મ્યાનમારમાં રોહિંગ્યા મુસલમાનો પર થઈ રહેલા અમાનવીય અત્યાચાર પ્રત્યે દર્દમંદ દિલ ધરાવનાર દરેક વ્યક્તિ બેચેન થઈ ગઈ છે અને અંદર ને અંદર ધૂંઆપૂંઆ થઈ રહી છે પોતાની એ જ લાગણીઓને વ્યકત કરવા માટે વિશ્વના અનેક દેશોમાં લોકો સડકો પર ઉતરી આવ્યા છે. તેઓ પોત-પોતાની રીતે રોહિંગ્યા મુસલમાનોના હિમાયતમાં વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ પ્લેકાર્ડ, સૂત્રોચ્ચાર અને આવી વિવિધ રીતો દ્વારા નિર્દોષ તથા નિઃશસ્ત્ર રોહિંગ્યાઈ મુસલમાનો પર ગુજારાઈ રહેલા અત્યાચારો બંધ કરવાની માગણી કરી રહ્યા છે. આ અંગે અમેરિકાથી લઈ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈરાન, ફલસ્તીન અને મલાયેશિયા વિ. વિ. વિશ્વના અનેક દેશોમાં વિરોધ-પ્રદર્શનો યોજવામાં આવ્યા છે.
અમેરિકામાં ન્યૂયોર્ક તથા વોશિંગ્ટન એમ બે જગ્યાએ આ વંશીય હત્યાઓ વિરુદ્ધ દેખાવો કરવામાં આવ્યા. ન્યૂયોર્કમાં સંયુકત રાષ્ટ્ર સંઘની બિલ્ડિંગ સામે અને વોશિંગ્ટનમાં બર્માના દૂતાવાસ સામે મોટાપાયે વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા જેમાં પ્રદર્શનકારીઓએ રોહિંગ્યા મુસ્લિમોની વંશીય હત્યાઓ બધ કરવા તથા આ હત્યાઓ તથા વિનાશલીલાઓને આતંકવાદ ઠેરવવાની માગણી કરી હતી.
ભારતમાં દિલ્હી, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને ગુજરાત વિ. કેટલાક રાજ્યોમાં તથા પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ તથા કરાી વિ. શહેરોમાં રોહિંગ્યાઈ મુસ્લિમોના સમર્થનમાં તથા બર્મા સરકારની વિરુદ્ધમાં દેખાવો કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનમાં જમાઅતે ઇસ્લામી પાકિસ્તાનના પ્રમુખ સીરાજુલ હક્કની આગેવાની હેઠળ જમાઅતે તેમજ અન્ય અનેક રાજકીય તથા ધાર્મિક સંસ્થા-સંગઠનોએ રેલીઓ તથા વિરોધપ્રદર્શનોનું આયોજન કર્યું હતું. સિરાજુલ હક્કે ઓઈઆઈસીની તાત્કાલિક હંગામી બેઠક બોલાવવાની પણ માગણી કરી હતી.
બાંગ્લાદેશના પાટનગર ઢાકામાં હજારો લોકો રોહિંગ્યા મુસલમાનોની હિમાયતમાં સડકો પર આવી ગયા હતા તેમણે મ્યાન્મારની નેતા આંગ સાન સૂચી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
આવી જ રીતે ઈરાનમાં પણ જુમ્આની નમાઝ બાદ પાટનગર તહેરાનમાં ઘણી મોટી સંખ્યામાં લોકોએ મ્યાન્મારના મજલૂમ રોહિંગ્યાઈ મુસલમાનોની તરફેણમાં અને બર્માની સરકારના વિરોધમાં દેખાવો કર્યા હતા. ઈરાનના વિદેશમંત્રીએ સંયુકત રાષ્ટ્રસઘના સેક્રેટરી જનરલ નામે એક પત્ર લખી મ્યાન્મારનમાં મુસમલાનો પર થઈ રહેલા અત્યાચારો વિરુદ્ધ ચિંતા વ્યકત કરી માગણી કરી હતી કે આંતરરાષ્ટ્રીય બિરાદરી અને સવિશેષ સંયુકત રાષ્ટ્ર સંઘ આ અત્યાચારોને બંધ કરાવે.
મલાયેશિયાની રાજધાની કવાલાલમ્પુર ખાતે પણ આવા વિરોધ-પ્રદર્શનો યોજાયા હતા. ત્યાં મ્યાન્મારના દૂતાવાસ બહાર લોકો એકઠા થયા હતા.