આ કહેવામાં સ્હેજ સંકોચ અનુભવાય છે, પરંતુ સત્યને જૂઠાડી પણ શકાય નહીં. આજે આપણા દેશને આઝાદ થયેલ ૭૦ વર્ષ થવા જઈ રહ્યા છે જે એક ભારતીય નાગરિકની સરેરાશ વય જેટલી થઈ રહી છે. અર્થાત્ તે ઘરડી થઈ ગઈ હોય એમ હવે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આટલું જ નહીં આની કાર્યશૈલી અને ઉપલબ્ધી પણ એક સામાન્ય ભારતીય નાગરિક જેવી જણાઈ રહી છે. આ વર્ષના આઝાદી દિવસ અર્થાત્ ૧પમી ઓગસ્ટના પ્રસંગે જો આઝાદીના આટલા વર્ષોના જો લેખા-જોખા કરીએ તો એ સ્પષ્ટપણે દેખાઈ આવશે કે જે હેતુસર આઝાદી મેળવવવામાં આવી હતી તે પૂરેપૂરી રીતે આપણે મળવી શકયા નહીં. આપણે શારીરિક રીતે તો આઝાદી મેળવી લીધી એમ કહી શકીએ પરંતુ માનસીક રીતે આજે પણ આપણે એ વિદેશીઓની ગુલામીની જંજીરોમાં જકડાયેલા છીએ, એમાંથી મુકત થઈ શકયા નથી. પછી વાત શાસન-પ્રણાલી હોય કે શિક્ષણ પ્રણાલીની, સભ્યતાની હોય કે સંસ્કૃતિની, રહેણી-કરણી કે સામાજિક માળખાની હોય કે પછી નૈતિક મૂલ્યોની, પોલીસ તંત્રની હોય કે કાયદા-કાનૂનની. આજે ૭૦ વર્ષ જેટલા લાંબાગાળા પછી પણ એ જૂની ગુલામીમાંથી મુકત થઈશકયા નથી. પરિણામે માથા ગણાવાના લીધે ‘જિસ્કી લાઠી ઉસ્કી ભેંસ’ કે ‘ટોળાશાહી’ જેવી શાસન-પ્રણાલી ચાલી રહી છે અને તેના પરિણામે સરકારો કમજોર કે અસ્થિર જ રહેતી આવી છે. એ જ જૂની શિક્ષણ-પ્રણાલીના પરિણામે નૈતિકવાદ પેઢી તૈયાર થવાના બદલે પશ્ચિમી અને ભૌતિકવાદી માનસિકતા ધરાવતું યુવાધન દેશ અને સમાજને શાળા-કોલેજો અને યુનિવર્સિટીઓમાંથી મળે છે. જેઓ દેશના ઘડવૈયા કે નિર્માતા બનવા જોઈતા હતા તે આજે એવા નૈતિક અધઃપતનના આરે પહોંચી ચૂકયા છે કે કોણ જાણે તે દેશ કયાં પહોંચાડશે.
દેશમાં ભ્રષ્ટાચારના પરિણામે કાયદા-કાનૂન બિનઅસરકારક બનીને રહી ગયા છે. જે નાના-નાના અપરાધ બદલ અન્ય દેશોમાં ત્યાં વડાપ્રધાન જેવા હોદ્દાઓ પર બિરાજમાન લોકોને ન્યાયતંત્ર હોદ્દો છોડવા મજબૂર કરે છે એ જ બલ્કે એનાથી પણ મોટા મોટા અપરાધ બદલ આપણા દેશમાં વડાપ્રધાન તો શું મંત્રીઓ અને તેમના બાળકો કે સંબંધિતો વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી જ થતી નથી અને જો કયારેક કંઈ કરવાની મજબૂરી આવી પડે તો પણ તેઓ સહેલાઈથી છૂટીજાય છે. જો અહીં આવા બનાવો કે ઉદાહરણો રજૂ કરવા બેસીઓ તો એની યાદી એટલી લાંબી હશે કે એ રજૂ કરવી શકય નહીં બને. તાજેતરના જ બનાવો એના ઉદાહરણ માટે પૂરતા ગણાશે.
આમાં શંકા નથી કે કેટલાક ક્ષેત્રે પ્રગતિ કે વિકાસના આંકડા રજૂ કરી શકાય પરંતુ એના ફળો કોણ ખાઈ રહ્યા છે એ પણ સર્વ-વિદિત છે. સૌ જાણે છે કે આ વિકાસના પરિણામો ગરીબ વધુ ગરીબ થતા ગયા અને ધનિકો વધુ ધનિક બનતા ગયા છે. આઝાદી કે વિકાસના ફળો ગરીબ કે આમ-ભારતીય નાગરિકો ચાખી પણ શકયા નથી. દેશમાં ગરીબી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, નૈતિક મૂલ્યોનું અધઃપતન, કોમવાદ, જાતિવાદ અને હવે ટોળા-હિસા જેવા અપરાધો પોતાની ચરમસીમાએ પહોંચી રહ્યા છે. જે સમાજવાદના નામે આઝાદી મેળવી હતી આજે તેનું સ્થાન મૂડીવાદ લેતું જઈ રહ્યું છે. આમાં આપણે બસ એટલું જ કહીશું કે શું સાચા અર્થમા આપણે આઝાદ થયા છીએ ખરા ?/