પનામા પપેર લીક થયાના ૧૮ મહિના બાદ એક અન્ય નાણાકીય ગોટાળાની મોટી ઘટના બહાર આવી છે. આ દસ્તાવેજ જર્મન અખબાર પાસે છે. તેની પાસે સંશોધનાત્મક પત્રકારત્વની એક આંતરરાષ્ટ્રીય સંસ્થા ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટીગેશન પત્રકારત્વ જગતની ૯૬ સમાચાર સંસ્થાઓ સાથે મળીને કરી છે. આ તપાસમાં ‘બીબીસી’ સહિત ભારતનું અગ્રગણ્ય અંગ્રેજી દૈનિક ‘ઇન્ડિયન એકસપ્રેસ’ પણ સામેલ છે. આને જ પેરેડાઈઝ પેપર્સ નામ આપવામાં આપવામાં આવ્યું છે. આમાં ૧ કરોડ ૩૪ લાખ દસ્તાવેજો લીક થયા છે. આ યાદીમાં ૭૧૪ ભારતીયોના નામ પણ સામેલ છે. આમાં ફિલ્મ કલકાર અમિતાભ બચ્ચન, કેન્દ્રીય મંત્રી જયંતસિંહા, ભાજપના સાંસદ રવિન્દ્ર કિશોર સિંહા, નીરા રાડિયા, સંજય દત્તની પત્ની માન્યતા સહિત અનેક નામો સામેલ હોવાની વાત સામે આવી રહી છે. ઇન્ડિયન એકસપ્રેસના જણાવ્યા મુજબ જયંત સિંહાએ ઈ.સ.ર૦૧૪ની લોકસભાની ચૂંટણીઓમાં રજૂ કરેલ પોતાના સોગંદનામામાં તેની માહીતી આપી ન હતી અને મંત્રી બન્યા બાદ પણ લોકસભા સેક્રેટ્રિયેટને પણ આની કોઈ માહિતી આપી ન હતી.
‘સેબી’એ કહ્યું છે કે આ કર ચોરીનો મામલો છે અને આની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. અહેવાલમાં એવી નકલી કંપનીઓ વિશે પણ જણાવાયું છે કે જે દુનિયાભરમાં ધનાઢયોના પૈસા બીજા દેશોમાં મોકલવામાં તેમને મદદરૃપ થાય છે. એક પ્રશ્નના આ મગજનમાં ઉદભવે છે કે આ સમગ્ર મામલો જાહેર કેવી રીતે થયો ? બર્મૂડાની એક કંપની ‘લા/ આપલીબી’ અને સિંગાપુરની એક કંપની ‘એશિયા સિટી’ સહિત વિશ્વના ૧૯ દેશોમાં વેરો બચાવવા માટે કરવામાં આવેલ મૂડીરોકાણની તપાસ કરવામાં આવી. જેમાં જાણીતી હસ્તીઓએ મૂડીરોકાણ કર્યું હતું. જે દેશોના લોકોએ મૂડીરોકાણ કર્યું હતું તેમાં ૧૮૦ દેશોના મૂડીરોકાણકારોના નામ સામેલ છે. ૧૧૯ વર્ષ જૂની બર્મૂડાની આ કંપની વકીલો, એકાઉન્ટન્ટ્સ અને બેન્કિંગના લોકોના એક નેટવર્ક પર આધારિત છે. આમાં એ લોકો પણ સામેલ છે કે જેઓ પોતાના ગ્રાહકોને આ રીતે મદદ કરતા હતા કે તેઓ વિદેશમાં ભૂતિયા કંપનીઓ બનાવી ટેક્ષ બચાવતા હતા. ભાજપના આર.કે.સિંહાનું પણ આમાં નામ આવ્યું છે. અમેરિકી અધિકારીઓ કે મંત્રીઓના નામ પણ આ પેપર્સમાં સામેલ છે. હાલમાં તેમની સંખ્યા ૧૩ બતાવાય છે.
પેરેડાઈઝ પેપર્સ લીક થયા બાદ એકવાર ફરીથી આ વાત પુરવાર થઈ ગઈ છે કે કાળા નાણાંની રોકથામ સરળ નથી. આના મૂળિયાં ખૂબ ઊંડા છે અને તે સંસદ સુધી પહોંચેલ છે. ફરી આ વાત ચર્ચાઈ રહી છે કે જે લોકોના નામ પેરેડાઈઝ પેપર્સમાં આવ્યા તેમની વિરુદ્ધ મોદી સરકાર શું કાર્યવાહી કરે છે.