આપણા સર્જનહારે સૃષ્ટિની જે રચના કરી છે તે ખરેખર અદ્ભૂત છે. એમાય માનવીનું જીવન તો ખુબ જ જટીલ છે. મનુષ્ય આપમેળે અસ્તિત્વમાં આવ્યો નથી બલ્કે અલ્લાહે તેને પોતાના હુકમથી પેદા કર્યો છે. સમગ્ર દુનિયામાં વિવિધ ભાગો અને ખંડોમાં અલ્લાહના ઘણા પયગમ્બરો આવ્યા છે તેમણે એક અલ્લાહની ઉપાસનાની તાલીમ આપી છે. પયગમ્બરોના મૂળભૂત શિક્ષણમાં એક શિક્ષણ આ પણ હતું કે માનવીને અલ્લાહે પેદા કર્યો છે તે આપ મેળે અસ્તિત્વમાં આવ્યો નથી. દુનિયામાં જોવા મળતા બધા જ માનવો એક જ માતાપિતાના સંતાન છે.
જેમ જેમ વસ્તી વધતી ગઈ અથવા પ્રાકૃતિક કારણોસર જીવન ટકાવવા માટે તેવો વિવિધ ભુભાગોમાં સ્થાન્તરિત થયા અને વિવિધ કબીલાઓ બનવા લાગ્યા. આગળ જઈને વિવિધ સીમાડાઓ અને જાતિઓ બની. સંબંધિત સ્થાને વાતાવરણ અને ભાવનાના કારણે તેમના દેખાવ, રંગ અને ભાષાઓમાં પરિવર્તન જરૃર આવ્યું પરંતુ તેમના શારીરિક બંધારણમાં કોઈ પરિવર્તન આવ્યું નથી. એક જ પ્રકારનું લોહી બધાની નસોમાં વહી રહ્યું છે, નૈસર્ગિક જરૃરિયાતો અને જન્મ મરણની પ્રક્રિયા પણ એક જ છે. પરંતુ વિચારોમાં પરિવર્તન આવ્યા ને આ પરિવર્તન હતું માનસિક સંકીર્ણતાનું. લોકો પોતાના કુટુંબ કે વંશ અથવા રંગ કે ભાષાના લોકોને જ શ્રેષ્ઠ સમજવા લાગ્યા અને બીજાના અધિકારોની ક્રમશઃ અવગણના કરતા રહ્યા. જેમ જેમ તે જીવનના ઉદ્દેશ્યથી અને સંસારના સર્જનહારથી દૂર થતો ગયો તેમ તેમ અનૈતિકતા, અપવિત્રતા અને અજ્ઞાનતાની ગર્તામાં ડુબતો ગયો. અસ્તિત્વની જંગ કે સત્તાની લડાઈમાં વિવિધ સમુહોનું નિર્માણ થતું રહ્યું. સ્વાર્થી અને સ્વછંદી માનસિકતાના કારણે સભ્યતાની સાથે સાથે નફરત અને પક્ષપાતી માનસિકતા પણ વધતી રહી. પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા વ્યક્તિગત કે સામુહિક ખેવનાએ હિંસાને જન્મ આપ્યો છે.
માનવને બુદ્ધિ અને જ્ઞાનની ઉપચારથી ઉચ્ચ નેમતથી બુલંદ કરવામાં આવ્યો હતો કે તે તેનો ઉપયોગ કરી દુનિયાને સ્વર્ગસમ, શાંતિમય અને દુષણોરહિત બનાવે. પરંતુ માનવીએ તેનો ઉપયોગ નિર્માણ કરવાને બદલે બરબાદી માટે કર્યો. પશુ પક્ષી, જીવજંતુ ને આ બુદ્ધીનો ઉપહાર આપવામાં આવ્યો નથી તેવો તો ચિટ્ટીના ચાકર જેવા છે. તેમને જે કાર્યો સુપ્રદ કરવામાં આવ્યા છે તેઓ સારી રીતે બજાવી રહ્યા છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો સ્વાદ તેમણે માંડયો નથી પરંતુ પોતાની દુનિયાને નર્ક પણ બનાવી નથી. ક્યારેક એવું લાગે છે આ અભણ પ્રાણીઓની દુનિયા બુદ્ધિમાન માનવ કરતા સારી છે. કેમકે ત્યાં અસ્તિત્વની જંગ છે ન કે શ્રેષ્ઠતાનો દંભ.
કોઈ વિશેષ દુકાનમાં ગોઠવવાથી વસ્તુ શ્રેષ્ઠ થતી નથી. વસ્તુની શ્રેષ્ઠતા સાથે ગુણ જોડાયેલા છે. શ્રેષ્ઠ વસ્તુની તમે ગેરંટી આપી શકો તેના ચળકારની નહીં. કેમકે ચળકતી દરેક વસ્તુ સોનું નથી હોતી. આવી સામાન્ય વાત પણ લોકો સમજતા નથી. બસ, પોતપોતાની ટંંગડી અધ્ધર રાખવા મદમસ્ત હાથીની જેમ ચાલતા રહે છે. એટલે ગેરંટી ગુણની છે વસ્તુના રંગ, પ્રકાર કે દેખાવની નથી.
માનવી જગતની કરૃણાંતિકા તો જુઓ, માનવ માનવનો દુશ્મન બન્યો છે. શરબત ભરેલી બોટલનું મુલ્ય છે ખાલી બોટલનો શું મુલ્ય?!!! બોટલ જેટલી ખાલી હોય તેટલો અવાજ વધારે કરે. એ જ રીતે એ જ વ્યક્તિ શ્રેષ્ઠ છે જેનામાં માનવીય મુલ્યો હોય. કોઈ વિશેષ કુળમાં જન્મવાથી કે ખાસ રંગનો હોવાથી કે અસામાન્ય ભાષા બોલવાથી શ્રેષ્ઠતાને પાત્ર બનતો નથી. જે વ્યક્તિ બીજા માનવને સન્માન આપી શકતો નથી તે પોતાના જ અસ્તિત્વ ઉપર પ્રશ્નાર્થ ઉભો કરે છે. જે બીજામાં માનવ શોધી શકતો નથી તે પોતે માનવ કેવી રીતે બની શકે.
આ આપણી કમનસીબી છે કે આપણે માનવને કેટલા સમુહોમાં વહેચી દીધા છે. ઊંચ-નીચ, બહ્મણ-શુદ્ર, આર્ય-આદિવાસી, પવિત્ર-અસ્પૃશ્ય, ગુજરાતી, બિહારી, કાશ્મીરી, બંગાળી, ભારતીય-પાકિસ્તાની, જાપાની, ઇરાની, કાળા-ગોરા, વગેરે વગેરે. શું શ્રેષ્ઠતા, આદર, સન્માન, ગૌરવ, કોઈ ખાસ સમુહ માટે આરક્ષિત કરી શકાય. જો સામાજિક, રંગીય અને ભાષાકીય, પ્રાંતીય અને રાષ્ટ્રીય આરક્ષણ શૂન્ય થઈ જાય તો પછી જાતિગત કે ધાર્મિક આરક્ષણની જરૃર ન પડે. ધનપતિઓ એવી આર્થિક નીતિ ઇચ્છતા નથી કે જેથી દરેક વ્યક્તિને અર્થોપાર્જનની સમાન તકો મળે. ધાર્મિક ગુરૃઓ એવી વ્યસ્થતા ઘડતા નથી કે જેથી દરેક વ્યક્તિને સામાજિક સમાનતા મળે. માત્ર અસ્પૃશ્તાની વિરુદ્ધ કોઈ નિવેદન આપવાથી સમાનતા થઈ શકતી નથી. બુદ્ધિ અને કૌશલ્યતાના આધારે જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધવાની સમાન તક મળવી જોઈએ.
માત્ર જીવિત રહેવું મહત્ત્વનું નથી. સન્માન અને સ્વાભિમાન સાથે જીવવું મહત્ત્વનું છે. જીવન ધોરણ ઉચું થઈ જવાથી કશુ પરિવર્તન આવતું નથી. વિચારો ઉચ્ચ બનવાથી ક્રાંતિ આવે છે. મેં ઘણી જગ્યા વાંચ્યું છે ગર્વ સે કહો હમ હિંદુ હૈં, મુજે મુસ્લિમ હોને પર ફખ્ર હૈ, ગર્વ સે કહો હમ ભારતીય હૈં, મેં ઉચ્ચ કુલકા હું વો ચમાર હૈ… જ્યારે આપણે આ પ્રકારના સુત્રો પોકારતા હોઈએ છીએ ત્યારે આપણી સંકુચિત માનસિકતા છતી કરતા હોઈએ છીએ.
મારો પ્રશ્ન છે આપણને કઈ બાબતનો ગર્વ છે? વિશેષ સમુહ સાથે સંબંધ હોવાનો ગર્વ!!! કોઈ વિશેષ કુળ, વંશ, જાતિ, પ્રાંત કે દેશમાં જન્મ હોવું આપણા હાથની વાત હતી? શું આપણે આપણી ઇચ્છાથી કોઈ વિશેષ સમુદાયમાં પેદા થયા છે? ના, તો પછી ગર્વ શેનો? ગર્વ લેવા જેવી બાબત જો કોઈ હોઈ શકે તો માત્ર એ આપણા કર્મો છે. કોઈ ઇબાદતખાનાની અંદર જન્મેલી વ્યક્તિ જો જુલમ કરે તો તેના ઉપર ગર્વ લઈ શકાય નહીં. પરંતુ કોઈ મંદિરના પગથીયે બેઠેલું બાળક સત્ય વચન કહે તો તેના ઉપર ગર્વ લઈ શકાય. એક બીજાને ઓળખવા વંશીય, જાતિય કે સીમાંકીય ઓળખ દર્શાવવામાં કોઈ વાંધો નથી બલ્કે એ તો સભ્ય સમાજની જરૃર છે. પરંતુ માનવીય શ્રેષ્ઠતા અને ગૌરવ ગુણો અને સારા કર્મોને અધીન હોવા જોઈએ.
જે વ્યક્તિ માનવીય જીવનનું જતન અને નૈતિક મુલ્યોનું પાલન ના કરી શકતી હોય એ ક્યારેય માનવ કહેવાડવાને પાત્ર નથી. માનવીય જીવનનું જતન એટલે માનવને પ્રેમ કરવું, બંધુતા અને એકતાની ભાવના કેળવી, તેનું સન્માન કરવું, સમાન નાગરિક અને ધાર્મિક અધિકાર આપવા, બીજા સજીવોના મુકાબલામાં માનવને પ્રાથમિકતા આપવી, એની કદર કરવી. માનવ તરીકે જન્મેલી વ્યક્તિ જો ‘માનવ’ ન બની શકતી હોય તો તેનાથી મોટી દુખદ ઘટના બીજી શું હોઈ શકે? સુગંધ કે રંગના આધારે ફૂલોની પસંદ જુદી જુદી હોઈ શકે પરંતુ ફૂલ તરીકે તેની સુંદરતાનો કોઈ ઇન્કાર કરી શકતો નથી. માનવને જે વસ્ત્ર શોભા આપે છે તે નમ્રતા છે.
આપણે કેવી વિચિત્ર દુનિયામાં શ્વાસ લઈ રહ્યા છીએ. જ્યાં એક પશુ માટે માનવની હત્યા કરી શકાય. જ્યાં વ્યક્તિની કદર ધર્મ કે જ્ઞાતિ જોઈને કરતા હોઈએ. જ્યાં એક વિશેષ જાતિને આયોજન બદ્ધ રીતે પછાત રાખવામાં આવે છે. જ્યાં પૂરી વસ્તીને ઘરવિહોણા કરી દેવામાં આવે છે. જ્યાં સેંકડો નિર્દોષ નવયુવાનોને વર્ષો સુધી રીબાઈ રીબાઈને મરવા કેદમાં નાખી દેવામાં આવે. રાજનૈતિક લાભ માટે એન્કાઉન્ટર કરી દેવામાં આવે. મૂડીવાદીઓના હિત માટે આદિવાસીઓના જળ, જમીન, જંગલ કબ્જે કરી લેવામાં આવે. વિકાસના નામે સમગ્ર વસ્તીને વિસ્થાપિત કરી શકાય? એક માસુમ યુવાનને ભીડ નિર્દયતાપૂર્વક મારતી હોય અને લોકો તમાશો જોતા હોય! એક છાત્રને આત્મહત્યા કરવા મજબૂર કરી દેવાય. એક લાડિલા પુત્રને યુનિવર્સીટીમાંથી લાપતા કરી દેવાય. મરેલા ઢોરોની ચામડી કાઢતા યુવાનોને નિર્દયતાપૂર્વક મારવામાં આવે. જ્યાં માનવીય મુલ્યોનું છડેચોક વસ્ત્રહરણ થઈ રહ્યું છે.
વૈશ્વિક સત્તાઓ આતંકવાદ સામે યુદ્ધના નામે પોતાના નિર્ધારિત હેતુ સિદ્ધ કરવા અનેક દેશમાં નિર્દોષ નાગરિકોના ખૂનથી હોળી રમી રહી છે. નવસામ્રાજ્યવાદે આમ આદમીના ચેહરાની મુસ્કાન છીનવી લીધી છે. દેશના પ્રધાનમંત્રી કહે છે ભારત શાંતિ, એકતા અને સદ્ભાવના માટે છે.!!! કાશ!! તેઓ પોતાના વચનને સત્ય સાબિત કરી બતાવે. જો આવું થાય તો આપણો દેશ માનવતાથી ખીલી ઉઠે.
ઇસ્લામ એક પ્રાકૃતિક ધર્મ છે. ઇસ્લામ એટલે અલ્લાહનો આદેશ, જે સમગ્ર સૃષ્ટિનો સર્જનહાર છે. ત્યાં તમામ માનવો માટે પથદર્શક પણ છે. તે એક જ છે તો તેનો માર્ગ પણ એક જ હોવો જોઈએ. વિવિધ ખંડોમાં વસતા લોક વ્યવહારો અને સાંસ્કૃતિઓ અને ધર્મોમાં જોવા મળતી માનવી મુલ્યોની સમાનતા એ દર્શાવે છે કે ધર્મ એક જ હતો. એ સમાન શિક્ષણને જોઈ ને જ લોકો કહે છે કે બધા ધર્મો અનુસાર એક જ છે અને એ છે માનવતા. અને જો માનવતા ધર્મો અનુસાર હોય તો સમાનતા, બંધુતા, સમરસતા, એકતા, એકરૃપતા તેનું મુળ શિક્ષણ હોવું જોઈએ. “આરંભમાં સૌ મનુષ્યો એક જ ઉમ્મત (સમુદાય) હતા, પાછળથી તેમણે અલગ-અલગ માન્યતાઓ અને પંથ બનાવી લીધા, અને જો તારા રબ તરફથી પહેલાંથી જ એક વાત નક્કી ન કરી દેવાઈ હોત તો જે વસ્તુ બાબતમાં તેઓ એક-બીજા સાથે મતભેદ કરી રહ્યા છે, તેનો નિર્ણય કરી દેવામાં આવ્યો હોત.” (સૂરઃ યુનૂસ-૧૯). જે અલ્લાહે ઇન્સાનોને પેદા કર્યા છે તેમની વચ્ચે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. લોકો ઇસ્લામના સ્થાપક મુહમ્મદ સ.અ.વ.ને સમજે છે હકીકતમાં તેઓ ઇસ્લામના અંતિમ સંદેષ્ટા છે. ઇસ્લામે માનવીય સન્માનની દૃષ્ટિએ જે શિક્ષણ આપ્યું છે તેનાથી કુઆર્ન અને હદીસના પૃષ્ઠો ભરેલા છે. ત્યારે એક ઝલક પ્રસ્તુત છે.
“લોકો ! પોતાના રબ (માલિક)થી ડરો, જેણે તમને એક જીવથી પેદા કર્યા અને તે જ જીવથી તેનું જોડું બનાવ્યું અને આ બંનેથી ઘણા પુરુષો અને સ્ત્રીઓ દુનિયામાં ફેલાવી દીધા. તે અલ્લાહથી ડરો જેના નામે તમે એકબીજાથી પોતાના હક્કો માગો છો, અને સગા-વ્હાલાના સંબંધો બગાડવાથી દૂર રહો. વિશ્વાસ રાખો કે અલ્લાહ તમારા ઉપર દેખરેખ રાખી રહ્યો છે.” (સૂરઃ નિસા-૧)
“અને એવા લોકો પણ અલ્લાહને પસંદ નથી જેઓ કંજૂસી કરે છે અને બીજાઓને પણ કંજૂસીની શિખામણ આપે છે અને જે કંઈ અલ્લાહે પોતાની કૃપાથી તેમને પ્રદાન કર્યું છે તેને છૂપાવે છે.” (સૂરઃ નિસા-૩૭)
“લોકો ! અમે તમને એક પુરુષ અને એક સ્ત્રીમાંથી પેદા કર્યા અને પછી તમારી કોમો (જાતિઓ) અને કબીલા (બિરાદરીઓ) બનાવી દીધા જેથી તમે એકબીજાને ઓળખો. હકીકતમાં અલ્લાહના નજીક તમારામાં સૌથી વધુ પ્રતિષ્ઠિત તે છે જે તમારામાં સૌથી વધુ પરહેઝગાર (અલ્લાહથી ડરનાર, સંયમી) છે. નિશ્ચિતપણે અલ્લાહ સર્વજ્ઞ અને સુમાહિતગાર છે.” (સૂરઃ હુજુરાત-૧૩)
“અને આ તમારી ઉમ્મત (સમુદાય) એક જ ઉમ્મત છે અને હું તમારો રબ (પ્રભુ) છું, તેથી મારાથી જ તમે ડરો.” (સૂરઃ મુ’મિનૂન-૫૨)
આપ સ.અ.વ.એ ફરમાવ્યું,
“કોઈ અરબને બિનઅરબ પર, કોઈ બિન અરબને આરબ ઉપર, કોઈ ગોરાને કાળા ઉપર કોઈ કાળાને ગોરા પર કોઈ શ્રેષ્ઠતા નથી. તમે બધા આદમની સંતાન છો અને આદમ માટીથી પેદા કરવામાં આવ્યો હતો”
“કોઈ વ્યક્તિ મોમિન નથી હોઈ શકતી જ્યાં સુધી તેના હાથ અને વાણીથી તેનો ભાઈ સુરક્ષિત ન હોય.” (નિસાઈ)
“કોઈ વ્યક્તિ મોમિન નથી હોઈ શકતી જો તે પેટ ભરીને ખાય અને તેનો પાડોશી ભુખ્યો સુઈ જાય.”
“કોઈ વ્યક્તિ મોમિન નથી હોઈ શકતી જો તે પોતાના ભાઈ માટે એ પસંદ ન કરે જે પોતાના માટે પસંદ કરે છે.”
“દુનિયા વાળા ઉપર કૃપા કરો અલ્લાહ તમારી ઉપર મહેરબાન થશે.”
“અલ્લાહે મારી તરફ વહી કરી છે કે વિનમ્રતા કેળવો અહીં સુધી કે કોઈ વ્યક્તિ બીજાના મુકાબલામાં ગર્વ ન કરે અને ન કોઈ બીજા પર જુલમ અત્યાચાર કરે.”
“એકબીજાની ઈર્ષ્યા ન કરો, એક બીજાની શોધખોળ ન કરો, આપસમાં દુશ્મની ન રાખો, સંબંધ ન તોડો, ન સોદા ઉપર સોદો કરો. અલ્લાહના બંદા અને આપસમાં ભાઈ ભાઈ બનીને રહો.” (મુસ્લિમ)
“મુસલમાન મુસલમાનનો ભાઈ છે ન તેના પર જુલમ કરો ન તેનું અપમાન કરો ન તેને તુચ્છ જાણો.” (મુસ્લિમ)
“મજલુમની ફરિયાદ અને પોકારથી બચો.”
“રૃશ્વત લેનાર અને આપનાર બન્ને ઉપર ફિટકાર છે.” (તિર્મીઝી)
“સૌથી મોટો ગુનો શિર્ક કરવું, નાહક હત્યા કરવી, માતાપિતાની અવજ્ઞા કરવી અને ખોટી સાક્ષી આપવી છે.” (બુખારી)
“સંબંધોને તોડનારા જન્નતમાં નહીં જાય.” (અબુદાઉદ)
“બે વ્યક્તિઓ વચ્ચે ફસાદ નાખવાથી બચો કેમકે આ વસ્તુ દીનને તબાહ કરનારી છે.” (તિર્મીઝી)
“તમે પોતાના ભાઈને મુસીબતમાં જોઈ ખુશી વ્યક્ત ન કરો.”
“ઈર્ષ્યાથી બચો કેમકે તે ભલાઈઓને એવી રીતે ખાઈ જાય છે જેમકે અગ્નિ લાકડીને” (અબુદાઉદ)
“જે વ્યક્તિ નાહક પોતાની કોમની હિમાયત કરે તે એવો છે જેમ કોઈ ઊંટ કુવામાં પડી જાય તો પુછડી પકડીને ખેંચે.”
“ખુદાથી સૌથી દૂર તે વ્યક્તિ હોય છે જે કઠોર હૃદયનો હોય.” (તિર્મિઝી)
“અહંકારી અને આકરા વચનો કહેનાર વ્યક્તિ જન્નતમાં પ્રવેશ નહીં મેળવી શકે.”
“મોમિનનું સમગ્ર અસ્તિત્વ પ્રેમ હોય છે તેનામાં કોઈ ભલાઈ નથી જે કોઈના માટે પ્રેમ ન રાખતો હોય અને ન કોઈ તેના માટે પ્રેમ રાખતો હોય.”
“પોતાના ભાઈની મદદ કરો જાલિમ હોય કે મજલૂમ. એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો હું મજલૂમની મદદ કરૃં છું. પરંતુ જાલિમની મદદ કેમ કરૃં? આપે ફરમાવ્યું તમે જાલિમને જુલમ કરતા રોકો એ જ તેની મદદ છે.” (બુખારી)
“અલ્લાહની નજીક સૌથી ધિક્કારપાત્ર વ્યક્તિ તે છે જે હઠીલો અને ઝગડાળું હોય.” (બુખારી)
એમ તો બધા મનુષ્ય તરીકે જન્મ લે છે પરંતુ મનુષ્ય તરીકે જન્મવા અને મનુષ્ય બનવામાં ઘણો ફેર છે. ઇન્સાન તરીકે જન્મવું સહેલું છે પરંતુ ઇન્સાન બનવું પડકારરૃપ છે. જ્યાં સુધી માનવી તરીકે વ્યક્તિના સન્માન અને તેના અધિકારોની સુરક્ષાની ભાવના પેદા નહીં થાય ત્યાં સુધી મનુષ્ય બની શકાતું નથી. એવું નથી કે એક વ્યક્તિ બીજી વ્યક્તિનું સન્માન નથી કરતી બલ્કે કયારેક તે પોતાનું પણ સન્માન નથી કરતી. મનુષ્યનું સૌથી મોટું સન્માન એક બુદ્ધિમાન સજીવ તરીકે આ છે કે તે પોતાના જેવા મનુષ્ય સામે શીશ ન નમાવે અને માનવ પોતાના કરતા ઉતરતી કક્ષાના સર્જન એટલે (પશુ, પર્વતો, પત્થરો વગેરે) સામે માંથુ ટેકવે તો એનાથી મોટું માનવનું અપમાન શું હોઈ શકે? સ્પષ્ટ છે કે માનવનું સન્માન એ છે કે તે પોતાના સર્જનહાર સામે જ માથું ઝુકાવે.
મનુષ્યને માનવતાની ઉચ્ચ કોટિ સુધી લઈ જવા માટે જે માર્ગદર્શન અને શિક્ષણ આપવામાં આવે તેને જ ‘સત્ય ધર્મ’ કહેવાય. આ જ સીધા માર્ગ વિશે કુઆર્નમાં અલ્લાહ ફરમાવે છે, “તો પછી (હે પયગંબર ! અને પયગંબરના અનુયાયીઓ !) એકાગ્ર થઈને પોતાનું મુખ આ દીન (ધર્મ)ની દિશામાં જમાવી દો, કાયમ થઈ જાવ તે પ્રકૃતિ પર જેના ઉપર અલ્લાહે મનુષ્યોને પેદા કર્યા છે, અલ્લાહે બનાવેલ પ્રકૃતિ બદલી શકાતી નથી. આ જ તદ્દન સીધો અને દુરસ્ત દીન (ધર્મ) છે, પરંતુ ઘણાં લોકો જાણતા નથી.” (સૂરઃ રૃમ-૩૦) /
sahmed.yuva@gmail.com