વર્તમાન સમયમાં મોટા ભાગે લોકોની માનસિકતા એવી બની ગઇ છે અથવા સંજોગોએ તેમને મજબૂર કરી દીધો છે કે તેઓ વધુને વધુ ધન દૌલત એકઠા કરવામાં જ ગળાડૂબ છે. સવારથી લઇને રાત્રે પથારી પર જતા સુધી દરેક ક્ષણ એક જ ધૂન સવાર રહે છે કે કઇ રીતે વધારે પૈસા મળે, પોતાના માટે આરામ અને સુવિધા મળે, બેંક બેલેન્સ વધે. મોટા ઘરો, ફ્લેટ્સ, મિલ્કતો, લકઝરી કારો અને દુનિયાના એશ આરામના સંસાધનો મળે. વ્યક્તિ જે સ્થિતિમાં છે તેનાથી સારી સ્થિતિ થાય તેવી ઇચ્છા ધરાવે છે અને આ ધૂનમાં તેને કાયદા કાનૂનનું ઉલ્લંઘન કરવામાં કે નૈતિક મૂલ્યો બાજુએ રાખવામાં કોઈ સંકોચ થતો નથી અને કલ્યાણના કામો કરવા અને જરૂરતમંદો,, નાદારો અને પરેશાન લોકોની મદદ કરવામાં કોઈ રસ હોતો નથી. ખાનગી લાભ, સ્વાર્થીપણુ અને ઇચ્છાઓની પૂર્તિ દરેક સમય તેની સામે રહે છે.
બીજુ બાજુ એવા લોકો પણ સમાજમાં છે જેઓ ધન-દૌલત કમાવવાની ચિંતાને પસંદ કરતા નથી. તેમના મત મુજબ આ દુનિયાદારી છે જે ધાર્મિકતા, દીનદારી અને સંયમ (તકવા)ની વિરોધી છે તેના મુકાબલામાં ફકર વ ફાકા (ગરીબી અને નિરાધારિતા)નું જીવન વ્યતીત કરવું અને તંગીમાં જીવવાથી સવાબ (પૂણ્ય) મળે છે. અને તેની ઘણી વિશેષતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે.
આ બંને દૃષ્ટિકોણ બે અંતિમ બિંદુઓ છે. સંતુલન તેની વચ્ચે છે અને તેનુ જ શિક્ષણ ઇસ્લામે આપ્યું છે.
ધન દોલત દુનિયાના જીવનની શોભા છે
દુનિયામાં જીવન વ્યતીત કરવા માટે ધન જરૂરી છે. તે ન હોય તો જીવન મુશ્કેલ બની જાય. કેમકે સામાન્યથી સામાન્ય વસ્તુ પણ પૈસા વગર પ્રાપ્ત કરી શકાય નહીં. એટલા જ માટે મનુષ્યની પ્રકૃતિમાં તેનો પ્રેમ શામેલ છે. અલ્લાહ તઆલા ફરમાવે છે,
“લોકો માટે મનગમતી વસ્તુઓ –– સ્ત્રીઓ, સંતાનો, સોના-ચાંદીના ઢગલા, ચુનંદા ઘોડા, ચોપગાં પશુઓ અને ખેડાઉ જમીનો ઘણી લોભામણી બનાવી દેવામાં આવી છે, પરંતુ આ બધી વસ્તુઓ દુનિયાની થોડા દિવસની જિંદગીની સામગ્રી છે. હકીકતમાં જે વધુ સારું ઠેકાણું છે, તે તો અલ્લાહ પાસે છે.” (સૂરઃ આલે ઇમરાન-૧૪)
અને “આ ધન અને આ સંતાનો માત્ર દુનિયાના જીવનની એક હંગામી સજાવટ છે…” (સૂરઃ કહ્ફ-૪૬)
ધન-દોલતનું પ્રેમ મનુષ્યમાં દિલમાં એવી રીતે ઘર કરી જાય છે કે તે તેને ઇજ્જત અને ઉચ્ચતાનું મયાર સ્તર સમજવા લાગે છે. માલ મનુષ્યની શ્રેષ્ઠતાનું માપદંડ બની જાય છે અને જે તેનાથી વંચિત હોય તેને સમાજમાં કોઇ મહત્વ આપવામાં આવતું નથી. કુઆર્નમાં બની ઇસરાઈલનો એક કિસ્સાનું વર્ણન છે કે એક અવસરે નબીએ તેમને સૂચના આપી કે અલ્લાહે તાલૂત નામની વ્યક્તિને તેમનો રાજા બનાવ્યો છે કે જેથી તેઓ તેના નેતૃત્વમાં શત્રુઓથી જંગ કરે, તો તેમણેે આ નિયુક્તિ પર એટલા માટે વાંધો ઉઠાવ્યો કે તેની પાસે માલ છે ન દોલતનો ભંડાર. તેમની વાત કુઆર્નમાં આ રીતે રજૂ કરવામાં આવી છે;
“અમારા ઉપર બાદશાહ થવાનો તે કેવી રીતે હક્કદાર થઈ ગયો ? તેની સરખામણીમાં બાદશાહીના અમે વધુ હક્કદાર છીએ. તે તો કોઈ મોટો ધનવાન વ્યક્તિ નથી.” (સૂરઃ બકરહ – ૨૪૭)
ધન-દોલત પરિક્ષાનું કારણ છે
ઇસ્લામી શિક્ષણ આ છે કે વ્યક્તિને દુનિયામાં જે કંઇ મળ્યું છે તે પરિક્ષા માટે છે. તેના વડે અલ્લાહ તઆલા આ જોવા માગે છે કે તે આ ભેટ પામીને અલ્લાહનો આભાર માને છે કે તેના ઉપર ઘમંડ કરે છે. આ સંસાર વાસ્તવમાં મનુષ્યો માટે કર્મની જગ્યા છે. અહિં કેટલાકને આપીને તો કેટલાંકને વંચિત રાખીને પરિક્ષા લેવામાં આવે છે. ધન-દોલત, માલ મિલ્કત, પત્નિ-બાળકો અને દુનિયા બધી વસ્તુઓ મનુષ્યો માટે પરિક્ષાના સાધન છે. અલ્લાહ ફરમાવે છે;
“અને જાણી લો કે તમારું ધન અને તમારા સંતાનો હકીકતમાં અજમાયશના સાધનો છે અને અલ્લાહના પાસે વળતર આપવા માટે ઘણુંય છે.” (સૂરઃ અન્ફાલ – ૨૮)
બુદ્ધિમાન વ્યક્તિ તે છે જે આ પરિક્ષામાં સફળ થવા પ્રયત્ન કરે. તેને દુનિયામાં જે ભેટો મળી છે તેમાં ખોવાઈ ન જાય. બલ્કિ તેમને અલ્લાહની પ્રસન્નતાના માર્ગમાં ખર્ચ કરે અને હંમેશા ઝિક્ર સ્મરણ કરતો રહો. જે લોકો આવું નથી કરતા વાસ્તવમાં તેઓ નિષ્ફળ અને નાકામ લોકો છે. તેથી જ ઇમાનવાળાઓને સાવચેત કરવામાં આવ્યું છે;
“હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છે ! તમારું ધન અને તમારા સંતાનો તમને અલ્લાહના સ્મરણથી ગાફેલ ન કરી દે.” (સૂરઃ મુનાફિકૂન – ૯)
દાનનો આદેશ
ઇસ્લામનું શિક્ષણ આ છે કે વ્યક્તિ વૈધ તરીકાથી માલ કમાવે અને જાયઝ કાર્યોમાં ખર્ચ કરે. તેને જે કંઇ મળ્યું છે તેને સગા-વ્હાલા, તેના આધીન લોકો પર ખર્ચ કરે અને અલ્લાહના બીજા બંદાઓનું પણ હક્ક સમજે તેમણે જે કંઇ કમાવ્યુ છે તેમાં તેની મહનત અને અથાક પ્રયત્નો શામેલ છે, પરંતુ ા બધુ અલ્લાહની તૌફીક કૃપાથી શક્ય બન્યું. બીજા ઘણા બધા લોકો છે જેઓ તંદુરસ્ત છે, પ્રતિભાઓ રાખે છે પરંતુ ધન-દોલતથી વંચિત અને તંગીમાં પડેલા છે. તેથી આભાર માનવાનો તકાદો છે કે તે પોતાના માલમાં બીજા મનુષ્યોનું પણ હક સમજે. અલ્લાહ ફરમાવે છે;
“ઇમાન લાવો અલ્લાહ અને તેના રસૂલ (ઈશદૂત) પર અને ખર્ચ કરો તે વસ્તુઓમાંથી જેના પર તેણે તમને ખલીફા (પ્રતિનિધિ) બનાવ્યા છે. જે લોકો તમારા પૈકી ઈમાન લાવશે અને ધન ખર્ચ કરશે તેમના માટે મોટો બદલો છે.” (સૂરઃ હદીદ – ૭)
અને બીજી જગ્યા ફરમાવે છે;
“હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! જે કંઈ ધન-સામગ્રી અમે તમને પ્રદાન કરી છે, તેમાંથી ખર્ચ કરો,…” (સૂરઃ બકરહ – ૨૫૪)
ઇમાનવાળાઓના જે ગુણો કુઆર્નમાં દર્શાવવામાં આવ્યા છે તેમનો એક આ પણ છે;
“જેમના ધનમાં માગવાવાળા અને વંચિતોનો એક નિશ્ચિત હક્ક છે.” (સૂરઃ મઆરિજ – ૨૪)
અવૈધ કમાઈ જાયઝ નથી
ઇસ્લામ આ વાત ઉપર ભાર મુકે છે કે વ્યક્તિ આ જુએ કે તે જે રીતે કમાવી રહ્યો છે તે ઠીક છે કે નહિ? વૈદ્ધ-અવૈધની પરવા કર્યા વગર ધન-દૌલત એકઠી કરવી નુકસાનનું કારણ છે. આ સંભવ છે કે આવી રીતે દુનિયામાં વૈભવના સાધનો પ્રાપ્ત કરી લે પરંતુ આખિરત (પરલોક)ના જીવનમાં તે ખોટા અંજામથી બચી શકતો નથી. તેથી ઇમાનવાળાઓને શીખામણ આપવામાં આવી છે કે તેઓ હરામ માલ ખાવાથી દૂર રહે. અલ્લાહ તઆલા ફરમાવે છે;
“હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! પરસ્પર એકબીજાનો માલ અનુચિત રીતે ન ખાઓ, ” (સૂરઃ નિસા-૨૯)
અનાથને સમાજમાં સૌથી નિર્બળ સમજવામાં આવે છે. પિતાના અવસાનના કારણે તે સુરક્ષા અને વાલીપણુથી વંચિત થઇ જાય છે. સાવ નજીકના સંબંધીઓ જ તેનો માલ ખઈ જવા અને દબાવવા પ્રયત્ન કરે છે. કુઆર્ન આવા લોકોને સખત ચેતાવની આપે છે જેઓ અનાથો પર દયાભાવ કરવા અને તેમની મદદ કરવાના બદલે તેમના માલ પર કબજો કરી લે છે.
“જે લોકો અન્યાયપૂર્વક અનાથોનો માલ ખાય છે, હકીકતમાં તેઓ પોતાના પેટ આગથી ભરે છે, અને તેઓ ચોક્કસ જહન્નમ (નર્ક)ની ભડકે બળતી આગમાં ઝોકવામાં આવશે. (સૂરઃ નિસા-૧૦)
બે બોધરૃપ બે દાખલા
ધન-દોલતના મામલામાં મનુષ્યોની કઇ રીત અલ્લાહને પ્રિય છે અને કઇ પદ્ધતિ તેના પ્રકોપને આમંત્રણ આપે છે. કુઆર્નમાં તેના વિવિધ દાખલા આપવામાં આવ્યા છે. અહી બે દાખલા આપવામાં આવી રહ્યા છે.
પહેલો દાખલો સૂરઃ કહફનો છે. તેમાં બે વ્યક્તિઓનું પાત્ર દર્શાવવામાં આવ્યો છે. એક પાત્ર એવા મનુષ્યનો છે જેને અલ્લાહે ધન-દોલતથી ખૂબ નવાજ્યો છે. તેની પાસે દ્રાક્ષના બે બાગ હતા. તેની આજુ બાજુ ખજૂરના વૃક્ષોની બાડ વાડ લાગેલી હતી અને વચ્ચે ખેતીની જમીન હતી. તેના બાગ ખુબ ફળ આપતા હતા. તેના પરિણામે તેની પાસે ઘણો ધન એકઠો થઈ ગયો હતો. પરંતુ આ બધુ પામીને તેમાં આભારભાવ પેદા ન થયો. બલ્કિ તે અહંકાર કરવા લાગ્યો. અને જે લોકો પાસે તેનાથી ઓછો ધન હતો તેમને નિમ્ન કક્ષાનું ગણવા લાગ્યો. બીજો પાત્ર તેના મિત્રનો છે. તેની પાસે એના કરતા ઓછો ધન હતો પરંતુ તેમાં તવાજઅ આદર વિનમ્રતા અને આભારભાવના ગુણ હતા. તેમણે તેના અહંકારી અને ઘમંડી મિત્રને સમજાવવા ખૂબ પ્રયત્ન કર્યા. તેમણે કહ્યું અલ્લાહનો આભાર વ્યક્ત કર. કેમ કે તારી પાસે જે કંઇ છે તેનો જ આપેલો છે જોે તે ઇચ્છે તે તારાથી આ બધુ છીનવી શકે છે. પણ આ ચેતાવની અને સજાવટનો આ ઘમંડી વ્યક્તિ ઉપર કોઇ અસર ન પડી અને તે તેની જ વર્તણુંક ઉપર અડગ રહ્યો. છેલ્લે અલ્લાહે તેના બાગ તબાહ કરી દીધા અને તે હાથ મળતો રહી ગયો. (આ કિસ્સો સૂરઃકહફ આયત ૩૨ થી ૪૪માં જોઈ શકાય છે.)
બીજો દાખલો કારૃનનો છે. આ હઝરત મૂસા અલૈ.ની કોમની વ્યક્તિ હતી પરંતુ તેમની અવજ્ઞાકારી કરી અલ્લાહના દુશ્મન ફિરઓન સાથે મળી ગઈ હતી. અલ્લાહ તઆલાએ તેમને અગણિત માલ અને દોલત આપી હતી. તેનો અંદાજ આ વાતથી લગાવી શકાય કે તેના ખજાનાની ચાવીઓ તાકતવર વ્યક્તિઓનો એક સમુહ મુશ્કેલથી ઉપાડતો હતો. તેની કોમના લોકોએ તેમને સમજાવ્યો કે અલ્લાહ તઆલાએ તેને જે ભેટ-ઇનામો આપ્યા છે તેના ઉપર અલ્લાહનો આભાર માન અને તેની અવજ્ઞાકારી ન કર. જે રીતે અલ્લાહ તઆલાએ તારા ઉપર ઉપકાર કર્યો છે તે જ રીતે બીજા મનુષ્યની સાથે ભલાઈ કર દુનિયાથી તારો ભાગ લે અને આખિરતની ચિંતા પણ કર. પરંતુ આ વાતનો તેના ઉપર કાંઈ અસર ન પડી. તેમણે ખૂબજ અહંકારપૂર્વક જવાબ આપ્યો કે મારી પાસે જે કાંઇ છે તે મે મારા જ્ઞાન અને કુશળતાથી પ્રાપ્ત કર્યું છે. અંતે અલ્લાહનો અઝાબ આવ્યોે અને તેને તેના ખજાના સાથે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો. (સૂરઃકસસ આયત ૭૬-૮૨માં જોઈ શકાય)
ધન-દોલતના મામલામાં ઇસ્લામી દૃષ્ટિકોણથી સાચો માર્ગ કમી અને અધિકતાની વચ્ચે છે સંતુલનનો છે તેની નજરમાં માલ અને દોલતની અધિકતા તકવા (સંયમ)ની વિરોધી નથી. બલ્કે તે માત્ર આ ઇચ્છે છે કે મનુષ્ય માલ પ્રાપ્ત કરવામાં વૈધ રીતો અપનાવે. અવૈધ રીતોથી દૂર રહે અને જે કંઇ તેને પ્રાપ્ત થાય છે તેને પોતાની ઉપર અને સગાવ્હાલાઓ ઉપર ખર્ચ કરે સાથેય અલ્લાહના બીજા બંદાઓનું પણ હક સમજે.