સર્વ સાધારણ મંતવ્ય એ છે કે વર્તમાન સમયની ત્રણ મુખ્ય સમસ્યાઓની સાચી સમજ અને તેના યથાયોગ્ય ઉકેલ પર માનવતાની દુનિયાની ભલાઈ નિર્ભર છે અને તે સમસ્યાઓ છે ઃ (૧) જ્ઞાન સંબંધી વિસ્ફોટના પરિણામે ભૌતિકવાદનું જોર, (૨) ગરીબી, (૩) મૂલ્યોનું અધઃપતન.
એમાં શંકા નથી કે વૈજ્ઞાનિક વિદ્યાઓના કૂખેથી અસ્તિત્વમાં આવનાર વિવિધ ટેકનોલોજીઓ (માઇક્રો, બાયો, ન્યુક્લિયર ટેકનોલોજી વિગેરે)ના સાથે જ ઇન્ફોર્મેશન ટેકનોલોજીએ દુનિયામાં જ્ઞાન સંબંધે વિસ્ફોટ (Knowledge Explosion) પેદા કરી દીધો છે અને પરંપરાગત શિક્ષણ પ્રણાલીની સાથે ડિસ્ટન્સ અને ઓનલાઈન શિક્ષણ પદ્ધતિએ સમગ્ર વિશ્વમાં સાચે જ એક મૌન (શાંત) શૈક્ષણિક ક્રાન્તિ લાવી દીધી છે, જેના પરિણામે ભૌતિકતા અને રોજગારીની સમૃદ્ધિનો એક નવો યુગ શરૃ થઈ ચૂક્યો છે અને એક અંદાજ પ્રમાણે વિશ્વમાં આજે અનાજનો એટલો બધો વિશાળ ભંડાર તૈયાર છે કે જેનાથી વર્તમાનની સાત અબજની વસ્તીની જગ્યાએ એકવીસ અબજની વસ્તીનું પેટ ભરાઈ શકે છે. અસહ્ય રોગો ઉપર કાબૂ મેળવવા માટેની દવાઓનો એક હિમાલય પર્વત તૈયાર થઈ ચૂક્યો છે. કાપડના વિશાળ ઉત્પાદનથી આ પૃથ્વીના ગોળાને સાત વખત લપેટી શકાય તેમ છે અને સમગ્ર વિશ્વમાં ગગનચૂંબી ઇમારતોનું એક જંગલ ઊભંુ થઈ ચૂકયું છે.
આ આનંદજનક હકીકત હોવા છતાં પણ લગભગ બધા જ સર્વેક્ષણો પરિણામો સાક્ષી આપે છે કે ઉપરોક્ત વિશાળ સંસાધનો હોવા છતાં આજે પણ વિશ્વની અડધી વસ્તી નિરક્ષર પણ છે અને ગરીબ પણ. ગરીબાઈની એ સ્થિતિ છે કે અનાજનો આટલો વિશાળ ભંડાર હોવા છતાં આપણા દેશ સિવાય સમગ્ર વિશ્વમાં ભૂખથી હજારો મોતનો ક્રમ ચાલુ જ છે. દવાઓની આત્યાધિકતા હોવા છતાં ગરીબ દર્દીઓ બિસ્તરો ઉપર એડીઓ રગડી-રગડીને મરણને શરણ થઈ રહ્યા છે અને દરેક ઠેકાણે મોતનું બજાર તેજ છે. કાપડના હિમાલય પર્વતની નીચે ગરીબો ફૂટપાથ પર ઠંડીમાં ઠૂંઠવાઈને ધ્રૂજી-ધ્રૂજીને મરવા માટે લાચાર છે. એવી જ રીતે ઇમારતોના જંગલમાં આ જ મકાનો બનાવનારા શ્રમિકો અને ગરીબો ઝૂંપટપટ્ટીમાં અને ફૂટપાથ પર સૂવા માટે મજબૂર છે.
ગરીબીની આ સ્થિતિ છે કે કેટલાય મજૂરેને સાડા સાતસો રૃપિયા માસિક વેતન મળે છે. તો ઘણા ખરા કોર્પોરેટ નોકરિયાતોને સાડા સાત લાખ રૃપિયા માસિક સામાન્ય વાત છે. અમેરિકાને દુનિયાનો સૌથી વધારે સમૃદ્ધ દેશ માનવામાં આવે છે પરંતુ આશરે ૩૫ કરોડની વસ્તીવાળા આ દેશની ૧૦ ટકા વસ્તી આજે પણ ગરીબી રેખાથી નીચે જીવવા મજબૂર છે અને હજારો ગરીબો આત્મહત્યા કરવા માટે લાચાર થઈ જાય છે. કારણ કે દુનિયાના ૨૦ ટકા અતિ સમૃદ્ધ દેશોના લોકો જિંદગીની તમામ સહૂલતોથી માલા-માલ છે, જ્યારે ૬૦ ટકા લોકોને બે ટંકની રોટી પણ ઉપલબ્ધ નથી થતી. UNDPના એક રિપોર્ટ પ્રમાણે ત્રણ અત્યંત ધનવાન વ્યક્તિઓની સંપત્તિ ૪૮ અત્યંત ગરીબ દેશોની સામૂહિક સંપત્તિના બરાબર છે. થોડા વર્ષો પૂર્વે એકલા બિલ ગેટ્સની સંપત્તિ સમગ્ર ભારત દેશની સંપત્તિથી વધારે હતી. આ ઉપરાંત એક બીજાથી વિરુદ્ધ વૈશ્વિક લૂંટમાર, ભ્રષ્ટાચાર, અને કૌભાંડોની ભરમાર અલગ છે.
તેમ છતાં એક અંદાજ પ્રમાણે આ વૈશ્વિક નિરક્ષરતા અને અજ્ઞાનતા અને તેના પરિણામે ગરીબી અને નૈતિક મૂલ્યોનું અધઃપતન ફકત ૧૦ વર્ષમાં સમાપ્ત કરી શકાય છે. પરંતુ એ શરતે કે દર વર્ષે સાત લાખ ડૉલર સર્વ-સાધારણ શિક્ષણ પર ખર્ચ કરવામાં આવે, જે અમેરિકાના વાર્ષિક સૌંદર્ય પ્રસાધનોના ખર્ચથી અથવા યુરોપની આઇસ્ક્રીમ અને કોલ્ડ્રીંકના વાર્ષિક ખર્ચથી પણ ઓછા છે.
શું હજુ પણ કુઆર્નની આ ચેતવણી પર ચિંતન-મનન કરવાનો સમય નથી આવ્યો? “અલ્લાહ વ્યાજને તમામ બરકતો (વૃદ્ધિ, ઉન્નતિ અને સમૃદ્ધિ)થી વંચિત કરે છે અને દાનને વૃદ્ધિ આપે છે, અને અલ્લાહ કોઈ અપકારી અને દુરાચારી વ્યક્તિને પસંદ કરતો નથી.” (૨ઃ ૨૭૬)
નૈતિક મૂલ્યોના અધઃપતનનું ભયાનક દૃશ્ય જોવું હોય તો આ જ સમૃદ્ધ અમેરિકાનો ક્રાઇમ રિપોર્ટ જણાવે છે કે સમગ્ર દેશમાં વર્ષે એક લાખથી વધારે છોકરીઓ ઉપર બળાત્કાર થાય છે. આના પરિણામે ૨૦ ટકા છોકરીઓ અને ૧૦ ટકા છોકરાઓ જિંદગીમાં એકાદ વખત આત્મહત્યાનો પ્રયાસ જરૃર કરે છે. બી.બી.સી.ના એક રિપોર્ટ પ્રમાણે ફકત એક વર્ષ ૨૦૧૦માં લેટીન અમેરિકાથી અમેરિકાના સંયુક્ત રાષ્ટ્રોના વૈશ્યાગૃહો માટે એક લાખ છોકરાઓ (ઉ. ૧૪ થી ૧૯ વર્ષ)ની દાણાચોરી કરવામાં આવી હતી, જેમાં ફકત ૧૪૧ વ્યક્તિઓ ઉપર મુકદમો ચલાવીને સજાઓ આપવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં માનવ તસ્કરી સજાપાત્ર ગુનો છે તેમ છતાં સમગ્ર વિશ્વમાં આ કામ માટે દલાલોનું એક નેટવર્ક સ્થાપિત થઇ ચૂક્યુ છે. આ વૈશ્વિક નેટવર્કનો વાર્ષિક ૩૨૦૦૦ કરોડ ડોલરનો કારોબાર ચાલે છે. અમેરિકી વિદેશમંત્રીના ઇ.સ. ૨૦૧૨ના વાર્ષિક રિપોર્ટના આધારે દર વર્ષે આઠ લાઠ વ્યક્તિઓની દાણચોરી કરવામાં આવે છે જેમાં પચાસ ટકા બાળકો હોય છે. તેના સિવાય દારૃ, જુગાર, વ્યભિચાર, સમલૈંગિક, રિયલ લાઈફ ફ્રેન્ડશીપ, બળાત્કાર, કોઈ જગ્યાએ નિઃસ્પૃહતા તો કોઈ ઠેકાણે દરેક મામલામાં અવિવેકપણું અને અતિશ્યોક્તિ ઉપરાંત આનંદ પ્રમોદ ખાતર હત્યા, લૂંટમાર, છેતરપીંડી, અપહરણ, લૂંટફાટ, ગેરકાયદે શસ્ત્રોનો વેપાર, આમ અમેરિકામાં યુદ્ધ નફાકારક કારોબાર સમજવામાં આવી રહ્યો છે. એક દૈનિક પત્રના રિપોર્ટ પ્રમાણે મધ્ય પ્રદેશમાં એક વિધવા સ્ત્રીને સાઈઠ હજાર રૃપિયામાં અને એક નવજાત બાળકીને ચાલીસ હજાર રૃપિયામાં વેચી દેવામાં આવ્યા.
જો ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવે તો સ્પષ્ટપણે જણાઈ આવશે કે આ અપરાધો અને ગુનાઓના ઘોડાપુરના જન્મદાતા ૯૫ ટકા આધુનિક શિક્ષણ પ્રાપ્ત કરેલ સ્ત્રી અને પુરુષો છેે. ખેતરમાં કામ કરનાર ખેડૂત અને રિક્ષા ચલાવનાર મજૂરને આવા અપરાધોનું કોઈ ભાન હોતું નથી સિવાય કે ભણેલા લોકો તેમને સંડોવે.
યે ઇલ્મ, યે હિકમત, યે તદબીર, યે હકૂમત
પીતે હૈં લહૂ, દેતે હૈં તાલીમે મસાવાત,
કબ ડૂબેગા સરમાયા પરસ્તીકા સફીના,
દુનિયા હૈ તેરી મુન્તઝિર રોઝે મકાફાત.
(ઇકબાલ)
નૈતિક મૂલ્યોના અધઃપતનની પરાકાષ્ટા તો એ થઈ ગઈ કે શિક્ષિત લોકો ફરીથી અજ્ઞાનતા કાળ અને જંગલીપણાને પણ પાછળ પાડી દીધો છે. એક તરફ દીકરીઓને માની કૂખમાં જ મારી નાખવામાં આવે છે તો બીજી તરફ પારકી સ્ત્રીની કૂખને ભાડે લઈને નિઃસંતાનતાનો ગમ દૂર કરવાનો પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. માનવ અંગોની તસ્કરી માટે અપહરણની રીત શરૃ થઈ ગઈ છે. પુરુષ, પુરુષથી અને સ્ત્રી, સ્ત્રીથી લગ્ન કરી રહ્યાં છે. એવું સ્પષ્ટપણે જણાઈ આવે છે કે આ આધુનિક શિક્ષણ પ્રણાલીએ ત્રણ બુનિયાદી સંબંધોનું નિકંદન કાઢી દીધું છે. (૧) માનવી અને ખુદા વચ્ચેનો સંબંધ, (૨) માનવી અને પ્રકૃતિનો સંબંધ, (૩) માનવી અને માનવી વચ્ચેના નજીકના સંબંધોના અભાવે માનવતા અને સંસ્કારિતા જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે અશાંતિ-બેચેની પેદા કરી દીધી છે. ગ્લોબલ વોર્મિંગ, ઓઝોનનો હોલસ કાર્બન ડાયોકસાઈડના ઝેરમાં દિવસ-રાત થતી વૃદ્ધિ, વાતાવરણનું પ્રદૂષણ, સ્વચ્છ પાણીની સખ્ત તંગી વિગેરે.
આ ત્રણે સંબંધોના બગાડે બીજા ત્રણ માનવ સંબંધોના સંતુલનને બગાડીને રાખી દીધું છે ઃ (૧) પુરુષનો પુરુષથી, (૨) પુરુષનો સ્ત્રીથી અને (૩) વ્યક્તિનો પોતાની જાતથી.
ઢૂંઢને વાલા સિતારોં કી ગુઝર ગાહોં કા,
અપને અફકાર કી દુનિયામેં સફર કર ન સકા.
આ સંબંધોનો બગાડનું કારણ સ્પષ્ટ છે. પશ્ચિમી જગતે જિંદગીની આધ્યાત્મિક (રૃહાની) વિચારધારાની જગ્યાએ ભૌતિક વિચારધારાને પ્રાધાન્ય આપી દીધું છે. જેના પરિણામે માણસને પ્રથમ સામાજિક પ્રાણી સાબિત કરવામાં આવ્યો પછી સંપૂર્ણ પશુ એક કોષ (Organism) અને વ્યક્તિને તેમનો એક cell ઠેરવી દીધો. આ રીતે પશ્ચિમે અઢારમી સદીમાં ધર્મનું મૃત્યુ જાહેર કર્યું તો ઓગણીસમી સદીમાં શિષ્ટાચારના મૃત્યુના સમાચાર આવ્યા અને વીસમી સદીમાં માનવ અને તેની પ્રકૃતિને ગૂડબાય-આવજો કરી દેવામાં આવ્યું.
છેવટે ટી.એસ. ઇલિયટ જેવા શાયર અને વિદ્વાને સ્વિકાર્યું કે “દિવ્ય પ્રકાશ સાધનો સંબંધ કપાઈ જવાની એવી પરંપરા શરૃ થઈ ગઈ છે કે જેની આપણે ક્યારેય સુધારણા કરી શકવાના નથી.” અને રોઝમૂ તો ચિત્કાર કરી ઊઠ્યો કે, “ભય અને પાશવતા સફળ થઈ ગઈ છે અને આપણા પ્રાકૃતિક પશુ સિફત માનસે પોતાના દૃષ્ટિબિંદુને આપણાથી મનાવી લીધા છે.”
શું હજુ પણ અજ્ઞાનતાજનક જ્ઞાનના વાહનને ફરીથી એ શરૃઆતની કુઆર્નની આયતે કરીમા સાથે જોડવાનો સમય નથી આવ્યો? “પઢો (હે પયગંબર !) પોતાના રબ (પ્રભુ)ના નામ સાથે જેણે સર્જન કર્યું, થીજેલા લોહીના એક લોચાથી મનુષ્યનું સર્જન કર્યું. પઢો, અને તમારો રબ અત્યંત ઉદાર છે જેણે કલમ વડે જ્ઞાન શીખવાડ્યું, મનુષ્યને તે જ્ઞાન આપ્યું જેને તે જાણતો ન હતો.” (૯૬ઃ ૧-૫)
તાખીર કા મોકા ન તઝબઝૂબ કા અમલ હૈ,
યે વકતે અમલ, વકતે અમલ, વકતે અમલ હૈ.
—- પ્રોફેસર અહમદ સજ્જાદ