દોહા : આંતરરાષ્ટ્રીય ઉલેમા કાઉન્સિલના પ્રમુખ અલ્લામાં યૂસુફ. અલ કર્ઝાવીએ રોહિંગ્યા મુસલમાનોના વંશોચ્છેદ વિરુદ્ધ ઉમ્મે મુસ્લિમા અને આરબ દેશોને તાત્કાલિક ધોરણે સક્રિય થવાની માગણી કરી છે અને સાથે જ અપીલ પણ કરી છે કે મ્યાન્મારનું બહિષ્કાર કરવામાં આવે.
તેમણે પોતાના એક લેખિત નિવેદનમાં કહ્યું છે કે મ્યાન્મારના મુસ્લિમ ભાઈઓની મદદ ન કરવા બદલ કયામતના દિવસે અલ્લાહતઆલા સમક્ષ આપણો હિસાબ-કિતાબ થશે. આથી મુસ્લિમ ઉમ્મતને મારી આ વિનંતી છે કે તેઓ આ જુલ્મ અત્યાચાર અને બર્બરતાની વખોડણી કરવા સહિત મ્યાન્માર ઉપર આર્થિક તથા રાજકીય પ્રતિબંધો મૂકવાની માગણી કરે.
તેમણે કહ્યું કે ઇસ્લામ આપણને મજલૂમ પીડિતની મદદ કરવા અને જાલિમ (જુલ્મ કરનાર)ની વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો હુકમ આપે છે. આના માટે સમગ્ર મુસ્લિમ ઉમ્મતે એક અવાજ બનવું પડશે. યૂસુફ અલ-કર્ઝાવીએ અંતમાં કહ્યું કે રોહિંગ્યા મુસલમાનોની મદદ માટે તુર્કી સરકાર અને ખાસ કરીને ત્યાંના પ્રમુખ રજ્જબ તૈય્યબ અર્દુગાનની સક્રિય એલચીકીય તથા માનવીય ભૂમિકા પ્રશંસનીય છે, અને હું તેમના પ્રયત્નોને બિરદાવું છું. તેમણે આરબ દેશોની સંવેદનહીનતા પર ટીકા કરતા કહ્યું કે આ લોકો ફાલતુ અને બિનજરૂરી પ્રશ્નોમાં ખુદને વ્યસ્ત રાખીને મજલૂમ મુસલમાનો સંબંધિપ પોતાની જવાબદરીઓથી મોઢું ફેરવી રહ્યા છે.