સ્થિતિમાં મૂકી દીધા છે. ગુડ ગવર્નેન્સના નગારા પીટવામાં આવ્યા પરંતુ ન તો શહેરોમાં પા‹કગની કોઈ યોગ્ય વ્યવસ્થા ન અસંગઠિત ક્ષેત્રોમાં મહેનત-મજૂરી કરતા લોકો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા. ટૂંકમાં જાઈએ તો કોઈ ભયમુક્ત નથી. ક્યાંક પોલીસનો આતંક, ક્યાંક અધિકારીઓની દબંગગીરી, ક્યાંક ગૌરક્ષકોનો આતંક, ક્યાંક ધર્મના નામે ધર્માન્ધતા. મુસ્લિમ અને દલિતોને જાનનો ભય, સ્ત્રીઓને આબરુનો ભય, ઈમાનદાર અફસરોને બદલીનો ભય, મજદૂરોને રોજગારનો ભય, બહુમતીના માનસમાં ઉપજાવી કાઢેલો મુસલમાનોનો ભય… કોલમ્બિયા યુનિવર્સિટીના રિપોર્ટ મુજબ શાંતિમાં ભારતનો ક્રમ ૧૮૦માંથી ૧૭૭મો છે. આજે દરેક ભારતીયને વાયુ પ્રદૂષણના વાદળોએ ઘેરામાં લીધા છે. આવી પરિસ્થિતિમાં મોદીનું સ્વસ્થ ભારતનું સ્વપ્ન કેવી રીતે પૂરૂં થશે?!! ભારત ભય મુક્ત નથી થયું બલ્કે સાચું કહું તો જનતાને ભયભીત કરી સત્તા પર વિરાજમાન છે.
દેશને ભય મુક્ત કરવો હોય તો “ભાગલા પાડો અને રાજ કરો”ની નીતિનો ત્યાગ કરવો પડશે, દેશમાં નફરત અને ઘૃણા ફેલાવતા લોકોને કોઈ પક્ષપાત વગર જેલ ભેગા કરવા પડશે, ખોટા એન્કાઉન્ટર બંધ કરવા પડશે, લોકા માટે મોટાપાયે રોજગારના એકમો ઊભા કરવા પડશે, બળાત્કારીઓને દાખલારૂપ સજા કરવી પડશે, કાનૂનના ઉલંઘન કરતા ઇસમોને સજા કરવી પડશે, ખંડિત ચરિત્ર ધરાવતા નેતાઓને રાજનીતિથી દૂર કરવા પડશે, પોલીસ રિફોર્મ માટે મજબૂત પગલા લેવા પડશે. ન્યાય પ્રક્રિયાને સરળ ઝડપી અને તટસ્થ બનાવવી પડશે. ભારતને ભયમુક્ત અને સુખી સંપન્ન કરવા માટે સરકારે જે વાયદા કર્યા હતા તે ૪ વર્ષમાં પણ પૂર્ણ થયા નથી પછી ૨૦૨૨ સુધી એ પૂર્ણ થશે એની શું ગેરંટી ?!! આ પણ જુમલા ભૂખ મુક્ત ભારતનું સ્વપ્ન પૂર્ણ કરવામાં વર્તમાન સરકાર કેટલી સક્ષમ છે તેનો અંદાજ ગ્લોબલ હંગર ઇન્ડેક્સના રિપોર્ટ પરથી મળી જશે. તેના પ્રમાણે ભારત ૧૧૯માંથી ૧૦૦માં ક્રમે છે જે પહેલાં ૯૭મા ક્રમે હતો એટલે ગ્રાફ ગગડયું છે. સ્ત્રીઓ અને બાળકોમાં કુપોષણ વધ્યું છે. ગત ચાર વર્ષોમાં સરકારે ક્યાં પગલા લીધા? જા કોઈ અસરકારક પહેલ કરી હોત તો આપણો ક્રમ નીચે ગયો હોત. કેન્દ્ર સરકારની નાક નીચે દિલ્હીમાં એક બાળકનું મૃત્યુ થયું, પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ ભૂખમરો આવ્યો હતો. ઝારખંડમાં પણ અમુક મહિના પહેલા પણ આવી જ ઘટના બહાર આવી હતી. ૨૦૧૪માં કિસાનોને ૧૦ ગણા નફાની વાત કરી હતી, અત્યારે ૨૦૨૨માં બમણા નફાની વાત કરી પરંતુ પરિસ્થિતિ તો ચાર વર્ષોમાં વધારેને વધારે ખરાબ થઈ છે. આત્મ હત્યાઓમાં કિસાન મોખરે છે, તેનું મૂળ કારણ સરકારની નિષ્ફળ નીતિઓ છે. મોટા મોટા ધન કુબેરોના કરજ માફ કરવામાં આવે છે અને નાના લોકોથી ભારે વ્યાજ વસૂલવામાં આવે છે. તેમના પાકોને થતા નુકસાનને પહોચી વળવા સરકાર કોઈ પ્રભાવશીલ પગલા લઈ શકી નથી. દર વર્ષે ૧૦ લાખ રોજગાર ઊભા કરવાનો વાયદો કર્યો હતો, વાસ્તવમાં વૃદ્ધિના બદલે તેમાં કમી આવી છે. સ્વરોજગારની તકો પણ ઓછી થઈ છે. લેબર બ્યુરો સ્ટેટિક મુજબ ભારત દુનિયાના સૌથી વધુ બેરોજગાર દેશમાં સામેલ થઇ ગયો છે. બીપીએલમાં વધારો થયો છે. મોદીજીના ‘વિકાસ’ રથે પ્રગતિ કરી હેપીનેસમાં ભારતને ૧૫૫માંથી ૧૩૩મા ક્રમે પહોચાડી દીધો છે. આવી પરિસ્થિતિમાં ભૂખ મુક્ત ભારત કઈ રીતે બનશે તે માટે સામાન્ય જનને વિશ્વાસમાં લેવા પડશે.
હવે વાત કરીએ ભ્રષ્ટાચાર મુક્તની, એમાંય સરકારને કોઈ સફળતા મળી નથી. મુસ્લિમ મુક્ત કે કોંગ્રેસમુક્ત ભારતના નારાના સ્થાને લાંચ-રુશ્વત અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે પ્રયાસ કર્યા હોત તો ૨૦૨૨ના સ્વપ્ન માટે કદાચ માર્ગ મોકળો થયો હોત. કેમકે ગત સરકારના ભ્રષ્ટાચારને મુદ્દો બનાવીને જ સત્તા કબજે કરી હતી. વિદ્વાનો નોટબંદીને એક મોટા ભ્રષ્ટાચાર તરીકે જાેઈ રહ્યા છે, સરકારે બ્લેક મની ખતમ કરવાની ઘોષણા કરી હતી એ પોકળ સાબિત થઈ. બલ્કે માલેતુજાર લોકોની બ્લેકમની વ્હાઈટ થઇ ગઈ. તકલીફ પડી તો માત્ર ગરીબ વર્ગને જેમણે પાઈ પાઈ એકઠી કરીને રાખી હતી.૧૫ લાખ રૂપિયા જનતાને વહેંચવા માટે સ્વિસબેંકમાંથી બ્લેકમની ભારત લાવી શક્યા નથી, બલકે આંકડાકીય ભ્રષ્ટાચાર આચરી એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે બ્લેકમની ઓછું થયું છે. બ્યુરોક્રેસીમાં જેવું હતું તેવું જ છે કોઈ સરકારી કામ લાંચ-રુશ્વત વગર થતું નથી. રાફેલની કોઈ માહિતી આપવા સરકાર તૈયાર નથી. વ્યાપમકાંડ આપણી સમક્ષ છે જ. transprency international reveal પ્રમાણે ભારત એશિયાનો સૌથી ભ્રષ્ટ દેશ બની ગયો છે. સ્વરાજ અને સુશાસનની વાત પણ મોદીજીએ કરી પરંતુ અત્યાર સુધી ન લોકપાલની નિમણુક થઈ છે ન લોકાયુક્તની. તલાટી સ્કેમ અને સુજલામ સુફલામ સ્કેમ ‘ભ્રષ્ટાચાર મુક્ત’ના પોકળ દાવા છે.
૨૦૨૨માં ગામડાઓમાં વિજળી, પાણી અને પાકા ઘર આપવાની અને કિસાનો ચેનથી સૂઈ શકશેની વાત મોદીજીએ કહી છે પરંતુ અત્યારે ચાર વર્ષ પછી ગામડાઓની પરિસ્થિતિમાં શું પરિવર્તન આવ્યું છે.?! જે જાતાં આ વાત પણ શબ્દોની સોદાગરી જેવી લાગે છે. ગુજરાતના ઘણાં ગામડાઓ છે જ્યાં અત્યાર સુધી સડક, વિજળી કે પાણીની વ્યવસ્થા થઈ શકી નથી જયારે કે ગુજરાતમાં મોદીજીએ૧૪ વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા છે. આતંકવાદ નાબૂદી માટે પણ વડાપ્રધાને સાચી દિશામાં તપાસ કરાવી પડશે. જે મુસ્લિમ યુવાનોને આવા કેસોમાં જેલ ભેગા કરવામાં આવ્યા હતા તેમાંના મોટેભાગે તેઓ ૧૦ થી ૨૩ વર્ષની જેલ ભોગવવા બાદ નિર્દોષ છૂટ્યા છે. પ્રશ્ન એ થાય કે ગુનેગાર ગયા ક્યાં? તે બીજા સમુદાયના પણ હોઈ શકે છે પરંતુ બીજા સમુદાયના જે લોકોની ધરપકડ કરવામાં આવી હતી તેમની સાથે નરમ વલણ રાખવા દબાણ કરવામાં આવ્યું છે. અથવા તેમને બચાવવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. આવી પરિસ્થિતિમાં સાંપ્રદાયિકતા મુક્ત ભારતનું મોદીજીનું સ્વપ્ન કઈ રીતે પૂર્ણ થશે.?!!
જા સરકાર સાચે જ ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત ભારતના નિર્માણ માટે ગંભીર હોય અને સાંપ્રદાયિકતા અને જાતિવાદી મુક્ત સમાજની રચના કરવા માગતી હોય; યુવાનો, સ્ત્રીઓ, કિસાનો અને દરેક નાગરિકને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપવા માગતી હોય તો તેમને મારી સલાહ છે કે એકવાર હઝરત મુહમ્મદ પયગમ્બર સ.અ.વ.નું જીવન ચરિત્ર વાંચે. જુલમ, હિંસા અને અરાજકતાના માહોલ વચ્ચે આપે કહ્યું હતું કે એક દિવસ આવશે કે એક સ્ત્રી એકલી સનઆ (યમન)થી હઝરલમોત (બહરીન) સુધી હાથમાં સોનું ઉછાળતી યાત્રા કરશે અને તેને જંગલી જાનવર સિવાય કોઈનો ભય નહીં હોય. ન્યાયિક અને શાંતિમય વાતાવરણનું નિર્માણ કેવી રીતે થયું તેના માટે આપ સ.અ.વ.ના જીવન ચરિત્રમાંથી ઘણું માર્ગદર્શન મળી જશે. છેલ્લે વડાપ્રધાનને તેમના જ શબ્દો યાદ દેવડાવીશું કે “સમય પર કોઈ કામ નહીં કિયા ગયા તો ઇચ્છિત પરિણામ નહીં મિલ સકતા” –•–
sahmed.yuva@gmail.com