વિશ્વના મોટાભાગના લોકોને પૂછો કે તમારા જીવનનો ધ્યેય (Goal) શું છે? તો મોટાભાગના લોકો પાસે જવાબ નહીં હોય. માત્ર થોડાક જ લોકો જીવનના સ્પષ્ટ ધ્યેય સાથે જીવતા હોય છે. અને તેથી જ તેઓ સફળ થતા હોય છે. મનોવિજ્ઞાાનીઓ કહે છે કે માણસ જે ધારે છે તે કરી શકે છે, એની સામે જે લક્ષ્યો હોય છે એ પાર પાડી શકે છે, એના માટે ધ્યેયની સ્પષ્ટતા, ત્યાં પહોંચવા માટે સંકલ્પ શક્તિ અને સાધનો અને ખંતપૂર્વક લાગ્યા રહેવું અનિવાર્ય શરતો છે. વિશ્વમાં ઘણા ઓછા લોકો આવી સ્પષ્ટતા ધરાવે છે અને જે લોકો ભૂતકાળમાં થઈ ગયા એમાં ‘ધી વર્લ્ડસ ગ્રેટેસ્ટ ગોલ એચીવર’ નામ ના મેળવી ચુકેલા એમેરિકાના જ્હોન ગોડાર્ડનું નામ ટોપમાં આવે. હજી સવા બે વર્ષ પહેલાં જ ૧૭ મે ૨૦૧૩ને દિવસે અવસાન પામેલા જ્હોન ગોડાર્ડનો જન્મ ૨૯ જુલાઈ ૧૯૨૪માં પર્સીવલ લુંડબર્ગ ‘જેક’ ગોડાર્ડ અને લેટી એલિસ સોરેન્સનના સંતાન, સોલ્ટ લેક સિટીસ ઉટાહમાં જન્મ્યા હતા. લોસ એન્જેલસના કેલિફોર્નિયામાં બાળપણ વીત્યું. પંદર વર્ષની ઉંમરે જ્યારે યુવાનો ખેલકૂદમાં સમય વીતાવે છે ત્યારે જ્હોને એ બધાથી હટકે જીવનમાં શું શું કરવું એનું એક લાંબુ લિસ્ટ બનાવ્યું. ૧૨૭ બાબતોની કોઈ સામાન્ય યાદી ન હતી. એમાં નાઈલ, એમેઝોન અને કોંગો નદીઓમાં મુસાફરીની વાત હતી તો એવરેસ્ટ અને કીલીમાન્જરો જેવા પહાડો ઉપર ચઢવાનો લક્ષ્ય હતો. હાથી અને ઘોડા ઉપર સવારી કરવાથી લઈ જેટ પ્લેન ઉડાડવાનું, બધા દેશોની મુલાકાત લેવાનું, અરે ચંદ્ર ઉપર જવાનું પણ એનું લક્ષ્ય હતું!! ૧૨૭માંથી ૧૧૧ લક્ષ્યોને પાર પાડનાર આ ભડવીરનું જીવન વિશે બધાએ જાણવું જોઈએ. આ યાદી શા માટે બનાવી એના ઉત્તર આપતા એમણે કહ્યું હતું, “૧૫ વર્ષની ઉંમરે હું મારી મર્યાદાઓથી પરિચિત હતો – મારામાં છુપાયેલી શક્તિઓને કે જે લગભગ બધામાં જ હોય છે – બહાર લાવવા માગતો હતો અને જીવનમાં કશુંક નવું કરવાની ધગશ હતી. મને ઘણી બધી બાબતોમાં રૃચિ હતી – પ્રવાસ, દવાઓ, સંગીત, સાહિત્ય અને કુદરત – હું આ બધું જ માણી લેવા માગતો અને બીજા લોકોને પ્રેરણા પુરી પાડવાની નેમ હતી. એ માટે મારે શું શું કરવાનું છે એની બ્લુ પ્રિન્ટ બનાવી કાઢી, જેથી દરેક વખતે મારે શું કરવાનું છે એ ધ્યેય સામે રહે અને એ માટે હું સતત પ્રયત્ન કરતો રહું. હું જાણતો હતો કે મારી આજુબાજુમાં ઘણા એવા લોકો હતા જેઓ નિષ્ક્રિયતાથી જીવતા હતા, તેઓ કોઈ જોખમ લેવા માગતા ન હતા, ન જ એમને કોઈ પડકાર ઉઠાવવા ગમતા હતા. અને મારે એમના જેવું બનવું ન હતું.”
આ લક્ષ્યો અને સપનાઓને પુરા કરવા માટે જ્હોન માત્ર લિસ્ટ બનાવીને ન રહ્યા પરંતુ ૧૬ વર્ષની ઉંમરે જ પિતા સામે જ્યોર્જીયામાં આવેલ ઓકેફીનોકી અને ફ્લોરીડામાં આવેલ એવરુલડેસને હોડીમાં બેસીને પાર કરી હતી, એની યાદીમાંથી આ પ્રારંભિક બાબતો હતી જે એણે પુરી કરી. એ પછી સ્કૂબા ડાઈવ મારી, ટ્રેકટર ચલાવ્યું, કેરેબીયન, એજીયન અને રાતા સમુદ્રમાં ડૂબકીઓ મારી વીસ વર્ષની ઉંમર સુધી એરફોર્સમાં પાયલટ બની યુરોપમાં ૩૩ મિશન પાર પાડી ચુક્યો હતો.
૨૧ વર્ષની ઉંમરે એ ૨૧ દેશોના પ્રવાસ કરી બાવીસમાં વર્ષે ગ્વાટેમાલાના ગાઢ જંગલોમાં ખંડેર થઈ ગયેલ માયા સંસ્કૃતિના મંદિરને શોધી કાઢયું અને એ જ વર્ષે એના સૌ પ્રથમ ધ્યેય – નાઈલ નદીને પાર કરવા માટેની તૈયારીઓ આરંભી દીધી. નાઈલ નદીને સૌથી ટોચ ઉપર મૂકવાનું કારણ એ હતું કે એ વિશ્વની સૌથી લાંબી નદી હોવા ઉપરાંત ધરતી ઉપર સૌથી વધુ વિવિધતા ધરાવતી ટોપોગ્રાફી (સ્થાનિક ભૂગોળ) ધરાવે છે. આ નદીની આસપાસ ઘણી બધી જાતના પશું પંખીઓ ઉપરાંત વિવિધ જાતિના લોકો વસે છે. ઠીંગણાઓથી લઈ સૌથી ઊંચા વાતુસિસ જાતિના લોકો અહીં જોવા મળે છે. ખાર્તુમ અને કેરોમાં ભણેલા ગણેલા લોકો તો સુદાનમાં ડીન્કા જાતિના અભણ વણઝારાઓ જોવા મળે. ૬૬૭૦ કિમી લાંબી આવી નાઈલ નદીને પાર કરવી અને એનો અભ્યાસ કરવો ખરેખર એક મોટો પડકાર હતો. જ્હોન ગોડાર્ડ બે ફ્રેંસ મિત્રો એન્ડ્રે ડેવી અને જીન લા પોર્ટે સાથે ક્યાક તરીકે ઓળખાતી આગળથી લાંબી અણીદાર ૨૭ કિલોની હોડીમાં બેસીને બુરૃન્ડીના પર્વતો કે જ્યાંથી નાઈલ નદીનો પ્રારંભ થાય છે, આ સફરની શરૃઆત કરી. ત્યારે સરકારી અધિકારીઓએ એમને ચેતવ્યા હતા કે આટલી લાંબી નદીને પાર કરવી મુશ્કેલ જ નહીં અશક્ય છે પરંતુ ગોડાર્ડ અને એના મિત્રોને અધિકારીઓની નકારાત્મકતા રોકી શકે એમ ન હતી. એમણે મુશ્કેલ યાત્રાનો પ્રારંભ કર્યો જેમાં એમને હીપોપોટેમસ, મલેરિયા, રેતીના વાવાઝોડા અને સ્થાનિક લૂટારૃઓની ગોળીઓનો સામનો કરવો પડયો. ભૂમધ્ય સમુદ્રમાં પહોંચી વિજયી યાત્રાને પુરી કરવા માટે એમને દસ મહીના લાગ્યા હતા. આ યાત્રાની ફળશ્રુતિ શું હતી? ગોડાર્ડ જણાવ્યું હતું કે આ યાત્રામાંથી મેં ઘણું બધું શીખ્યું. સફળ થવા માટે થનગનાટ અને ઉલ્લાસ, જીવનને સંપૂર્ણપણે જીવવા માટેનો જોશ કેવો હોવો જોઈએ એ જણાવ્યું. આનાથી બીજા લક્ષ્યોને પૂર્ણ કરવાની પ્રેરણા અને આવેગ મળ્યા. આવનારી મુશ્કેલીઓનો પહેલાથી જ વિચાર કરી જઇને બેસી જઈએ તો ક્યાંય આગળ જ ન વધી શકાય. તેથી દરેક દિવસે અમે નિર્ધારીત કરેલા લક્ષ્યને પૂરૃ કરતા હતા. હું માનું છું કે જીવનમાં પણ આવો હકારાત્મક અભિગમ જ રાખવો જોઈએ. નાની નાની બાબતોમાંથી શીખવું, પ્રવૃત્તિ કરતા રહેવી, દરેક ક્ષણે કશુંક નવું શીખવું, અને શક્ય હોય તો બધા સાથે મિત્રતા અને પ્રેમ કરવું.
લોસ એન્ડેલસ ટાઇમ્સે ગોડાર્ડને ‘ધી રીયલ લાઈફ ઇન્ડિયાના જોન્સ’ ગણાવ્યા હતા અને નાઈલ નદીના એના પ્રવાસને ‘પેઢીના સૌથી વધુ રોમાંચક પ્રવાસ’ તરીકે વર્ણવ્યા હતો. ૪૩૫૦ કિમી લંબાઈ ધરાવતી કોંગો નદીને પાર કરનાર પણ એ પ્રથમ યાત્રી હતા. આ યાત્રામાં એમના ખાસ મિત્ર જેક યોવેલ સાથે હતા. દુર્ભાગ્યે પાણીના ભંવરમાં જેક યોવેલ ડૂબીને મૃત્યુ પામ્યા. ગોડાર્ડ માટે આ એક અસમંજસભરી પરિસ્થિતિ હતી તોય એમણે યાત્રા ચાલુ રાખી એને પુરી કરી. કારણ કે બંનેએ એકબીજાથી વચન લીધું હતું કે કોઈ એક ને કશું પણ થાય તો બીજાએ યાત્રા ચાલુ રાખવી.
જીવ સટોસટની આ યાત્રાઓમાં ગોડાર્ડને ઘણી વખત મૃત્યુનો સામનો કરવો પડયો. સદ્ભાગ્યે બચતા રહ્યા અને મૃત્યુના મુખમાંથી પાછા આવતા રહ્યા. આવે વખતે ગોડાર્ડને જીવન વધારે કિમતી અને મૂલ્યવાન લાગતું. પોતાનો અનુભવ વર્ણવતા એ કહેતા, “લોકો ઘણીવાર દુખ કે તકલીફ ઉઠાવ્યા વિના જ જીવન પસાર કરી નાખે છે. હિંમત, તાકત અને સહનશક્તિ ખોઈ બેસે છે. પરંતુ મે જ્યારે જાણ્યું કે મરવાની અણી ઉપર આપણામાં છુપાયેલી શક્તિઓ બહાર આવે છે અને જોયેલા સ્વપ્નાઓને પૂરા કરવા માટે વધારે જોશ ચઢે છે. જીવનમાં લગભગ બધા જ માણસોના સપના અને લક્ષ્યો હોય છે પરંતુ દરેક જણ એના માટે પ્રવૃત્ત થતો નથી. મારા જીવનની યાદી હું જ્યારે યુવાન હતો ત્યારે બનાવી હતી, જે મારી ઉંમર અને રૃચિ પ્રમાણેની હતી. જો કે આમાં કેટલીક બાબતો એવી છે જે હું કદાચ પૂર્ણ નહીં કરી શકું. દા.ત. એવરેસ્ટ આરોહણ કે ટાર્ઝન ફિલ્મમાં હીરો બનવું. કેટલાક લક્ષ્ય આપણી શક્તિ અને ગમ બહારના હોય છે પરંતુ એનો અર્થ એવો નથી કે આપણે સપનાઓ જોવાનું છોડી દેવું.”
ગોડાર્ડ બનાવેલ ૧૨૭ બાબતોની યાદી અહીં આપી શકાય એમ નથી પરંતુ જે ૧૬ બાબતો ન કરી શકયા એમાં યાંગ્ત્સે, નાઈજર અને ઓરીનોકો નદી પાર ન કરી શકયા, એવરેસ્ટ, એકાઉન્કાગુઆ, મેકકીન્લે અને કૂક પર્વત ઉપર આરોહણ ન કરી શકયા અને ચંદ્ર ઉપર જઈ ન શકયા. આ બાબતોનો સમાવેશ થાય છે.
દક્ષિણ કેલિફોર્નિયા વિશ્વ વિદ્યાલયમાંથી નૃવંશશાસ્ત્ર અને મનોવિજ્ઞાાનની ઉપાધિઓ લેનાર જ્હોન ગોડાર્ડ વિશ્વના ૧૨ ઊંચા પર્વતો ઉપર આરોહણ કર્યું, ૧૪ ભાતીગળ અંતરીયાળ પ્રદેશોમાં પ્રવાસો કર્યા, વિશ્વની ૧૫ લાંબી અને ખતરનાક નદીઓમાં યાત્રા કરી, વિશ્વના ૨૬૦ આદિવાસી જાતિઓનો અભ્યાસ કર્યો અનો પોતાના સાહસિક જીવનમાં ૧૬ લાખ કિમી કરતા વધારેનો પ્રવાસ કર્યો જે ૪૫ વખત સમગ્ર પૃથ્વીના ચક્કર મારવા બરાબર છે.
ગોડાર્ડને એન્સાયકલોપિડીયા બ્રિટાનિકા તરફથી ‘એચીવમેન્ટ ઇન લાઈફ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ વિવિધ એડવેન્ચર કલબના સભ્ય રહ્યા. એમના વિશે ઘણા અખબારો અને સામયિકોમાં લખવામાં આવ્યું હતું. (ગુજરાતીમાં કદાચ આ પહેલી વાર છે?) તેઓ જીવતા હતા ત્યારે ૨૦૦થી વધુ ટીવી ટોક શોમાં આવ્યા હતા. તેઓ પોતાના અનુભવોને વિદ્યાર્થીઓ અને મોટેરાઓને શેર કરતા. તેઓ ફિલ્મો પણ બનાવતા. એમણે ‘એન્ડીઝ ટુ ધ એમેઝોન’, ‘ટર્કી ડીલાઈટ્સ’, ‘ધી એડવેન્ચરસ લાઈફ’ નામની ફિલ્મો બનાવી. એમણે ધી સર્વાઈવર અને ક્યાકસ ડાઉન ધી નાઈલ નામના બે પુસ્તકો પણ લખ્યા. એક પ્રેરણાત્મક, સાહસિક અને જોશભર્યું જીવન જ્હોન ગોડાર્ડ જીવી ગયા અને પાછળ સંતાનો મુકતા ગયા. લગ્ન કરવું અને સંતાનોત્પત્તિ કરવી એ પણ ૧૨૭ બાબતોમાંથી બે બાબતો હતી. *
(મો. ૯૬૨૪૦૪૬૬૭૭)