મર્કઝ
નિઝામુદ્દીન મર્કઝ દિલ્હીમાં માર્ચ-2020 માં 2000 તબ્લીગી જમાઅતના લોકો અગાઉથી નિર્ધારિત કાર્યક્રમ મુજબ ભેગા થયા હતા, જેમાં વિદેશી નાગરિકો પણ સામેલ હતા. જેમના વિષે ત્યાંના પોલીસ વિભાગને સંપૂર્ણ માહિતી હતી. કે અચાનક લોકડાઉન લાગી ગયું. જે લોકો પોતાના ઘરે જઈ સકતા હતા જતાં રહ્યા, મર્કઝ દ્વારા બાકીના લોકોની જવાની વ્યવસ્થા કરવામાં આવી પરંતુ સરકારે બદઈરાદા પૂર્વક કોઈ પણ જાતની તેમને મદદ ન કરી અને તેઓ મર્કઝમાં રોકાઈ અને ફસાઈ ગયા.
કોરોનાની વિકરાળ મહામારીને નાથી ના સકનાર સરકાર અને મુસ્લિમો વિરુધ્ધ ઝેર ઓકતા ગિધ્ધ મીડિયાને બહાનું મળી ગયું અને શરૂ થયું તબ્લીગી જમાઅતને કોરોના ફેલાવવાના સુપર સ્પ્રેડર તરીકે બદનામ અને સાબિત કરવાનું મહાઅભિયાન. સોસિયલ મીડિયા ઉપર કોરોના જેહાદ ટેગ ચાલ્યું 6 લાખ લોકોએ ટ્વિટ કર્યું 16.5 કરોડ લોકોએ જોયું. 20 માર્ચથી 20 એપ્રિલ 2020 માત્ર એક મહિનામાં 271 મીડિયા હાઉસ દ્વારા 11074 સ્ટોરીઓ કરવામાં આવી. બધીજ ચેનલો ઉપર દિનરાત માત્ર આજ ચર્ચા એ જોર પકડ્યું. તબ્લીગીઓને કોરોના બોમ્બ અને કોરોના જેહાદ સાબિત કરવાની જાણે હોડ અને હરીફાઈ લાગી.એંકરો ઉછળી ઉછળીને કૂદી કૂદીને બરાડા પાડીને ધૃવિકરણ કરી રહ્યા હતા. મીડિયાએ જાણે એક પ્રકારનું તોફાન મચાવી દીધું હતું. મીડિયાએ રીતસરની મીડિયા ટ્રાયલ ચલાવી તબ્લીગીઓને સજા આપવી, જાહેરમાં ગોળીએ વીંધી નાખવા જેવા વિધાનો કરી નાખ્યા. મર્કઝના તબ્લીગી જમાઅતના લોકોને નિયમોથી પણ વધારે ક્વોરેંટાઇન કરવામાં આવ્યા તેમની વિરુધ્ધ FIR થઈ, જેલ થઈ, વિદેશી નાગરિકોના વિઝા જપ્ત કરવામાં આવ્યા. જે લોકો પોતપોતાના ઘરે જતાં રહ્યા હતા તેમને શોધી શોધીને પકડવામાં આવ્યા,ભાજપના પ્રવકતા સંબીત પાત્રા એ કહ્યું 66 તબ્લીગીઓને કારણે સમગ્ર ભારતમાં કોરોના ફેલાયો. ફળોની લારી ચલાવતા મુસ્લિમો વિષે કહેવામા આવ્યું તેઓ ફળો ઉપર પોતાનું થૂંક લગાવીને કોરોના ફેલાવી રહ્યા છે ઠેર ઠેર તેમને મારવામાં અને ભગાવી દેવામાં આવ્યા તેમનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો. સમગ્ર મુસ્લિમ સમાજને શરમજનક પરિસ્થિતીમાં મૂકી દેવામાં આવ્યો.
આ બધુ ત્યારે થયું કે જ્યારે કોરોના વિષે લોકોને વધારે માહિતી હતી નહીં, નવા નિયમો વિષે પણ જાણકારી હતી નહીં, સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને 12 માર્ચે કહ્યું હતું કે માસ્ક પહેરવાની કે વધારે ગભરાવવાની જરૂર નથી. કોરોના બાબતે કોઈ માર્ગદર્શિકા હતી નહીં. સ્વયં સરકારી તંત્રને પણ શું કરવું અને શું ના કરવું તેની દ્વિધા હતી.નમસ્તે ટ્રંપની મેઘા ઈવેન્ટનું આયોજન થયું હતું. જેના યજમાન હતા સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજારો લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જાણે કોરોના કોઈ ગંભીર મહામારી છે જ નહીં તેની જાહેરાત કરતાં હોય. લોકોનો ડર દૂર કરતાં હોય.
તબ્લીગી જમાઅતનો મામલો હાઇકોર્ટમા પહોચ્યો અને હાઇકોર્ટ જે કાઈ કહ્યું તે ખુબજ આશ્ચર્યજનક અને સરકાર અને મીડિયા માટે શરમજનક હતું. તબ્લીગી જમાઅતના લોકો કોરોના નેગેટિવ હતા. તેઓ કોરોના કેવી રીતે ફેલાવી શકે ? વિદેશી લોકો કાયદેસરના વિઝા ઉપર ભારત આવ્યા હતા. મહારાષ્ટ્ર હાઇકોર્ટ એ કહ્યું “ મર્કઝ વિરુધ્ધ પ્રોપેગન્ડા કરવામાં આવ્યો છે. સરકારે મહામારીના સમયમાં તેમને બલીનો બકરો બનાવ્યો છે.” મદ્રાસ હાઇકોર્ટ એ કહ્યું “ તબ્લીગીઓની ધરપકડ અન્યાયી, અવિવેકી અને પક્ષપાતપૂર્ણ છે.” કર્ણાટક હાઇકોર્ટ એ કહ્યું “ કોઈ સાર્વજનિક શાંતિનો ભંગ થયો નથી.” મહારાષ્ટ્રની બીજી બેન્ચે કહ્યું “ તબ્લીગીઓની વિરુધ્ધ કોઈ પુરાવા નથી.” હાઇકોર્ટના ચુકાદાઓ પછી પણ જો 271 ન્યૂઝ ચેનલોને કાયદા સમક્ષ ના લાવી શકાય તો તે સરકાર અને સંવિધાન માટે ખુબજ શરમજનક બાબત કહેવાય, તેમની વિરુધ્ધ પગલાં ના ભરવા એ સરકાર અને મીડિયાની સાંઠ ગાંઠ દર્શાવે છે. હાઇકોર્ટના ચુકાદાઓ પછી પણ સરકાર તેમની વિરુધ્ધ એક્શન કેમ નથી લેતી ? આ લોકતંત્રની હત્યા છે. લોકતંત્ર ત્યારેજ બચશે જ્યારે રૂલ ઓફ લૉ કાયદાનું શાસન હશે. કાયદો બધા માટે સમાન હશે પછી તે કોઈ પણ ધર્મ કે સંપ્રદાય વિશેષ કેમ ના હોય.
કુંભ :
દર 12 વર્ષે યોજાતો કુંભ કે જે આ વર્ષે યોગાનુયોગ કહો કે કમનસીબી કહો કોરોનાની બીજી તીવ્ર લહેર દરમ્યાન આવ્યો છે. હરિદ્વાર ખાતે અત્યાર સુધી 48.5 લાખ શ્રધ્ધાળુઓએ ગંગામાં શાહીસ્નાન કર્યું. ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવતકે જેઓ એક સવૈધાનિક પદ ઉપર બિરાજમાન છે અને કોરોના મહામારી દરમ્યાન તેના પ્રોટોકોલને લાગુ કરવાની જવાબદારી છે. 10 એપ્રિલના રોજ ઉત્તરાખંડમાં ધાર્મિક સામાજિક ગેધરિંગ 200 વ્યક્તિથી વધારે ન હોય અને પરિવહનમાં 50% લોકોને પરવાનગી આપતી ગાઈડલાઇન બહાર પાડવામાં આવેલ છે. ત્યારે મુખ્યમંત્રી તીરથસિંહ રાવતનું નિવેદન આશ્ચર્ય પમાડે તેવું છે. શ્રધ્ધાળુઓને કોરોના નહીં થાય ગંગા મૈયાના આશીર્વાદ છે. કોરોના ગંગાના પાણીમાં વહી જશે. શ્રધ્ધાળુઓને કોરોના નેગેટિવ રિપોર્ટની પણ જરૂર નથી. તેમના સ્વાગત માટે હેલીકોપ્ટરમાથી ફૂલ વરસાવવામાં આવે. મર્કઝ સાથે કુંભની તુલનાના પ્રશ્નનો જવાબ આપતા તેમણે જણાવ્યુ કે તે એક બંધ ઇમારત હતી આ ખુલ્લા માં છે તેથી મર્કઝ સાથે તેની તુલના ના થઈ શકે. ત્યાંના પોલીસ કમિશ્નરનું કહેવું છે કે શ્રધ્ધાળુઓની સંખ્યા લાખોમાં હોવાથી સ્ક્રિનિંગ, સોસિયલ, ડિસ્ટન્સિંગ કે માસ્કની ગાઈડલાઇન ઉપર અમલ કરવો શક્ય નથી. જો અમલ કરવામાં આવશે તો ભાગદોડ મચી જશે. કેરળ રાજ્યને પોતાની રીતે કોરોના ગાઈડલાઈન ઉપર અમલ કરતાં રોકી દેનાર કેન્દ્ર સરકારે પણ કુંભના શાહીસ્નાનને રોકવાના કોઈજ પ્રયત્નો કર્યા નથી. ઉત્તરાખંડ હાઇકોર્ટએ કહ્યું કે પ્રતિબંધ લગાવો,TR–PCR ટેસ્ટ વગર પ્રવેશ ના આપો.તેમ છતાં રાજ્ય સરકારે તેનું પાલન કર્યું નહીં.
શું કુંભના હિન્દુ શ્રધ્ધાળુઓને કારણે કોરોના ફેલાશે એવું કહેવાની કોઈ હિમ્મત કરશે ? જો તબ્લીગી જમાઅતને કોરોના બોમ્બ કહેવામા આવ્યા હોય તો આમને કોરોનાના અણુંબોમ્બ કહેવું યોગ્ય નથી ? વર્ષ પહેલા અજાણતા માં થયું હતું હવે તો જાણી જોઈને કરવામાં આવ્યું છે. તબ્લીગી જમાઅતને કોરોનાના સુપર સ્પ્રેડર કહેવામા આવ્યા હતા,હરિદ્વારના કુંભને ભારતની નહીં વિશ્વની સૌથી મોટી સુપર સ્પ્રેડરની ઘટના તરીકે વર્ણવી શકાય. ઉત્તરાખંડના મુખ્યમંત્રી કોરોના ગાઈડલાઇન અને પ્રોટોકોલની વિરુધ્ધ કેવી રીતે કાઇ કહી કે કરી શકે ? કુંભ ઉપર કાયદેસરના પગલા ન ભરવા આર્ટીકલ 14 નું ઉલ્લંઘન છે. પ્રશાસને ડિઝાસ્ટર મેનેજન્ટ એક્ટની વિરુધ્ધ FIR કેમ ના કરી ?NSA કેમ લગાવવામાં ના આવ્યો. કેન્દ્ર સરકાર દ્વારા CBSE ની બોર્ડની પરીક્ષાઓ રદ થઈ શકતી હોય તો કુંભનું આયોજન કેમ નહીં ?જે રીતે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબસાંકેતિક રથયાત્રા કરવામાં આવી હતી તે રીતે કુંભમાં સાંકેતિક શાહીસ્નાન થઈ શકતું હતું. જે રીતે તબ્લીગી જમાઅતના લોકો નિર્દોષ શ્રધ્ધાળુ હતા તેજ રીતે કુંભના શાહીસ્નાનના શ્રધ્ધાળુઓ પણ નિર્દોષ છે તેઓ આસ્થા, શ્રધ્ધા, વિશ્વાસને કારણે શાહીસ્નાન માટે ઉમટી પડ્યા પરંતુ સરકારકે જે તેમના વોટથી બને છે તેમણે તેમના જીવ અને સ્વાસ્થ્ય બાબતે ચિંતા કરવાની જરૂર હતી. તેમને યોગ્ય માર્ગદર્શન આપવાની જરૂર હતી. સરકારે પ્રજાનો દ્રોહ કર્યો છે વિશ્વાસઘાત કર્યો છે.
પ્રશ્ન થાય કે ઉત્તરાખંડ સરકારે પગલા કેમ ના લીધા ?એકજ સર્વ સ્વીકૃત જવાબ હોઇ શકે રાજનીતિ ! લઘુમતી બહુમતીની રાજનીતિ સ્પષ્ટ થઈ ગઈ. એક ડર પશ્ચિમ બંગાળમાં ચૂટણી હારી જવાનો પણ સતાવતો હતો. શ્રધ્ધાળુઓ ભાજપના સમર્પિત મતદાતાઓ છે. આસ્થાના નામે મત મેળવવા અનૈતિક છે. જ્યારે કે ભાજપ મૂલ્યોની રાજનીતિનો દાવો કરે છે. ધર્મનો રાજનીતીમાં ઉપયોગ કરી રાજકીય ધ્રુવિકરણ કરવામાં ભાજપ મહારત ધરાવે છે.ધર્મ અફીણની જેમ છે લોકો કાઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે. સામાન્ય દિવસોમાં આવું કર્યું હોત તો ચાલત કોરોના કહેર વચ્ચે પણ આટલી હદે રાજકીય પક્ષો જઇ શકે તે વિચાર માત્ર કંપાવી દે તેવો છે. સમગ્ર દેશમાં જન સામાન્યનો એકજ પ્રશ્ન છે કે જ્યાં ચૂંટણી યોજાઇ રહી છે ત્યાં કોરોના કેમ નથી. વડાપ્રધાન જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિ પણ લાખો લોકોની પોતાની જાહેર સભામાં માસ્ક પહેરવા અને સોસિયલ ડિસ્ટન્સનું પાલન કરવા લોકોને અપીલ નથી કરતાં. બધાજ પક્ષો કાયદાઓનું છડેચોક ઉલ્લંઘન કરી રહ્યા છે. સામાન્ય જનતાને માસ્ક વગર 1000 રૂ. દંડ ભરવો પડે છે એકપણ રાજકીય નેતાને આજ સુધી દંડ ભરવો પડ્યો નથી.
દેશમાં કોરોનાની ચિંતાજનક ભયાવહ સ્થિતિ છે કોરોનાનું સંક્રમણ કોઈ ધર્મ કે સંપ્રદાય વિશેષને જોઈને નથી થતું. મર્કઝ હોય કુંભ હોય કે ચૂંટણી રેલીઓ રાત હોય કે દિવસ કોરોના કોઇની શેહશરમ નથી રાખતું. કોરોના ગાઈડલાઇનનું સ્વેચ્છાએ પાલન કરીએ. સરકારના ભરોસે ના રહીએ. સૌથી વધારે ડોક્ટર્સ અને તેમના સ્ટાફનો જુસ્સો વધારીએ તેમના કામની કદર કરીએ તેમને આવી મુશ્કેલ પરિસ્થિતિમાં સંપૂર્ણ સાથ સહકાર આપીએ. ધર્મ સંપ્રદાયથી ઉપર ઊઠીને આવી વિકટ પરિસ્થિતિમાં પ્રેમ ભાઇચારાનું વાતાવરણ ઊભું કરીએ એકબીજાની મદદ કરીએ પાડોશી ધર્મ બજાવીએ. મંદિરો–મસ્જિદો-મદ્રાસોને લોકોની મદદ માટે ખુલ્લા મૂકીએ. માનવ સેવા એ પ્રભુ સેવા છે તેને સાર્થક કરીએ.
(લેખક જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના સેક્રેટરી છે.)